Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશને જરુર પડે તો તમે દેશ માટે લડવા જાવ?

વિટાલી કિલટસ્કો, વ્લાદિમીર કિલટસ્કો, કિરા રુડીક, એરિયાવા-સિલાટોસ્લોવ,એન્ટાસિયા લિએના, લેસિયા વાસિલેન્કો આ બધાં નામોમાં કંઈક ખાસ છે. આ તમામ યુક્રેનના નાગરિકો છે. આ નામો તો સોશિયલ મિડીયામાં જાહેર થયાં છે આ સિવાય સવા લાખથી વધુ યુક્રેનવાસીઓ દેશની મદદે આવ્યાં છે. બીજી માર્ચે આ લખાય છે ત્યારે રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો તેને એક અઠવાડિયું થયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતàª
દેશને જરુર પડે તો તમે દેશ માટે લડવા જાવ
વિટાલી કિલટસ્કો, વ્લાદિમીર કિલટસ્કો, કિરા રુડીક, એરિયાવા-સિલાટોસ્લોવ,એન્ટાસિયા લિએના, લેસિયા વાસિલેન્કો આ બધાં નામોમાં કંઈક ખાસ છે. આ તમામ યુક્રેનના નાગરિકો છે. આ નામો તો સોશિયલ મિડીયામાં જાહેર થયાં છે આ સિવાય સવા લાખથી વધુ યુક્રેનવાસીઓ દેશની મદદે આવ્યાં છે. બીજી માર્ચે આ લખાય છે ત્યારે રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો તેને એક અઠવાડિયું થયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત આખી દુનિયાને એમ હતું કે, નાનકડું યુક્રેન બે દિવસમાં ઘૂંટણીયે પડી જશે. પણ એવું થયું નથી. યુક્રેનવાસીઓની હિંમત, ઝનૂન, દેશદાઝ અને રાષ્ટ્ર માટે મરી ફીટવાની લાગણીએ દુનિયામાં અનેક લોકોના દિલ જીતી લીધાં છે.  
કીવમાં કૃત્રિમ પગ સાથે ગન લઈને ઉભેલો યુવક હોય કે તાજું પરણેલું યુગલ એરિયાવા- સિલાટોસ્લાવ હોય આ તમામ લોકોના દેશપ્રેમ માટે આપણને આદર થઈ આવે તેમ છે. યુક્રેનના મહિલા સાંસદે તો ત્યાં સુધી કહ્યું કે, વિદેશીઓને યુક્રેનવતી લડવું હોય તો એમને વિઝાની જરુર નથી. એક કોમેડિયનને જ્યારે યુક્રેનની પ્રજાએ સત્તા સોંપી ત્યારે આખી દુનિયામાં આ સમાચારો બહુ આવેલાં કે, હવે એક કોમેડિયન દેશ ચલાવશે. પણ આ કોમેડિયન વોલોડીમીર જેલેન્સ્કી આજે વૉર હીરો બની ગયાં છે. તેમનાં મજબૂત મનોબળે અને સંદેશાઓએ આખા યુક્રેનમાં એક અનોખો પ્રાણ ફૂંક્યો છે. ભારતીય ફિલ્મ પુષ્પાના જાણીતા સંવાદ સાથેના મીમ પણ વાયરલ થયેલાં કે, જેલેન્સ્કી ઝૂકેગા નહીં...  
 યુદ્ધ ખરેખર તો મનથી લડાતું હોય છે અને મજબૂત મનોબળથી જીતાતું હોય છે. દુનિયામાં બહુ જ વંચાયેલા અને વેચાયેલા પુસ્તક સેપિયન્સના યહૂદી લેખક યુવલ નોઆ હરારીએ વિચારતાં કરી મૂકે તેવો લેખ ધ ગાર્ડિયનમાં લખ્યો છે.  તેમાં એમણે એક વાત સરસ કહી છે કે, પુતિન શસ્ત્રોની મદદથી આજે નહીં તો કાલ યુક્રેન પર જીત મેળવી લેશે. આ જીત દેશ પરની જીત હશે. કદાચ એ આખા યુક્રેનને કબજે કરીને સત્તા સ્થાપશે અને રાજ કરશે પણ યુક્રેનવાસીઓના દિલ પર એ કદીય રાજ નહીં કરી શકે.   
યુદ્ધ લડવા માટે તાલીમ લેતાં નાગરિકો અને શસ્ત્રો મેળવવા માટે લાઈનબદ્ધ ઉભા રહેલાં યુક્રેનવાસીઓના ફોટાં જોઈને એક સવાલ થયો કે, શું ભારતમાં આવી કોઈ કટોકટી આવે તો આપણાં દેશના નાગરિકો દેશ માટે યુદ્ધ લડવા જાય ખરાં? આ સવાલ મનમાં આવ્યો ત્યારથી અનેક યુવક-યુવતીઓને મેં પૂછ્યું, માનો કે, ચીન કે પાકિસ્તાન આપણાં દેશ ઉપર હુમલો કરે તો તમે લડવા જાવ?  
