Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સંસદીય- બિનસંસદીય અને ગરિમા, ગૌરવ અને ભવ્યતા

ભારતની કરોડોની જનતા એક નેતાને ચૂંટીને વિધાનસભા કે સંસદસભા સુધી પહોંચાડે છે. રાજકારણીઓની ગરિમાના એક સમયે દાખલા અપાતા હતા. અત્યારના રાજકારણની વાત આવે ત્યારે કોણ કોના કપડાં કેટલા ઉતારે છે એની જાણે રેસ લાગી હોય એમ લાગે છે. વિવાદ અને રાજકારણ જાણે એક સિક્કાની બે બાજુ બની ગયા છે. સંસદભવનમાં કોઈ વિવાદ થાય ત્યારે ભાષા પરનો કાબુ જાણે સાંસદો ભુલી જતા હોય એવું વર્તન થાય છે. આજે  બિનસંસદીય શબà
11:17 AM Jul 14, 2022 IST | Vipul Pandya
ભારતની કરોડોની જનતા એક નેતાને ચૂંટીને વિધાનસભા કે સંસદસભા સુધી પહોંચાડે છે. રાજકારણીઓની ગરિમાના એક સમયે દાખલા અપાતા હતા. અત્યારના રાજકારણની વાત આવે ત્યારે કોણ કોના કપડાં કેટલા ઉતારે છે એની જાણે રેસ લાગી હોય એમ લાગે છે. વિવાદ અને રાજકારણ જાણે એક સિક્કાની બે બાજુ બની ગયા છે. સંસદભવનમાં કોઈ વિવાદ થાય ત્યારે ભાષા પરનો કાબુ જાણે સાંસદો ભુલી જતા હોય એવું વર્તન થાય છે. આજે  બિનસંસદીય શબ્દોની યાદી બહાર આવી ત્યારે સંસદના અને સંસદસભ્યોના ગ્રેસ વિશે થોડીક વાતો કરીએ. વિશ્વની સૌથી મોટી લોકશાહી આખી દુનિયા માટે જોણું બની જાય એ હદે સંસદીય ગરિમાના લીરેલીરાં ઉડતાં આપણે જોયા છે. કોણ કોનો ટાંટિયો ખેંચીને કેટલા જોશ સાથે પછાડી શકે એવી તાકાત ધરાવે છે એની જાણે હોડ લાગી હોય એ આપણે સંસદના લાઈવ ટેલિકાસ્ટમાં જોઈએ છીએ.  
સંસદભવનના બંને ગૃહોનું લાઈવ ટેલિકાસ્ટ થયું એ પછી કદાચ થોડીકેય હાલત સુધરી હોય એમ ક્યારેક થઈ આવે. અગાઉ સૂતેલા સાંસદો કે એકબીજાંની સાથે વાતો કરતા સાંસદો, કામગીરી ચાલતી હોય તો પણ ધ્યાન ન હોય એવા સાંસદો નજરે ચડતા. હવે લોકો બધું જ જુએ છે અને પોતાનો મત જેને આપ્યો હોય એ વ્યક્તિ સંસદમાં શું કરે છે એની નોંધ લે છે. આઝાદીના સમયથી માંડીને ભારતીય પ્રજાએ સંસદસભ્યોના અનેક સ્વરુપો જોયા છે.  
આગામી દિવસોમાં સંસદનું સત્ર મળવાનું છે. દર વખતે સંસદનું સત્ર મળે એ અગાઉ દેશમાં શાસન હોય એ દળ સર્વ દળીય બેઠક બોલાવે અને સંસદની ગરિમા જળવાય એવી વાતો થાય. સંસદમાં કાર્યવાહી ચાલતી હોય ત્યારે એક મિનિટનો ખર્ચ અઢી લાખ રુપિયાથી વધુ થાય છે. આપણે આ આંકડાઓ વાંચીએ છીએ. ખરેખર જ્યારે બંને ગૃહમાં કાર્યવાહી ચાલતી હોય ત્યારે આપણું લોહી ઉકળી ઉઠે છે કે, આમાં જનતાના સવાલો ક્યાં સ્થાન ધરાવે છે?  
