Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kalyanji–Anandji - આણંદજીએ 'કોઈ જબ તુમ્હારા હ્રદય તોડ દે' ગીત ચોર્યું

Kalyanji–Anandji -એક ગુજરાતી વાણીયાએ ૧૯૪૬માં ફિલ્મ નાગીનમાં  બિન(પૂંગી) વગાડી જેના વિના આજે પણ લગ્નનો કોઈ પણ વરઘોડો અધૂરો છે. Kalyanji–Anandji -સદીના સૂરીલા સંગીતકાર. આણંદજી વીરજી શાહ તે  કલ્યાણજી વીરજી શાહના નાના ભાઈ. મૂળ રહેવાસી-કુન્દ્રોલી,કચ્છ-ગુજરાત. કરીયાણાના વેપારી. ગીરગામમાં એમની કરિયાણાની દૂકાન....
05:38 PM Jun 22, 2024 IST | Kanu Jani

Kalyanji–Anandji -એક ગુજરાતી વાણીયાએ ૧૯૪૬માં ફિલ્મ નાગીનમાં  બિન(પૂંગી) વગાડી જેના વિના આજે પણ લગ્નનો કોઈ પણ વરઘોડો અધૂરો છે.

Kalyanji–Anandji -સદીના સૂરીલા સંગીતકાર. આણંદજી વીરજી શાહ તે  કલ્યાણજી વીરજી શાહના નાના ભાઈ. મૂળ રહેવાસી-કુન્દ્રોલી,કચ્છ-ગુજરાત. કરીયાણાના વેપારી. ગીરગામમાં એમની કરિયાણાની દૂકાન. તોલી તોલીને-જોખી જોખીને માલ આપવો એમના લોહીમાં.એવું જ સંગીતક્ષેત્રે પણ એમનું પ્રદાન.

બોલીવુડમાં સૌથી પહેલાં કીબોર્ડ-ક્લે વાયોલીન લાવનાર કલ્યાણજીભાઇ. સૌથી પહેલાં સંગીતકાર ચિત્રગુપ્તએ ‘નાગપંચમી’ ફિલ્મમાં વગવડાવ્યું. એમાં મદારીની મોરલીની ધૂન હતી જે લોકપ્રિય થયેલી.પછી ફિલ્મ ‘નાગીન’માં કલ્યાણજીભાઈએ એ જ ધૂન વગાડેલી જે અમર થઇ ગઈ. નાગીનના સંગીતકાર હતા-હેમંતકુમાર.

કલ્યાણજી આણંદજીએ સંગીતની કોઈ વિધિવત તાલીમ લીધી નહોતી

 Kalyanji–Anandji નાં બિનાકા ગીતમાલામાં દર વરસે એક સાથે છ થી સાત ગીતો રહેતાં.

મનમોહન દેસાઈની દિગ્દર્શક તરીકે પહેલી ફિલ્મ ‘છલીયા’માં કલ્યાણજી આણંદજી બેલડીએ સંગીત આપ્યું.એ પહેલાં ૧૯૫૮ થી ૧૯૬૦ સુધી બે વરસમાં છ  ફિલ્મમાં કલ્યાણજી વીરજી શાહના નામે સંગીત આપેલું. એમાં પોસ્ટબોક્ષ-૯૯૯ અને ‘બે દર્દ જમાના ક્યાં જાને’ નાં ગીતો હજી ય લોકજીભે છે.

મજાની વાત તો એ છે કે આ બે વણિક બંધુઓએ સંગીતની કોઈ વિધિવત તાલીમ લીધી નહોતી.

કલ્યાણજી કદ કાઠીમાં ઊંચા જ્યારે આણંદજી થોડા ઠીંગણા.ઊંચાઈ વધારવા એ સાયકલ ચલાવે..એમની ઉંચાઈ તો ન વધી પણ ‘ઊંચાઈ’ જરૂર વધી.

સાઉન્ડ રેકોર્ડીંગમાં ઘણી મર્યાદાઓ

એ જમાનામાં સાઉન્ડ રેકોર્ડીંગમાં ઘણી મર્યાદાઓ...પણ એ મર્યાદાઓનો ય આ Kalyanji–Anandji બેલડીએ બખૂબી ઉપયોગ કર્યો. ફિલ્મ ‘સફર’નું ગીત ‘જીંદગી કા સફર હૈ એ કૈસા સફર’ રેકોર્ડ કરતી વખતે કોણ જાણે આ માડુઓને શું સૂઝ્યું કે કિશોરકુમારને માઈકથી દૂર રહી ગાવાનું કહ્યું. પરિણામ આપણી સામે છે.ગીતનું રેકોર્ડીંગ સાંભળી કિશોરકુમાર એટલા તો ખુશ થયા કે બંને ભાઈઓને એમણે કિસ કરી લીધી,એમના ગાલ ખેંચ્યા..

