VADODARA : શહેર પ્રાંત અધિકારીની કચેરીનું સ્થળાંતર
VADODARA : વડોદરા (VADODARA) માં વહીવટી મામલા માટે મહત્વની ગણાતી શહેર પ્રાંત અધિકારીની કચેરીનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે. અગાઉ આ કચેરી શહેરના નર્મદા ભવનના છઠ્ઠા માળે કાર્યરત હતી. જે હવે કોઠી સ્થિત જૂની કલેક્ટર કચેરી ખાતે ખસેડવામાં આવી છે. હવેથી અરજદારોએ નવા સરમાને રજૂઆત કરવા જવું પડશે.
કચેરી હવે નવા સરનામે
શહેરમાં નર્મદા ભવનમાં આવેલી કેટલીય ઓફીસો ખખડધજ્જ હાલતમાં છે. આ અંગે અનેક વખત અહેવાલો પ્રકાશીત થયા બાદ પણ કોઇ સુધારો જોવા મળ્યો નથી. કેટલીક ઓફીસો પરથી પોપડા પડવાની ઘટનાઓ અગાઉ સામે આવી ચુકી છે. ત્યારે નર્મદા ભવનના છઠ્ઠા માળે કાર્યરત શહેર પ્રાંત અધિકારીની કચેરીને નવા સરનામે ખસેડવામાં આવી છે.
જૂની કલેક્ટર કચેરીએ જવાનું રહેશે
સત્તાવાર યાદી અનુસાર, વડોદરા શહેર પ્રાંત અધિકારીની કચેરી સંબંધિત કામકાજ માટે અરજદારોએ હવે કોઠી કમ્પાઉન્ડ સ્થિત જૂની કલેક્ટર કચેરીએ જવાનું રહેશે. વડોદરા શહેર પ્રાંત અધિકારીની કચેરી અત્યાર સુધી નર્મદા ભવનના છઠ્ઠા માળે કાર્યરત હતી. જે હવે જૂની કલેક્ટર કચેરી ખાતે સ્થળાંતરિત થઈ ગઈ છે, તેમ વડોદરા શહેર પ્રાંત અધિકારી વી. કે. સાંબડે જણાવ્યું છે.
જાળવણી સારી રીતે થશે
તો બીજી તરફ જૂના કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારીની ઓફિસ ખસેડવામાં આવતા હવે તેની જાળવણી સારી રીતે થાય તેમ લાગી રહ્યું છે. અગાઉ કલેક્ટર કચેરી ખસેડ્યા બાદ તેની જાળવણી સામે સવાલો ઉઠ્યા હતા. જે હવે હલ થાય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : પાલિકાના પટાંગણમાં વિરોધ જારી, મનાવવાના પ્રયાસો નિષ્ફળ