ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સરખામણી કરવાથી સુખ મળે?

 માનવ સ્વભાવ કહો કે આજની રહેણી કરણી, આપણી આસપાસ વસતાં લોકો હોય કે ઘરમાં રહેતાં પરિવારજનો હોય. જાણે અજાણે ક્યાંકને ક્યાંક આપણાંથી સરખામણી થઈ જ જતી હોય છે. સંતાનોનું પરિણામ હોય કે, ઘરમાં વસાવેલી કોઈ ભૌતિક સુખસગવડ. સરખામણી કરીને આપણને શું મળે છે એનો વિચાર આપણે ભાગ્યે જ કરતાં હોઈએ છીએ. આ જો મીતાબહેનના દીકરાને કેટલાં સરસ માર્કસ આવ્યાં. એનું નામ તો મેરિટ લિસ્ટમાં આવી જવાનું છે. અમારે તો àª
11:38 AM Jan 25, 2022 IST | Vipul Pandya

 માનવ સ્વભાવ કહો કે આજની રહેણી કરણી, આપણી આસપાસ વસતાં લોકો હોય કે ઘરમાં રહેતાં પરિવારજનો હોય. જાણે અજાણે ક્યાંકને ક્યાંક આપણાંથી સરખામણી થઈ જ જતી હોય છે. સંતાનોનું પરિણામ હોય કે, ઘરમાં વસાવેલી કોઈ ભૌતિક સુખસગવડ. સરખામણી કરીને આપણને શું મળે છે એનો વિચાર આપણે ભાગ્યે જ કરતાં હોઈએ છીએ. 

આ જો મીતાબહેનના દીકરાને કેટલાં સરસ માર્કસ આવ્યાં. એનું નામ તો મેરિટ લિસ્ટમાં આવી જવાનું છે. અમારે તો તારું ટેન્શન છે. ડોનેશનની સીટ ઉપર એડમિશન લેશું તો ક્યાં લઈએ? સૌથી ઓછાં રુપિયા ક્યાં આપવા પડે એ વિચારવાનું છે. થોડી વધુ મહેનત કરી હોત તો મીતાબહેનના દીકરા કરતાં વધુ સારાં ટકા આવ્યાં હોત. દીકરી સ્વીટીનું પરિણામ  આવ્યું કે, રસીલાએ ઘરમાં કકળાટ મચાવી દીધો. 


દીકરીના બારમા ધોરણના પરિણામને કારણે જાણે પોતાનો અહમ અને પોતાની ઈજ્જતનો સવાલ આવી ગયો હોય એવી રીતે રસીલા વર્તવા માંડી. પંચાણુ ટકા ધારેલાં એના બદલે નેવું ટકા આવ્યાં. જ્યારે મીતાબહેનના દીકરાને પંચાણુ ટકા આવ્યાં. મીતા અને રસીલા બંને એક જ સોસાયટીમાં બાજુ બાજુમાં રહે છે. પોતાના સંતાનનો સારો ઉછેર કરવો, એને સરસ ભણતર મળે કંઈક એ પ્રકારની માનસિકતામાં આ બંને પડોશણો પરિવારને જ સર્વસ્વ માને છે. બંનના સંતાનોનું બારમા ધોરણનું પરિણામ આવ્યું એમાં રસીલા તો જાણે દુઃખી દુઃખી થઈ ગઈ. 


પરિણામ દીકરીનું આવ્યું પણ નાપાસ થયાંની લાગણી જાણે રસીલાને થતી હોય એવું લાગે. દીકરીએ સારાં માર્કસ સાથે એકઝામ પાસ કરી એ વાતે રાજી થવાના બદલે બાજુવાળાના દીકરા કરતાં કેમ ઓછાં માર્કસ આવ્યાં એનું ગાણું જ એ ગાયે રાખતી હતી. 


પરિણામથી માંડીને જીવન સાથે જોડાયેલી એવી કેટલીય વાતોને આપણે સરખામણી કરીને જાતને દુઃખી કરતાં રહીએ છીએ. જીવનમાં કંઈક મેળવવાની કે કમાવવાની ઝંખના દરેકને હોય પણ બીજાં કરતાં કંઈક ખૂટતું હોય એવું લાગે ત્યારે અસંતોષ અને દુઃખ સિવાય કંઈ નથી મળતું હોતું. આ સમયે આપણામાં કંઈક ખૂટતું હોય તો એ સમજણની કમી હોય છે. જો થોડી સમજણથી સરખામણી કરીએ તો દુઃખી થવા કરતાં પોતાના જીવનથી સંતોષની લાગણી ટોચ ઉપર હોય. આપણે હંમેશા પરિણામ કે બીજી સગવડોની સરખામણી કરીએ છીએ. કોઈ દિવસ સમજણ કે મેચ્યોરીટીની કે સારી બાબતોની સરખામણી કેમ નથી કરતાં?


પરિવારમાં પણ એક જ માતા સંતાનોમાં સરખામણી થઈ જતી હોય છે. બે બહેનોને સાસરે કેવું સુખ છે કે બંનેના જીવનસાથી કેવા છે એની સરખામણી પરિવારજનો કરી બેસતાં હોય છે. બે ભાઈઓ હોય તો બેમાંથી કોને મા-બાપ વધુ વહાલાં છે કે બેમાંથી કોની વહુ સારી છે એની સરખામણી પણ આપણે કરીએ છીએ. વળી, આવી સરખામણી આપણે આપણી સમજ પ્રમાણે તોલીએ છીએ. સમજણ અને અનુભવ જે કહે એ સાચું એવું માનીને નિર્ણય સંભળાવી દેવામાં પણ આપણે અચકાતાં નથી. 


