Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શરીરના વળાંકો વિશે મનમાં શરમ અનુભવવી કેટલી યોગ્ય?

મારું શરીર જેવું છે એવું મને એ ગમે છે. મને મારાં શરીર પર ચરબીને કારણે દેખાતાં વળાંકોની જરા પણ પરવા નથી. હું જેવી છું કે જેવો છું એવો મને ગમું છું. નો બોડી શેમિંગનો એક અલગ જ ટ્રેન્ડ આજકાલ જોવા મળી રહ્યો છે.  થોડાં દિવસો પહેલાં મિસ યુનિવર્સ હરનાઝ સંધુને જોઈને લોકો ચોંકી ઉઠેલાં. એના વધી ગયેલા વજન અંગે સોશિયલ મિડીયામાં જબરદસ્ત ટિપ્પણી થવા માંડી. હરનાઝ સંધુએ પોતાની વાત મૂકી કે, એને સેલિયે
શરીરના વળાંકો વિશે મનમાં શરમ અનુભવવી કેટલી યોગ્ય
મારું શરીર જેવું છે એવું મને એ ગમે છે. મને મારાં શરીર પર ચરબીને કારણે દેખાતાં વળાંકોની જરા પણ પરવા નથી. હું જેવી છું કે જેવો છું એવો મને ગમું છું. નો બોડી શેમિંગનો એક અલગ જ ટ્રેન્ડ આજકાલ જોવા મળી રહ્યો છે.  
થોડાં દિવસો પહેલાં મિસ યુનિવર્સ હરનાઝ સંધુને જોઈને લોકો ચોંકી ઉઠેલાં. એના વધી ગયેલા વજન અંગે સોશિયલ મિડીયામાં જબરદસ્ત ટિપ્પણી થવા માંડી. હરનાઝ સંધુએ પોતાની વાત મૂકી કે, એને સેલિયેક મતલબ કે ગ્લુટેન સેન્સીટીવ એન્ટ્રોપથી નામનો  રોગ છે. ગ્લુટેન ખાવાથી તકલીફ થાય એ પ્રકારની એને બીમારી છે. એટલે એનું વજન વધી ગયું છે. એણે એમ પણ કહ્યું કે, મિસ યુનિવર્સની સ્પર્ધાના થોડાં દિવસો પહેલાં એ અતિશય બીમાર પડી ગયેલી. સ્પર્ધાની તાણ અને બીમારી વચ્ચે એ માંડ સાયુજ્ય કેળવી શકી. હા, મારું વજન વધી ગયું છે. મને એનો કોઈ છોછ નથી. નો બોડી શેમિંગ એમ કહીને એણે પોતાની મર્યાદાનો ગ્રેસ વધારી દીધો.  
સાથોસાથ થોડાં દિવસો પહેલાં ઈલિયાના ડીક્રુઝ નામની અભિનેત્રીએ પણ પોતાના ગ્લેમરસ, સુડોળ શરીર દેખાય એવા તમામ ફોટાં ડીલીટ કરી નાખ્યાં. નો ફિલ્ટર એમ લખીને એણે સોશિયલ મિડીયામાં પોતાની તસવીરો મૂકી. ફિલ્ટર વગર એનું કર્વી બોડી બતાવીને એણે કહ્યું કે, અલગ અલગ પ્રકારની એપ્લીકેશનમાં હું મને જ સુંદર બનાવતી હતી. હવે, બસ થયું. હું જેવી છું એવી છું. મને મારાં શરીરના દેખાવ અંગે મને કોઈ જ સંકોચ નથી.  
