Reincarnationism-એક વૈશ્વિક સિદ્ધાંતનો ઉઘાડ
Reincarnationism શું છે?આજકાલનાં મોટાભાગના લોકોને તે સમજવાનો સમય નથી, કોઈકને સમય છે તો તે સમજવાની શક્તિ અને જિજ્ઞાસા નથી, કે તે સમજવાની પરવાહ પણ નથી. એવાય કેટલાય લોકો પાસે માત્ર એક જ વ્યવસાય છે : ગરમ અને તીખું લાગે તે રીતે, આંચકો અને ઝાટકો વાગે તેટલી હદે હિન્દુ ધર્મનું ખંડન કર્યે રાખવું. હિન્દુ ધર્મ અને તેની પરંપરાઓને સમજ્યા વિના વખોડ્યા કરવાથી ધર્મને અળખામણો સિદ્ધ કરવાનું પરિણામ મળતું હોય તો એમ કરવામાં એ લોકોને કોઈની શ્રદ્ધા કે લાગણીઓની પરવાહ નથી.
સિદ્ધાંતોમાં પાતાળનું ઊંડાણ
હિન્દુ ધર્મનાં મૂળ એમ જલ્દીથી ખોદીને ઊખેડી શકાય તેટલાં છીછરાં નથી. કારણ કે તેના સિદ્ધાંતોમાં પાતાળનું ઊંડાણ છે. ઓછાંમાં ઓછાં 10,000 કરતાંય વધુ વર્ષોથી ચાલી આવતી આ ધર્મ પરંપરાના પાયાના સિદ્ધાંતો, સમસ્ત માનવજાત માટે છે. કોઈપણ વર્ગના, કોઈપણ પ્રદેશના માણસને શાંતિ આપે તેવા છે. એવા સિદ્ધાંતોમાં પુનર્જન્મ અને કર્મવાદનું મહત્ત્વ અનન્ય છે.
હિન્દુસ્તાનમાં જન્મેલી ધાર્મિક પરંપરાઓ સિવાયની પશ્ચિમી પરંપરાઓમાં પુનર્જન્મ અને કર્મવાદને માનવામાં આવતાં નથી. આમ છતાં, હવે પશ્ચિમમાં પવન બદલાયો છે. યુદ્ધ વિના દિવસે ને દિવસે Reincarnationism અને કર્મવાદનો આ સિદ્ધાંત સ્વતઃ સ્વીકૃત બનતો જાય છે.
વિખ્યાત અમેરિકન સામયિક ‘ન્યૂઝવીક’નો 28 જાન્યુઆરી, 2008નો અંક રોજિંદી ઘટનાઓની સામાન્ય માહિતી વચ્ચે એક અસામાન્ય બાબત લઈને આવ્યો હતો.
પુનર્જન્મવાદ(Reincarnationism)-પશ્ચિમમાં
વાત એમ છે કે હોલિવૂડના ખૂબ જાણીતા અભિનેતા ટોમક્રુઝની જીવનકથાના વિખ્યાત ચરિત્રલેખક એન્ડ્રુ મોર્ટન એ પુસ્તકમાં લખે છે : ‘કેટલાક સાયન્ટોલોજિસ્ટ માને છે કે સાયન્ટોલોજીના પિતામહ ગણાતા એલ. ટોન હબર્ડનો પુનર્જન્મ થયો છે - ટોમ ક્રુઝની પુત્રી તરીકે, જેનું નામ છે સુરી !’
મોર્ટનના Reincarnationismના આ વિધાને અમેરિકામાં ખળભળાટ મચાવી દીધો. ખળભળાટના આ સમાચાર આપીને ‘ન્યૂઝવીક’ નોંધે છે : ‘પુનર્જન્મનો સિદ્ધાંત અમેરિકાના મુખ્ય ધર્મપ્રવાહને વિચિત્ર લાગી શકે છે. કારણ કે જીવ પુનઃ નવા નવા શરીરમાં પૃથ્વી પર જન્મ લેતો હોય તો, આખરી જજમેન્ટ(કયામત)ના દિવસે આટલા બધા જન્મોમાંથી કયા જન્મના શરીર દ્વારા તેણે કબરમાંથી ઊભા થવાનું ? અને બાકીનાં શરીરોનું તે દિવસે શું થાય ?’
આવા ‘લોજિસ્ટિકલ’ પ્રશ્નનો નિર્દેશ કરીને ‘ન્યૂઝવીક’ કહે છે : સુરીના પુનર્જન્મના સમાચાર માટે સાયન્ટોલોજિસ્ટો ભલે ગમે તે માને, પરંતુ 80 કરોડ હિંદુઓની આ પ્રાચીન માન્યતા અમેરિકાના મુખ્ય પ્રવાહમાં ખૂબ ઝડપથી સ્વીકારાઈ રહી છે. હોલિવૂડની જાણીતી હસ્તીઓએ પણ જાહેર કર્યું કે, તે પુનર્જન્મમાં માને છે. ‘હેરિસ પોલ’ સર્વેક્ષણ મુજબ અમેરિકામાં 25થી 29 વર્ષની ઉંમરના 40% લોકો પુનર્જન્મમાં માને છે, એમ કે મૃત્યુ પછી તેઓ ફરીથી પૃથ્વી પર કોઈ જુદા દેહમાં જન્મ લેશે તેવો તેમને વિશ્વાસ છે !
એક મઘમઘતા પુષ્પ જેવા હિન્દુ સિદ્ધાંતો
પુષ્પની સુગંધ સૌ કોઈ માટે છે. સુગંધને જે માણે તે સુગંધનો માલિક છે.
બસ એમ જ, એક મઘમઘતા પુષ્પ જેવા હિન્દુ સિદ્ધાંતો છે. હિન્દુ પરિવારોમાં જન્મેલા કે ન જન્મેલા સૌ કોઈ તેને સહજતાથી માણે છે. આ સુગંધનો પરિચય આપવા યુદ્ધ કરવું નથી પડતું કે આ સુગંધને માણવા ધર્મપરિવર્તન કરવું નથી પડતું.
એક વૈશ્વિક પ્રભાવ ધરાવતો સિદ્ધાંત છે, પુનર્જન્મવાદ (Reincarnationism)
પશ્ચિમના તર્કશીલ અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા કંઈક લોકો તેનાથી ખૂબ પ્રભાવિત છે. અમેરિકાના જગવિખ્યાત અને પ્રમાણભૂત ગણાતા ‘હેરિસ પોલ’ અને ‘ગેલપ પોલ’નાં સર્વેક્ષણો તેની ખાતરી આપે છે. ગેલપ પોલનું સર્વેક્ષણ કહે છે : અમેરિકામાં 72 મિલિયન લોકો અમેરિકનો પુનર્જન્મવાદમાં માને છે ! સારાંશ તે છે કે 25% જેટલા અમેરિકનો હિન્દુ વિચારધારાને અનુસરે છે ! સર્વેક્ષણો કહે છે કે, આ આંક દિન-પ્રતિદિન વધતો રહે છે. તે શું સૂચવે છે ? ધર્મપરિવર્તનનો ઝંડો ઉપાડ્યા વિના જ હિન્દુ વિચારધારાએ લોકોને પ્રભાવિત કર્યા છે, એ હિન્દુ વિચારધારાની કેટલી પ્રબળતા સૂચવે છે ! જો કે આનાથી કેટલાક લોકો ચોંકી ઊઠ્યા છે.
ઇંગ્લેન્ડની નેશનલ ફૂટબોલ ટીમના પ્રશસ્ત ખેલાડી અને મેનેજર ગ્લેન હોડલે લંડનના ‘ધ ટાઇમ્સ’ને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘જે બાળકો હાથપગ વિનાના જન્મે છે અને મંદબુદ્ધિના છે તે એમના પૂર્વ જન્મનાં પાપ બદલ શિક્ષા ભોગવી રહ્યા છે.’ હોડલના આ વિધાને હોબાળો મચાવી દીધો. પૂર્વજન્મમાં નહીં માનનારો રૂઢિચુસ્ત વર્ગ મેદાનમાં ઊતરી પડ્યો. અને વડાપ્રધાનથી માંડીને ધર્મગુરુઓ સુધીના દબાણોને કારણે હોડલે રાજીનામું આપવું પડ્યું, પરંતુ હોડલે પોતાના વિધાનમાંથી પીછે હઠ કરી નહીં.
આવા વિવાદો વચ્ચે પુનર્જન્મનો ‘Reincarnationism’ શબ્દ હવે લોકજીભે ચઢવા માંડ્યો છે. થોડાં વર્ષો પહેલાં વિશ્વવિખ્યાત જગુઆર મોટરકાર બ્રિટિશ બિઝનેસની શાન બનીને ચમકતી હતી તે સમયે તેણે ત્રણ લાખ પાઉન્ડની એક જગુઆરની જાહેરાત આ શબ્દોમાં આપી હતી : ‘જગુઆર ગાડીનો પુનર્જન્મ !’
આકર્ષક થીમ તરીકે પુનર્જન્મ
અમેરિકા, ઇંગ્લેન્ડ અને યુરોપની કેટલીય ફિલ્મોમાં હવે આકર્ષક થીમ તરીકે પુનર્જન્મ(Reincarnationism)નો સારી પેઠે ઉપયોગ કરાઈ રહ્યો છે. માત્ર આમજનતા નહીં, સંખ્યાબંધ સંશોધનો સાથે વિજ્ઞાનીઓનું જૂથ પણ પુનર્જન્મવાદ પર શ્રદ્ધાથી લાગી ગયું છે. મજાની વાત તે છે કે, અમેરિકામાં ‘Past Lives Therapy’ના જુદાં જુદાં શીર્ષકો સાથે, પૂર્વજન્મની વિગતોના આધારે આ જન્મની સમસ્યાઓ દૂર કરતી ક્લિનિકો પણ ખૂલવા લાગી છે ! પૂર્વજન્મની ખરાબ અસરો આ જન્મ પર હોઈ શકે છે - એમ માનનારો વર્ગ નાનો નથી.
સૌજન્ય: સાધુ અક્ષરવત્સલદાસ(BAPS)