દેશના નેતાઓની બાબતમાં પાકિસ્તાનના નસીબ કાણાં જ છે
પાકિસ્તાન એક એવો શ્રાપિત દેશ છે જ્યાં એક પણ વડાપ્રધાન પોતાનો કાર્યકાળ પાંચ વર્ષ સુધી પૂરો નથી કરી શક્યા. માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી શરુ થયેલો ખેલ હજુ ચાલુ જ છે. ઈમરાનખાનની સરકાર સામે વિપક્ષોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી. ત્રીજી એપ્રિલની સવારે ડેપ્યુટી સ્પીકર કાસિમખાન સૂરીએ આ દરખાસ્ત ફગાવી દીધી અને સંસદ ભંગ કરી દીધી. ખરો ખેલ એ પછી ખેલાયો. વિપક્ષોએ પોતાની રીતે સંસદ ચલાવી. પોતાનો સ
Advertisement
પાકિસ્તાન એક એવો શ્રાપિત દેશ છે જ્યાં એક પણ વડાપ્રધાન પોતાનો કાર્યકાળ પાંચ વર્ષ સુધી પૂરો નથી કરી શક્યા. માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી શરુ થયેલો ખેલ હજુ ચાલુ જ છે. ઈમરાનખાનની સરકાર સામે વિપક્ષોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી. ત્રીજી એપ્રિલની સવારે ડેપ્યુટી સ્પીકર કાસિમખાન સૂરીએ આ દરખાસ્ત ફગાવી દીધી અને સંસદ ભંગ કરી દીધી. ખરો ખેલ એ પછી ખેલાયો. વિપક્ષોએ પોતાની રીતે સંસદ ચલાવી. પોતાનો સ્પીકર નીમી દીધો. આ ખેલ ચાલતો હતો અને સંસદભવનમાં પાવર કટ કરાવી દીધો. આખી દુનિયાએ પાકિસ્તાનની સંસદમાં ચાલી રહેલી ઉથલપાથલ જોઈ. પાકિસ્તાનના રાજકીય ઈતિહાસમાં આ નાટકીય ઘટનાક્રમ પહેલીવાર જોવા મળ્યો.
આમ પણ પાકિસ્તાન દેશનેતા અને શાસકોની બાબતમાં બહુ કમનસીબ દેશ છે. ત્યાં એકપણ શાસકને ન તો ત્યાંની મિલટરીએ કે ન તો નેતાઓએ શાંતિથી શાસન કરવા દીધું છે. આજે તોતિંગ દેવાદાર દેશ બની ચૂકેલા પાકિસ્તાનના શાસકપદે ઈમરાનખાન આવ્યા એ પહેલાથી ફાયનાન્સિયલ ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટમાં પાકિસ્તાન સામેલ છે. પોતાના દેશની અંદર આતંકવાદને પાળતા પાકિસ્તાન માટે અમેરિકાના તત્કાલીન વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને ચોખ્ખું કહેલું કે, તમે સાપ પાળો અને એ પડોશીને જ ડંખ મારે એ જરુરી નથી. પાળેલો સાપ તમને પણ ડંખ મારી શકે છે. બ્રિટનની સંસદમાં પણ પાકિસ્તાન અને આતંકવાદ વિશે વાત કરતા ત્યાંના સાંસદે કહેલું કે, આંતકવાદીઓ એમના કૃત્યોને અંજામ આપવા માટે કંઈ ચાંદ પરથી નથી આવતા પાકિસ્તાનની ધરતી પર જ એ પેદા થાય છે.
