VADODARA : મધરાત્રે સર્જાયેલી સમસ્યાના કાયમી ઉકેલ સુધી કોર્પોરેટર સાથે રહ્યા
VADODARA : વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ગત મહિને દિવાળીની આતશબાજીની યાદ કરાવે તેવા તડાકા-ભડાકા સાથે શોર્ટ સર્કિટ થયું હતું. આ વાતની જાણ થતા મહિલા કોર્પોરેટર મધરાત્રે સ્થળ પર પહોંચ્યા હતા. સાથે જ જાણ કરવામાં આવતા વિજ કંપનીના અધિકારીઓ પણ દોડ્યા હતા. તે સમયે સવારે 6 વાગ્યે લાઇટ શરૂ થઇ હતી. આ સમસ્યાના કાયમી સમાધાન માટે પ્રયાસો કરતા તાજેતરમાં 100 કેવીનું નવું ટ્રાન્સફોર્મર મુકવામાં આવ્યું છે. આમ, વિસ્તારમાં મોડી રાત્રે સર્જાયેલી સમસ્યાથી લઇને કાયમી સમાધાન સુધી કોર્પોરેટર લોકોની સાથે રહ્યા હતા.
ઓવર લોડીંગના પ્રશ્નો દુર કરવા માટે અમે તત્પર
સમગ્ર ઘટના અંગે સ્થાનિક કોર્પોરેટર હેમીશાબેન ઠક્કર જણાવે છે કે, મારા વિસ્તાર વોર્ડ નં - 6 વારસિયા વિસ્તારમાં આવતી રાધેશ્યામ સોસાયટી, સુંદરમ સોસાયટી સહિતની સોસાયટી માટે મહત્વની વિજ લાઇનમાં રાત્રે શોર્ટ સર્કિટની ઘટના સામે આવી હતી. જે અંગે રાત્રે દોઢ વાગ્યે સ્થાનિકોએ જાણ કરતા હું આવી ગઇ હતી. તે સમયે આ અંગે વિજ કંપનીના અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી. તે દિવસે આખી રાત શોર્ટ સર્કિટ બાદનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ વિસ્તારમાં ઓવર લોડીંગની પ્રશ્ન હોવાનું જાણ્યું હતું. બાદમાં વિજ કંપનીને પત્ર લખીને 100 કેવીનું નવુ ટ્રાન્સફોર્મર મુકવા અંગે જાણ કરવામાં આવી હતી. વિજ કંપની દ્વારા તાજેતરમાં ટ્રાન્સફોર્મર લાગી ગયું છે. વર્ષોથી ઓવર લોડીંગનો પ્રશ્ન હવે ઉકેલાયો છે. અન્યત્રે પણ ઓવર લોડીંગના પ્રશ્નો દુર કરવા માટે અમે તત્પરતા દર્શાવી રહ્યા છે.
તે દિવસે સવારે 6 વાગ્યે લાઇટ શરૂ કરવામાં આવી
સ્થાનિક લેખરાજભાઇ જણાવે છે કે, ઓવર લોડીંગની સમસ્યા છેલ્લા 10 વર્ષથી હતી. શોર્ટ સર્કિટ થઇને વિજ કનેક્શન બંધ થઇ જતું હતું. ખાસ કરીને ઉનાળામાં આ સમસ્યા સર્જાતી હતી. ઉનાળામાં ભારે મુશ્કેલી પડી હતી. 19 એપ્રીલે રાત્રે અમારે ત્યાં દિવાળીની જેમ ધડાકા સાથે શોર્ટ સર્કિટની ઘટના સામે આવી હતી. જે બાદ અમે કોર્પોરેટર હેમીશાબેન ઠક્કરનો સંપર્ક કર્યો હતો. તેઓ રાત્રે દોઢ વાગ્યે આવ્યા, અને વિજ કંપનીના અધિકારીઓ પણ આવ્યા હતા. તે દિવસે સવારે 6 વાગ્યે લાઇટ શરૂ કરવામાં આવી હતી. જેના કાયમી સમાધાનના ભાગરૂપે 100 કેવીનું ટ્રાન્સફોર્મર બેસાડ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : સોનીએ આધેડના હાથમાં ચપ્પુ પકડાવી વિડીયો ઉતાર્યો, કારણ ચોંકાવી દેશે