Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોતાની સાથે સંતાનોનો જીવ કઈ રીતે લઈ શકાય?

શેર માટીની ખોટ પૂરી કરવા માટે અનેક પ્રાર્થનાઓ કરી હોય. જેના અવતરણને દેવના દીધેલા કહીને આવકાર્યું હોય. જેને જોયું ન હોય ત્યારથી ગર્ભમાં જ ચાહવાનું શરુ કરી દીધું હોય. જેના આવવાથી પોતાને બીજો જન્મ મળ્યો હોય એવું અનુભવાતું હોય. આખી દુનિયામાં એક પોતાનું સર્જન છે. જેના સહારે જિંદગી નીકળી જશે આવું અનુભવતી મા આખરે પોતાના જ સંતાનનો જીવ લઈ શકે એટલી ઘાતક કેમ બની જતી હશે?  સંતાનમાં દીકરી આવી à
પોતાની સાથે સંતાનોનો જીવ કઈ રીતે લઈ શકાય
શેર માટીની ખોટ પૂરી કરવા માટે અનેક પ્રાર્થનાઓ કરી હોય. જેના અવતરણને દેવના દીધેલા કહીને આવકાર્યું હોય. જેને જોયું ન હોય ત્યારથી ગર્ભમાં જ ચાહવાનું શરુ કરી દીધું હોય. જેના આવવાથી પોતાને બીજો જન્મ મળ્યો હોય એવું અનુભવાતું હોય. આખી દુનિયામાં એક પોતાનું સર્જન છે. જેના સહારે જિંદગી નીકળી જશે આવું અનુભવતી મા આખરે પોતાના જ સંતાનનો જીવ લઈ શકે એટલી ઘાતક કેમ બની જતી હશે?  
સંતાનમાં દીકરી આવી આથી સાસરિયાઓ ત્રાસ આપતા હતા. છ મહિનાની દીકરીને ઝેર પાઈને માતાનો આપઘાત.  
માસૂમ વયના બે બાળકોને કૂવામાં ફેંકીને માતાએ પણ આપઘાત કરી લીધો.  
ખેતીમાં ખૂબ દેવું થઈ જતાં વિધુરે પહેલાં સંતાનોને ઝેરી દવા પાઈ અને બાદમાં પોતે પણ મોતને વહાલું કર્યું.  
દહેજના ત્રાસથી પરિણીતાએ અઢી વર્ષના દીકરા સાથે અગ્નિસ્નાન કર્યું.  
હજુ ગઈકાલે સવારે એક સમાચાર વધુ આવ્યા કે, દિલ્હીના વસંત વિહારમાં ત્રીસ વર્ષની આસપાસની ઉંમરની બે દીકરીઓ અંશિકા અને અંકિતા સાથે પંચાવન વર્ષી માતા મંજુ શ્રીવાસ્તવનો મૃતદેહ મળી આવ્યો. ત્રણેયે આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું. સંતાનોની સાથે આત્મહત્યા કરવા માટે બહુ હિંમત જોઈએ. આ પરિવારે ઘરને ગેસ ચેમ્બર જેવું બનાવી દીધું હતું. પિતા ઉમેશ શ્રીવાસ્તવના અવસાન બાદ આ ત્રણેય મા-દીકરી ડિપ્રેશનમાં હતા. વળી, એટલું ધ્યાન રાખેલું કે, એમની તપાસ માટે કોઈ આવે તો એને નુકસાન ન જાય. એ માટે એક નોટ દીવાલ પર ચીપકાવેલી હતી.  
કોઈ પોતાના સંતાનને તરછોડી દે, છોડી દે, અનાથઆશ્રમના દરવાજે ઘોડિયામાં મૂકી આવે કે મંદિરમાં છોડી દે ત્યારે આપણે નિષ્ઠુર જનેતા એવા શબ્દો વાપરીએ છીએ. સંતાનોને મારીને મરી જતી માતા ઉપર આપણને એટલો તિરસ્કાર નથી થતો. એ આપણને બિચારી વધુ લાગે છે. આખરે પોતાના પેટમાં પોતાના લોહીથી જેને ઉછેર્યું હોય એ સંતાનને મારી નાખતા કોઈ માતાનો જીવ કેમ ચાલતો હશે? એ સવાલ થવો વાજબી છે.  
માતા પોતાના સંતાનોને મારી નાખે છે એ કિસ્સા વધુ જોવા મળે છે. પોતાના સંતાનોને મારી નાખતા મા-બાપની માનસિકતાને Filicide કહે છે. અમેરિકાથી માંડીને અનેક વિકસિત દેશોમાં પણ સંતાનોને મારીને પોતે મરી જવું એવા કિસ્સાઓ બનતા રહે છે. કરુણતા એ વાતની છે કે, આ પ્રકારના કિસ્સાઓમાં કારણો જુદાં જુદાં છે. આથી જ એક ચોક્કસ આંકડો ક્યારેય આપણને ખબર જ નથી પડતો.  