આ બે કિસ્સાઓ વાંચીને એમ થયું કે, આપણે ત્યાં આપણું શરીર જેવું છે એવું સ્વીકારવાની નથી આપણી તૈયારી હોતી કે નથી સામેવાળાની તૈયારી હોતી. બેઠાડું જીવન અને કસરતના અભાવને કારણે અમુક ઉંમર પછી શરીર વધી જાય છે. ઘણી વખત આપણે ત્યાં લગ્ન પહેલાં સુડોળ કાયાવાળી કન્યા લગ્નના એક જ મહિનામાં ચરબીના થર સાથે જોવા મળે છે. સ્ત્રીના શરીર પર ચરબીના થર ન હોવા જોઈએ એવું માનનારા લોકો ઘણી વખત ચરબીયુક્ત સ્ત્રીને પજવવામાં કે સંભળાવવામાં કંઈ બાકી નથી રાખતાં.  
દુનિયાની દર પાંચમાંથી ત્રણ સ્ત્રીઓને પાતળું થવું છે. પણ નથી થઈ શકતી. ઘણી સ્ત્રીઓ ડીલીવરી પછી વજન નથી ઉતારી શકતી તો કેટલીક મહિલાઓને ખાણીપીણી નડી જાય છે તો ઘણીબધી સ્ત્રીઓ હોર્મોનલ અસંતુલિતતાને કારણે ભારે વજનવાળી થઈ જાય છે. દરેક ચરબીના થર પાછળ એક કહાની છે. પણ એ આપણે સ્વીકારતા નથી. એટલે જ દર્દ વધી જાય છે.  
પોતાના વજનનો ભાર એ સ્ત્રીને અનુભવાતો હોય કે નહીં એ એનું મન જ જાણે. પણ તમારાં વજનનો ભાર તમારી આસપાસના લોકોને બહુ નડતો હોય છે. આજકાલ સ્કૂલે જતાં ટાબરિયાંવ પણ જાડી મમ્મીને એમ કહી બેેસે છે કે, મારા ભાઈબંધની મમ્મી જો કેવી સ્લીમ છે. મમ્મી તું બહુ ફેટી છે. નાનકડાં બાળકોથી માંડીને વડીલો સુધી સ્ત્રીની કાયા સુડોળ  જ હોવી જોઈએ એવું માને છે.  
વધારે વજનના કારણે બીજાં મેડીકલના પ્રશ્નો થાય ત્યારે ઘણીવાર લોકો જાગે છે. પણ પાતળાં થવું એ ઝનૂન ખોટું છે. પોતે જેવાં છે એવું સ્વીકારીને હેલ્ધી રહેવું એ વધુ મહત્ત્વનું છે. પોતે જેવા છે એવાં ખુદને સ્વીકારી લઈએ તો ઘણાં બધાં પ્રશ્નો હલ થઈ જાય તેમ છે. બોડી શેમિંગનું ભારણ ઘણી વખત માનસિક રીતે તોડી નાખે છે. ઘણી સ્ત્રીઓ પોતાના શરીર ઉપર ઉપસેલી ચરબીને કારણે કમેન્ટ્સનો ભોગ બને છે. મોટાભાગે આવી ટિપ્પણીઓના કારણે આંખોમાંથી આંસુ વહી જાય છે.  
આ સંજોગોમાં પોતે જેવા છે એ સ્વીકારી લેવો સૌથી અગત્યનો મંત્ર છે. મને કંઈ પ્રોબ્લેમ નથી. મને મારું શરીર જેવું છે એવું ગમે છે એ મંત્ર ગાંઠે બાંધી લેશો તો કોઈની હિંમત નથી કે, તમને તોડી પાડે કે પરેશાન કરી શકે. મજાકનું પાત્ર કોઈ બનાવે તો પણ પોતાનો અવાજ એકદમ સ્પષ્ટ રાખવો જરુરી છે. એક વખત ખખડીને વ્યક્ત થઈ જવાથી ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે. આના માટે સૌથી પહેલી વાત છે કે, નો બોડી શેમિંગનો સ્વીકાર. તમે જાડાં છો પણ જેવા છો એવાં તમને ગમો છો?  તો પછી દુનિયાની ફિકર છોડો, તમે સુંદર છો અને મનથી વધુ સૌંદર્યવાન છો એ વાત સૌથી વધુ મહત્ત્વની છે.
Advertisement
Tags :
Advertisement

.