એફએટીએફ, બ્રિટન, અમેરિકાની નજરે ચડેલું પાકિસ્તાન ચીન અને રશિયાના પડખામાં ભરાયેલું છે. જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ થયા ત્યારથી માંડીને આજદિન સુધી એમણે ઈમરાનખાન સાથે વાત સુદ્ધાં નથી કરી. ચીન પાકિસ્તાનની મજબૂરીનો એકપણ ફાયદો લેવાનું નથી ચૂકતું. અફઘાનિસ્તાનમાં તાલિબાનોના શાસનને માન્યતા મળે એ માટે ઈમરાનખાને કંઈ ઓછા ધમપછાડા નથી કર્યાં. જે દિવસે યુક્રેન પર રશિયાએ પહેલો હુમલો કર્યો એ દિવસે ઈમરાનખાન રશિયાની કદમબોસી કરવા ગયેલાં. પણ કંઈ વળ્યું નહીં. વળી, યુદ્ધના આ સંજોગોમાં રશિયા માટે પાકિસ્તાન કરતાં ભારત વધુ મહત્ત્વનું છે. વિદેશનીતિની વાત આવે ત્યારે ઈમરાનખાન ભારતની વિદેશનીતિના છૂટા મોઢે વખાણ કરે છે. પણ એ પોતાના દેશ માટે કંઈ નથી કરી શકતા એ પણ હકીકત છે.
પાકિસ્તાનને અત્યાર સુધી એકપણ શાસક એવો નથી મળ્યો જે પાકિસ્તાનને સ્થિરતા આપી શકે. બાવીસ કરોડની વસતિ ધરાવતા પાકિસ્તાનમાં આર્મીનો હાથ પહેલેથી ઉપર રહ્યો છે. ગઈકાલે બનેલા ઘટનાક્રમમાં આર્મીએ કોઈ સ્ટેન્ડ લેવાને બદલે બંધારણ ઉપર વાત ટાળી દીધી. પણ જે કંઈ બન્યું એમાં ઘણુંબધું સ્ક્રીપ્ટેડ હોય એવું લાગ્યા વિના નથી રહેતું. શાહબાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોએ દાવો કરેલો કે અમારી પાસે બહુમતી છે. સરકાર બનાવવા સપનાં જોઈ રહેલાં ઘણા બધા પાકિસ્તાની નેતાઓના મીમ ફરી રહ્યાં છે કે, એમણે નવા સીવડાવેલાં અચકનની સિલાઈ માથે પડી!
પાકિસ્તાન આઝાદ થયું ત્યારથી ત્યાંનું શાસન લોહિયાળ રહ્યું છે. આઝાદ પાકિસ્તાનમાં અત્યાર સુધી કુલ ત્રીસ વડાપ્રધાનમાંથી સાત કેર ટેકર વડાપ્રધાન રહી ચૂક્યા છે. પાકિસ્તાનની લોકશાહીમાં સ્થિરતા નહીં આવવાનું કારણ રાજકારણમાં સેનાની દખલગીરી છે. પાકિસ્તાનમાં સેનાપ્રમુખનું સ્થાન વડાપ્રધાનની ખુરશી ખેંચવા માટે બહુ મહત્ત્વનું રહ્યું છે.
પાકિસ્તાનના સૌથી પહેલા વડાપ્રધાન લિયાકત અલી ખાનના શાસનને ચાર વર્ષ 63 દિવસ થયા અને એમની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. એ પછી ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સત્તામાં આવ્યા. પાકિસ્તાનમાં અત્યાર સુધીના સૌથી લોકપ્રિય વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો રહ્યા છે. પાકિસ્તાનનો ઈતિહાસ સાક્ષી છે કે, જો વડાપ્રધાન લોકપ્રિય થાય તો આર્મી એને ઘરભેગાં કરી દે છે ને કાંતો જન્નતનશીન કરી દે છે. આવું ન કરી શકે તો પોતના દેશમાં જ એકસમયના આ સત્તાધીશો વોન્ટેડ બની જાય છે. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના શાસનને ત્રણ વર્ષ અને 325 દિવસ થયા કે એમના ઉપર આરોપ મૂકવામાં આવ્યો છે એ સેનાની સામે બળવો કરવાના છે. એમને જેલભેગા કરી દેવાયા અને એક દિવસ અચાનક ફાંસીના માંચડે ચડાવી દેવાયા. 1988ની સાલમાં પાકિસ્તાનીઓએ ઝુલ્ફીકાર અલીની દીકરી બેનઝીર ભુટ્ટોને વડાપ્રધાન બનાવ્યાં. એક વર્ષ 247 દિવસના શાસન પછી પાકિસ્તાનના પહેલાં મહિલા વડાપ્રધાન 12 વોટ ઓછાં મળતાં સંસદમાં વિશ્વાસ ગુમાવી બેઠાં. પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટો અને ભારતમાં રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. એ સમયે ભારત અને પાકિસ્તાન બંને દેશની યુવા પેઢીને દિલથી એમ થતું હતું કે, કંઈક સારું થશે. રાજીવ ગાંધી અને બેનઝીર ભુટ્ટોની અદભુત બોડી લેંગ્વેજ ખરેખર કોઈ આશા જન્માવતી હતી. બેનઝીરનું શાસન દસ ટકા કમિશન લેતાં પતિ આસિફ અલી ઝરદારીને કારણે પણ સારું એવું બદનામ થયેલું. કદાચ બેનઝીરના બાળકો એટલે જ ઝરદારી અટકના બદલે ભુટ્ટો અટક રાખતા હશે. 1990ની સાલમાં પાકિસ્તાન મુસ્લીમ લીગના નવાઝ શરીફે સરકાર બનાવી. બે વર્ષ અને 254 દિવસમાં એમની સરકાર પડી ભાંગી.
