ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પહલા નશા, પહલા ખુમાર નયા પ્યાર હૈ, નયા ઇંતઝાર

‘જો જીતા વો હી સિકંદર’નાં સાત સૉન્ગમાંથી એક જ રોમૅન્ટિક સૉન્ગ. આ રોમૅન્ટિક સૉન્ગ મજરૂહ સુલતાનપુરી લખવાના હતા અને એ પણ પોતાના પૌત્રની ઉંમરના કહેવાય એવી જનરેશન માટે. મજરૂહસાહેબને એ વાત અઘરી લાગી એટલે તેમણે સૉન્ગ લખવાની ના પાડી વાત...
03:23 PM Dec 07, 2023 IST | Kanu Jani

‘જો જીતા વો હી સિકંદર’નાં સાત સૉન્ગમાંથી એક જ રોમૅન્ટિક સૉન્ગ. આ રોમૅન્ટિક સૉન્ગ મજરૂહ સુલતાનપુરી લખવાના હતા અને એ પણ પોતાના પૌત્રની ઉંમરના કહેવાય એવી જનરેશન માટે. મજરૂહસાહેબને એ વાત અઘરી લાગી એટલે તેમણે સૉન્ગ લખવાની ના પાડી

વાત ફિલ્મ ‘જો જીતા વો હી સિકંદર’ની ચાલે છે ત્યારે ફિલ્મના એકમાત્ર રોમૅન્ટિક સૉન્ગ ‘પહલા નશા...’ની પણ વાત કરવી રહી. ફિલ્મનાં બધાં સૉન્ગ મજરૂહ સુલતાનપુરીએ લખ્યાં હતાં અને મજરૂહ સુલતાનપુરીને ‘પહલા નશા...’ લખવામાં તકલીફ પડી હતી. હા, આ ફૅક્ટ છે અને આ ફૅક્ટ બીજા કોઈએ નહીં, પણ ફિલ્મના મ્યુઝિક-ડિરેક્ટર જતિન-લલિતે જ કહી છે. બન્યું હતું એમાં એવું કે આ ફિલ્મ સમયે મજરૂહસાહેબની ઉંમર ૭૦ વર્ષની અને ફિલ્મ યંગસ્ટર્સની એટલે કે પૌત્ર કહેવાય એવા સમયની. નાસિર હુસેન અને ફિલ્મના ડિરેક્ટર મન્સૂર ખાનની ઇચ્છા હતી કે જે રોમૅન્ટિક સૉન્ગ હોય એના શબ્દો યંગસ્ટર્સને સ્પર્શતા હોવા જોઈએ અને એની ટ્યુન પણ નવી જનરેશનને સ્પર્શે એવી હોવી જોઈએ.

નાઇન્ટીઝના આરંભની આ વાત છે. મ્યુઝિકમાં એક નવો યુગ આવી રહ્યો હતો અને મન્સૂર ખાને એ તબક્કાનો બહુ સરસ લાભ લીધો છે. તમે જુઓ, ‘જો જીતા વો હી સિકંદર’ના ‘પહલા નશા...’ સૉન્ગની કોરિયોગ્રાફી સ્લો મોશનમાં થઈ છે અને એ સ્લો મોશનમાં કોરિયોગ્રાફી કરવાનું કામ સહેજ પણ સહેલું નહોતું. મોમેન્ટ જ્યારે સ્લો મોશનમાં ચાલતી હોય ત્યારે ગીત કે રિધમ બેમાંથી કોઈ પાછળ રહી જવાં ન જોઈએ એનું ધ્યાન રાખવું પડે તો સાથોસાથ એ વાતનું પણ ધ્યાન રાખવું પડે કે સૉન્ગ કે એની કોરિયોગ્રાફીને કારણે ફિલ્મની ગતિમાં પણ કોઈ ફરક ન આવે.