કેટલાક કિસ્સાઓમાં મા કે બાપ સંતાનને મારી નાખે પછી આત્મહત્યા કરતા જીવ ન ચાલે. અકસ્માતે પકડાઈ પણ જાય. સંતાનોને ગુમાવીને પછી એને જેલમાં બાકીની જિંદગી કાઢવાનો વારો આવે છે. સંતાનને મારી નાખ્યાનું ગિલ્ટ અને એની જ હત્યાના કેસમાં સજા કાઢવી એ દુનિયાની સૌથી ક્રૂર અનુભૂતિ હશે.  
વર્ષો અગાઉ એક પિતાએ નર્મદા નદીના પુલ ઉપરથી એક પછી એક એમ પાંચ દીકરીઓને ફેંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે દિવસે એ ઘટના બની એ જ બપોરે એ પકડાઈ ગયો. એનું નામ સલીમ. સાંજે એ પોલીસ કસ્ટડીમાં હતો. એને મળવાનું થયું હતું. એના ચહેરા ઉપર એક પણ રેખા એવું નહોતી કહેતી કે એને કરેલા જઘન્ય કૃત્યનો કોઈ અફસોસ હોય. નબીપુરમાં એ દીકરીઓની માતાને મળી હતી. એના હાલ જોઈને કુદરત પણ ડરી જાય.  
રાજકોટમાં એક કિસ્સો બનેલો. એક નાનકડી ઓરડીમાં ચાર દીકરીઓને ઉંઘમાં જ એક પિતાએ  ઘરની અંદર પેટ્રોલ છાંટીને સળગાવી દીધી. એ પિતાને પણ કોઈ અફસોસ ન હતો. પિતાની ક્રૂરતા અને માતાની ક્રૂરતામાં કોઈ ફરક હશે? એવો સવાલ થઈ આવે.  
અભ્યાસ એવું કહે છે કે, સગા મા-બાપ હત્યારા હોય એવા કિસ્સાઓમાં મોટાભાગે સંતાનોની ઉંમર છ વર્ષથી નીચેની જોવા મળે છે. જે એક વખત પણ રડી પડે તો મા-બાપનો જીવ અદ્ધર થઈ જાય એનો જીવ લઈ શકાય આ થિયરી જ પચાવવી અઘરી છે. પોતાના મર્યાં બાદ સંતાનો ઓશિયાળાં થઈ જશે. મા-બાપ સિવાય સંતાનોનું કોઈ ધ્યાન ન રાખી શકે. સંતાનોને દુઃખી થવા માટે છોડવા એ કરતાં એને મારી નાખવા સારા. આવું વિચારતા મા-બાપને ક્યારેય એવો વિચાર નથી આવતો કે, સંતાનોને જન્મ આપ્યો છે એટલે એના મૃત્યુ પણ એનો અધિકાર છે એ માનસિકતા જ ખોટી છે. પોતે પોતાની જિંદગીથી થાકી ગયા હોય ત્યારે સંતાનોનો જીવ કાઢી નાખવો બહેતર છે એ વાત મોત જ્યારે માથા પર સવાર હોય ત્યારે નથી સમજાતી. સાચાં- ખોટાંનો ભેદ ન સમજાય ત્યારે જ આવું કંઈક માનવીથી થઈ જતું હશે.   
જેમ ક્રાઈમ કરતાં પહેલાં એ ક્રાઈમની ઘટના આપણાં મનમાં અનેકવાર ઘટી ચૂકી હોય છે એવી જ રીતે મરતાં પહેલાં કે કોઈને મારતાં પહેલાં એ ઘટના અનેકવાર આપણે મનમાં કલ્પી લીધી હોય છે. બસ, એ વિચારોનું ઘૂંટાતું કોઈ અટકાવી શકે તો દુર્ઘટના બનતી રોકી શકાય. એક નબળી પળે યોગ્ય માર્ગદર્શન સૌથી વધુ જરુરી છે. કોઈ નબળો વિચાર આવે ત્યારે અંગત વ્યક્તિ પાસે વહેલી તકે હળવા થઈ જવું એ સૌથી વધુ મહત્ત્વનું છે. જન્મ આપવું નિર્ધારીત છે પણ પોતાના સંતાનનું મર્ડર કરવાનો અધિકાર કોઈ મા-બાપને નથી જ.
Advertisement
Tags :
Advertisement

.