સ્ત્રીની કમાણી ઉપર કોનો અધિકાર?
પરિવારના બે છેડાં ભેગા કરવા માટે એક વ્યક્તિની કમાણી પૂરતી નથી. પતિ-પત્ની બંને કમાતા હોય તો બાળકોને તેમજ માતા-પિતાને થોડી વધુ સવલત સાથેની જિંદગી આપી શકે. બંને લોકો કમાઈ લાવતા હોય તો ઘરના વાતાવરણથી માંડીને લાઈફ સ્ટાઈલ ઉપર પણ બહુ મોટી અસર આવે છે. જીવનને સ્પર્શતી આર્થિક બાબતો વિશેનો નિર્ણય લેવામાં પણ થોડી આસાની રહે એ વાતમાં બે મત નથી. પણ સ્ત્રીની કમાણી ઉપર અધિકાર કોનો એ અંગે કદી કોઈ સવાલ કરે તો એનો જવાબ શું હોય શકે?
આપણાં સમાજની માનસિકતા અને વણલખાયેલા નિયમોને કારણે આજે પણ કેટલાંય પરિવારો એવું માને છે કે, દીકરીની કમાણીના રુપિયા ઉપર એના મા-બાપનો કોઈ અધિકાર નથી. ઘણાં વડીલો તો એવું પણ માને છે કે, દીકરીની કમાણીનું કંઈ ખાઈએ તો પાપમાં પડીએ. તો વળી, જરુરિયાત હોય તો પણ કમાતી દીકરીના રુપિયા મા-બાપ નથી લેતા. કોઈ વખત દીકરી ખુશીથી કંઈ ભેટ-સોગાદ લઈને આવે તો એનાં કરતાં બમણી કિંમતની ભેટ એને પરત કરવાનું કેટલાંય મા-બાપ ચૂકતા નથી. આ અને આવી અનેક બાબતો વિચારોની સપાટી પર આવી ગઈ જ્યારે કમાઈને લાવતી સ્ત્રીની કમાણી ઉપર કોનો અધિકાર એ સવાલ એક પરિવારે કેવી રીતે સૂલઝાવ્યો એની વાત કરવી છે.
એ કમાઈને લાવતી સ્ત્રીની વાત કરતાં પહેલાં બીજાં એક-બે કિસ્સાઓ પણ જાણવા જેવા છે.
ત્રીસ વર્ષની શીતલે અભ્યાસ પૂરો કર્યો અને નોકરીએ લાગી ગઈ. પિયરમાં હતી ત્યારે એ પોતાનો પગાર બચાવી રાખતી. નાનાં ભાઈ-બહેન ઉપર ખર્ચ કરતી. પણ માતા-પિતાની કટકટને કારણે એ પોતાની મરજી મુજબ ભાઈ-બહેનને લાડકાં ન રાખી શકતી. લગ્ન થયાં કે, નાનાં ભાઈ-બહેનને થયું કે દીદી હવે અમને મજા નહીં કરાવે. શીતલનો પગાર આવે એ દિવસે એ બંને ભાંડરડાને પિઝા ખાવા અચૂક લઈ જાય. જો એ લઈ જઈ ન શકે તો ફોન ઉપર લખાવીને ઘરે પિઝા મંગાવે. કેટલીક વખત પગાર એક-બે દિવસ મોડો થાય તો નાનો ભાઈ મજાક કરે.... દીદી, પગાર નથી આવ્યો જો ને મેસેજમાં કંઈક આવ્યું હશે....