ફિલ્મમાં ૭ સૉન્ગ અને ૭માંથી એક જ રોમૅન્ટિક સૉન્ગ. જતિન-લલિત માટે પણ એની ટ્યુન તૈયાર કરવાનું કામ બહુ અઘરું હતું. રાતોરાતનાં કામ ચાલે પણ કંઈ ખાસ તૈયાર થાય નહીં. દોઢેક મહિનાની મહેનત પછી ‘પહલા નશા...’ની ટ્યુન તૈયાર થઈ, એના પર ફર્ઝી શબ્દો પણ બેસાડવામાં આવ્યા હતા. મન્સૂર ખાન, પ્રોડ્યુસર નાસિર હુસેન અને મજરૂહ સુલતાનપુરીની હાજરીમાં જતિન-લલિતે ટ્યુન સંભળાવી અને ટ્યુન બધાને પસંદ પડી, પણ એ ટ્યુન સાંભળતી વખતે મજરૂહસાહેબ બ્લૅન્ક થઈ ગયા. ટ્યુન સાંભળીને તેમણે કહ્યું કે આના પર શબ્દો આપવાનું કામ સહેલું નથી, જો એવું લાગતું હોય તો તમે આ સૉન્ગ પૂરતા કોઈ બીજા ગીતકારને લઈ લો, પણ નાસિર હુસેન એને માટે તૈયાર નહોતા એટલે તેમણે મજરૂહસાહેબને ટ્રાય કરવા કહ્યું અને હિંમત આપીને રવાના કર્યા, પણ બન્યું એ જ. ૧૫ દિવસ પછી પણ મજરૂહસાહેબ હતા ત્યાં ને ત્યાં જ, ટોટલ બ્લૅન્ક. તેમણે સેંકડો વાર ટ્યુન સાંભળી, પણ એ સાંભળ્યા પછી કંઈ મનમાં આવે નહીં.

આપેલો સમય પૂરો થયો અને મજરૂહ સુલતાનપુરી મીટિંગ માટે ગયા. એ મીટિંગમાં પણ મન્સૂર ખાન, નાસિર હુસેન અને જતિન-લલિત હતા. બધાના મનમાં એમ કે મજરૂહસાહેબ હમણાં લિરિક્સ સંભળાવશે, પણ એવું કાંઈ થયું નહીં. મજરૂહ સુલતાનપુરીએ ફરી એ જ કહ્યું કે આ સૉન્ગ લખવા માટે તમે બીજા કોઈને લઈ જ લો એ જ બેસ્ટ રહેશે, હું આ લખી નહીં શકું. એવું નહોતું કે તેમને ગીત લખવામાં તકલીફ હતી, પણ વાત જે પ્રકારે કરવાની હતી અને જે જનરેશનની કરવાની હતી એ કરવામાં તેમને તકલીફ પડતી હતી. મજરૂહ સુલતાનપુરીએ પ્રેમથી વાત સ્વીકારી, પણ મન્સૂર ખાન એ માનવા તૈયાર નહોતા એટલે મજરૂહ સુલતાનપુરીએ બન્ને પક્ષે શરત મૂકી કે એક કામ કરો, મને જતિન કે લલિતની સાથે થોડા દિવસ માટે સિટીની બહાર મોકલી દો. જો લખાઈ જશે તો ઠીક છે, પણ જો ન લખાય તો તમારે મારી પાસેથી ગીત લખાવવાનો આગ્રહ નહીં રાખવાનો.

શરત મંજૂર રાખવામાં આવી અને બીજા જ દિવસે મઢ આઇલૅન્ડમાં હોટેલ બુક કરી મજરૂહ સુલતાનપુરી અને જતિન પંડિતને મોકલી દેવામાં આવ્યા. જતિન પંડિતે કહ્યું કે ‘અમે રસ્તામાં જાતજાતની વાતો કરતા ગયા. હોટેલ પર પહોંચતાની સાથે તેમણે મસ્તમજાનું મેનુ નક્કી કરી લીધું અને મને કહી દીધું કે આજે ડિનરમાં આપણે આ બધું ખાઈશું. એ પછી અમે ફરી વાતો પર લાગ્યા. મજરૂહ સુલતાનપુરી જેવી વ્યક્તિની કંપની મળે તો મારા જેવા માણસ કેમ એનો લાભ ન લે. હું તો તેમની અગાઉની જર્ની વિશે વાત કરતો રહ્યો. વચ્ચે પૂછી પણ લઉં કે સર તમારે લખવા બેસવું હોય તો... તેઓ મને તરત જ ના પાડે. ‘ક્યાં ઉતાવળ છે’ એવું કહીને તેઓ પણ વાતો કર્યા કરે અને આમ કરતાં રાત પડી ગઈ.’

