Gujarati Theatre- '૨૩ કલાક ૫૨ મિનીટ' સીમાચિન્હ બની રહ્યું
Gujarati Theatre પહેલેથી જ સમૃધ્ધ છે. દેશી નાટક સમાજથી લઈ નાની મોટી અનેક ધંધાદારી ગુજરાતી
સંસ્થાઓએ પોતપોતાની રીતે શહેરોમાં અને ગામડાઓમાં નાટકને ચલાવ્યું.
જમાનો બદલાયો. ફઈમો આવી,ટીવી આવ્યું એટલે જૂની રંગભૂમિ મૃત:પ્રાય થઈ ગઈ. જો કે જમણા સાથે રંગભૂમિમાં બદલાવ આવ્યો. નવી રંગભૂમિ પર નાટકોનું અલગ જ સ્વરૂપ આવ્યું. ટીવી. સિનેમાના જમાનામાં પણ નાટ્યગૃહો(હૉલ)માં જઇ મોંઘીદાટ ટિકિટ લઈ નાટક જોવાની ફરજ પડે એવાં નાટક થવા માંડ્યા.
મુંબઇમાં પ્રવીણ જોશી,શૈલેષ દવે,કાંતિ મડિયા અને ગીરેશ દેસાઇ જેવાએ Gujarati Theatreને પ્રોફેશનલ નાટકો આપ્યાં તો અમદાવાદમાં જશવંત ઠાકર,નિમેશ દેસાઇ,ભરત દવે,રાજૂ બારોટ જેવા નાટ્યકર્મીઓએ નાટકમાં નવા પ્રયોગો કરી નાટ્ય ઇતિહાસમાં એક નવો જ અધ્યાય લખ્યો.
વાત છે એક એવા નાટ્ય સર્જનની જે વિષય વસ્તુથી લઈ નિર્માણ માટે ય પડકાર હતો. નાટક હતું: ૨૩ કલાક ૫૨ મિનીટ. સર્જક,દિગ્દર્શક,લેખક શૈલેષ દવે હતા.
શૈલેષ દવે-પ્રતિભાશાળી વ્યક્તિત્વ
શૈલેષ દવે ગુજરાતી રંગભૂમિ (Gujarati Theatre)નું એક એવું નામ જે દાયકાઓ સુધી નાટ્યરસિકોની યાદોમાં જીવંત રહેશે. કોઈપણ રંગકર્મી દ્વારા લિખિત-દિગ્દર્શિત, દિગ્દર્શિત-અભિનીત અથવા નિર્મિત-અભિનીત નાટકો તો ઘણાં બન્યાં. પણ આ બધામાં લેખન એક અતિ મહત્ત્વનું પાસું છે. એ જેવા-તેવાનું કામ નહીં. અને શૈલેશભાઈ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા એવા રંગકર્મી હતા જે દિગ્દર્શન અને અભિનયની સાથે લેખન, એમ ત્રણે ક્ષેત્રોની જવાબદારીઓ એકલે હાથે સંભાળી લેતા, અને એ પણ સફળતાપૂર્વક.
બેગમ શબાબ, તક્ષક, હિમઅંગારા, ખેલ, અકસ્માત, ઓળખાણ, રમત શૂન્ય ચોકડીની અને આવા તો કેટકેટલાય અવિસ્મરણીય નાટકોની હારમાળા સર્જી દીધી હતી એમણે. એમાંનું એક નાટક એટલે “૨૩ કલાક ૫૨ મિનીટ. (રજૂઆત ૧૯૮૪ની આસપાસ)
ગત વર્ષોનાં જાણીતા નિર્માતા શિરીષ પટેલ (જેઓ હવે કાયમ માટે અમેરિકા સ્થાયી થયા છે) એક દિવસ શૈલેશભાઈ પાસે ગયા અને કહ્યું, “નવું નાટક બનાવવાનો સમય આવી ગયો છે, દવેસાહેબ. આપની પાસે વિષય હોય તો સારું, નહિ તો મેં ૧૯૬૮માં એક અંગ્રેજી ફિલ્મ જોયેલી, એનાં પરથી સરસ નાટક બની શકે એમ છે.”
