ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોઈ ગણતરીથી જો મળી જતો હોય તો એ ઈશ્વર શાનો?

ધર્મનો રસ્તો ઈશ્વર તરફ જતો નથી, તો પછી ઈશ્વર તરફ જવાનો કોઈ રસ્તો ખરો? આ પ્રશ્નનો જવાબ છે ના. સ્પષ્ટ ના. કોઈ રસ્તો ઈશ્વર તરફ જતો નથી અને ધર્મનો રસ્તો તો જતો જ નથી. આ જવાબ તમને પ્રથમ નજરે નાસ્તિકવાદી...
12:40 PM Nov 18, 2023 IST | Kanu Jani

ધર્મનો રસ્તો ઈશ્વર તરફ જતો નથી, તો પછી ઈશ્વર તરફ જવાનો કોઈ રસ્તો ખરો? આ પ્રશ્નનો જવાબ છે ના. સ્પષ્ટ ના. કોઈ રસ્તો ઈશ્વર તરફ જતો નથી અને ધર્મનો રસ્તો તો જતો જ નથી. આ જવાબ તમને પ્રથમ નજરે નાસ્તિકવાદી લાગશે, પણ જવાબ સાચો છે.
ઈશ્વર તરફ જવાનો કોઈ રસ્તો હોય તો એ રસ્તાનું માપ હોવાનું, મર્યાદા હોવાની. રસ્તો આટલો લાંબો છે, ટૂંકો છે, મુશ્કેલ છે, સહેલો છે. આવા કોઈ પણ માપમાં એ રસ્તો બંધાશે અને માપ હશે તો એને પાર કરવા માટેની મહેનત અને શક્તિની ગણતરી માંડી શકાશે. આટલી શક્તિથી આટલી મહેનત કરો એટલે રસ્તો કાપી લઈ શકાય. બાળપણમાં ગણિતના પ્રશ્નો આવતાને?

એક ખેતર વાવતા બે માણસોને ૨૦ કલાક લાગે તો છ માણસોને કેટલો સમય લાગે? અથવા ૧૦૦ કિલોમીટરનો રસ્તો કાપવામાં પાંચ હૉર્સપાવરની ગાડીને બે કલાક લાગે તો વીસ હૉર્સપાવરની ગાડીને કેટલા કલાક લાગે? બરાબર આવું જ. બે મણ પુણ્ય કરો, પાંચ યાત્રા કરો, ત્રેસઠ ઉપવાસ કરો, ત્રેવીસ લાખનું દાન દો, સવા કિલો કરુણા રાખો, ૧૦૦ ગ્રામ સમતા રાખો, રોજ દસ મિનિટ લેખે સાડીસત્તર વર્ષ ધ્યાન કરો, ધર્મગ્રંથનાં એક હજાર આઠસો પાનાં તેંત્રીસ વખત વાંચો, મંદિરના પગથિયે સાતસો સિત્તોતેર વખત માથું અડાડો, એક હજાર દંડવત કરો, પૂજારીઓને અમુક રૂપિયા આપો, પાંચ યજ્ઞ અને પચીસ હવન કરો એટલે ઈશ્વર સુધી પહોંચી જવાય.

કોઈ ગણતરીથી જો મળી જતો હોય તો એ ઈશ્વર શાનો?

જો માર્ગનું માપ હોય તો આવી ગણતરી માંડી શકાય અને આવી કોઈ ગણતરીથી જો મળી જતો હોય તો એ ઈશ્વર શાનો? આ તો સીધો જ કર્મવાદ થયો. ગણિત થયું. આટલું કરો એટલે આટલું મળે, આટલું કરો એટલે ઈશ્વર મળે. કર્મવાદને જો સંપૂર્ણપણે લાગુ કરવામાં આવે તો તે ઈશ્વરનો છેદ ઉડાડી નાખે. કર્મવાદ ઈશ્વરનો એક્ઝૅક્ટ વિરોધી છે. સંપ્રદાયોના રસ્તા ગણતરીના છે. એ વિધિઓ અને નિયમોમાં ચાલનાર સંસ્થાઓ છે. માણસને સારો માણસ બનાવવા અને સારો ટકાવી રાખવા માટે સંપ્રદાયો જરૂરી છે, ઉપયોગી છે, પણ શુદ્ધ પરબ્રહ્મ સુધી તો એ નથી જ પહોંચાડી શકે એમ.
ઈશ્વર શું છે, તેને કેમ પામવો એ પ્રશ્ન માણસની અંદર પહેલેથી જ મૂકેલો છે, ડિફૉલ્ટ છે.