રાતે બન્નેએ જમી લીધું અને જમ્યા પછી મજરૂહસાહેબ રૂમમાં જઈને સૂઈ ગયા. જતિન પંડિત માટે એ શૉકિંગ હતું. જતિન પંડિતે કહ્યું, ‘મને લિટરલી ટેન્શન શરૂ થયું કે આમ જ ચાલતું રહેશે તો મારાં બીજાં કામ પણ અટકશે અને આ કામ પણ પૂરું નહીં થાય, પણ મારાથી કોઈને કશું કહેવાય એમ હતું નહીં. મજરૂહસાહેબ સૂઈ ગયા એટલે હું પણ રૂમમાં જઈને સૂઈ ગયો.’

બીજા દિવસે સવારે જતિન પંડિત જાગ્યા અને જેવા રૂમમાંથી બહાર આવ્યા ત્યાં તેમને ગૅલરીમાંથી મજરૂહસાહેબે અવાજ કર્યો, ‘મિયાં, જાગ ગયે?!’

જતિન પંડિત તેમની પાસે ગયા કે તરત મજરૂહસાહેબે કહ્યું, જુઓ, આ લાઇનો તમારા મીટરમાં બેસે છે.

‘પહલા નશા, પહલા ખુમાર

નયા પ્યાર હૈ, નયા ઇંતઝાર

કર લૂં મૈં ક્યા અપના હાલ,

ઐ દિલ-એ-બેકરાર, મેરે દિલ-એ-બેકરાર

તૂ હી બતા...

એકદમ પર્ફેક્ટ રીતે મીટરમાં એ લાઇનો બેસતી હતી.

એ પછી જતિન અને મજરૂહસાહેબ બ્રેકફાસ્ટ માટે ગ્રાઉન્ડ ફ્લોર પર આવવા માટે લિફ્ટમાં આવ્યા અને લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભી રહી ત્યાં સુધી મજરૂહસાહેબે પહેલો અંતરો સંભળાવી દીધો.

ઉડતા હી ફિરું, ઇન હવાઓં મેં કહીં,

યા મૈં ઝૂલ જાઉં, ઇન ઘટાઓં મેં કહી

એક કર દૂં આસમાન ઔર ઝમીં

કહો યારોં ક્યા કરું, ક્યા નહીં

સંભળાવેલો અંતરો પણ એકદમ પર્ફેક્ટ મીટરમાં. મજરૂહસાહેબના ચહેરા પર કોઈ તનાવ નહોતો, પણ એ દિવસે તેઓ વાતો નહોતા કરતા. જતિન પંડિતે નાસ્તો કરવાનું શરૂ કર્યું અને મજરૂહ સુલતાનપુરીએ ટિશ્યુપેપર હાથમાં લઈને ફરીથી લખવાનું શરૂ કર્યું. એ ટિશ્યુ પર લખાયેલા શબ્દો એટલે ‘પહલા નશા...’નો અંતિમ અંતરો...

ઉસને બાત કી, કુછ ઐસે ઢંગ સે

સપનેં દે ગયા, વો હઝારોં રંગ કે

રહ જાઉં જૈસે મૈં હાર કે,

ઔર ચૂમેં વો મુઝે પ્યાર સે...

પહલા નશા, પહલા ખુમાર

નયા પ્યાર હૈ નયા ઇંતઝાર...

‘પહલા નશા...’ સૉન્ગ રેકૉર્ડ થતું હતું એ સમયે શરૂઆતમાં ચાર લાઇન ઉમેરવાની આવી. સૉન્ગ એ લાઇન સાથે શરૂ થાય છે. એ લાઇન વાંચો...

ચાહે તુમ કુછ ના કહો

મૈંને સુન લિયા

કે સાથી પ્યાર કા

મુઝે ચુન લિયા... ચુન લિયા

મૈંને સુન લિયા

આ લાઇન કોણે લખી છે એ તમે વિચારી શકો?

જતિન પંડિતે. ટ્યુન સમયે એ લાઇન ફેક વર્ડ્સ સાથે ટ્યુનમાં હતી. મજરૂહ સુલતાનપુરીને એ લાઇનો બહુ ગમી ગઈ એટલે તેમણે એ લાઇન અકબંધ રહેવા દીધી.

Tags :
પહલા નશા પહલા ખુમાર
Next Article