નવી સંગીત બેલડીએ પગ જમાવવો અઘરૂં જ નહી અશક્ય જેવું હતું

કલ્યાણજી આણંદજી-બંને ભાઈઓ સ્વભાવે રમુજી.એ હોય ત્યાં વાતાવરણ હસતું જ હોય. બોલીવુડમાં ગળાકાપ સ્પર્ધા હતી અને રહેવાની...સામાન્ય રીતે એક સંગીતકારનું રેકોર્ડીંગ ચાલતું હોય ત્યાં બીજો કોઈ સંગીતકાર હાજર ન રહે પણ આ કચ્છીમાડુઓના રેકોર્ડીંગમાં એકાદ સંગીતકાર હાજર હોય જ અને આ માડુઓ બીજાના રેકોર્ડીંગમાં પહોંચીય જાય.

જે સમયે એસ.ડી.બર્મન,હેમંતકુમાર,મદન મોહન,નૌશાદ,શંકરજયકિશન,ઓ.પી.નય્યર જેવા ખાં સાહેબો બોલીવુડમાં રાજ કરતાં હતા ત્યાં આ નવી સંગીત બેલડીએ પગ જમાવવો અઘરૂં જ નહી અશક્ય જેવું હતું...પણ આ ભાઈઓ પાસે સુર હતો...સૂઝ હતી.

અરે,બનિયા ઔર પ્રેમપત્ર?

માડુઓમાં આણંદજી થોડા રંગીન મિજાજના.મૂળ વાણીયા એટલે બોલીવુડમાં કોઈ લફરું ન કર્યું....પણ ક્યાંક આણંદજી લાપટાયેલા. એકવાર પ્રેમિકાએ એક પત્ર મોકલ્યો જે સ્ટુડિયોમાં રેકોર્ડીંગ કરતા હતા ત્યાં હાથોહાથ કોઈ આપી ગયું. છોટે ભાઈ તો ફસાયા. સંકોચ સાથે એમણે એકાંતમાં જઈ અત્તર છાંટેલ પરબીડિયું ખોલ્યું. ગીતકાર ઇન્દીવર સંતાઈને એમની પાછળ ગયેલ. કવરમાંથી એક કાગળ અને એક ફૂલ નીકળ્યું.કાગળમાં કંઈ લખેલું નહોતું.માત્ર લીપસ્ટીકથી કરેલું હોઠનું નિશાન જ હતું. ઇન્દીવર હસી પડ્યા “અરે,બનિયા ઔર પ્રેમપત્ર??”

આણંદજી પણ ગાંજ્યા જાય એવા નહોતા એમણે તુરંત જવાબ આપ્યો “ એ ફૂલ નહિ ઇસ કા દિલ હૈ”.......અને આપણને સદાબહાર ગીત ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મૈ મળ્યું.

ઇન્દીવર અને Kalyanji–Anandji વચ્ચે મિત્ર કરતાં ભાઈઓ જેવા સંબંધ હતા. આ ભાઈઓ દરેક કલાકાર કસબીઓ સાથે માત્ર પ્રોફેશનલ નહિ પણ લાગણીથી જોડાયેલ રહેતા...ત્યાં સુધી કે બર્મનદાદા તો એમની પાસે પાપડ અને અથાણાં ય મંગાવતા.

એક અમર ગીત આણંદજીએ ચોર્યું

ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’નાં ગીતોનું રેકોર્ડીંગ પૂરું થયેલું.એ હળવાશ લઇ કોઈ કામ મશે આણંદજીભાઈ ઇન્દીવરના ઘેર ગયેલ. કવિરાજ બાથરૂમમાં હતા. આણંદજી શાંતિથી બેઠકરૂમમાં બેઠા.

રાહ જોતો બેઠેલો માણસ પાસે પડેલા મેગેઝીન કે છાપાં ફેંદે...બસ, આ વૃત્તિએ જ બાજુમાં ટીપોય પડેલી એક ડાયરી હાથમાં આવી. આણંદજી એ ફેંદતા હતા.એક પાને અટક્યા. કોઈ જોતું નથી એની ખાત્રી કરી એક પાનું ફાડી ખિસ્સામાં સરકાવી દીધું. એ ઇન્દીવરની અંગત ડાયરી હતી.નોકરને મેસેજ આપી એ નીકળી ગયા.સીધા કલ્યાણજીભાઈને ફોન કરી ઘેરથી ફેમસ સ્ટુડીઓ પર બોલાવી લીધા. કારણ કે હજી બે દિવસ સ્ટુડીઓનું બુકિંગ હતું.