હવે એ જમાનામાં ઈન્ટરનેટ તો હતું નહીં, અને ફિલ્મની વીડિયો કેસેટ પણ સરળતાથી મળે નહીં એટલે એમણે શૈલેષભાઈને ફિલ્મની આખી વાર્તા સંભળાવી. શૈલેષભાઈએ ઊભા થતાં કહી દીધું કે, “હું બે કારણોસર આ નાટક નહીં બનાવી શકું. એક, આ વાર્તાનો વિષય યુદ્ધને લાગતો વળગતો છે જે આપણું બટાટાવડા ખાવાવાળું ઑડિયન્સ ક્યારેય નહીં સ્વીકારે. અને બે, આટઆટલાં સફળ નાટકો આપ્યા બાદ હું આ જોખમ લેવા તૈયાર નથી.
.....પણ શિરીષભાઈને એ વિષય પર સખત વિશ્ર્વાસ હતો. દવેસાહેબે નિશ્ર્ચિતપણે ના પાડી દીધી એટલે તેઓ મળ્યા દિગ્દર્શક-અભિનેતા શરદ વ્યાસને. શરદભાઈ વાર્તા સાંભળીને એનું નેતૃત્વ સંભાળવા તૈયાર થઈ ગયા. પણ હવે પ્રશ્ર્ન ઊભો થયો, લખાવવું કોની પાસે?
ફરી લખવાનું કહ્યું પણ શૈલેષભાઈ ન માન્યા
શિરીષભાઈને હરીફરીને પાછું દવેસાહેબનું નામ જ સૂઝ્યું. તેઓ પાછા ગયા દવેસાહેબ પાસે અને કહ્યું કે તેઓ માત્ર આ નાટક લખીને આપે. શૈલેષભાઈ કશું બોલે એ પહેલા જ શિરીષભાઈએ પ્રસ્તાવ મુકી દીધો, જોઈએ તો હું લેખક તરીકે તમારું નામ નહીં આપું. તમને તમારા લખાણના પૈસા મળ્યા કરશે. લેખક ‘આદમ સુમરો’ એવું કાલ્પનિક નામ આપી દઇશ, બસ? પણ શૈલેષભાઈ ન માન્યા તે ન જ માન્યા.
શૈલેષભાઈ તૈયાર થયા
હવે કોની પાસે લખાવવું એ વિષે શિરીષભાઈ અને શરદભાઈ હજુ તો વિચારી જ રહ્યા હતા એવામાં એક દિવસ એમની નવાઈ વચ્ચે શૈલેશભાઈનો ફોન આવ્યો, “ચાલો પટેલ, આપણે એ ફિલ્મ પરથી આ નાટક બનાવીએ. શિરીષભાઈ તો ખુશ થઈ ગયા. એટલે શરદભાઈએ પણ ખેલદિલીપૂર્વક જતું કર્યું.
શિરીષભાઈ નાટકની તૈયારીઓ ચાલું કરે એ પહેલા દવે સાહેબના મગજમાં પ્રશ્ર્ન ઊભો થયો કે આની ભજવણી કેવી રીતે કરવી?Gujarati Theatreમાં તેઓ લેખન, દિગ્દર્શન, અભિનય અને ખાસ કરીને ભજવણીમાં ખૂબ જ ચીવટપૂર્વક કામ કરનારા તરીકે જાણીતા હતા. અને વાર્તા જો લશ્કરને લગતી હોય તો એની ભાષા અને સંવાદો પણ એ જ પ્રકારનાં હોવા જોઈએ. એટલે દવેસાહેબ વાર્તાનું ભારતીયકરણ કઈ રીતે કરવું, જેથી લોકો એને સ્વીકારે અને સમજે, એ વિચારે ચડ્યા.
