Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જીવનની કોઈ પરીક્ષા અંતિમ નથી હોતી

પંદર લાખ વિદ્યાર્થીઓ અને ત્રીસ લાખ મા-બાપ અને પંદર લાખ પરિવારો આ તમામની પરીક્ષા શરુ થઈ ગઈ છે.  આપણે ત્યાં પરીક્ષા કરતાં બોર્ડનો હાઉ થોડો વધુ મોટો છે. બોર્ડ છે બોર્ડ છે... એવું કહીને મા-બા પોતે પણ ટેન્શનમાં રહે છે એને સંતાનોને પણ ટેન્શનમાં રાખે છે. આ લેખ આજે વિદ્યાર્થીઓ માટે નથી એમના મા-બાપ માટે જ છે. આજે આ વિદ્યાર્થીઓના મા-બાપ સાથે થોડી વાત કરવી છે.  શું તમારી બોર્ડની પરીક્ષા અંતિમ પરીક
07:54 AM Mar 28, 2022 IST | Vipul Pandya
પંદર લાખ વિદ્યાર્થીઓ અને ત્રીસ લાખ મા-બાપ અને પંદર લાખ પરિવારો આ તમામની પરીક્ષા શરુ થઈ ગઈ છે.  આપણે ત્યાં પરીક્ષા કરતાં બોર્ડનો હાઉ થોડો વધુ મોટો છે. બોર્ડ છે બોર્ડ છે... એવું કહીને મા-બા પોતે પણ ટેન્શનમાં રહે છે એને સંતાનોને પણ ટેન્શનમાં રાખે છે. આ લેખ આજે વિદ્યાર્થીઓ માટે નથી એમના મા-બાપ માટે જ છે. આજે આ વિદ્યાર્થીઓના મા-બાપ સાથે થોડી વાત કરવી છે.  
શું તમારી બોર્ડની પરીક્ષા અંતિમ પરીક્ષા હતી? એ પરીક્ષા પછી આકરી પરીક્ષા તમે આપી જ નથી?  શું ભણવાની જ પરીક્ષા અઘરી હોય છે? ભણી લીધાં પછી તમે કોઈ પડાવ પાર નથી કર્યાં?  તો પછી આ પરીક્ષાનો હાઉ તમે શા માટે તમારા સંતાનો માટે હાવી થવા દો છો? 
જીવનની કોઈ પરીક્ષા અંતિમ નથી હોતી. જીવન છે ત્યાં સુધી પરીક્ષાઓ હોવાની, સંઘર્ષ હોવાનો, સફળતા હોવાની, નિષ્ફળતા પણ મળવાની, તૂટી જવાય એવી પળો પણ આવવાની જ છે. આ પરીક્ષાઓના જ અલગ અલગ પ્રકાર છે. એને પડાવ સ્વરુપે પાર કરીને જ જીવવાનું હોય છે.  
આ પરીક્ષા સાવ જુદી છે. કેમકે, દસમા ધોરણની પરીક્ષા આપતાં તમામ બાળકોએ આઠ અને નવ ધોરણ ઘરે બેસીને પાસ કર્યું છે. એક રીલેક્સ મોડમાં ભણવાનું ચાલી રહ્યું હતું. હવે સીધાં દસમા ધોરણના બોર્ડની પરીક્ષામાં બેસવાનું છે. એ બાળકોને મોરલ સપોર્ટની સૌથી વધુ જરુર છે. સતત બેસવાનું એ ભૂલી ગયા છે. એમને યાદ નથી રહેતું. લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે. પરીક્ષા આપવાની સાથોસાથ આ બધી ચેલેન્જીસ પણ કંઈ નાની-સૂની નથી. એમને થોડી મોકળાશ અને હળવાશની જરુર છે. પરીક્ષાના ડરની સાથોસાથ એમને પરફોર્મન્સનું પણ ટેન્શન છે.  
કોરોનાએ આપણાં સહુની જિંદગીમાં પરિવર્તન લાવી દીધું છે. કેટલાંક સંતાનો તો એવા પણ હશે કે, એમના માતા કે પિતાએ કોરોનાના સમયમાં નોકરી ગુમાવી હશે. કેટલાંક વિદ્યાર્થીઓના મા-બાપે બિઝનેસ શરુ કર્યો હશે અને બંધ કરવો પડ્યો હશે. મા કે પિતાને એમના કામમાં સંઘર્ષ કરતાં જોઈને દરેક સંતાના મનમાં એક ડર પેસી ગયો હશે કે, પરિણામ સારું આવે કે ખરાબ નોકરી અને ધંધામાં પણ કંઈ આરામ તો નથી જ. જમાનો સ્પર્ધાનો છે એમાં કેટકેટલે પહોંચી વળવું અને પોતાની જાતને સફળ સાબિત કરવી એ કંઈ ખાવાના ખેલ નથી.  
દરેક મા-બાપ હંમેશાં એવું જ ઈચ્છે કે એણે જે સંઘર્ષ કર્યો છે એનાથી ઓછો સંઘર્ષ એના સંતાનોને કરવો પડે. સંતાનોને ખાતર બધું જ કુરબાન કરી દેતાં મા-બાપના સપનાં પણ સંતાનો સાથે જોડાયેલાં હોય છે. બસ આ પરીક્ષામાં સારા માર્ક્સ આવી જાય એટલે બસ. આવું વિચારતાં મા-બાપને એટલું જ કહેવાનું કે, કોઈ પરીક્ષા અંતિમ નથી હોતી. આપણે સતત રોજેરોજ કોઈને કોઈ કસોટી પસાર કરતાં જ હોઈએ છીએ. ધ્યાન ફક્ત એટલું જ રાખવાનું છે કે, વર્તમાનમાં જે સ્પર્ધા, પરીક્ષા કે કસોટી સામે આવે છે એમાં તમારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરો. તૂટી જવાની ક્ષણે પણ એવો પ્રયાસ કરો કે ટકી જવાય. પરીક્ષા વખતે બીક હાવી થઈ જશે તો તૂટી જતાં વાર નહીં લાગે. એટલે એવું જ વિચારવું કે, વર્તમાંનમાં જે કર્મ કરવાનું છે એ શ્રેષ્ઠ કરો. પરિણામ મળવાનુ્ં જ છે.  
પરીક્ષા આપી દીધાં પછી પરિણામની ચિંતા કોરી ખાતી હોય છે. પરીક્ષા સરસ ન ગઈ હોય તો પણ સંતાન ઘણીવાર વ્યક્ત નથી થઈ શકતું. એ સંતાનને એટલી મોકળાશ આપજો કે એ વ્યક્ત થાય. અંદરઅંદર સોસવાતી પેઢી સૌથી વધુ નેગેટીવિટી તરફ ઢસડાતી હોય છે. જન્મ આપ્યો એટલે એ સંતાને તમારાં જ સપનાં સાકાર કરવાના એ રુઢીમાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે. પરીક્ષામાં નાપાસ થઈને કે સારાં માર્કસ ન મળે તો પણ સફળતા ક્યાંય ભાગી નથી જવાની. એવાં ઘણાંય ફેલ્યોર આપણી સામે જ જીવતાં હોય છે તે દસમા-બારમામાં કંઈ ઉકાળી ન શક્યા હોય તો પણ કરિયરમાં સફળ થયા હોય છે. એટલે જ, જિંદગી છે ત્યાં સુધી પરીક્ષા આપતાં જ રહેવાની છે.
Tags :
GujaratFirst
Next Article