ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કુછ તો લોગ કહેંગે

જીવન માત્ર કંઈ કમાવા માટે નથી કે માત્ર કામનાઓ પૂર્ણ કરવા માટે નથી ‘Life is not about earning or yearning, but more about learning.’ એટલે કે ‘જીવન માત્ર કંઈ કમાવા માટે નથી કે માત્ર કામનાઓ પૂર્ણ કરવા માટે નથી, પરંતુ...
02:00 PM Oct 24, 2023 IST | Kanu Jani
જીવન માત્ર કંઈ કમાવા માટે નથી કે માત્ર કામનાઓ પૂર્ણ કરવા માટે નથી
‘Life is not about earning or yearning, but more about learning.’ એટલે કે ‘જીવન માત્ર કંઈ કમાવા માટે નથી કે માત્ર કામનાઓ પૂર્ણ કરવા માટે નથી, પરંતુ કંઈક પામવા માટે, કંઈક શીખવા માટે છે.’
ચાઇનીઝ સંસ્કૃતિમાં વાત આવે છે. એક ચક્રવર્તી સમ્રાટ હતા. તેમને ત્રણ દીકરા હતા. તેના મનમાં દ્વિધા થઈ કે મારા પછી આ રાજ્ય-સામ્રાજ્ય કોણ સંભાળશે? એક દિવસ નક્કી કરીને ત્રણેય દીકરાઓને બોલાવ્યા. ત્રણેયને એક નાનકડી પેટી આપી. એ નકશીકામવાળી હતી. ત્રણેયને બોલાવીને કહ્યું કે ‘હું તમને ત્રણેયને ૧૦ વર્ષ માટે ત્રણ નાની પેટી આપી રહ્યો છું. હું બહારગામ જઉં છું માટે તમે તમારી પેટી ૧૦ વર્ષ માટે સાચવજો અને ૧૦ વર્ષ પછી મને તે પરત આપજો.’
૧૦ વર્ષ પછી તે પરત આવે છે.
સમ્રાટ પરત આવ્યા અને મોટા દીકરાને પૂછ્યું, ‘બેટા! મેં તને પેટી આપી હતી, તે ક્યાં છે?’
મોટા દીકરાએ જવાબ આપ્યો, ‘પિતાજી! તેને મેં મારા હૃદયની જેમ સાચવી છે. તેને એક વિશેષ કક્ષમાં ચારે બાજુ સૈનિકોથી સુરક્ષિત રાખી છે.’
સમ્રાટે તે પેટીને ખોલી, ૧૦ વર્ષ પછી જે બિયારણ આપ્યાં હતાં, તે એમને એમ પરત આપ્યાં. એટલે કે જે હતું તેને સાચવ્યું. જતન કર્યું! જેમ છે એમ રાખ્યું.
બીજા દીકરાને પણ એ જ પ્રશ્ન કર્યો ત્યારે બીજા દીકરાએ જણાવ્યું, ‘તમે મને જે પેટી આપી હતી, તે મેં ખોલી અને જોયું તો તેમાં બિયારણ હતાં. એટલે તે ૧૦ વર્ષ સુધી સચવાઈ રહે તે માટે તેને હું દર વર્ષે બદલતો ગયો અને અત્યારે તમારી પાસે જે બિયારણ દેખાય છે, તે એકદમ નવાં છે અને ઉપયોગમાં આવી શકે, તેવાં છે.’ એટલે કે તેણે જૂનાનું નવું કર્યું. પરિવર્તન કર્યું!
ત્રીજા દીકરાને પણ એ જ પ્રશ્ન કર્યો ત્યારે ત્રીજા દીકરાએ જણાવ્યું, ‘તમે જે નાનકડી પેટી આપી હતી, તેમાંથી સામે જે વન દેખાય છે, તેને તમે જુઓ. જે બિયારણ આપ્યાં હતાં, તેનું રોપણ કર્યું, તેમાંથી એક મોટું જંગલ ઊભું થઈ ગયું છે.’ એટલે કે ત્રીજા દીકરાએ આ પેટીનું સંવર્ધન કર્યું! સમ્રાટે રાજી થઈને ત્રીજા દીકરાને સમગ્ર રાજ્ય સોંપી દીધું.
