ગણિકાઓ સાથે સન્માનજનક વહેવારની વાત સાથે તમે કેટલાં સહમત?
આર્ટિકલ 21 વિશે તમને ખબર છે? અનુચ્છેદ 21 મુજબ ભારતના દરેક નાગરિકના કામને સન્માનજનક જોવાનો અધિકાર. દરેક માનવીના કર્મને માન મળવું જોઈએ એવી વાત. આમાં બધાં જ વ્યવસાય આવી જાય છે. પણ જ્યારે સેક્સવર્કરના વ્યવસાયની વાત આવે ત્યારે દરેક વ્યક્તિનું નાકનું ટીચકું ચડી જાય છે. આ સૂગ સેવતાં લોકોનો સુપ્રીમ કોર્ટે કાન આમળ્યો છે. સુપ્રીમ કોર્ટના ત્રણ જજ જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્àª
આર્ટિકલ 21 વિશે તમને ખબર છે?
અનુચ્છેદ 21 મુજબ ભારતના દરેક નાગરિકના કામને સન્માનજનક જોવાનો અધિકાર. દરેક માનવીના કર્મને માન મળવું જોઈએ એવી વાત. આમાં બધાં જ વ્યવસાય આવી જાય છે. પણ જ્યારે સેક્સવર્કરના વ્યવસાયની વાત આવે ત્યારે દરેક વ્યક્તિનું નાકનું ટીચકું ચડી જાય છે. આ સૂગ સેવતાં લોકોનો સુપ્રીમ કોર્ટે કાન આમળ્યો છે. સુપ્રીમ કોર્ટના ત્રણ જજ જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ એ.એસ. બોપન્નાએ કેટલીક ભલામણો સાથે કેન્દ્ર સરકારને છ અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે. હકીકતે કોરોનાના સમયમાં વેઠવી પડતી મુશ્કેલીઓ અને દેહ વ્યાપારની સમસ્યાઓ અંગે એક પેનલ દ્વારા કેટલીક ભલામણો કરવામાં આવી હતી. તેનો અભ્યાસ કરીને ઘણાં બધાં સુધારા અને ભલામણો સુપ્રીમ કોર્ટના જજોની બેંચે કરી છે. દેહ વ્યાપાર સાથે સંકળાયેલી સ્ત્રીઓના વ્યવસાયને દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો સન્માન સાથે જુવે એવી વાત સુપ્રીમ કોર્ટના જજોની બેંચે કરી છે.
પોલીસના દેહ વ્યાપાર સાથે સંકળાયેલી સ્ત્રીઓ સાથેના વ્યવહાર માટે ખાસ કહ્યું છે કે, મૌખિક, શારીરિક કે માનસિક કોઈપણ રીતે આ મહિલાઓ સાથે દુર્વ્યવહાર ન થવો જોઈએ. એ ફરિયાદ લઈને આવે તો એની વાતને ગંભીરતાથી લેવી અને એક્શન લેવા. કદાચ કોઈ યુવતી આ વ્યવસાયને છોડીને સામાન્ય માણસની જેમ જીવવા માગે છે તો એના પુનર્વસન માટે સંતોષકારક પ્રયાસો થવા જરુરી છે. પોલીસ ખાતાની સાથોસાથ સુપ્રીમ કોર્ટે મિડીયાને પણ ટકોર કરી છે કે, દેહ વ્યાપારની જગ્યાઓ ઉપર રેડ પડે ત્યારે કે એમની ઉપર થયેલા કેસ ચાલતા હોય ત્યારે એમનું સાચું નામ અને તસવીરોમાં મર્યાદા જાળવવી.
