Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મેંદરડાનું મીઠાપુર ગામ આદર્શ મગફળી ગામ બન્યું, મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મીઠાપુર ગામને દત્તક લેવાયું

અહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ  જૂનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકા નું મીઠાપુર ગામ આદર્શ મગફળી ગામ બન્યું છે, મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મીઠાપુર ગામને દત્તક લેવાયું છે અને હવે મીઠાપુર ખાતે નિકાસલક્ષી મગફળીનું ઉત્પાદન થશે, ઉચ્ચ ઓલિક મગફળીની ખેતીથી ક્રાંતિ આવશે, ગિરનાર...
08:33 PM Jul 12, 2023 IST | Vishal Dave

અહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ 

જૂનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકા નું મીઠાપુર ગામ આદર્શ મગફળી ગામ બન્યું છે, મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મીઠાપુર ગામને દત્તક લેવાયું છે અને હવે મીઠાપુર ખાતે નિકાસલક્ષી મગફળીનું ઉત્પાદન થશે, ઉચ્ચ ઓલિક મગફળીની ખેતીથી ક્રાંતિ આવશે, ગિરનાર 4 અને 5 મગફળીની નવી વેરાયટી નું મીઠાપુરમાં ઉત્પાદન થશે અને તે મગફળીનું તેલ પણ ગામમાં જ તૈયાર થશે, આમ મગફળીનું મૂલ્યવર્ધન કરીને ગામના ખેડૂતોની આવકમાં વધારો થશે.

આ નવી વેરાયટી ઓલીવ ઓઈલથી પણ વધુ ગુણકારી 

મગફળીની નવી ગિરનાર 4 અને 5 વેરાયટીનું પ્રતિ હેક્ટર ઉત્પાદન 3.5 ટન જેટલું મળે છે. ઓલીક અને લીનોલિક એસિડની માત્રામાં વધારા સાથેની આ નવી વેરાયટી તૈયાર કરવામાં આવી છે જે ઓલીવ ઓઈલથી પણ વધુ ગુણકારી છે, ગિરનાર 4 / 5 મગફળીનું તેલ કાર્ડીયાક રોગો માટે ઉપયોગી છે, ખરાબ કેલેસ્ટ્રોલમાં ઘટાડો કરશે સાથે મગફળી ની સેલ્ફ લાઈફ પણ 10 ગણી વધી જાય છે તેથી મગફળી અને મગફળી માંથી નીકળતાં તેલ તથા તેમાંથી બનાવેલા ઉત્પાદનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાશે, મગફળીની ગિરનાર 4 / 5 વેરાયટીના આગમનથી બટર અને ચોકલેટ બનાવતી કંપનીઓમાં અને વૈશ્વિક બજારમાં ભારતની મગફળીની માંગ વધશે તેથી જ તેના ઉત્પાદનમાં વધારો થાય તે દિશામાં હવે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને તેથી જ એક આખું ગામ મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા દત્તક લેવામાં આવ્યું અને તે ગામમાં હવે ગિરનાર 4 અને 5 મગફળીનું ઉત્પાદન થશે તેનું તેલ બનશે અને ઉપરાંત મગફળી માંથી બનતી વિવિધ ચીજવસ્તુઓ પણ ગામમાં બનશે. મીઠાપુર ગામ પોતાની બ્રાન્ડ થી આ વેચાણ કરશે અને દેશ અને દુનિયામાં મીઠાપુરનું નામ અંકિત થશે.