ભલે સંવર્ધન કરવું એ શ્રેષ્ઠ છે, પણ જીવનમાં અમુક બાબતનું જતન કરવું પડે, અમુક પરિવર્તન લાવવું પડે અને અમુકનું સંવર્ધન કરવું પડે. આ પ્રસંગ એ જ બધાને શીખવે છે કે લાગણીઓનું સતત જતન કરો. માતા-પિતા, વડીલો, મિત્રો, અને સંતો સાથેના સંબંધોને સાચવજો, તેનું જતન કરજો.  તેમાં લેશમાત્ર ફેરફાર ન થવા દેતા. જ્યારે બીજા દીકરાની જેમ તમારી પાસે જે જ્ઞાન છે, તેનું સમય સાથે પરિવર્તન કરજો. અપગ્રેડ કરજો અને એ જ જૂનાનું નવું કરજો. જે લોકો જ્ઞાનનું પરિવર્તન સમયની સાથે ન કરે, તે ‘Out-of-date’ થઈ જાય છે. એટલે કે જ્ઞાનનું પરિવર્તન કરો. સમયની સાથે તમારી જાતને Up-to-date રાખો. જ્યારે ત્રીજા દીકરાએ જે રીતે બિયારણનું સંવર્ધન કર્યું અને નાની પેટીમાંથી જંગલનો વિશાળ પ્રદેશ ખડો કર્યો એ જ રીતે આપણે પણ સંસ્કારોનું સંવર્ધન કરી, સુખ-શાંતિની સૃષ્ટિનું સર્જન કરવું પડશે.
સિદ્ધાંતોનું પાલન 
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં જોઈએ તો સ્વામીશ્રીએ ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા સનાતન સિદ્ધાંતોનું જતન કરી, તેમાં લેશમાત્ર ફેરફાર કર્યા વગર, સતત પરિવર્તનશીલ સમાજને ધ્યાનમાં રાખી, ધર્મને ગતિશીલ બનાવી, માનવમૂલ્યોનાં બી કેવળ હિંદુ ધર્મમાં કે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની માનવજાતમાં ખૂણે-ખૂણે વાવી દીધા છે.
જીવનમાં આપણે કંઈક શીખવું હોય તો પ્રથમ બહેરા બનવું પડે. Be Deaf. આ માટે પૂર્વ રાષ્ટ્રપતિ અને સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક એવા ડૉ. કલામ એક દૃષ્ટાંત આપતા કે તમારે બહેરા બનવું પડે
આ દુનિયાનો કોલાહલ સાંભળવાનો બંધ કરશો તો તમારે જ્યાં જવું છે ત્યાં તમે પહોંચી શકશો.
ભગવાન અને સંતની સભામાં બેઠા હો ત્યારે દુન્યવી વાતો સાંભળવાનું બંધ કરી દો અને મનથી તમે તૈયાર થઈ જાવ. દુનિયાની અંદર સવળી વાત કરનારા ખૂબ જ જૂજ મળશે. સાચી પ્રેરણા આપનારા ઝાઝા નથી. જો તમે બહારની દુનિયાનો કોલાહલ સાંભળવાનો બંધ કરશો તો અંતરનો એક અવાજ સંભળાશે. ભગવાન અને સંતનો અવાજ સંભળાશે અને તમારે જ્યાં જવું હશે ત્યાં તમને પહોંચવાની પ્રેરણા મળશે.
-સાધુ બ્રહ્મવિહારીદાસ (BAPSના વરિષ્ઠ સંત)
Tags :
Lifeપરિવર્તનસ્વામીનારાયણ
Next Article
Home Shorts Stories Videos