જગતમાં જન્મનાર દરેક માણસને આ પ્રશ્ન થાય જ છે, પણ માણસની સમસ્યા એ છે કે ઈશ્વરને જાણવા, સમજવા, પામવા માટે કોઈ અલગ નિશ્ચિત વ્યવસ્થા નથી. માણસને એન્જિનિયર, ડૉક્ટર, વકીલ, ઉદ્યોગકાર બનવું હોય તો તેનું શિક્ષણ છે, પણ ઈશ્વરને મેળવવા માટેનું શિક્ષણ આપવાની કોઈ વ્યવસ્થા નથી. તમે ઉતાવળે કહેશો કે ધર્મો છેને. પણ જરા ખમો. સંપ્રદાય, જેને આપણે ધર્મ કહીએ છીએ એ આવી વ્યવસ્થાનો આભાસ ઊભો કરનાર માત્ર છે, વ્યવસ્થા નથી.

સંપ્રદાયો માણસને આસ્થાળુ બનાવે, ધાર્મિક નહીં

સંપ્રદાયો માણસને આસ્થાળુ બનાવે, ધાર્મિક નહીં. એ માણસને વિધિવિધાન શીખવે, ઈશ્વર નહીં. જેકોઈ માણસને પ્રશ્ન થાય કે ઈશ્વર શું છે, તેને કેમ પામવો, તેને કેમ જાણવો, તેને કેમ સમજવો એટલે કે તે માણસ એમાં મદદ કરી શકે એવી વ્યવસ્થા શોધવા માટે પ્રયત્ન કરે અને તરત જ તેની નજર સામે સંપ્રદાય આવે. વ્યવસ્થા તો એવી જડબેસલાક છે કે માણસનો જન્મ જ કોઈ એક સંપ્રદાયના અનુયાયી તરીકે થાય, એટલે બંધાયેલો જ જન્મે. તેને ઈશ્વર વિશેનો પ્રશ્ન થાય તો ક્યાં જવું એની વ્યવસ્થા હોય જ, પોતાના સંપ્રદાયમાં જઈને પૂછે અને આ બધા વાડાઓમાં તો દરેક પ્રશ્નના તૈયાર જવાબ અને વિધિઓ હોય જ છે. એ તો વિવેકાનંદ જેવો કોઈ વીરલો જ પાકે જે ઈશ્વર કોણ છે એનો જવાબ ન મળે ત્યાં સુધી એકથી બીજા ગુરુ પાસે ભટકતો રહે. સામાન્ય માનવી પાસે તો પોતાનો સંપ્રદાય જ જવાબ આપવા માટે હોય એટલે તેની શોધ ત્યાં પૂરી થઈ જાય. એને સમજાવી દેવામાં આવે કે એટલું કર, તને ઈશ્વર મળી જશે. આખી જિંદગી એ માણસ ભ્રમમાં જીવે કે આટલું કરવાથી ઈશ્વર મળી જશે. તેનો વિશ્વાસ સાચો હોય, પણ રસ્તો ખોટો હોય. વ્યવસ્થા તો એવી ગોઠવી છે તેમણે કે માણસને પ્રશ્ન જ ન થાય કે ઈશ્વર શું છે, પ્રશ્ન થાય એ પહેલાં જ તેમણે વારંવાર જવાબ આપી દીધા હોય છે. માણસ સમજણો થાય એ પહેલાંથી જ જવાબ અપાઈ ગયા હોય તેને. ઈશ્વર વિશેની એક સજ્જડ માન્યતા માણસ સમજણો થાય ત્યાં સુધી તેના મનમાં બની ગઈ જ હોય.
શું આપે છે સંપ્રદાયો? માત્ર આશા અને આશા પણ અનંત અને લાંબી