નવાઝ શરીફને તો ત્રણ વાર વડા પ્રધાન બનવાનો મોકો મળ્યો છે. પણ તેઓ કોઈ ચમત્કાર ન કરી શક્યા. આજે ભ્રષ્ટાચારના આરોપમાં તેઓ વોન્ટેડ છે. પણ આજની તારીખમાં તેમની દીકરી મરિયમ શરીફ અને ભાઈ શાહબાઝ શરીફે ઈમરાનખાનના નાકમાં દમ કરી દીધો છે. એક સમયે ક્રિકેટમાં ઓલરાઉન્ડરની ઈમેજ ધરાવતા ઈમરાનખાને ગઈકાલે વિપક્ષોને ચારેખાના ચિત કરી દીધાં. 1993ની સાલમાં બેનઝીર ભુટ્ટોની સરકાર ત્રણ વર્ષ અને સતર દિવસ સુધી ટકી. ફરી નવાઝ શરીફ 1997ની સાલમાં બહુમતી સાથે ચૂંટાઈ આવ્યા પણ બે વર્ષ 237 દિવસમાં તેમની સરકાર પડી ભાંગી. જનરલ પરવેઝ મુશર્રફે નવાઝ શરીફની સરકારને ઉથલાવીને પોતાનો ખેલ પાડી દીધો. પોતાના દેશ પર શાસન કરનારા નવાઝ શરીફ અને પરવેઝ મુશર્રફ બંને દેશનિકાલ ભોગવી રહ્યા છે. મુશર્રફના શાસનમાં કોઈ વડાપ્રધાન ટકી ન શક્યા. મીર જફરુલ્લાહખાન જમાલી એક વર્ષ 216 દિવસ શાસન કરી શક્યા. ચૌધરી શુજાત હુસૈન ફક્ત સતાવન દિવસ એમના પછી શૌકત અઝીઝ ત્રણ વર્ષઅને 79 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા. યુસુફ રઝા ગિલાની સૌથી વધુ સમય સુધી પાકિસ્તાના વડાપ્રધાન રહ્યા છે. ચાર વર્ષ અને 86 દિવસ સુધી તેઓ શાસન પર રહ્યા. રાજા પરવેઝ અશરફ 275 દિવસ માંડ ટકી શક્યા. ફરી નવાઝ શરીફ આવ્યા પણ પનામા પેપર્સે તેમની ખુરશી ચાર વર્ષ 53 દિવસમાં છીનવી લીધી.
પાકિસ્તાનના નસીબ બદલાઈ જશે એવા દાવા કરનાર કાર્યકારી વડાપ્રધાન ઈમરાનખાન અત્યારે કોઈપણ ભોગે પોતાની ખુરશી બચાવવા માંગે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે, આ બધું સેનાની મીઠી નજર છે ત્યાં સુધી ચાલશે. અમેરિકાનું નામ લીધા વગર તેઓ કરે છે કે, આંતરરાષ્ટ્રીય દબાણ સામે સેના અને કાર્યકારી વડાપ્રધાન કેટલું ટકે છે એના પર સૌથી મોટો આધાર છે. ચીન, અમેરિકા અને દેશની અંદરનો આતંકવાદથી માંડીને અનેક પાસાં પાકિસ્તાનનું ભાવિ નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવશે.