તિરંગાનો ભાવ અને પ્રભાવ આજીવન રહેવો જરુરી છે
લોકોની દેશદાઝ અને દેશપ્રેમથી જ દેશ મહાન બનતો હોય છે. દેશ કેવો છે એ સરવાળે તો દેશના નાગરિકો કેવા છે એના પરથી જ નક્કી થતું હોય છે. દેશ અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. હર ઘર તિરંગા અભિયાનથી દરેક ઘરની છત ઉપર તિરંગો લહેરાય છે. સોશિયલ મિડીયા પર પ્રોફાઈલમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગનો પ્રકાશ અને ઉજાસ રેલાઈ રહ્યો છે. ખુશી થવા જેવી વાત છે. સામાન્ય સંજોગોમાં પંદરમી ઓગસ્ટ હોય કે છવ્વ
11:18 AM Aug 14, 2022 IST
|
Vipul Pandya
લોકોની દેશદાઝ અને દેશપ્રેમથી જ દેશ મહાન બનતો હોય છે. દેશ કેવો છે એ સરવાળે તો દેશના નાગરિકો કેવા છે એના પરથી જ નક્કી થતું હોય છે. દેશ અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. હર ઘર તિરંગા અભિયાનથી દરેક ઘરની છત ઉપર તિરંગો લહેરાય છે. સોશિયલ મિડીયા પર પ્રોફાઈલમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગનો પ્રકાશ અને ઉજાસ રેલાઈ રહ્યો છે. ખુશી થવા જેવી વાત છે. સામાન્ય સંજોગોમાં પંદરમી ઓગસ્ટ હોય કે છવ્વીસમી જાન્યુઆરી હોય, આ રાષ્ટ્રીય તહેવાર રજામાં ખપી જતો હતો. સિમ્બોલિક ઉજવણીઓ થતી હતી. પહેલી વખત આટલા મોટા પાયે લોકોનું ઈન્વોલ્વમેન્ટ જોવા મળી રહ્યું છે.
આપણી આઝાદીને પંચોતેર વર્ષ પૂરા થયા છે. આજે દેશમાં એવા લોકોની સંખ્યા બહુ થોડી છે જેમણે પોતાની આંખે આઝાદ ભારતનો સૂરજ ઉગતો જોયો હોય. દેશ આઝાદ થયો ત્યારે ઘરે ઘરે રંગોળી રચાઈ હતી અને ઘરના દરવાજે તોરણ બંધાયા હતા. અત્યારની જનરેશને આઝાદીના સંઘર્ષની વાતો સાંભળી છે, ફિલ્મો જોઈ છે અથવા તો ક્યાંક વાંચ્યું છે. કેવું હશે એ ઝનૂન એ વિચાર આવે ત્યારે જ છાતી ફૂલી જાય અને માથું ગર્વથી ઊંચું થઈ જાય છે. આપણે બધાએ આઝાદી માટે સંઘર્ષ કરનાર અને બલિદાન આપનારનું ઋણ ચૂકવવાનું છે. સવાલ એ થાય કે, આ ઋણ કેવી રીતે ચૂકવવું? એનો સીધો સાદો અને સરળ જવાબ એ છે કે, દેશ માટે આપણાથી થાય એ બધું જ કરી છૂટવું. કંઈ ન કરી શકીએ એમ હોય તો પણ દેશના કાયદાનું પાલન કરવું, દેશ પ્રત્યે પ્રમાણિક રહેવું અને દેશ તથા દેશવાસીઓને આદર આપવો એ પણ દેશપ્રેમ જ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેરમી ઓગસ્ટથી પંદરમી ઓગસ્ટ સુધી દેશવાસીઓને આહ્વાન આપ્યું કે તમે તમારા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવજો. ભારત દેશના શહેરો અને ગામોમાં જો ડ્રોનથી તસવીરો લેવામાં આવે તો લગભગ દરેક ઘરની છત ઉપર ત્રણ રંગોનો નયનરમ્ય નજારો જોવા મળશે. ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે એપાર્ટમેન્ટની દરેક ગેલેરીમાં ટ્રાઈ કલર ફરફરતો નજરે ચડે છે. જેસીબી હોય કે ગાડું, ટ્રેકટર હોય કે ટ્રક, કાર હોય કે સાયકલ દરેક જગ્યાએ તિરંગો છવાયેલો છે.
ગુજરાતી મિડીયા જગતમાં ગુજરાત ફર્સ્ટ પહેલું એવું માધ્યમ છે જેણે હરઘર તિરંગા ઝુંબેશ ઉપાડી છે. ગુજરાતના તેંત્રીસ જિલ્લા, પંચોતેર શહેરો, 7500 બાઈકર્સ, 750 સેલિબ્રિટીઝથી માંડીને આમ આદમીની રાષ્ટ્રભક્તિની અપીલ કરતા વિડીયો અને પંચોતેર સ્પેશિયલ સ્ટોરી લઈને રાષ્ટ્રહિતમાં આખી ઝુંબેશ ચલાવી રહ્યું છે. ઉદેશ માત્ર એટલો જ છે કે, આ દેશભક્તિ કે રાષ્ટ્રપ્રેમની ભાવના આજીવન આપણી અંદર ધબકતી રહે.
દેશને ચાહવો કે દેશ માટે કંઈ કરવા માટે લડી લેવું કે સરહદે જવું એ જ એક રસ્તો નથી. દેશમાં ગંદકી ન ફેલાવવી એ પણ દેશપ્રેમ જ છે. ગંદકી માત્ર કચરાની જ નથી હોતી. ગંદકી વિચારોની પણ હોય છે. દેશના નાગરિકો માટે ઘડાયેલા કાયદાનું ઉલ્લંઘન ન કરવું એ પણ દેશપ્રેમનો જ પ્રકાર છે. એક સારા વિચારો સાથેનો સુખી પરિવાર જાળવી રાખવો અને શાંતિથી જિંદગીને માણવી એ પણ દેશ માટે કરેલાં કર્તવ્યથી કમ નથી. તમે જે કર્મ કરો છો, નોકરી કરો છો, બિઝનેસ કરો છો કે પછી લેબર વર્ક કરો છો એ પ્રમાણિકતાપૂર્વક કર્યે જાવ એ પણ દેશપ્રેમનો જ પ્રકાર છે. પ્રમાણિકતા સાથે થયેલું દરેક કર્મ એ પછી તમે કોઈપણ વિચારધારામાં માનતા હોય, કોઈપણ પક્ષને માનતા હોય કે પછી તટસ્થ હોવ તો પણ એ દેશની પ્રગતિનો જ ભાગ બની રહેવાનું છે. દેશદાઝ કે દેશપ્રેમ એ એક દિવસ કે બે દિવસ પૂરતી ભાવના બનીને ન રહી જાય એ વાત આપણે હજુ શીખવાની બાકી છે. આ લાગણી-ભાવના આજીવન બની રહે એટલો સંકલ્પ કરીએ અને તિરંગાના ત્રણ રંગના મેસેજને જીવી જાણીએ એ પણ દેશપ્રેમ જ છે. આઝાદ દેશમાં શ્વાસ લેવો એ કેવડી મોટી વાત છે એનું મહત્ત્વ સમજવું પણ દેશપ્રેમ જ છે.
jyotiu@gmail.com
Next Article