Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કંઈ લખતા કે બોલતા પહેલાં કેટલું વિચારો છો?

લોકો ટ્રોલ કરવામાં કંઈ બાકી નથી રાખતા એટલે કંઈ પણ પોસ્ટ કરતાં પહેલાં બહુ વિચાર કરવો પડે છે. આ શબ્દો છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના. કેબીસી 14ના સેટ ઉપર એમણે વાત કહી કે, મેં મારો બ્લોગ બનાવ્યો. ધીમે ધીમે એમાં લખતો થયો. લોકો જોડાતાં ગયા. એમને ગમ્યું તે એમણે વખાણ્યું. અને ન ગમ્યું ત્યારે મને ટ્રોલ કરવામાં કંઈ બાકી ન રાખ્યું. એટલે જ સોશિયલ મીડિયા પર કંઈ પણ મૂકતા પહેલાં હું ખૂબ જ વિચારું છુà
કંઈ લખતા કે બોલતા પહેલાં કેટલું વિચારો છો
લોકો ટ્રોલ કરવામાં કંઈ બાકી નથી રાખતા એટલે કંઈ પણ પોસ્ટ કરતાં પહેલાં બહુ વિચાર કરવો પડે છે. આ શબ્દો છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના. કેબીસી 14ના સેટ ઉપર એમણે વાત કહી કે, મેં મારો બ્લોગ બનાવ્યો. ધીમે ધીમે એમાં લખતો થયો. લોકો જોડાતાં ગયા. એમને ગમ્યું તે એમણે વખાણ્યું. અને ન ગમ્યું ત્યારે મને ટ્રોલ કરવામાં કંઈ બાકી ન રાખ્યું. એટલે જ સોશિયલ મીડિયા પર કંઈ પણ મૂકતા પહેલાં હું ખૂબ જ વિચારું છું.  
સોશિયલ મીડિયા અને એના પરના તમામ પ્લેટફોર્મ આજકાલ અભિવ્યક્તિના સૌથી મોટા આધાર બની ગયા છે. મનમાં આવ્યું અને લખી નાખ્યું કે પછી મનમાં જે આવ્યું એ લખી નાખ્યું આ બંનેમાં બહુ મોટો ફરક છે. અમિતાભ બચ્ચન પણ અભિવ્યક્તિ બાદ થયેલી ટીકામાંથી બાકાત નથી રહ્યા. લગભગ દરેક વ્યક્તિ સાથે બનેલી ઘટના છે કે, સોશિયલ મીડિયા પર વ્યક્ત થાવ પછી ક્યારેક તો કોઈક તમને ટ્રોલ કરી જ દેતું હોય છે. આપણાં વિચારો સાથે બધાં જ સહમત થાય એ જરુરી નથી. પરંતુ, સમસ્યા એ છે કે, આપણે આપણી ટીકાને સ્વીકારી નથી શકતાં. ક્યારેક કંઈક લખ્યું હોય કે વ્યક્ત થયા હોય અને પચાસ સારી કમેન્ટ આવી હોય પણ જો એક ખરાબ કમેન્ટ આવી હોય તો આપણે એ પચાસ સારી કમેન્ટને ભૂલીને એ એકાવનમી ખરાબ કમેન્ટના કારણે દુઃખી થઈ જઈએ છીએ કે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ.  
સોશિયલ મીડિયામાં દરેક પ્રકારના લોકો હોવાના. ઘણી વખત તો કોણ કેવું છે એની પરખ અને ઓળખ પણ સોશિયલ મીડિયા પર થઈ જાય છે. તો ક્યારેક એવું લાગે છે કે, અમુક તમુક વિચારોવાળી વ્યક્તિ હકીકતમાં કંઈક જુદી જ હોય છે. આ એક આભાસી પ્લેટફોર્મ ક્યારેય આપણને કોઈની સાચી ઓળખ આપે છે કે, કેમ એ સૌથી મોટો સવાલ છે.  
કોઈ હકીકત, કોઈ બનાવ, કોઈ દુર્ઘટના કે કોઈ દર્દ, કોઈ અન્યાય કે પછી કોઈ પણ વિષય પર તમે તમારો વિચાર રજૂ કરો ત્યારે એની સાથે સહમત થનારા અને અસહમત થનારા લોકો હોવાના જ. ઘણી વખત જાહેરમાં પ્રતિભાવ ન આપનારા લોકો દિલથી તમારી નજીક હોય છે અને એ જ થોડાં લોકો હોય છે જે તમારું દિલથી સારું ઈચ્છતા હોય છે. પરંતુ આ આભાસી દુનિયાનું ગ્લેમર ઘણીવખત પોતાના અને પારકાં વચ્ચેનો ભેદ નથી પારખવા દેતું.  