સંસદની ગરિમા જળવાઈ રહે એ માટે કેટલાક બિનસંસદીય શબ્દોની યાદી બહાર આવી. આ યાદી થોડીવારમાં તો દરેકેદરેક મોબાઈલ ફોનમાં પહોંચી ગઈ. દેશના 18 વર્ષથી ઉપરની વયના મતદારે કોઈ વ્યક્તિને ચૂંટીને જવાબદારી સાથે મોકલ્યા છે એ લોકો એની જીભ ઉપર કાબુ નથી રાખી શકતા ત્યારે આ યાદી બહાર પાડવી પડે છેને!  
લોકશાહીનું મંદિર ગણાતી સંસદસભામાં ગરિમા, ભવ્યતા, આદર, ગૌરવ આ પ્રકારના વર્તન તો જાણે હવે ભૂતકાળ બની ગયા હોય એવું લાગે છે. આજે જે યાદી બહાર પડી એ તો બધાને ખબર છે પણ આપણી સંસદે કેવી કેવી ગરિમાના ઉદાહરણો પૂરા પાડ્યા છે એની નોંધ પણ લેવી પડે.  
1962ની સાલમાં ભારત ચીન વચ્ચે યુદ્ધ થયેલું અને ચીને ભારતની કેટલીક જમીન ઉપર કબજો કરી લીધો હતો. સંસદમાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને પૂછવામાં આવ્યું કે, ચીને આપણી જમીન ઉપર કબજો જમાવી દીધો છે એ ભારત ક્યારે પાછો મેળવશે? ત્યારે પંડિતજીએ જવાબ આપેલો કે, એ જમીન ઉપર ઘાસનું તણખલું પણ નથી ઉગતું.... આ જવાબ સાંભળીને કોંગ્રેસના સાંસદ મહાવીર ત્યાગી બહુ ગુસ્સે થઈ ગયેલા. એમણે પોતાના માથા પરથી ટોપી ટેબલ પર ઘા કરી અને નહેરુને કહ્યું કે, આ મારા માથા પર એક વાળ નથી ઉગતો તો શું તમે મારું માથું દુશ્મને ધરી દેશો?  એ દિવસો એવા હતા કે, નહેરુની સામે બોલવા માટે પણ કોઈ હિંમત ન કરતું. જો કે, મહાવીર ત્યાગી અને નહેરુજી વચ્ચેના સંબંધ એવા હતા કે, નહેરુને જો કોઈ કંઈ બોલી શકે તો એ મહાવીર ત્યાગી જ હતા. નહેરુના મંત્રીમંડળમાં રક્ષામંત્રી કૃષ્ણમેનન સામે આક્ષેપો બહુ થતાં ત્યારે પણ મહાવીર ત્યાગીએ દેવાધિદેવ ઈન્દ્ર અને તક્ષકની વાર્તા સંભળાવી હતી. રક્ષામંત્રીના રાજીનામાની માગ ઉઠી ત્યારે મહાવીર ત્યાગીએ કહ્યું કે, નાગયજ્ઞ ચાલતો હતો બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરતા હતા પણ તક્ષકને ઈન્દ્રનું શરણ મળ્યું હોવાથી એની આહુતિ નહોતી થતી. બ્રાહ્મણોએ જ્યારે તક્ષકાય ઈંદ્રાય સ્વાહા એમ કહ્યું ત્યારે ઈન્દ્રના સિંહાસનની સાથે તક્ષકને પણ યજ્ઞની વેદી તરફ આવવું પડ્યું હતું. નહેરુ તમે ભારતની પ્રજાને ઓછી ન આંકશો એ પણ મંત્ર બોલીને તમારી સત્તા પણ સ્વાહા કરી દેશે. અંતે કૃષ્ણમેનને રાજીનામું આપવું પડ્યું.   
અટલ બિહારી વાજપેયીના સંસદમાં પ્રવચનો અને એમના વિચારો અંગેની તો કેટલીય વાતો આપણે સહુએ જોઈ છે અને સાંભળી છે. સતત અડધો પોણો કલાક સુધી વિરોધ પક્ષમાં હોવા છતાં એમને સાંભળવામાં આવતા હતા. રાજકારણીઓ સામસામે હોય પણ એમનામાં આછકલાઈવેડાં કે ગરિમાનું હનન થાય એવું ક્યારેય જોવા ન મળતું. વાજપેયી સંસદમાં નહેરુજીની પાછળ બેસતા. એક વખત વાજપેયીજીએ કહેલું કે, નહેરુજી તમારામાં ચર્ચિલ અને ચેમ્બર્લેન બંનેના ગુણો છે. એ સાંજે કોઈ જગ્યાએ વાજપેયીજી અને નહેરુજીની મુલાકાત થઈ ત્યારે પંડિતજીએ એમને અભિનંદન આપેલા કે તમે સવારે સારું બોલ્યા હતા.  
ઈન્દિરા ગાંધી અને વાજપેયી વચ્ચેનો એક કિસ્સો છે. ઈન્દિરાજીએ કહેલું કે, અટલજી બહુ હાથ હલાવીને પોતાનું ભાષણ કરે છે. ત્યારે વાજપેયીજીએ તરત જ કહેલું, એ તો ઠીક છે પણ ઈન્દિરાજી તમે મને એ કહો કે, તમે કોઈને પગ હલાવતાં હલવતાં ભાષણ આપતાં જોયા છે ખરાં?   
વાજપેયીજીની સરકાર વિશ્વાસનો મત હારી ગઈ એ દિવસનું ભાષણ, કરપ્શન અંગે સંસદમાં બોલતા વાજપેયીજી કે પોખરણમાં અણુ પરીક્ષણની વાત કરતા વાજપેયીજીની ગરિમા આજે એક પણ  રાજકારણીમાં દેખાતી નથી.  
1973ની સાલમાં ઈન્દિરા ગાંધીએ પેટ્રોલના ભાવમાં સાત પૈસાનો વધારો કરેલો એના વિરોધમાં અટલ બિહારી વાજપેયી સહિત અનેક સાંસદો બળદગાડાંમાં સંસદભવન પહોંચેલા. આ કિસ્સાની નોંધ અમેરિકાના દૈનિક ધ ન્યૂયોર્ક ટાઈમ્સે પણ લીધી હતી. આ કિસ્સાઓની સામે છેલ્લાં થોડા વર્ષના કિસ્સાઓ યાદ કરો. વોટ ફોર કેશમાં સાંસદોએ રુપિયાની નોટોના બંડલો સંસદભવનમાં ઉછાળેલાં એ  દિવસ તો લોકશાહીના મંદિરનો કાળો દિવસ ગણવામાં આવે છે. કાશ્મીરમાં 370ની કલમ હટાવી દીધી ત્યારે સંસદભવનમાં આપણાં બંધારણની કોપીને ફાડીને ફેંકવામાં આવી હતી. પીડીપીના સાંસદ નાઝીર અહેમદ લોવી અને મીર મોહમ્મદ ફયાઝે એ પછી પોતાના કપડાં પણ ફાડી નાખ્યા. રાજ્યસભાના સ્પીકર વૈંકયાનાયડુએ એમના તરત જ બહાર જવા કહેલું.  
વિરોધ કરવાની રીતભાતો બદલાઈ છે. પણ લોકશાહીના મંદિરની ગરિમા સાવ તળિયે જઈને બેઠી છે. બોલવામાં ભાન રાખો એવું સારી ભાષામાં કહેવું પડે ત્યારે આ રીતે સ્પષ્ટ યાદી બહાર પાડવી પડેઅનેક ગ્રેસફુલ હકીકતોની સાક્ષી રહેલી સંસદભવનનું ગૌરવ જળવાઈ રહે એ માટે બિનસંસદીય શબ્દોની યાદી બહાર પાડવી પડે એ શરમથી ઝૂકી જાય એવી વાત છે.
Tags :
DignityGujaratFirstMagnificenceParliamentary
Next Article