બંને બોમ્બે લેબ સ્ટુડિયો પર Kalyanji–Anandji મળ્યા. એ ગીત વાંચ્યું...બાપ રે???? છલોછલ વેદના....કલ્યાણજીભાઈએ પહેલાં તો આ ગીત રેકોર્ડ કરવાની ના પાડી-કારણ? ઇન્દીવરનો અંગત મામલો હતો પણ આણંદજીએ ‘ફોડી લેવાશે’ કહી એમને સમજાવી દીધા.

‘પૂરબ ઔર પશ્ચિમ’ માટે આ ગીત તાત્કાલિક રેકોર્ડ કરવાનું નક્કી કરી નિર્માતા-નિર્દેશક મનોજકુમારને જાણ કરી. મનોજકુમારને આ માડુઓ પર ભરોસો.એ પણ સ્ટુડીઓ પહોંચ્યા....ત્યાં સુધી હાર્મોનિયમ પર તર્જ બેસાડી દીધેલી.

ગીત હતું: ‘કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે,તડપતા હુઆ જબ કોઈ છોડ દે..’

મનોજકુમાર તો અવાક...રેકોર્ડીંગ પતે નહિ ત્યાં સુધી ઇન્દીવરને જાણ ન કરવી એમ નક્કી કરી લીધું.

ગીતના મૂડ પ્રમાણે ઓછામાં ઓછા વાદ્યો રાખવાનું નક્કી થયું. ફ્લ્યુટ,ગીટાર અને બિલકુલ હળવી રીધમ જ વાપરવાનું નક્કી થયું. આવા ગીતના ગાયકમાં તો મુકેશ જ હોય એ સ્વાભાવિક છે.

સાઉન્ડ રેકોર્ડીસ્ટ રેકોર્ડિંગમાં અસહજ

નિર્ધારિત સમયે બપોરે ત્રણ વાગ્યે રેકોર્ડીંગ ચાલુ થયું. મુશ્કેલી તો ત્યાં થઇ કે સો દોઢસો વાદ્યો વાળી ઓરકેસ્ટ્રાના રેકોર્ડીંગથી ટેવાયેલ સાઉન્ડ રેકોર્ડીસ્ટ અસહજ બની ગયેલો.એવું જ ખૂદ સંગીતકાર બેલડી માટે હતું. મુકેશ તો સાવ અસહજ હતા.ત્રીસેક રીટેક થયા.

આણંદજીભાઈ તો મુકેશ અને મન્ના ડેને ડીઝલ એન્જીન જ કહેતા.. ડીઝલ એન્જીન ગરમ થાય પછી વેગ પકડે.એવું જ  મુકેશ માટે. થોડા રીટેક થાય પછી જ ગળામાંથી મુકેશ નીકળે. આખરે,બધાને સંતોષ થાય એવું પરિણામ મળ્યું...ત્યારે પરોઢના ચાર વાગી ગયેલા.

કાનમાં માત્ર ગીટાર ફ્લ્યુટ જ ગુંજ્યા કરતી

રેકોર્ડીંગ ટ્રેક સંભાળવાની તૈયારી નહોતી કારણ તદ્દન નવો પ્રયોગ હતો.બધા બોમ્બે લેબ,તારદેવથી ચર્ચ ગેટ સ્ટેશને ગયા. .ત્યાં આવા કટાણે પણ ચાકોફી મળતી.બધા ચા પીને છુટા પડ્યા.

બે દિવસ તો બેમાંથી એકે ય ભાઈ સ્ટુડીઓ પર ન ગયા. કાનમાં માત્ર ગીટાર ફ્લ્યુટ જ ગુંજ્યા કરતી...પણ જ્યારે એમણે અનમિક્ષ વર્ઝન સાંભળ્યું કે ઝૂમી ઊઠ્યા...વાહ વાહ થઇ ગયું....???!!!!

આજે ય ‘કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે’ ગીત એટલું જ તાજું લાગે...

પણ ઇન્દીવરને ખબર પડી ત્યારે શું થયેલું?

કવિ નારાજ થયા.સખત નારાજ થયેલ પણ કલ્યાણજીભાઈએ એમને મનાવી લીધા. ઇંદિવર  રિસાયેલ હતા ત્યારે આણંદજી ‘કોઈ જબ તુમ્હારા ગીત ચોર કે..” ગાય અને ઇંદિવર વધુ ભડકે. આખરે તો હતા તો મિત્રો.. અને આમ હિન્દી ફિલ્મોનું એક અમર ગીત સર્જાયું.

Next Article