આજના સમયમાં કંઈ જ છૂપું નથી. કોઈનાથી કંઈ સંતાડીને કંઈ થઈ શકતું નથી. પેટમાં રહેલી વાત વ્યક્ત ન કરો ત્યાં સુધી જ એ તમારી છે. એક વખત વાત વહેતી થઈ ગઈ પછી એની દિશા નક્કી નથી રહેતી. કંઈ છૂપાવીને કરીએ તો છેલ્લે કલોઝ સર્કિટ ટેલિવિઝન મતલબ કે સીસીટીવી બોલી દે છે. એ પણ ન બોલે તો તમારા મોબાઈલના સિગ્નલ્સ તમારી હાજરીની ચાડી ખાઈ જાય છે. એક વ્યક્તિનો બીજા વ્યક્તિ પરથી ભરોસો ઉઠી રહ્યો છે. એમાંય જ્યારે અતૂટ લાગતા સંબંધો પણ વોટ્સ એપ કોલ કે ફેસટાઈમ કરે ત્યારે સંબંધો કરતા ટેકનોલોજી વધુ પાવરફૂલ લાગે છે.  
સોશિયલ મીડિયા પર હોવું આજે સાવ સામાન્ય વાત છે. કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર ન હોય તો એને લોકો આઉટડેટેડ માને છે. એક મનોચિકિત્સકે કહેલી વાત છે કે, આગામી સમયમાં સોશિયલ મીડિયાના એકેય પ્લેટફોર્મ પર વ્યક્તિ નહીં હોય એ સુખી હશે. જેની પાસે કાર નહીં હોય એ સૌથી વધુ આનંદમાં હશે. જેની પાસે સ્માર્ટ ફોન નહીં હોય એના જેટલો પરમ સુખને માણનારો માણસ બીજો કોઈ હશે જ નહીં. અત્યારે આપણને આ વાત કદાચ વધુ પડતી લાગે પણ ક્યાંક આ વાત થોડી ઘણી સાચી છે.  
ટેકનોલોજીએ આપણને ખોટું બોલતાં કરી દીધાં છે તો ક્યારેક એવું લાગે કે, સચ્ચાઈની સાબિતી આપવા માટે આપણી પાસે હાથવગી ટેકનોલોજી છે. જેટલી સુવિધાઓ વધી એટલાં પ્રશ્નો પણ વધ્યાં છે. અદ્યતન ટેકનોલોજીની સાથે અભિવ્યક્તિના પ્લેટફોર્મની તો કંઈ કમી જ નથી. એક બહુ સિનિયર કવિ હંમેશાં એવું કહે કે, સોશિયલ મીડિયા પર વ્યક્ત થતી ગાંડીઘેલી કવિતાઓનો જો સંગ્રહ બહાર પાડવામાં આવે તો રોજ એક દળદાર પુસ્તક બને.  
સોશિયલ મીડિયા ઘણાં લોકોને ફળ્યું પણ છે. નવા લેખકોથી માંડીને અનેક ક્રિએટીવ લોકોને એક પ્લેટફોર્મ મળ્યું જેનાથી એક જુદી જ ઓળખ આ સર્જકોને મળવા પામી છે. અભિવ્યક્તિ અને સમજદારી સાથેની અભિવ્યક્તિ માટે સોશિયલ મીડિયા ઉત્તમ માધ્યમ છે. પણ અહીં ન દેખાય એવી ફૂદડી સામેલ છે. ટ્રોલ કરનારા લોકોને કેવી રીતે લો છો એ સૌથી વધુ મહત્ત્વનું છે. આ માધ્યમ પર તમામ પ્રકારના લોકો હોવાના. તમે તમારી જાતને કે તમારી અભિવ્યક્તિની લાગણી કદાચ કાબૂ કરી શકો પણ ટીકા કરનારા કે ટ્રોલ કરનારા માણસોને તમે કાબૂ ન કરી શકો. હા એમને બ્લોક કરી શકો. એમનાથી તમારી પોસ્ટને હાઈડ કરી શકો. સોશિયલ મીડિયાને એક મનોરંજનના માધ્યમ તરીકે જુઓ તો કંઈ ખોટું નથી. દિલ પર લઈ લો તો તમને ચેન પણ ન લેવા દે. સોશિયલ મીડિયા પર અભિવ્યક્તિની આઝાદીને આપણે આપણાં કાબૂમાં રાખીએ તો જ એ સદવાની છે.  
jyotiu@gmail.com
 
Advertisement
Tags :
Advertisement

.