કવિ સ્વ. શ્રી હરિન્દ્ર દવેએ કમાન્ડર ગોરીને સૂચવ્યા
કાસ્ટિંગમાં ગોરા, ઊંચા અને કર્ણપ્રિય અવાજ ધરાવતા સ્વ. દીપક દવેને લેવાનું નક્કી થયા બાદ એની સાથે ચર્ચા કરતા હતા ત્યારે ઑફિસમાં દીપકના પિતા જાણીતા કવિ સ્વ. શ્રી હરિન્દ્ર દવેએ આખી વાત સાંભળી અને તરત કહ્યું, “આ નાટકની વાર્તા બનાવવામાં તમને મદદ કરી શકે એવી એક વ્યક્તિ મારા ધ્યાનમાં છે. ભારતીય નેવીમાં ફરજ બજાવી રહેલા કમાન્ડર ગોરી.
હરિન્દ્રભાઈ જેવું તેવું સૂચન તો ના જ કરે એટલે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર દવેસાહેબ તો ક્યાંકથી ભાળ મેળવીને પહોંચી ગયા સીધા કમાન્ડર ગોરી પાસે. જઈને આખી વાત કરી તો ગોરીસાહેબ પણ મદદ કરવા તૈયાર થઈ ગયા. ગોરીસાહેબે સૂચન આપ્યું કે વાર્તાને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધનું બેકગ્રાઉન્ડ આપી એ યુદ્ધમાં મહત્ત્વનો ફાળો ભજવનાર આઇએનએસ વિક્રાંત નામક વિમાનવાહક જહાજની આસપાસ વાર્તા ફેરવીએ તો કેમ?
નાટક બનાવવામાં આટલી દોડાદોડી અને આટલી ઝીણવટપૂર્વકની કાળજી ??
દવેસાહેબને આ સૂચન ગમ્યું અને તેમણે તરત જ એનો અમલ કર્યો. આમ દવેસાહેબને ગોરીસાહેબ તરફથી વાર્તા બનાવવામાં મદદ મળવાની ચાલુ થઈ ગઈ. ગોરીસાહેબ ફરજ બજાવતા કોઈક જહાજ પર હોય તો શૈલેષભાઈ શક્ય હોય ત્યારે સ્પેશિયલ પરમિશન મેળવી ત્યાં પહોંચી જતા અને બન્ને જણ જહાજ પર બેસી કલાકોના કલાકો ચર્ચા કરતા. પછી તો ગોરીસાહેબ પોતાના અનુભવો જણાવતા લશ્કર અને યુદ્ધમાં બોલાતી ભાષા અને અમુક ખાસ શબ્દો બોલતા જાય અને શૈલેષભાઈ એની નોંધ લઈ સંવાદોમાં ઢાળતા જાય.
નાટક બનાવવામાં આટલી દોડાદોડી અને આટલી ઝીણવટપૂર્વકની કાળજી લેવાતી હોય છે એનો અંદાજો તો નાટક જોનાર પ્રેક્ષકોને ક્યારેય નહીં આવતો હોય.
પછી તો નાટક લખાતું ગયું અને રિહર્સલ ચાલુ થઈ ગયાં. જેમ કહ્યું એમ, નાટકની પાશ્ર્ચાત્યભૂ યુદ્ધની હતી એટલે શૈલેશભાઈની સાથે સનત વ્યાસ, દીપક દવે, રાજીવ મહેતા, શોભા પ્રધાન અને મહેશ દેસાઇ જેવા અનેક દિગ્ગજો સહિત લગભગ ૨૫-૩૦ કલાકારોનો કાફલો ઊભો થઈ ગયો.
ગોરીસાહેબ સામે પ્રસ્તાવ મૂક્યો કે તેઓ પણ અભિનય કરે તો કેમ ?
નાટકનાં પહેલાં જ દૃશ્યમાં નેવિના વાઇસ ઍડમિરલનાં પાત્રએ એવા સંવાદો બોલવાના હતા જે અમુક રીતે બોલાય તો જ પ્રેક્ષક પર એની અલગ અસર પડે. શૈલેષભાઈએ ઘણા કલાકારો પાસે એ કરાવી જોયું પણ જોઈએ એવી મજા આવતી નહોતી. એવામાં એમને કશુંક સૂઝ્યું અને તેઓએ જઈને ગોરીસાહેબ સામે પ્રસ્તાવ મૂક્યો કે આ પાત્ર તેઓ જ ભજવે તો કેમ? કોણ જાણે કેમ અને ગોરીસાહેબે એક જ ઝાટકે હા પણ પાડી દીધી.