ગિરનાર 4 અને 5 મગફળીનો ઈતિહાસ

જૂનાગઢ સ્થિત દેશના એકમાત્ર નેશનલ રિસર્ચ સેન્ટર ઓફ ગ્રાઉન્ડનટ એટલે કે મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મગફળીની ગિરનાર 4 અને ગિરનાર 5 એમ બે નવી વેરાયટી વિકસાવવામાં આવી, મગફળી સંશોધન કેન્દ્રમાં વર્ષ 2011 થી આ બે નવી વેરાયટી પર સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું અને આઠ વર્ષ બાદ વર્ષ 2019 માં આ નવી વેરાયટી તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ થયું. કેન્દ્ર સરકાર દ્વારા આ સંશોધન માટે 6 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું હતું. નવી વેરાયટી તૈયાર થયા બાદ તેને કેન્દ્ર સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવી અને વર્ષ 2020 માં કેન્દ્ર સરકાર દ્વારા ગિરનાર 4 અને 5 ને પ્રથમ છ રાજ્યો ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણા માં ખરીફ પાકમાં વાવેતર માટે મંજૂરી આપવામાં આવી હતી.


સામાન્ય મગફળી અને ગિરનાર 4 અને 5 મગફળી વચ્ચેનો તફાવત

હાલની સામાન્ય મગફળીની વેરાયટીમાં ઓલીક એસિડનું પ્રમાણ 40 થી 50 ટકા છે અને લીનોલિક એસિડનું પ્રમાણ 2 ટકા છે, ત્યારે હવે વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી મગફળીની ગિરનાર 4 અને 5 વેરાયટીમાં ઓલીક એસિડનું પ્રમાણ 80 ટકા અને લીનોલિક એસિડનું પ્રમાણ 20 ટકા છે. તેલમાં ઓલીક એસિડનું પ્રમાણ જેટલું વધુ એટલું તે ફાયદાકારક, ઓલીક એસિડની માત્રા વાળા તેલથી ખરાબ કેલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે, હ્રદયરોગોમાં ફાયદો થાય છે, કાર્ડીયાક ડિસીઝમાં ફાયદો થાય છે. ઓલીવ ઓઈલમાં ઓલીક એસિડનું પ્રમાણ 75 ટકા હોય છે તેથી જ ઓલીવ ઓઈલની માંગ વધુ અને ભાવ પણ વધુ છે, પરંતુ હવે ભારતના વૈજ્ઞાનિકોએ મગફળીની ગિરનાર 4 વેરાયટી એવી વિકસાવી છે કે તેમાં ઓલીક એસિડનું પ્રમાણ 80 ટકા છે, આમ ગિરનાર 4 મગફળીનું તેલ ઓલીવ ઓઈલ થી પણ વધુ ઓલીક એસિડવાળું વધુ ગુણકારી અને ગુણવત્તાવાળું થશે.

ગિરનાર 4 અને 5 મગફળીના ફાયદા

આ મગફળીની ખાસિયત એ છે કે તેમાં ઓલીવ ઓઈલ થી પણ વધુ ન્યુટ્રીશન છે, હાલ ઓલીવ ઓઈલની માંગ વધી રહી છે, જેનો ભાવ પણ ઉંચો છે ત્યારે ઓલીવ ઓઈલમાં જે તત્વો છે અને તેનાથી જે ફાયદા થાય છે તેના કરતાં વધુ ગુણ અને તત્વોવાળી આ મગફળીની જાત ભારતમાં અને તે પણ જૂનાગઢના મગફળી સંશોધન કેન્દ્રમાં વિકસાવવામાં આવી છે. જેથી હવે ઓલીવ ઓઈલને બદલ આ મગફળીનું તેલ ઉપયોગમાં લઈ શકાશે અને ઓલીવ ઓઈલ કરતાં ભાવમાં પણ ફાયદો થશે.આ ઉપરાંત ગિરનાર 4 મગફળીમાં લીનોલિક એસિડનું પ્રમાણ વધવાથી મગફળી કે તેના તેલની સેલ્ફ લાઈફ એટલે કે ટકાઉ શક્તિ પણ વધી જશે, તેથી હવે સામાન્ય મગફળી કરતાં 10 ગણાં લાંબા સમય સુધી તે સંગ્રહ થઈ શકશે, જેમકે અત્યાર સુધી મગફળી, શિંગતેલ કે તેમાંથી બનતી બાય પ્રોડક્ટ જેટલો સમય સચવાતી હતી તેના કરતાં 10 ગણા વધુ સમય સુધી તે સાચવી શકાશે.

