GANDHINAGAR : ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન
GANDHINAGAR : રાજ્યના ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર (GANDHINAGAR) માં મતદાન જાગૃતિ (VOTING AWARENESS) માટે વિશેષ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. લોકશાહીના ઉત્સવ ગણાતા ચૂંટણી (LOKSABHA 2024) પર્વમાં વધુમાં વધુ લોકો મતદાનને લઇને જાગૃત થાય તેવા પ્રયાસો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી દ્વારા સેંકડો વાહનોથી સજ્જ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને મતદાન અંગે જાગૃત કરશે.
પી. ભારતીએ બાઇક રેલીને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું
દેશમાં લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે. દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ છે ત્યારે રાજ્યના પાટનગરમાં ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં વધારો કરવા માટે બાઇક રેલીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સેંકડો ટુ વ્હીલર ચાલકો જોડાયા છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આ બાઇક રેલીને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું છે. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઇ છે. સાથે જ આ રેલીમાં જિલ્લા કલેક્ટર સહિતના ચૂંટણી અધિકારીઓ પણ જોડાયા છે. તંત્ર દ્વારા આ રેલીને સફળ બનાવવા માટે છેલ્લા કેટલાય સમયથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. જે મહેનતનું ફળ આજે આપણે જોઇ શકીએ છીએ.
મોટા ભાગના વાહન ચાલકો હેલમેટમાં સજ્જ
મતદાનની ટકાવારી વધારવાના ઉદ્દેશ્ય સાથે યોજવામાં આવેલી બાઇક રેલી રામકથા મેદાનથી પ્રસ્થાન પામી હતી. આ રેલીમાં જોડાયેલા તમામ વાહનો પર મતદાન જાગૃતિના પોસ્ટરો લાગેલા જોવા મળ્યા હતા. સાથે જ એક વાત એ પણ મહત્વની હતી કે, મોટા ભાગના વાહન ચાલકો હેલમેટમાં સજ્જ હતા. આમ, ટ્રાફિકના નિયમોનું પાલન કરીને નિકળેલી રેલી મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવતી જોવા મળી હતી. આ રેલીમાં પુરૂષો સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઇ હતી.
વધુ લોકો મતદાન કરે તેવો સરાહનીય પ્રયાસ
ચૂંટણીનું સુચારૂ રૂપે આયોજન કરવાથી લઇને પરિણામ જાહેર થતા સુધીની તમામ જવાબદારી ચૂંટણી તંત્ર બખુબી નિભાવતું હોય છે. આ સાથે લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તેવા સરાહનીય પ્રયાસો પણ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવે છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું પરિણામ ચૂંટણીના પરિણામ બાદ આપણી સમક્ષ હશે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલા મેગા રેલીના આયોજનને લઇને તેમની સરાહના થઇ રહી છે. આવનાર સમયમાં અન્ય માધ્યમો થકી પણ મતદાન જાગૃતિ લાવવામાં આવશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો --VADODARA : વધારે પેટ્રોલ ભરાઇ ગયા બાદ થયેલી મગજમારીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું