ઘરમાં સ્ત્રીને સમાન હિસ્સેદારી કે તેંત્રીસ ટકા ક્યારે?
કેન્દ્ર સરકારમાં આવી, અનેક સ્ત્રી સાંસદોના હાથમાં સત્તાનો દોર સોંપવામાં આવ્યો છે. મેજોરિટી સાથે ચૂંટાઈને આવેલી સરકાર હોવાથી અને મહિલા સાંસદોની સંખ્યા વધુ હોવાથી મહિલાઓને 33 ટકા અનામત અપાય એ માટે ઘણાં બધાં લોકો આશાવાદી છે. રાજકારણમાં વહેલાં મોડું મહિલા અનામત લાગુ પડી જશે પણ ખરી શરુઆત ઘરથી થતી હોય છે. પરિવારમાં કે ઘરમાં સ્ત્રીઓને સમાન તો શું તેંત્રીસ ટકા જેટલી પણ ગણવામાં આવે છે ખરી?
એમાં તને ન ખબર પડે.
એ તારાં હાથની વાત નથી.
બુદ્ધિ વાપર જરા.
સ્માર્ટફોન લઈને શું કરવું છે?
એક કામ સરખી રીતે થઈ શકતું નથી.
ચેકની સ્લીપ ભરતાં પણ આવડે છે ખરી?
આ અને આવાં અનેક સંવાદો, મહેણાં અને ટોણાં કેટલીય સ્ત્રીઓ સાંભળતી હશે. કેટલીય વખત સમસમીને બેસી રહેતી હશે. વિવાદ કે ઝઘડો ટાળવા માટે અનેક વખત મનને મારીને જીવી લેતી હશે. પણ હકીકત એ છે કે, સ્ત્રીને આજની તારીખે પરિવારમાં સમાન દરજ્જો એટલી સહજતાથી મળતો નથી. હજુ એ પરિવારના પુરુષો દ્વારા દોરવાઈને જીવી લેતી હોય છે.
આ વાંચીને અનેક સ્ત્રીઓ એવું કહેશે કે, અમારી હાલત સારી છે. પરિવારમાં અનેક નિર્ણયો અમે લઈ શકીએ છીએ. ઘરમાં અનાજ, કરિયાણું કે મસાલા ન હોય તો પણ અમે ચિંતા કરીએ છીએ અને લાઈટ બિલ કે મોબાઈલ બિલ ભરવાની ડ્યુ ડેઈટ હોય તો પણ અમને ટેન્શન હોય છે. નેટ ઉપરથી પ્લેનની કે ટ્રેનની ટિકિટ બુક કરાવવાની હોય કે પછી નેટ ઉપરથી શોપીંગ કરીને કોઈને ગિફ્ટ મોકલવાની હોય. ટેકનોલોજી અમારાં આંગળીના ટેરવે રમે છે. ઘડીના છઠ્ઠા ભાગમાં અમે હજારોનો વ્યવહાર મોબાઈલ પરથી કરી લઈએ છીએ.
એક બહુ જ એવી બે અંગત બહેનપણીની વાત છે. પડોશમાં રહેતી એ બે સ્ત્રીઓને એકબીજાં સાથે બહુ બને. ઘરમાં કોઈ નવી વાનગી બની હોય તો પણ એકબીજાંના ઘરે આપવા જાય અને કોઈ શોપીંગ મોલમાં સેલ આવ્યું હોય કે શાકભાજી લેવાં જવું હોય તો પણ એ સાથે જાય. આમાંથી એક બહેનપણી ગૃહિણી છે જ્યારે બીજી વર્કિંગ વુમન. સમય એડજેસ્ટ કરીને એ બંને ઘરની જવાબદારીઓ પૂરી કરે.
ગૃહિણી છે એ સ્ત્રીને આ વર્કિંગ વુમન હંમેશા નિહાળે, અવલોકન કરે. એ ગૃહિણી સો-બસો રુપિયાથી વધુ મોંઘી ચીજ લેવી હોય તો ઓફિસે ગયેલાં એનાં પતિને પૂછીને લે. ફોન ઉપર પતિને વિવરણ આપે. પછી એ વસ્તુ જોઈ ભલે એ સ્ત્રીએ હોય પણ લેવી કે ન લેવી એનો નિર્ણય એનો પતિ કરે. જ્યારે પેલી વર્કિંગ વુમન એને જે ગમ્યું હોય એ અને ઘર માટે કે જિદંગી માટે જરુરી હોય એવી કોઈ વસ્તુ હોય તો ફટ કરતી લઈ લે. બેઝિકલી બંનેના ઉછેરમાં અને લગ્ન બાદ મળેલાં સાસરિયાના માહોલમાં બહુ મોટો ફરક છે. આથી બંને પોતાની પ્રકૃત્તિ પ્રમાણે જીવે છે. આ પ્રકૃતિ બદલવાની નથી. પણ તમે થોડી દુનિયાદારી કે સમજદારી કે પછી નિર્ણય લેવાની શક્તિને સમય અને સંજોગો પ્રમાણે કેળવી શકો એ વાતમાં બે મત નથી.
એ ગૃહિણી અને એનાં જેવી કેટલીય સ્ત્રીઓ પતિ કરતાં વધુ સમજદાર અને દીર્ઘદ્રષ્ટા હોય છે. છતાંય એમને નિર્ણય લેવાની છૂટ નથી હોતી એટલે એ કંઈ પોતાની રીતે ખરીદી શકતી નથી કે વિચારોને વ્યક્ત કરી શકતી નથી. ખરી વાત એ છે કે, આ અને આવી અનેક સ્ત્રીઓ પોતાની જાતને જ સેકન્ડ સિટીઝન તરીકે સ્વીકારી લે છે. પછી આપણે પરિવારજનોને કે પતિને કે પિતાને કે ભાઈને દોષ દઈએ એનો કોઈ મતલબ નથી.
કોણ પહેલું અને કોણ બીજું એ સવાલ મહત્વનો નથી. ઘરનું આખું તંત્ર અને ગોઠવણ સ્ત્રીને આધારિત હોવા છતાં એ બેઝિક સમાનતાના અધિકારથી વંચિત જોવા મળે છે. સ્ત્રી અને પુરુષની શારીરિક મર્યાદાઓને માન આપીએ તો બુદ્ધિની વાત આવે ત્યાં કોઈ કોઈનાથી ઉતરતું નથી.
સવાલ માત્ર જે તે સ્ત્રીને મોકળાશ કે હળવાશભર્યું વાતાવરણ આપવાનો છે. સ્ત્રી પોતાના અસ્તિત્વને જ ઉતરતું ગણી લે તો એને કોઈ ઉચ્ચ સ્થાને ન મૂકી શકે. સત્તા હોય કે પરિવારમાં પોતાનું સ્થાન સમાન મેળવવાની વાત હોય સ્ત્રી પોતે પોતાના અસ્તિત્વને સમજીને ઉજાગર કરવાની કોશિશ કરે તો એનાં પ્રયત્નોને વહેલાં મોડી માન્યતા અને સ્વીકાર ચોક્કસ મળે છે.
સાચી વાત એ છે કે, સ્ત્રીઓ માથે ઠોકી બેસાડાયેલાં નિયમો અને પુરુષપ્રધાન સમાજી માનસિકતા જ્યાં સુધી જિદંગી ઉપર હાવી રહેશે ત્યાં સુધી ઘરમાં કે પરિવારમાં સમાનતા તો શું તેંત્રીસ ટકા મળવું પણ મુશ્કેલ છે.
તેંત્રીસ ટકા અનામત કે સમાનતાની વાતો કરીને કોઈને ઉશ્કેરવાનો જરાય આશય નથી. વાત ફક્ત એટલી જ કહેવાની છે કે, પોતાની જાતને ઓળખો. કોઈના કહેવાથી કે કોઈના દોરવાવાથી દોરવાઈને જીવવા કરતાં જસ્ટ પોતાની જાત સાથે સંવાદ કરવાની વાત છે. એક વખત તો શાંતિથી પોતાની રીતે વિચાર કરજો કે તમે કઈ રીતે જીવો છો? ઘરમાં કે ઓફિસમાં કે પછી જાહેર જીવનમાં. બધાં કહે એમ જીવો છો કે પોતાની શક્તિ કે બુદ્ધિને ધ્યાનમાં રાખીને જીવો છો? વડીલોનું માન રાખીને, એમને સાચવીને જીવવામાં કંઈ ખોટું નથી. પણ તમારી બુદ્ધિને કે આવડતને આધાર બનાવીને તમને સેકન્ડ સિટીઝન તરીકે ટ્રીટ કરવામાં આવે ત્યારે મનમાં સહેજેય કંઈ ડંખતુ નથી? અંતરાત્માને જરા પણ ઠેંસ નથી પહોંચતી? કે પછી આવી રીતે જ જીવવામાં મજા આવવા માંડી હોય છે?