ગિરનાર મગફળીથી ખુલશે વૈશ્વિક બજાર ના દ્વાર

હાલ બટર અને ચોકલેટ ની ભારે માંગ છે, ખાસ કરીને પીનટ બટર અને ચોકલેટ બનાવતી કંપની વધુ ઓલીક એસિડનું પ્રમાણ ધરાવતી મગફળી ખરીદે છે, ઓછા પ્રમાણવાળી મગફળી રીજેક્ટ કરે છે, અત્યાર સુધી આપણી મગફળીમાં ઓલીક એસિડનું પ્રમાણ 40 થી 50 ટકા હોવાને કારણે વૈશ્વિક બજારમાંથી રીજેક્ટ થતી હતી પરંતુ હવે નવી ગિરનાર 4 વેરાયટીમાં ઓલીક એસિડનું પ્રમાણ 80 ટકા હોવાથી ચોકલેટ અને પીનટ બટર બનાવતી કંપનીઓ ભારતની ગિરનાર 4 મગફળી ખરીદ કરવાનું પસંદ કરશે જેનો ખેડૂતનો સીધો ફાયદો થશે, આમ આગામી સમયમાં મગફળીની ગિરનાર 4 અને ગિરનાર 5 વેરાયટી ગુણવત્તા અને વૈશ્વિક બજારની દ્રષ્ટિએ ઉપયોગી સાબિત થશે. સરકારની ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં આ મગફળી ખુબ જ મહત્વનો ભાગ ભજવશે, ખેડૂતોની મગફળી સીધી જ વૈશ્વિક બજારમાં વેચાણ થશે જેથી ખેડૂતોને ઉંચો ભાવ મળશે અને સીધો ફાયદો થશે.

ગિરનાર મગફળી ખેડૂતોને બિયારણ માટે બનાવશે આત્મનિર્ભર

મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા વિકસિત મગફળીની ગિરનાર 4 અને 5 જાતનું સંશોધન થયા બાદ તેનું બીજ ઉત્પાદન કાર્યક્રમ શરૂ થયો અને પ્રથમ પ્રાયોગિક ધોરણે ખેડૂતોને તેના બિયારણો અખતરા માટે આપવામાં આવ્યા જેમાં પણ સારા પરિણામો સામે આવ્યા, મગફળી સંશોધન કેન્દ્ર પર છ રાજ્યોને તેનું બિયારણ પુરૂં પાડવાની જવાબદારી છે તેથી દર વર્ષે ખેડૂતોને અપાતા અખતરાના બિયારણ બાદ તેમાંથી મળતાં ઉત્પાદનમાંથી પણ સારૂં બીજ પસંદ કરીને મગફળી સંશોધન કેન્દ્ર તે ખેડૂત પાસેથી બિયારણ ખરીદી કરે છે એટલું જ નહીં તેમાં સરકાર સબસિડી પણ આપે છે આમ ખેડૂત જો ગિરનાર 4 અને 5 મગફળીનું વાવેતર કરે તો પણ તેને બમણો ફાયદો થાય છે કારણ કે ઉત્પાદીત મગફળીમાંથી બિયારણનું સરકાર જ તેની પાસેથી ખરીદી કરી લે એટેલે બિયારણ તરીકેનું વેચાણ થાય તેના પણ પુરા ભાવ મળે તેમાં સબસીડીનો ફાયદો મળે અને જે મગફળી બિયારણ કાઢયા બાદ વધે તેનું ઉંચા ભાવે વેચાણ થઈ જાય આમ ખેડૂતોને ગિરનાર 4 અને 5 ના ઉત્પાદનમાં બધી રીતે ફાયદો થાય છે.

Tags :
CentergroundnutGroundnut VillageMendardaMithapurMithapur Village
Next Article