બહુ  મિક્સ જવાબો મળ્યાં. એક યુવકે ચોખ્ખું કહ્યું, યુદ્ધ લડવું એ આપણું કામ નથી. એ તો સૈનિકો લડે. મને જે આવડે છે એમાંથી હું દેશને જરુર પડે ત્યારે એ આવડત સેવા કરવામાં વાપરું પણ ગન ઉપાડીને ફાયરિંગ કરવું એ મારું કામ નથી.  એક યુવતીએ કહ્યું, કોઈ વિચાર કર્યા વગર હું તો કફન બાંધીને નીકળી પડું. દેશની સેવા કરવાનો મોકો દરેક નાગરિકને નથી મળતો હોતો.  હજુ કૉલેજમાં પહેલો પગ મૂક્યો છે એવો યુવક કહે છે કે, મને સહેજ તાલીમની જરુર પડે. બાકી હું જરુર પડે તો ચોક્કસ દેશ માટે લડવા જાઉં.  એક યુવતીએ કહ્યું, એકે 47 મળે તો પહેલાં તો હું ફોટો પાડીને સોશિયલ મિડીયા પર અપલૉડ કરું અને પછી લડવા નીકળી પડું.  
એક યુવકે કહ્યું કે, અહીં સ્કૂટરમાંથી કોઈ વાર ફટાકડાં જેવો એવાજ આવે તો પણ લોકો ડરી જાય છે. દિવાળી ઉપર સુતળી બોંબ ફોડવામાં લોકો ડરતાં હોય છે એ લોકો શું દેશ માટે શસ્ત્રો ઉઠાવી શકવાના? આપણી ગુજરાતી પ્રજા શાંત પ્રકૃતિ અને વેપાર કરનારી છે. આપણે લોકો યુદ્ધ ન લડી શકીએ. 
બે-બે યુદ્ધ અનુભવી ચૂકેલાં એક વડીલ કહે છે, બ્લેક આઉટ અને સતત યુદ્ધનો અનુભવ કરાવતી સાયરનનો અવાજ સાંભળવો સૌથી વધુ દુઃખદાયક છે.  દુશ્મન દેશના વિમાનો અને સૈનિકો આપણી ધરતી ઉપર બોંબ વરસાવે કે હુમલો કરે ત્યારે બચવાનો કોઈ રસ્તો ન હોય એ લાચારી બહુ ખરાબ અનુભૂતિ છે. એટલે જ મને લાગે છે કે, આપણાં દેશે ઈઝરાયલની જેમ દરેક નાગરિક માટે લશ્કરી તાલીમ ફરજિયાત કરી દેવી જોઈએ. આપણો ભારત દેશ આખી દુનિયામાં સૌથી વધુ યુવાનોની વસતિ ધરાવતો દેશ છે. જો આપણો દેશ ફરજિયાત લશ્કરી તાલીમ કરે તો દુનિયામાં સૌથી લશ્કરી તાલીમ લેનારા યુવક-યુવતીઓ આપણી પાસે હશે.  
યુદ્ધ શરુ થયું એ સમયે શરાબની બોટલમાં કંઈક ભરતાં હોય એવી તસવીરો બહુ જ વાયરલ થઈ હતી. બગીચામાં, મેટ્રો સ્ટેશનમાં કે તંબુમાં  લોકો શરાબની ખાલી બોટલ શોધતાં નજરે પડેલાં. આ તમામ લોકો મોલોટોવ કોકટેલ બનાવવા માટે ખાલી બોટલ એકઠી કરતાં હતાં. બીજા વિશ્વયુદ્ધ વખતે હાથવગો પેટ્રોલ બોંબ એટલે મોલોટોવ કોકટેલ. શરાબ અને જ્વલનશીલ પ્રવાહીને મિક્સ કરીને એક કપડાંના ડૂચાંથી બોટલને બંધ કરી દેવાની. બોટલ પર કપડાંના ટુકડાંને આગ ચાંપવાની અને એ બોટલ દુશ્મનો પર ફેંકી દેવાની. બહુ થોડી જ સેકન્ડ્સમાં આ બોટલ બોમ્બની જેમ ફાટે છે.  
યુક્રેનવાસીઓ પોતાના દેશ માટે બને એટલું કરવા તૈયાર છે. આ યુક્રેનવાસીઓના આ મનોબળ ઉપર આખી દુનિયાના લોકોનું દિલ આવી ગયું છે. યુક્રેનના દરેકે દરેક નાગરિકને પોતાના દેશ માટે અમાપ પ્રેમ છે. દેશે આપણને ઘણું આપ્યું આપણે દેશને શું આપી શકીએ, આપણે દેશ માટે શું કરી શકીએ ?  બસ આ એક વિચાર સાથે યુક્રેનવાસીઓ પોતાના માથાં પર કફન બાંધીને  નીકળી પડ્યાં છે.  
શું તમે તમારા લાડકવાયાંને આ રીતે દેશ માટે લડવા મોકલી શકો? શું તમે આ રીતે દેશ માટે લડવા નીકળી શકો? બસ જાતને એક સવાલ કરજો કે, દેશને જરુર પડે ત્યારે તમે શું કરી શકો એમ છો? પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રગીત ગાઈ લેવાથી કે ઝંડો ફરકાવી દેવા સિવાય પણ દેશ માટે આપણી કોઈ ફરજ હોય છે એ વાત વિચારવા જેવી છે.
Advertisement
Tags :
Advertisement

.