તો વળી, બીજાં કિસ્સાની વાત જાણો. એ યુવતીનું નામ રીટા. રીટાનાં લગ્ન થયાંને થોડાં જ સમયમાં પતિ સાથે ન બન્યું એટલે એ પિયર આવી ગઈ. એક પ્રાઈવેટ ફર્મમાં નોકરી કરતી રીટા લગ્ન પહેલાં પણ પોતાની કમાણી બચાવી રાખતી. જે નિયમ એણે લગ્ન પછી પણ જાળવી રાખ્યો. પિયર પરત આવીને પણ એ નિયમમાં કોઈ બાંધછોડ ન કરી. જો કે, પિયરમાં પાછી ફરી એ પછી સિનારીયો બદલાઈ ગયો. ચાર ભાઈઓની એકની એક બહેનને ભવિષ્યમાં ભાભીઓ નહીં રાખે તો એ ડરને કારણે રીટાની મમ્મી બહુ ચિંતીત રહે. ઘર માટે કોઈ નાની-મોટી ચીજ કે ભાઈઓના બાળકોને કંઈ ભેટ લઈને આપે તો રીટાની મમ્મી એ કિંમત રીટાને ચૂકવી દે. મતલબ કે, રીટાની કમાણીમાંથી કંઈ જ ઓછું ન થાય. એની મમ્મી બધું જ સરભર કરી દે. રીટા આ વાતથી બહુ અકળાઈ જાય છે. એ કહે છે, ઘર માટે કોઈ ચીજ મોંઘી લાવું કે સસ્તી મમ્મી મને તરત રુપિયા આપી દે. ઘરમાં હું પણ રહું છું. પણ આ તે વળી કેવો વહેવાર ભાઈના બાળકો માટે મને મન થાય ત્યારે ભેટ લઈ આવું તો મમ્મીને એ નથી ગમતું. રીટા કહે છે, મારે મારી હજારો રુપિયાની કમાણીનું શું કરવું એ રકમ એમ જ બેંકમાં જમા થયે રાખે છે. મમ્મી એમ કહે છે, કે ભવિષ્યમાં તને કામ લાગશે. પણ એ ભવિષ્યની ચિંતામાં મમ્મી મને આજે જીવવા નથી દેતી એનું શું
આ બંને કિસ્સાઓમાં તો રુપિયા ખર્ચવા ઈચ્છે છે છતાં કોઈને કોઈ અવરોધ કે ટીકાનો સામનો રીટા અને શીતલે કરવો પડે છે. પરંતુ, આશિમાનો કિસ્સો જરા જુદો છે.
પચીસ વર્ષની આશિમા સાયન્સ ગ્રેજ્યુએટ થઈને માસ્ટર્સનું ભણતી હતી. મધ્યમવર્ગીય પરિવારની આ દીકરીને પીએચડી ડૉક્ટર થઈને પ્રોફેસર તરીકે નોકરી કરવાનું સપનું હતું. ભવિષ્યની અનેક કલ્પનાઓ સાથે જીવતી આ યુવતીને પડોશમાં રહેતા જ એક યુવક સાથે પ્રેમ છે. એ યુવક બેંકમાં સારી પોસ્ટ ઉપર નોકરી કરે છે. આશિમા અને એ યુવકના સંબંધની બંને ઘરે જાણ છે અને બંને પરિવારજનો એમના લગ્ન માટે રાજી પણ છે.
આશિમાની જિંદગી એકદમ સરળતાથી જઈ રહી હતી કે એમાં અવરોધ આવ્યો. સરકારી નોકરી કરતા પિતાને ઓફિસ અવર્સમાં જ હાર્ટ એટેક આવ્યો અને ઓફિસમાં જ એ અવસાન પામ્યાં. ગૃહિણીનું જીવન જીવતી મમ્મી અને નાનાં બે ભાઈઓને આ કપરી પરિસ્થિતિમાં સાચવવાની જવાબદારી આશિમા ઉપર આવી પડી.
પિતાના ઈન્શ્યોરન્સના કાગળોથી માંડીને પિતાની જગ્યાએ રહેમરાહે નોકરી મેળવવા માટેની તમામ ફોર્માલિટીઝ આશિમાએ એકલે હાથે પાર પાડી. આશિમા કહે છે, પપ્પાની જગ્યાએ રહેમરાહે નોકરી માટે મેં મમ્મીને બહુ સમજાવી. પણ મમ્મીએ ઘરની જવાબદારી જ નીભાવી છે. એનાથી નોકરી નહીં થાય એવું કહ્યું. એક ભાઈએ હજુ બારમુ ધોરણ પાસ કર્યું છે જ્યારે સૌથી નાનો ભાઈ તો હજુ દસમા ધોરણમાં ભણે છે. બંને ભાઈનો અભ્યાસ અને ઉંમર એટલાં નથી કે એ પિતાની જગ્યાએ નોકરી મળે તો કરી શકે. આથી ના છૂટકે આશિમાએ પોતાનું નામ રહેમરાહે નોકરી મળે એમાં ભર્યું.
આશિમાને થોડાં જ મહિનાઓમાં નોકરી મળી ગઈ. અભ્યાસ અધૂરો મૂકીને એ નોકરીએ લાગી ગઈ. ઘરમાં પિતાની ગેરહાજરી તો કોઈ રીતે પૂરી શકાય એમ ન હતી. પણ આર્થિક રીતે કોઈ તકલીફ ન પડી એટલે પરિસ્થિતિ થોડેઘણે અંશે સારી રહી એવું કહી શકાય.