આ જન્મ જ નહીં, જન્મજન્માંતરના ફેરા સુધીની આશા આપી દેવામાં આવે. આશાના તાંતણે માણસને તેઓ આખી જિંદગી બાંધી રાખે છે. મૃત્યુની ઘડી સુધી માણસ એ ભ્રમમાં બંધાયેલો રહે છે. એવું પણ નથી કે સંપ્રદાયો ઈશ્વરને જાણવા પ્રયત્ન કરતા નથી. કરે છે, પણ સમસ્યા એ છે કે ઈશ્વરને જાણવા માટે તેમની પાસે માત્ર કોરી કલ્પનાઓ જ છે. સંપ્રદાયોના સ્થાપક મહાપુરુષોએ જે સમજાવ્યું એમાં કલ્પનાઓનો એટલો ઉમેરો કરી નાખવામાં આવ્યો હોય કે સત્ત્વ કે તત્ત્વ બચે જ નહીં. જગતના જેટલા પ્રબુદ્ધ પુરુષો થઈ ગયા તેઓમાંના મોટા ભાગનાએ પોતાની સાથેની પેઢી અને ભવિષ્યની પેઢીને પોતે જે પામ્યા છે એ સમજાવવા કોશિશ કરી છે, પણ એમાં સફળતાનો રેશિયો ખૂબ જ ઓછો, અત્યંત ઓછો છે. બુદ્ધ પછી બોધિસત્ત્વ થયા. પછી પૂર્ણવિરામ. આવું અન્યની બાબતે પણ થયું છે.

કારણ બે છે; પ્રથમ, મૂળ તત્ત્વને શબ્દથી સમજાવી શકાતું નથી, બીજું, માર્ગ બતાવવો પડે, બનાવવો પડે અને માર્ગ અસ્તિત્વમાં આવે એટલે ઈશ્વર ત્યાંથી અલોપ થઈ જાય. ઈશ્વર અમાર્ગી છે. ઈશ્વર સુધી પહોંચવાનો કોઈ માર્ગ નથી. ઈશ્વર સુધી પહોંચવા માટે કોઈ પ્રયાસની જરૂર જ નથી. માર્ગની જરૂર પડે, પણ જો તે ત્યાં જ હોય તો માર્ગની જરૂર ન રહે.

વાસ્તવમાં માણસ ક્યારેય ઈશ્વરને શોધી શકતો નથી

વાસ્તવમાં માણસ ક્યારેય ઈશ્વરને શોધી શકતો નથી, ઈશ્વર જેવો બની જાય છે, ઈશ્વરસમ બની જાય છે. ઈશ્વર તમારી અંદર ઊઘડે છે, તે મળતો નથી. ઈશ્વર તમારી અંદર પ્રગટે છે, તેને શોધી શકાતો નથી. જો ઈશ્વર શોધી શકાય એટલી મર્યાદા ધરાવતો હોય તો તેને ઈશ્વર કહી શકાય નહીં. ઈશ્વર અમર્યાદ છે. તે સઘળે છે અને ક્યાંય નથી. એ કણેકણમાં છે અને કણેકણથી પર છે. તેને કોઈ આકાર ભલે નથી, સર્વ આકારોમાં તે છે. તેને કોઈ શરીર નથી, પણ સર્વ શરીરોમાં તે છે. તેને કોઈ માપ નથી, પણ સર્વ માપમાં તે છે. તેને પોતાના સુધી પહોંચાડતા રસ્તાની જરૂર નથી.
માણસની સમસ્યા એ છે કે આવા ઈશ્વરને ભજવો કેમ? દરેક માણસને, પછી તે ગમે તે ધર્મ-સંપ્રદાયનો હોય, એકેશ્વરવાદમાં માનતો હોય, નિરાકાર ઈશ્વરમાં માનતો હોય, સાકાર પ્રભુમાં માનતો હોય, નિર્ગુણ ભગવાનમાં માનતો હોય કે સગુણમાં આસ્થા હોય, તમામને ઈશ્વર ભજવો છે, તેની પ્રાર્થના કરવી છે, સ્તુતિ કરવી છે, ભક્તિ કરવી છે. ઈશ્વર પ્રત્યેનો અહોભાવ તેને ભક્તિ માટે પ્રેરે છે અને એ સ્વાભાવિક છે, પણ એને કારણે એ વિધિ, માર્ગ, પદ્ધતિનો આશરો લે છે અને ઈશ્વર છટકી જાય છે. ઈશ્વરને પામવા માટે રસ્તાની નહીં, તેને સમજવાની જરૂર હોય, તેનામાં ઓગળવાની જરૂર હોય. સાગરના મોજામાંથી છૂટું પડેલું પાણીનું ટીપું જેમ સાગરમાં સમાઈ જાય એમ. પણ એ  સમાવા માટે જે સજ્જતા મેળવવી પડે, કેળવવી પડે, અને એ ભગવદ્ગીતામાં કહ્યું છે એમ ‘અભ્યાસેન તુ કૌન્તેય’, 
અભ્યાસથી મળે.

Tags :
આસ્થાભક્તિ
Next Article
Home Shorts Stories Videos