Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અધધધ-રોજની છ હજાર રોટલી વેચે છે મીનાબેન

રોટલી બનાવવામાં કૂથો હોવાથી કેટરિંગથી લઈને ઘરોમાં પણ તૈયાર રોટલીની બહુ મોટી ડિમાન્ડ છે એ જોઈને વડોદરાના ં મીના શર્માએ શિક્ષિકાની નોકરી છોડીને ઉદ્યોગસાહસ કરવાનું બીડું ઝડપ્યું. હવે વડોદરાના ખૂણે-ખૂણે વર્ષેદહાડે ૪૦ લાખ રૂપિયાની રોટલીઓ સપ્લાય કરે છે રોટલી બનાવવી...
અધધધ રોજની છ હજાર રોટલી વેચે છે મીનાબેન

રોટલી બનાવવામાં કૂથો હોવાથી કેટરિંગથી લઈને ઘરોમાં પણ તૈયાર રોટલીની બહુ મોટી ડિમાન્ડ છે એ જોઈને વડોદરાના ં મીના શર્માએ શિક્ષિકાની નોકરી છોડીને ઉદ્યોગસાહસ કરવાનું બીડું ઝડપ્યું. હવે વડોદરાના ખૂણે-ખૂણે વર્ષેદહાડે ૪૦ લાખ રૂપિયાની રોટલીઓ સપ્લાય કરે છે

Advertisement

રોટલી બનાવવી એ કળા છે અને એમાં ઘણી કડાકૂટ પણ. એટલે જ વર્કિંગ વુમન હોય, પુરુષો કે વડીલો એકલા રહેતા હોય ત્યારે લોકો દાળ-ભાત-શાક જેવી ચીજો ઘરે બનાવી લે, પણ રોટલી જો તૈયાર મળી જાય તો ભયો ભયો થઈ જાય કેમ કે શાક, કચુંબર, અથાણું, દાળ-ભાત બધુ જ હોય પણ રોટલી વગરનું ભાણું અધૂરું જ કહેવાયને! આ અધૂરી થાળીમાં રોટલી પીરસીને થાળીને પૂર્ણ કરવાનું કામ કરી કર્યું છે ઉદ્યમ સાહસી મહિલા મીના શર્માએ. તેઓ માત્ર અને માત્ર રોટલી જ બનાવે છે અને આખા વડોદરામાં ગરમાગરમ રોટલી સપ્લાય કરે છે. સો-બસો કે પાંચસો નહીં, વડોદરા શહેરમાં રોજની ૬૦૦૦ રોટલીઓ ખપે છે.

વડોદરામાં રહેતી આ મહિલાએ જોયું કે અહીં રોટલીની બહુ મોટી ડિમાન્ડ છે અને તેના મનમાં વિચાર આવ્યો કે હું આ રોટલી બનાવીને સપ્લાય કરું. આ એક વિચારે આ સાહસિક મહિલાને સફળતા અપાવી. મનમાં ઊઠેલો વિચાર અમલમાં મૂકીને મહેનત કરતાં આજે આ મહિલાની મહેનત રંગ લાવી છે અને બે પૈસા કમાઈને પરિવારને ટેકો કરવા નાનું-મોટું સાહસ કરવા માગતી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યાં છે. કેટરિંગવાળા, ટિફિન સર્વિસેવાળા, વર્કિંગ વિમેન, પી.જી.માં રહેતા ઘણાબધા લોકો મીનાબહેનની રોટલીના નિયમિત ગ્રાહક છે. શરૂઆતમાં લોન લઈને રોટલી બનાવવાનું એક મશીન લાવ્યાં પરંતુ રોટલીની ગુણવત્તાના કારણે ડિમાન્ડ વધતાં વડોદરામાં એક પછી એક એમ આજે ચાર યુનિટ સ્થાપીને રોટલીની ડિમાન્ડ પૂરી કરી રહ્યાં છે અને સાથોસાથ ૧૮ જેટલા કર્મચારીઓને રોજગાર પૂરો પાડી રહ્યાં છે.

