અંબાજી મંદિરમાં આજે આઠમ નીમિતે જવેરા વિધિ યોજાઇ , આખુ પરિસર ભક્તોથી છલકાયું
અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. જે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠોમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી મંદિરમાં માઈ ભક્તો દૂરદૂર થી માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે. આજે આઠમે સવારે 6 વાગે મંગળા આરતી કરવામા આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ત્યારબાદ આખુ મંદિર પરિસર ભક્તોથી ગુંજી ઉઠ્યું હતું.બોલ મારી અંબે જય જય અંબે નો નાદ અરવલ્લી પર્વતમાળામાં સાંભળવા મળ્યો હતો.
આજે બપોરે 12 વાગે રાજભોગ થાળ માતાજીને ધરાવવામાં આવ્યો હતો.ત્યારબાદ ઘટ સ્થાપનની જગ્યાએ જવેરા વિધી યોજાઈ હતી..અંબાજી મંદિરમાં નવરાત્રી પર્વમાં દર્શનનું વિશેષ મહત્વ હોય છે. નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવે છે. પ્રથમ દિવસે ઘટ સ્થાપન કરવામાં આવે છે અને બીજથી આઠમ સુઘી સવારે 2 મંગળા આરતી કરવામા આવે છે.પ્રથમ આરતી ગર્ભગૃહ ની અંદર થાય છે, ત્યારબાદ ઘટ સ્થાપન પાસે બીજી આરતી ભટ્ટજી મહારાજના હસ્તે કરવામાં આવે છે. આઠમના દિવસે આ જવેરાનુ વિસર્જન કરવામાં આવે છે. ઝવેરાને માતાજીને ધરાવ્યા બાદ હવનમાં ચઢાવવામાં આવે છે.
ગબ્બર ખાતે માઈ ભક્તોની ભારે ભીડ :-
અંબાજી આવતા માઈ ભક્તો ગબ્બર ખાતે દર્શન કરવા જતા હોય છે, ત્યારે ગબ્બર ખાતે માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મા અંબાના મંદિરમાં દર્શન કર્યા બાદ ભક્તો ગબ્બર ખાતે અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે.