કોરોના-ડરવાની જરૂર નથી પણ સાવધાની રાખવી
જૂના કોરોનાની નવી વાતો : ડરવાની જરૂર નથી, પણ સાવધાની રાખવામાં કશું ખોટું પણ નથી
બહેતર છે કે કોરોનાનો નવો વેરિઅન્ટ જ્યારે દેશમાં દેખાયો છે ત્યારે આપણે વડીલોને સાવચેત રહેવાનું નવેસરથી સમજાવીએ અને આપણે પણ ઘરમાં આવ્યા પછી અમુક પ્રકારની સાવચેતી, સાવધાની દાખવીએ.
ફરી એક વાર કોરોના, પોતાના એક નવા સ્વરૂપને લઈને આવી ગયો છે એવા સમયે બે વાત કહેવાની. પહેલી, ડરવાની જરૂર નથી. કોરોનાના ત્રણ ડોઝ દેશવાસીઓના લોહીમાં ભળી ગયા છે અને આપણે પુરવાર કરી દીધું છે કે હવે આપણે સૌ કોરોના-પ્રૂફ છીએ. એવા સમયે કોરોનાના ગમે એવા અને ગમે એટલા સમાચાર આવે તો પણ ફાટી પડવાની જરૂર નથી. કોરોના હવે આપણું કાંઈ બગાડી શકવાનો નથી. વાત નંબર બે, સાવધાની રાખવામાં કશું લૂંટાઈ જવાનું નથી. આ વાત ખાસ એવા લોકોને લાગુ પડે છે જેમના પરિવારમાં મોટી ઉંમરના વડીલો છે.
તમે અડીખમ છો અને અડીખમ જ રહેવાના છો, પણ જે હવે આયુષ્યના અંતિમ પહોરમાં હોઈ શકે એવી સંભાવના છે, જેની અનેક પ્રકારની એવી શારીરિક વ્યાધિ હોઈ શકે છે, જે ઉંમરની સાથે આવતી હોય છે અને એવા લોકોની સાથે તમે કે પછી તમારી સાથે એ લોકો રહે છે ત્યારે સાવધાની રાખવામાં કશું ખોટું નથી અને એમાં તમે નાના થઈ જવાના નથી તો સાથોસાથ તમે ડરપોક છો એવું પુરવાર પણ થવાનું નથી.
કોરોનાની તાકાત શું હતી એ આપણે અગાઉ જોઈ છે અને એ પણ જોયું છે કે એની સામે આપણા વડીલોને બચાવવા માટે તમે શું-શું કર્યું હતું. જો એ સમયે લીધેલી મહેનત અને જહેમત હવે એણે ન જવા દેવી હોય તો આપણે થોડી ચીવટ રાખવાનું શરૂ કરી દેવું જરા પણ અર્થહીન નથી.
બહેતર છે કે કોરોનાનો નવો વેરિઅન્ટ જ્યારે દેશમાં દેખાયો છે ત્યારે આપણે વડીલોને સાવચેત રહેવાનું નવેસરથી સમજાવીએ અને આપણે પણ ઘરમાં આવ્યા પછી અમુક પ્રકારની સાવચેતી, સાવધાની દાખવીએ. સિનિયર સિટિઝન માટે કેરલામાં માસ્ક ફરજિયાત કર્યા એવા સમાચાર હજી હમણાં જ ટીવી પર જોયા અને એ પણ સાંભળ્યું કે સિંગાપોરમાં એક જ વીકમાં ૫૦,૦૦૦થી વધારે કોરોનાના કેસ આવ્યા. આવા સમાચાર આવે ત્યારે બીજા કોઈને માટે નહીં, આપણા વડીલો માટે તો આપણે જાગ્રત થઈ જ શકીએ અને જાગ્રત થવું એ આપણી પ્રારંભિક ફરજ પણ છે.
ઓ છે તો આપણે છીએ. તેમને સમજાવો કે વગર કારણે બહાર જવાનું ટાળે અને તેમને સમજાવો કે જરૂરી હોય અને તે બહાર નીકળે તો માસ્ક પહેરે. કોરોનાનો ભય પણ ટળશે અને બહારની પ્રદૂષિત હવાથી પણ માસ્ક રક્ષણ કરશે. પ્રયાસ કરો કે તેમને ફરીથી સૅનિટાઇઝર વાપરવાની આદત પડે અને પ્રયાસ કરો કે બહારના અજાણ્યા શખ્સો ઘરમાં ઓછા આવે. કહ્યું એમ, ફાટી પડવાની લેશમાત્ર જરૂર નથી.
આપણા શરીરમાં ભારતીય વૅક્સિને એવી ઇમ્યુનિટી ઊભી કરી છે જે મારો, તમારો અને આપણા સૌનો વાળ પણ વાંકો નહીં કરે, પણ તેમનું શું જે હાર્ટ-અટૅક અને ડાયાબિટીઝ જેવી લાઇફ-લૉન્ગ બીમારી ભોગવે છે, તેમનું શું જે જીવનના અંતિમ તબક્કામાં છે. કહ્યું એમ, તેમની જવાબદારી આપણી છે અને એ જવાબદારી આપણે નિભાવવાની છે. જો નિભાવી શકો તો ઉત્તમ છે. તેમને જરા અલર્ટ કરો, ફરી એક વાર બધું સમજાવો. તમારે તો એટલો જ સમય ખર્ચવાનો છે અને એ ખર્ચ્યા પછી, તમારે એટલું જ કરવાનું છે. ઘરે જાઓ ત્યારે તમે તમારી જાતને પહેલાં વાઇરસ-ફ્રી કરી દો.
બસ, કોરોનાનો બાપ પણ તમારી આંખમાં આંસુ નહીં લાવે.