આઠેક મહિના વીતી ગયા પછી આશિમાના પ્રેમી ચંદ્રેશના માતા-પિતા લગ્નની વાત લઈને આવ્યાં. આશિમાના મમ્મીને તો કોઈ જ વાંધો ન હતો. વળી, ચંદ્રેશે આશિમાના પરિવારના કપરા સમયમાં બહુ સાથ આપ્યો અને સૌને સાચવવામાં અને પિતાના અવસાન પછી આવેલી મોટી રકમને ક્યાં ઈન્વેસ્ટ કરવી એમાં સાચી સલાહ આપી. એણે બધી જ રકમનું એવી રીતે રોકાણ કરાવ્યું કે, આશિમાના મમ્મીને દર મહિને એક નિશ્ચિત રકમ મળી રહે. વળી, બધું જ રોકાણ મમ્મીના નામે જ કર્યું જેથી ભવિષ્યમાં રુપિયાની બાબતે મમ્મી દીકરાઓને આશરે ન રહે.
એક સરસ મજાની સાંજે બંને પરિવારજનો જમવા માટે એકઠાં થયાં. બધાંને ખબર જ હતી કે, વાતનો દોર કઈ તરફ આગળ વધવાનો છે. જમ્યાં બાદ બધાં ફળિયામાં વાતો કરવાના ઈરાદે બેઠાં. વાતચીતનો દોર શરુ થાય એ પહેલાં જ ચંદ્રેશના પપ્પાએ આશિમાના મમ્મીને સંબોધીને વાત શરુ કરી.
એમણે કહ્યું કે, પડોશી હોવાને નાતે અમને તમારાં પરિવારની તમામ વાતો અને આર્થિક પાસાંની ખબર છે. લગ્નની વાત શરુ થાય એ પહેલાં અમારી એક શરત છે. જો એ કબૂલ હોય તો જ વાત આગળ વધારીએ.
આશિમાનાં મમ્મી અને નાનાં ભાઈઓ શરતની વાત સાંભળીને જરા ગભરાઈ ગયાં. ચંદ્રેશના પિતાએ કહ્યું કે, તમે લગ્ન કરાવી આપો. પણ અમને આશિમાના કરિયાવર સ્વરુપે કંઈ જ નથી જોઈતું. લગ્ન એકદમ સાદાઈથી બંને પરિવારના સગાંઓની હાજરીમાં કરીશું. રિસેપ્શન અમારાં તરફથી રાખીશું. જેમાં તમારાં તમામ મિત્રો અને પરિવારજનોને અમે નિમંત્રણ આપીશું.
હજુ સુધી શરતની વાત આવી નહોતી એટલે બધાં અદ્ધરજીવે વડીલની વાત સાંભળતા હતાં. વડીલે કહ્યું, આશિમાને એનાં પપ્પાની જગ્યાએ નોકરી મળી છે. એના પગારથી ઘર ચાલે છે. અમારી શરત એ છે કે, લગ્ન પછી પણ આ ઘર આશિમાના પગારથી જ ચાલશે. એ નિયમમાં કોઈ બાંધછોડ નહીં થાય. લગ્ન બાદ આશિમાના પગાર ઉપર ફક્ત એનાં પપ્પાના પરિવારજનોનો હક રહેશે. આશિમાની જવાબદારી અમારી પણ એની કમાણી તમારી. જો આ મંજૂર હોય તો આપણે વાત આગળ વધારીએ.
થોડીવાર માટે તો કોઈને શું બોલવું એનો અંદાઝ જ ન આવ્યો. આજના જમાનામાં આવું વિચારનારા પણ છે એવું બોલીને આશિમાના મમ્મી તો રીતસર રડી પડ્યાં. થોડીઘણી આનાકાની બાદ પગારના પચાસ ટકા આશિમાએ એના માટે રાખવા એવી આજીજી કરી પણ ચંદ્રેશના પિતા એકના બે ન થયાં.
આશિમા કહે છે, લગ્નની વાત આવે અને મમ્મી ઉદાસ થઈ જતી હતી. એને અંદરખાને એક ડર સતાવતો હતો. એ બોલી નહોતી શકતી પણ એની મૂંઝવણ મને સમજાતી હતી. આ અવઢવ મેં ચંદ્રેશના પપ્પાને કહી ત્યારે એમણે કહ્યું કે કોઈક રસ્તો કાઢીશું. પણ મને આવો અંદાઝ સુદ્ધાં ન હતો કે, આવું પણ કોઈ વિચારી શકે.
સાચી સમજણ અને જવાબદારી બંને એક દિશામાં હોય ત્યારે જ કંઈક આવી અનોખી ઘટના બનતી હશે. કોની કમાણી ઉપર કોનો અધિકાર એ વિવાદને બદલે, સમજદારીપૂર્વકની વાત વાતાવરણને કેટલું પોઝિટીવ બનાવી શકે છે એનું આ ઉમદા ઉદાહરણ છે.