નેવીનો જ એક કદાવર અને હેન્ડસમ ઑફિસર જો આ પાત્ર ભજવતો હોય તો બીજું જોઈએ જ શું? એમણે એવા ઑફિસરનું પાત્ર ભજવવાનું હતું જે આખી રણનીતિ રચે છે. એ રણનીતિનાં સૂચનો એમણે જ આપ્યાં હતાં એટલે સંવાદો યાદ રાખવા એમના માટે અઘરું નહોતું પણ એ બોલવાની નાટકીય ઢબ અને નાટકની મૂવમેન્ટ એમણે દવેસાહેબ અને સાથી કલાકારોના સહકારથી શીખી લીધાં. આમ અલગ જ વિષયનું મસમોટું પ્રોડક્શન લોકો સમક્ષ રજૂ થવા માટે તૈયાર થઈ ગયું.
પહેલો શો રાત્રિના બદલે દિવસે
સામાન્યપણે Gujarati Theatre માં નાટકનો પ્રથમ જાહેરપ્રયોગ સાંજના સમયે જ હોય છે પણ આ નાટક વિલેપાર્લેસ્થિત ભાઈદાસ સભાગૃહમાં બપોરે ૩:૪૫ વાગ્યાના શૉથી ઓપન થવાનું હતું. પહેલો શૉ હતો એટલે તડામાર તૈયારીઓ ચાલી રહી હતી અને શૈલેશભાઈનું નામ હતું એટલે લોકો પણ નાટક જોવા ઊમટી પડેલા.
ગોરીસાહેબ તો હજુ આવ્યા જ નથી
૨૫-૩૦ કલાકારો ઉપરાંત સેટ, લાઇટ અને મ્યુઝિકવાળાઓ સહિત ૩૫-૪૦ જણાં એકબીજા સાથે અથડાતાં-કુટાતાં તૈયાર થઈ રહ્યાં હતાં એવામાં સાડાત્રણની આસપાસ કોઈકનું ધ્યાન ગયું એણે મોટેથી કહ્યું, “ગોરીસાહેબ તો હજુ આવ્યા જ નથી. ગ્રીનરૂમમાં અને સ્ટેજ પર બધાંને ફાળ પડી.
હવે એ જમાનામાં મોબાઈલ ફોનની સુવિધા તો હતી નહીં કે એક જ સેકંડમાં પૂછી લેવાય. ત્યારે તો લૅન્ડ લાઇનવાળા ડબલાંઓ હતાં અને જાહેરસ્થળોએ પબ્લિક ફોન પણ ઓછા જોવા મળતા. તેમ છતાં નિર્માણ નિયામક કે. કે. છાંટબારે દોડાદોડી કરી, ક્યાંકથી પબ્લિક ફોન શોધી, કોલાબા ગોરીસાહેબની ઑફિસમાં ફોન જોડ્યો. સામેથી જવાબ મળતા એમના હાથમાંથી ફોન પડી ગયો. સામે કોઈકે કહ્યું, “ગોરીસાહેબ તો કામ માટે હમણાં જ બહાર ગયા. હવે કયા કામ માટે અને ક્યાં ગયા છે એ તો કોઈને ખબર હતી નહીં. અને ધારો કે કોલાબાથી હમણાં નીકળ્યા હોય તો એક-સવા કલાક પહેલા તો ભાઈદાસ પહોંચી જ ના શકે.
કોઇકે કહ્યું, “આ તો નેવી ઑફિસર.. કોઈક સરકારી કામ આવી ચડ્યું હશે માટે ત્યાં જવું પડ્યું હશે. તો કોઇકે કહ્યું, “મૂળ તેઓ કલાકાર નહીને. આજના શૉનું ભૂલી ગયા હશે. એ જે હોય તે પણ બધા કલાકાર કસબીઓ સુન્ન થઈ ગયા હતા. કારણ કે નાટક એમનાં દૃશ્યથી જ શરૂ થવાનું હતું.
