ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Leela Mishra-વ્હાલી વ્હાલી મૌસી

Leela Mishra-એક કેરેક્ટર આર્ટિસ્ટ જે ફિલ્મને નવો આયામ આપતાં. જ્યારે આપણે કોઈ ફિલ્મ જોઈએ છીએ ત્યારે સામાન્ય રીતે કલાકારોની છબી અને તેમના યાદગાર સીન યાદ રહે છે. કેરેકટર આર્ટિસ્ટ તેની અથાગ મહેનત વડે સ્ટારોને ચમકવાનો અવસર દે છે અને તેમને...
02:47 PM May 21, 2024 IST | Kanu Jani

Leela Mishra-એક કેરેક્ટર આર્ટિસ્ટ જે ફિલ્મને નવો આયામ આપતાં. જ્યારે આપણે કોઈ ફિલ્મ જોઈએ છીએ ત્યારે સામાન્ય રીતે કલાકારોની છબી અને તેમના યાદગાર સીન યાદ રહે છે. કેરેકટર આર્ટિસ્ટ તેની અથાગ મહેનત વડે સ્ટારોને ચમકવાનો અવસર દે છે અને તેમને માટે વિવિધ ભાવનાઓ વ્યક્ત કરવાની જમીન તૈયાર કરે છે. તમને ફિલ્મ ‘શોલે’માં અમિતાભ બચ્ચનનો એ ડાયલોગ યાદ હશે જેમાં અમિતાભ ધર્મેન્દ્ર માટે સંબંધ લઈને માસી પાસે જાય છે.

અમિતાભ ધર્મેન્દ્રના વખાણ કરતી વખતે તેને શરાબી અને કોઠામાં જનારો વર્ણવે છે. આ સીન કેરેકટર આર્ટિસ્ટ Leela Mishra વિના સંભવ ન થાત. લીલાએ ફિલ્મમાં મૌેસીની ભૂમિકા ભજવી હતી અને તેઓ મૌસીના નામથી વિખ્યાત થયાં હતાં.

પરંપરાગત જમીનદાર પરિવારના હતા

લીલાનો જન્મ રાયબરેલીના જાયસમાં ૧૨ માર્ચ ૧૯૧૮માં એક સંપન્ન પરિવારમાં થયો હતો. તેઓ માત્ર ૧૨ વર્ષના હતાં ત્યારે તેમના વિવાહ રામપ્રસાદ મિશ્રા સાથે થયા જેઓ પોતે પરંપરાગત જમીનદાર પરિવારના હતા. તેઓ કૌટુંબિક પરંપરા તોડીને થિયેટર એક્ટર બન્યા, રામ પ્રસાદ ફિલ્મોમાં કરિયર બનાવવા માગતા હતા આથી  બોમ્બે ( મુંબઈ) જતા રહ્યા. લીલા મિશ્રા પણ તેમની સાથે ફિલ્મ નગરીમાં ગયાં.

દાદા સાહેબ ફાલકેના નાસિક મૂવીટોનમાં કામ કરનારા મામા શિંદેએ લીલા મિશ્રાને જોયા. તેઓ તેમની સુંદરતાથી પ્રભાવિત થયા અને તેમને જાણ થઈ કે તે એકટ્રેસ બનવા માગે છે. આ રીતે લીલા મિશ્રા અને તેમના પતિને ‘સતી સુલોચના’ (૧૯૩૪)માં મંદોદરી અને રાવણની ભૂમિકા મળી. જોકે બન્નેને કેમેરાનો અનુભવ નહોતો. આથી તેમના કરારને રદ કરવામાં આવ્યો.

પહેલી ફિલ્મના 500 રૂપિયા 

જોકે નસીબે તેમની યાત્રા પર વિરામ મૂક્યો નહીં. કોલ્હાપુરના મહારાજા દ્વારા સ્થાપિત સિનેટોન માટે કામ કરતા એક વિતરકે લીલા મિશ્રાને સ્પોટ કર્યાં. તેમને અને તેમના પતિને કોલ્હાપુરમાં લઈ જવામાં આવ્યા. ત્યાં બન્નેએ ફિલ્મ ‘ભિખારણ’ (૧૯૩૫)માં કામ કર્યું. આને માટે લીલાને ૫૦૦ રૂપિયા અને તેમના પતિને ૧૫૦ રૂપિયા મળ્યા.

લીલા મિશ્રાની પહેલી ફિલ્મ ગંગાવતરણ (૧૯૩૭) હતી. જેને માટે કંપનીએ દાદાસાહેબ ફાલકેને હાયર કર્યા. કોલ્હાપુરમાં આ તેમની છેલ્લી અને એકમાત્ર ટોકી ફિલ્મ હતી. ત્યાર બાદ તેઓ  મુંબઈમાં પાછાં ફર્યાં હતાં.

હિરોઈન બનવાની વયે તેમને મા અને માસીની ભૂમિકા

લીલા મિશ્રાને ફિલ્મ ‘હોનહાર’ ફિલ્મમાં હિરોઈનનું કામ મળ્યું. જોકે ફિલ્મમાં તેમને એક સીનમાં હીરોને ગળે મળવાનું હતું પરંતુ તેઓ રૂઢિચુસ્ત હતા અને તેઓ પતિ સિવાય કોઈ બીજા પુરુષને સ્પર્શ કરવા નહોતાં માગતાં. આથી તેમણે ફિલ્મ નકારી. આથી લીડ એકટ્રેસ તરીકે તેમની કરિયર આગળ વધી નહીં.

હોનહારના ફિલ્મના ડિરેક્ટરે હિરોઈનને બદલે તેમને હીરોની માનો રોલ આપ્યો હતો. આ ભૂમિકા સામે તેમને કોઈ વાંધો નહોતો. આથી હિરોઈન બનવાની વયે તેમને મા અને માસીની ભૂમિકા મળી. ત્યાર બાદ કલકત્તા (હવે કોલકાતા) જઈને ફિલ્મોમાં કામ કરવા લાગ્યાં. તેમણે ફાજલી બ્રધર્સની ‘કૈદી’ (૧૯૪૦), કેદાર શર્માની ‘ચિત્રલેખા’ (૧૯૪૧) અને આરસી તલવારની ‘ખામોશી’ (૧૯૪૨)માં કામ કર્યું. આ તબક્કા બાદ તેઓ

 મુંબઈ પાછાં ફર્યાં. તેમણે અહીં ‘કિસી સે ન કહના’ (૧૯૪૨) ફિલ્મ કરી. આ ફિલ્મે તેમને આગેવાન કેરેકટર એકટ્રેસ તરીકે સ્થાપિત કર્યાં. આગામી થોડા દસકા દરમિયાન લીલા મિશ્રાને આઈકોનિક ફિલ્મો મળી, પરંતુ આ બધામાં તેમણે મા કે માસીની ભૂમિકા ભજવી. આમાં બધાનાં નામો લેવા સંભવ નથી. જોકે ખાસ ઉલ્લેખ ‘અનમોલ ઘડી’ (૧૯૪૬), આવારા (૧૯૫૧),  પ્યાસા (૧૯૫૭), રામ ઔર શ્યામ (૧૯૬૭), ઉમરાવ જાન (૧૯૮૧), ‘ચશ્મેબદુર’ અને ‘કથા‘ (૧૯૮૨)નો કરવો જોઈએ.

સત્યજીત રેએ તેમની પ્રતિભાનો ઉપયોગ ‘શતરંજ કે ખિલાડી’ (૧૯૭૭)માં કર્યો 

વિવિધ ફિલ્મમેકર મહત્ત્વના કેરેકટર આર્ટિસ્ટની ભૂમિકા બજાવવા તેમના પર વિશ્ર્વાસ રાખતા હતા. તેમની લોકપ્રિયતા ફક્ત પોપ્યુલર સિનેમા સુધી સીમિત ન હતી. સત્યજીત રેએ તેમની પ્રતિભાનો ઉપયોગ ‘શતરંજ કે ખિલાડી’ (૧૯૭૭)માં હિરયાની ભૂમિકા આપીને કર્યો. સત્યજીત આગળ પણ તેમની સાથે કામ આપવા તૈયાર હતા, પરંતુ લીલા મિશ્રા  મુંબઈ છોડવા તૈયાર નહોતાં. તેમણે ‘લાજવંતી’ (૧૯૫૮)માં પણ કામ કર્યું જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પાલ્મે ડેઓર માટે નામાંકિત થઈ.

‘શોલે’ (૧૯૭૫)ની માસી

લીલા મિશ્રાએ કમ્ફોર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યાં અને બાસુ ચેટરજીની ‘બાતો બાતો મેં’ (૧૯૭૯) ઈસાઈ મહિલાના રૂપમાં નજરે આવ્યાં. જોકે આજના દર્શકો માટે તેઓે ‘શોલે’ (૧૯૭૫)ની માસીના રૂપમાં વધુ જાણીતા છે.

લીલા મિશ્રાનું અવસાન ૧૭ જાન્યુઆરી ૧૯૮૮માં  મુંબઈમાં થયું. Leela Mishra ભારતીય સિનેમા ઈતિહાસનાં એક એવાં કલાકાર તરીકે યાદ રહેશે જેમની હાજરીથી જ ભૂમિકામાં ચાર ચાંદ લાગી જાય. જેમકે ‘રામ ઔર શ્યામ’માં તેમનું લાકડીથી દિલીપ કુમારને ફટકારવું.

આ પણ વાંચો- Tanvi Aazmi -“મારા લગ્નને કારણે આખું મુંબઈ ભડકી ઉઠ્યું હતું’ 

Next Article