ઘર સાચવતી સ્ત્રી હોય કે કચરો વીણતી સ્ત્રી હોય કે પછી ઓફિસે જઈને નવ નવ કલાક કામ કરતી સ્ત્રી હોય પોતાની આસપાસની અને પરિવારની દુનિયામાં એટલી ખોવાયેલી હોય છે કે, એને ભાગ્યે જ વિચાર આવે છે કે, એ કેવી રીતે જીવે છે? એનાં જીવનનો કે એનાં અસ્તિત્વનો ખરેખર કોઈ મતલબ છે ખરો? કોઈને એનાં હોવા કે ન હોવાથી ફરક પડે છે ખરો?
આ અને આવાં અનેક સવાલો કે વિચારો મનને ઘેરી વળે ત્યારે પોતાની સાથે જ જોડાયેલાં લોકો સામે લડવા નીકળી પડવું કે સામા થઈ જવું એવી વાત નથી કહેવા માગતી. બસ, પોતાની રીતે વિચાર કરવાનું જ કહું છું. આ સવાલોના જવાબ મળે ત્યારે પોતાનું દિલ કહે એમ વર્તન કરીને પોતાનું સ્થાન મજબૂત બનાવશો ત્યારે પોતાની જાતને ઘરમાં, પરિવારમાં કે ઓફિસમાં સમાન છો એવું ફીલ કરી શકશો.
મોટાભાગે આપણે ત્યાં એવું માની લેવામાં આવે છે કે, સ્ત્રીમાં ઓછી બુદ્ધિ હોય છે. એને રાજકારણમાં કે સાયન્સ- ટેકનોલોજીમાં ખબર ન પડે. નિર્ણયશક્તિ ઓછી હોય છે. આ અને આવી અનેક વાતો સ્ત્રીઓ માટે માની લેવામાં આવી છે. કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે, પુરુષોમાં શું ભગવાને વધુ બુદ્ધિ મૂકી છે? ના એવું જરાય નથી.
કેટલાંય પુરુષોમાં પણ નિર્ણય લેવાની કોઈ શક્તિ નથી હોતી. પૈસા ક્યાં અને કેવી રીતે ઈન્વેસ્ટ કરવા એનો આઈડિયા નથી હોતો. કેટલીય વખત હું બેંકમાં ચેક ભરવા ગઈ છું ત્યારે બાજુમાંના કોઈ પુરુષે ચેકનું ફોર્મ કઈ રીતે ભરવું એવું પૂછ્યું છે. એનો એ મતલબ નથી કે એ નબળો છે અને હું સબળી છું. રાજકારણની વાતમાં પુરુષોને બધી જ ખબર પડે છે એવું જરાય નથી હોતું. પરિવારની સ્ત્રીઓએ જ પુરુષોને ઉચ્ચ સ્થાને બેસાડીને પોતાનું સ્થાન તુચ્છ કરી નાખ્યું હોય એમાં વાંક કોનો છે એ જરા વિચાર કરી જો જો.
સ્ત્રી હોય કે પુરુષ બધાંને બધી ખબર પડતી હોય એવું જરાય જરુરી નથી. બંને પોતપોતાની બુદ્ધિ શક્તિ પ્રમાણે અને કુદરતી મર્યાદા મુજબ જીવતાં હોય છે. કોઈ એક મહાન અને કોઈ એક ઉતરતું એવું જરાય નથી. અનેક સ્ત્રીઓ રાજકારણથી માંડીને ટેકનોલોજીની દુનિયામાં કે ઊંચી કંપનીઓમાં કે બેંકમાં ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજે છે. શું એ સ્ત્રીઓ કંઈ વિશેષ બુદ્ધિ લઈને આવી છે? કદાચ એ એની આવડતનો વધુ ઉપયોગ કરતી હશે. પણ કુદરતે બધાં જ મનુષ્યોમાં બુદ્ધિ એક સરખી જ આપી છે. આપણે ફક્ત એને પોઝિટવ અને સાચા રસ્તે વાપરવાની છે. જો આવું થાય તો કોણ ચડિયાતું અને કોણ ઉતરતું એવો સવાલ જ નહીં રહે.