Advertisement

રોટલીની ગુણવત્તા સાથે ક્યારેય બાંધછોડ નથી કરતી એટલે આ કામમાં સફળતા મળી છે તેમ કહીને મીનાબહેન ઉમેરે છે, ‘ક્વૉલિટીમાં હું કોઈ કૉમ્પ્રોમાઇઝ કરતી નથી. મને ખબર છે કે રોટલીની ડિમાન્ડ વધુ છે પરંતુ મારે પ્રિઝર્વેટિવનું રિસ્ક નથી લેવું, મારે હાઇજીનિક અને ક્વૉલિટીવાળી રોટલી જ લોકોને પીરસવી છે. પહેલાં મેં અકોટામાં યુનિટ શરૂ કર્યું હતું અને ડિમાન્ડ વધતી જતાં વડોદરામાં અન્ય ત્રણ જગ્યાએ રોટલી બનાવવાના યુનિટ સ્થાપ્યા છે અને ૧૮ વ્યક્તિઓ ત્યાં કામ કરે છે. મારે ત્યાંથી કેટરિંગવાળા, ટિફિન સર્વિસવાળા, વર્કિંગ વુમન તેમજ પી.જી.વાળા પણ રોટલીઓ લઈ જાય છે. ઘણી એવી પણ મહિલાઓ છે કે જેમણે તેમના ઘરે શાક બનાવી દીધું હોય અને રોટલી મારે ત્યાં આવીને લઈ જાય છે. પહેલાં તો રોટલી બનાવીને મોટા ઑર્ડર પહોંચાડવા માટે બે ટેમ્પો ભાડેથી લીધા હતા પરંતુ કોરોના સમયમાં મને રોટલીના બિઝનેસમાં સફળતા મળી એટલે મનમાં થયું કે ટેમ્પોના ભાડામાં જે પૈસા આપીએ છીએ એ પૈસા લોનના હપ્તામાં આપીએ જેથી વેહિકલ આપણું થઈ શકે એમ વિચારીને આજે મેં લોન પર બે ટેમ્પો લઈ લીધા છે. ફેસ્ટિવલ આવી રહ્યો છે ત્યારે રોટલી ઉપરાંત પરાઠાં, પૂરી અને થેપલાંના ઑર્ડર આવી રહ્યા છે એને પહોંચી વળવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.’

Advertisement

આમ જોવા જઈએ તો મીના શર્માનું ફૅમિલી બૅકગ્રાઉન્ડ રસોઈપાણી સાથે સંકળાયેલું છે. પતિ દીપક શર્મા કેટરિંગનું કામ કરે છે. તેમના પિતા રાજસ્થાનની સિવિલ હૉસ્પિટલમાં મેસ મૅનેજર હતા. તેમના સાસરી પક્ષના લોકો ઉજ્જૈનમાં નમકીન બનાવવા સાથે સંકળાયેલા. મીનાબહેને રોટલી ઉદ્યોગ શરૂ કરવાનો વિચાર કર્યો એ પછી પ્રધાનમંત્રી એમ્પ્લૉયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અરજી કરીને લોન મેળવીને નાના પાયે રોટલી બનાવવાનો ઉદ્યોગ શરૂ કર્યો હતો. મીનાબહેને કરેલી મહેનત એવી તો રંગ લાવી છે કે આજે તેઓ રેડી ટુ ઈટ રોટલીનું વેચાણ કરીને વર્ષે દહાડે ૪૦ લાખ રૂપિયાનું ટર્ન ઓવર કરે છે. વડોદરામાં અકોટામાં રહેતાં મીનાબહેન પહેલાં એક સ્કૂલમાં ટીચર હતાં, પરંતુ રોટલી બનાવવામાં એવી તો ફાવટ આવી ગઈ કે આજે તેઓ રોટી મેકર તરીકે ખ્યાતિ પામ્યાં છે.

મૂળ રાજસ્થાનનાં મીનાબહેન મહિલાઓને સંદેશો આપતાં કહે છે, ‘જેટલું થઈ શકે તેટલું કામ પોતાની જાતે કરો. ગૉસિપ કરવામાં વધુ રોકાશો નહીં, કામ કરતા રહેશો તો માઇન્ડ ઍક્ટિવ રહેશે. કોઈ કામ કરવા માટે મહિલા પોતે પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવતી હશે અને મહેનત કરશે તો સફળતા જરૂર મળશે.’

Tags :
Advertisement

.