આપણે ત્યાં પ્રથા છે કે ૩:૪૫નો શો ૪ વાગ્યે તો શરૂ કરી જ દેવાનો હોય. એમાં પ્રથમ જ પ્રયોગ હતો એટલે નાટક કેવું જશે અને લોકોનો શું પ્રતિસાદ હશે એ ચિંતામાં આ નવું આવ્યું. નાટક શરૂ થવાને ગણતરીની ક્ષણો જ બાકી હતી. એક બાજુ નાટકનો શૉ રદ કરવાની ચર્ચા ચાલી રહી હતી
ગોરીસાહેબ આવી ગયા
તો બીજી બાજુ અમુક કલાકારો એ દિવસનો શો સચવાય જાય એ પૂરતું નાટકના બીજા એક કલાકારને ગોરીસાહેબના પાત્ર માટે તૈયાર કરવા લાગ્યા.. ચાર વાગ્યા એટલે શૉ રદ કરવો કે ચાલુ કરવા ત્રીજી ઘંટડી આપવી એ અવઢવ ચાલી રહી હતી એવામાં કોઇકે દોડીને આવતાં કહ્યું, “ગોરીસાહેબ આવી ગયા. શૈલેષભાઈ અને શિરીષભાઈ સહિત તમામ કલાકારોના કાન સરવા થઈ ગયા.
બધાની આંખો સ્ટેજના મુખ્ય દરવાજા તરફ મંડાણી. જોયું તો ગોરીસાહેબ ચહેરા પર સ્મિત સાથે, જાણે કશું જ ના બન્યું હોય એમ સામાન્યપણે પોતાની છટામાં પ્રવેશ્યા. ખોટો સમય ના બગાડતા નાટક શરૂ કરી દેવામાં આવ્યું અને ગોરીસાહેબે ખૂબ જ આત્મવિશ્ર્વાસ સાથે એમનું પાત્ર પણ ભજવી લીધું. પણ બધાના મગજમાં એક જ પ્રશ્ર્ન હતો કે ગોરીસાહેબ આટલી ત્વરાથી અહીં પહોંચ્યા કેવી રીતે?
મધ્યાંતરમાં કુતૂહલવશ એમને પૂછવામાં આવ્યું ત્યારે એમનો જવાબ સાંભળી બધાં હબક ખાઈ ગયાં. તેઓ લગભગ સાડાત્રણ વાગ્યે કોલાબાથી પાર્લા આવવા હેલિકૉપ્ટરમાં નીકળ્યા હતા.
જી હા, હેલિકૉપ્ટરમાં. પોણાચારની આસપાસ ભાઈદાસ નજીક પવનહંસ, જુહુ ઍરોડ્રોમ ખાતે લૅન્ડ થયા અને ત્યાંથી ચાલીને શૉ પર આવ્યા હતા. આ વાત સાંભળી લોકોને પોતાના કાન પર વિશ્ર્વાસ નહોતો બેસતો. રંગભૂમિના ઇતિહાસમાં પહેલી અને છેલ્લીવાર એવું બન્યું હતું કે કોઈ કલાકાર કાર, ટ્રેન, બસ કે ટૅક્સીમાં નહીં પણ હેલિકૉપ્ટરમાં આવ્યો હોય. અને એ પણ માત્ર એક જ સીન ભજવવા.
Gujarati Theatre પર '૨૩ કલાક ૫૨ મિનીટ' નાટક ડિઝાસ્ટર સાબિત થયું
શૉ તો ભજવાઈ ગયો પણ નાટક ડિઝાસ્ટર સાબિત થયું હતું. દવેસાહેબને લાગ્યું કે એમણે આ નાટક માટે હા પાડીને ભૂલ કરી હતી. નિર્માતા શિરીષભાઈની પ્રણાલી હતી કે નાટકના પહેલા શૉ પછી કલાકાર-કસબીઓ સાથે જુહુસ્થિત હોલિડે ઈન હોટલમાં ડિનર માટે જાય. ત્યાં એમણે દવેસાહેબને કહ્યું, “નાટકમાં એક ઑફિસરને હાથમાં ચાકુ વાગે છે અને એના પર મીઠું પડે છે ત્યારે લોકોએ તાળીઓ પાડી હતી, એ એક વાત પરથી મને દ્રઢપણે લાગે છે કે નાટકમાં દમ તો છે જ.”
