VADODARA : વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે નામાંકન ભર્યું
VADODARA : આજે વાઘોડિયા વિધાનસભા (VAGHODIA VIDHANSABHA) બેઠકના કોંગ્રેસ (CONGRESS) ના ઉમેદવાર કનુભાઇ ગોહિલે (KANUBHAI GOHIL) જંગી રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચીને ચૂંટણી માટે નામાંકન પત્ર ભર્યું છે. આ તબક્કે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને તેમના સમર્થકો જોડાયા હતા. આ તકે મીડિયા સાથે વાત કરતા તેમણે સ્થાનિક પ્રશ્નોને લોકોના સાથે બેસીને હલ કરવાની ખાતરી આપી છે.
જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
વડોદરામાં વિધાનસભાની પેટા ચૂંટણી અને લોકસભાની મુખ્ય ચૂંટણી માટે તંત્ર તૈયારીઓ કરી રહ્યું છે. ભાજપના વાઘોડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગતરોજ વિજયી મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. જે બાદ આજે પીઢ નેતા અને કોંગ્રેસના વાઘોડિયા બેઠક પરથી ઉમેદવાર કનુભાઇ ગોહિલે ચૂંટણી માટે નમાંકન પત્ર ભર્યું છે. સાથે જ તેમણે જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
પાણી ખારા થઇ ગયા
કનુભાઇ ગોહિલ જણાવે છે કે, અમે જિતવાના નક્કી છીએ. અમે સ્થાનિક છીએ. વર્ષોથી સ્થાનિક ઉમેદવાર નહિ હોવાના કારણે અનેક પ્રશ્નો વડોદરા અને વાઘોડિયા તાલુકામાં પડ્યા છે. આજે વર્ષોથી ખેતીની જમીન પડી છે, નિલગાય-ભૂંડોનો ત્રાસ, કાંઠા વિસ્તારમાં એક હજાર એકર જમીન એમ જ પડી છે, ખેડુતોનો કોઇ ઉત્પાદન નથી, એરપોલ્યુશનનો પ્રશ્ન છે, પીવાના પાણીનો પ્રશ્ન છે, 42 ગામ પાણી પુરવઠાનો સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, તે પાણી ખારા થઇ ગયા છે, નવી યોજના શરૂ થઇ તેના પાણી લોકો સુધી પહોંચ્યા નથી. અમે જીતીશું તો દરેક પ્રશ્નો લોકો સાથે બેસીને ઉકેલીશું. તેવી હું જનતાને ખાતરી આપું છું.
હવે બધા એકઠા થઇ ગયા
વધુમાં તેઓ જણાવે છે કે, છેલ્લા 25 વર્ષમાં સ્થાનિક ઉમેદવાર ન હતો. ક્યાંક બીટીપી તો ક્યાંક અન્ય પાર્ટીઓના ઉમેદવાર હતા. સ્થાનિક ઉમેદવાર ન હોવાથી જનતા અન્ય પક્ષો તરફ સ્થળાંતર કરીને ગઇ હતી. પરંતુ હવે બધા એકઠા થઇ ગયા છે. તમામ જાતિના લોકોના મને આશિર્વાદ મળશે. વડોદરા વાઘોડિયા વિધાનસભામાં 2.48 લાખ વોટમાંથી 65 ટકા વોટ ક્ષત્રિયોનો છે. હું સ્થાનિક છું. હું વર્ષોથી લોકસેવા કરૂં છું. લોકો અમને ઉમળકાથી આવકાર આપી રહ્યા છે.
કોંગ્રેસ જુસ્સાભેર કામે લાગી
આ તકે કોંગ્રેસના નેતા ભીખાભાઇ રબારી જણાવે છે કે, કોંગ્રેસ લોકસભા અને વિધાનસભાની બેઠક જીતશે. જે ઉમેદવારો મુકેલા છે, તે કોમન મેન છે.આમ જનતાના પ્રશ્નો સમજે તેવા ઉમેદવારો મુક્યા છે. કોંગ્રેસ જુસ્સાભેર કામે લાગી છે, અને બંને ઉમેદવારો જીતશે.
આ પણ વાંચો -- VADODARA : ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીએ નામાંકન ભર્યું