સુપ્રીમ કોર્ટની ભલામણોનું લિસ્ટ બહુ મોટું છે. દેહવ્યાપારને પણ એક પ્રોફેશન ગણવું એવી વાત સુપ્રીમ કોર્ટે કરી છે. ભારતીય સંસ્કૃતિમાં દેહવ્યાપાર સદીઓથી ચાલ્યો આવે છે. વાસંતી નામની ગણિકાએ તુલસીદાસજીને કથા કહેવા માટે નિમંત્રણ આપેલું. ગાંધારી જ્યારે ગર્ભવતી હતાં ત્યારે ગણિકાઓએ ધૃતરાષ્ટ્રની સેવા કરેલી. ચાણક્યની નીતિઓ ખૂબ માનીએ છીએ અને ભણીએ છીએ. ચાણક્યએ પણ ગણિકાઓના વ્યવસાયને માન આપેલું અને એને રેગ્યુલરાઈઝ કરવો જોઈએ એવી વાત લખેલી છે. ભારતીય સંસ્કૃતિના શિલ્પો જોઈએ તો એમાં પણ ગણિકા વ્યવસાય રિફ્લેક્ટ થાય છે. આધુનિક જમાનાની વાત કરીએ તો 2018ની સાલમાં મોરારિબાપુએ કાબિલેદાદ માનસ ગણિકા કથા કરી હતી. આ એક રિવોલ્યુશનરી વાત હતી કે, હું એમને સુધારવા નહીં પણ સ્વીકારવા આવ્યો છું. આ સ્વીકાર આપણી અંદર ક્યારેય જગ્યા કરી શકશે ખરો? આપણે દેહ વ્યાપાર સાથે સંકળાયેલી બહેનોને માણસની જેમ ક્યારેય જોઈશું ખરાં?
સવાલ એ ઉઠે કે, સમાજનો એક હિસ્સો એવા આ દેહ વેપારના વ્યવહાર સાથે સંકળાયેલી સ્ત્રીઓ સન્માન મેળવવાની હકદાર ખરી કે નહીં?
કોઈ માને કે ન માને, સ્વીકારે કે ન સ્વીકારે પણ જો દેહ વેપાર સાથે સંકળાયેલી સ્ત્રીઓ ન હોત તો ઘણાં બધાં ગુનાઓની સંખ્યા વધતી જ રહેતી હોત. બદનામ બસ્તી, દૂષણ, બદી, કલંક આવા શબ્દો બોલવા અને સૂગ ચડવી એ તમારી લાગણી હોય શકે. પણ એનાથી હકીકત નથી બદલાઈ જવાની. ફિલ્મી દુનિયામાં બતાવાતી વાતો કરતાં ક્યાં અઘરી અને અણગમાવાળી જિંદગી આ સ્ત્રીઓ જીવે છે.
કોઈ યુવતી આ વ્યવસાયમાં ક્યારેય રાજીખુશીથી નથી આવી હોતી. આ વાત મને વર્ષો પહેલાં ધોરાજીમાં ધાર્મિક કાર્યક્રમમાં આવેલી ગણિકાએ કહી હતી. લટકાં-મટકાં સાથે નાચતી આ ગણિકાઓ સાથે ઓડિયન્સનો જે વહેવાર મેં જોયેલો એ સ્તબ્ધ કરી દેનારો હતો. એ આપણાં સમાજની ઓળખ અને બેશરમી બતાવતી હતી. સુધારાવાદી વાતો કરવી બહુ સરળ છે. એ દોઝખની જિંદગી જીવવી અને અનવોન્ટેડ બાળકોને ઉછેરવા બહુ જ કડવી હકીકત છે. એક પણ વ્યક્તિ સન્માનથી ન જુવે અને કેટલીક પ્રકારની ગાળો સાથે સંબોધન કરે એ પચાવવું પણ એટલું જ અઘરું છે.
દેહ વેપાર સાથે સંકળાયેલી સ્ત્રીઓના આરોગ્ય, એમને થતાં સેક્સ ટ્રાન્સમીશનના રોગ, એઈડ્ઝથી માંડીને અનેક સમસ્યાઓ માટે કામ કરતી સંસ્થાઓને સલામ છે. ઉંમરની સાથે આવક ઓછી થાય અને વૃદ્ધાવસ્થામાં કોઈ આશરો ન હોય એ સ્ત્રીની હાલત વિશે જરા સંવેદનાપૂર્વક વિચારીએ તો પણ કમકમાં આવી જાય. કોરોનાના સમયમાં દરેક વ્યક્તિએ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. એમાં દેહ વ્યાપાર સાથે સંકળાયેલી સ્ત્રીઓ પણ બાકાત નહોતી. આપણા સમાજ સાથે જોડાયેલું આ એવું પાસું છે જેના વિશે કાયદો આવે એ પહેલાં સન્માનજનક નજરિયો વિકસવો વધુ જરુરી છે.
Advertisement