Gujarati Theatre ઇતિહાસમાં નાટક સીમાચિહ્ન બની રહ્યું
દવે સાહેબ વિચારે ચડ્યા. આટલા બધા લોકોની મહેનત પાણીમાં ન જાય એટલે એમણે મન મનાવી, નાટકમાં નાના-મોટા ફેરફારો કરી, બીજો શૉ ભજવવા માટે એક મહિનાનો સમય માગ્યો. શિરીષભાઈને શૈલેષભાઈ પર એટલો વિશ્ર્વાસ હતો કે તેઓ એક મહિનો રાહ જોવા તૈયાર થઈ ગયા. એક મહિના બાદ એની એ જ અકબંધ ટીમ સાથે નાટક ફરી ભજવાયું અને આ વખતે લોકોએ વાહ-વાહ અને તાળીઓ સાથે નાટક વધાવી લીધું. એમાં પણ ૧૯૮૪ના ઓકટોબર મહિનામાં ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીનાં મૃત્યુ બાદ તો કોણજાણે લોકો પર શું અસર પડી કે નાટક ઑર ઊપડ્યું અને પહેલા શૉમાં ડિઝાસ્ટર સાબિત થયેલું નાટક સીમાચિહ્ન બની ગયું.
ખેર, પહેલા શૉ પર તો ગોરીસાહેબ પહોંચી ગયા હતા અને ત્યારબાદ એમણે બીજા બે શૉ પણ કર્યા. પણ એમની ફરજ અને જવાબદારીને જોતાં શૈલેષભાઈ, શિરીષભાઈ અને ગોરીસાહેબ વચ્ચે રાજીખુશીથી નક્કી થયું કે હવેથી એ પાત્ર બીજો કોઈ કલાકાર ભજવશે. એટલે ત્યાર પછીના બધા શૉ સરસ પર્સનાલિટી ધરાવતા સ્વ. ગીરેશ દેસાઇએ ભજવેલા. જી હા, આટલા મોટા ગજાના કલાકાર હોવા છતાં તેઓ આ નાટકનો માત્ર એક સીન ભજવવા જતા. કારણ કે એ વખતે રંગકર્મીઓની ભાવના જ એવી હતી કે નાટક કોઈનું પણ હોય, નાટ્યપ્રવૃત્તિ અટકવી ના જોઈએ. અમુક શૉ સ્વ. સુહાગ દીવાને પણ ભજવ્યા હતા.
નાટકનો પ્રથમ શૉ જોયા બાદ નાટ્યજગતના એક રંગકર્મીએ શરત મારી હતી કે આ નાટકના ૧૩ શૉ પણ નહીં થાય, અને જો થશે તો હું કેક કાપીને સેલિબ્રેટ કરીશ. આગળ જતા આ નાટકે ૧૦૦ની આસપાસ પ્રયોગો ભજવ્યા હતા. મજાની વાત તો એ હતી કે એ રંગકર્મીને દર ૧૩મા શૉએ બોલાવી એમના જ હાથે કેક કપાવવામાં આવતી અને તેઓ ખેલદિલીપૂર્વક હસતે મોઢે આવી પણ જતા.
શૈલેષભાઈ તો હવે આપણી વચ્ચે હયાત નથી પણ એમની નસ નસમાં રંગભૂમિ વહેતી હતી.આ હકીકત સ્વ. ગીરેશ દેસાઇ પાસેથી જાણેલી.
આ પણ વાંચો- Rhythm arranger -તબલાં ક્યારેય ગાય? હા, વાદક મારુતિરાવ હોય તો !!