એક સરસ મજાનો કિસ્સો યાદ આવે છે. એક જ ઓફિસમાં કામ કરતાં બે સહકર્મચારીના પરિવાર વચ્ચે જબરો ઘરોબો. પંદર વીસ દિવસે બધાં કોઈ એક ઘરે એકઠાં થાય. મહિને બે મહિને સાથે ફરવા જાય. તેમ જ બંને પરિવારના ચારેય સંતાનોને પણ એકબીજાં સાથે સરસ બને. એક-બે વાર વેકેશન માણવા પણ આ બંને પરિવારો સાથે ગયાં. આ બે પરિવારમાંથી એકને ઘર ચલાવવા સિવાય કોઈ ખાસ જવાબદારીઓ ન હતી. પણ બીજાં પરિવાર માથે ઘરના ઘરનો હપ્તો, અપરણિત બહેનનાં લગ્નનો ખર્ચો, વૃદ્ધ મા-બાપની નાની-મોટી સારવાર વગેરેનો ખર્ચો રહે. આથી બીજાં પરિવારની સરખામણીમાં એમનો હાથ બહુ છૂટો ન રહી શકે. 


થોડી આર્થિક તાણ અનુભવતી એ ગૃહિણીને જ્યારથી ખબર પડી છે કે, બાળકોના આ ઉનાળાના વેકેશનમાં પેલો સદ્ધર પરિવાર વિદેશ ફરવા જવાનો છે. ત્યારથી એ થોડી થોડી દુઃખી રહે છે. એ કહે છે, અમે તો આ જવાબદારીઓમાંથી ક્યારે છૂટશું એ ખબર નથી. અને આ જો એમનાં મિત્ર સપરિવાર વિદેશ જઈ રહ્યાં છે. અમને તો સપનામાં પણ આવાં હોલિડેઝ નથી પોસાય એમ. મારાં પતિ અને એમનો મિત્ર સરખું કમાય છે. પણ એ લોકોની જિદંગી એકદમ સપનાં જેવી જાય છે. મોંઘીદાટ વસ્તુઓ ખરીદવાથી માંડીને કપડાં-લતાંના શોખ પણ એ લોકો પૂરાં કરી શકે છે. અમારે તો દરેક ખર્ચમાં એક બજેટની આસપાસ જ રમવાનું આવે છે. 

સાથોસાથ એ સદ્ધર પરિવારના પુરુષની વાત કરીએ. એ ભાઈનું નામ મોહિત. પત્ની અને બે દીકરાઓ સાથે એ વિદેશ ફરવા જવાની તૈયારી કરતો હતો. એ સરસ મજાની સાંજે મોહિત એની પત્ની સાથે ચા પીતાં વાત કરતો હતો. આપણે ચાર જ જઈ રહ્યાં છીએ ત્યારે મને મારાં દોસ્તનો પરિવાર બહુ મીસિંગ લાગે છે. એ પરિવારની જવાબદારીઓમાં અટવાયેલો છે. નહીં તો એને ચોક્કસ સાથે જ લઈ જાત. પણ તું જો એ કેટલો લકી છે. માતા-પિતાની સેવા કરી શકે છે. બહેનનાં લગ્ન કરવાનું સૌભાગ્ય એને મળ્યું છે. બંને બાળકો આપણાં દીકરાઓ કરતાં કેટલાં હોંશિયાર છે. એનો ભર્યોભર્યો પરિવાર જોઉં છું ત્યારે મને મીઠી ઈર્ષા થઈ આવે છે. આપણી સરખામણીમાં એ લોકો વધુ સુખી છે એવું મને સતત લાગે રાખે છે. પણ એનું સુખ જોઈને મારી આંખ ઠરે છે એટલે જ વારંવાર એનાં ઘરે જાવું મને વધુ ગમે છે. એનાં મા-બાપ સાથે વાતો કરીને હળવાશ લાગે છે. એની નાની બહેન સાથે મજાક કરીને મને એકલાં સંતાન હોવાનો રંજ નથી રહેતો. 

મોહિતનાં મા-બાપ બહુ નાની ઉંમરે અવસાન પામેલાં. એકનો એક ભાણિયો મોહિત એનાં મામાને ઘરે બહુ લાડકોડથી મોટો થયો. કમાવવા માંડ્યો ત્યારથી એ એની રીતે જીવે છે. પણ એકલાં પડી ગયાની પીડા એનાં દિલમાંથી જતી નથી. બંને પરિવારનાં પાત્રો પોતાની પાસે જે છે એનાંથી ખુશ નથી પણ બીજા પાસે જે કંઈ છે એની મીઠી કે સાચી ઈર્ષા થઈ આવે છે. 


આપણી આસપાસ જીવતાં લોકોમાં પણ પોતાની પાસે જે નથી હોતું એની જ સરખામણી થઈ જતી હોય છે. બીજા પાસે છે એનું દુઃખ લાગતું હોય છે અને પોતાની પાસે નથી એની લાગણી સપાટી પર આવી જાય છે. આ સંજોગોમાં જ સરખામણી કરીને આપણે દુઃખી થઈએ છીએ. જે છે એને સાચવવા કે જાળવવાને બદલે આપણી નજર સામેવાળા પર વધારે હોય છે. પોતાની અંદર નજર કરવાને બદલે આપણને બીજાં લોકોનાં સુખ-દુઃખમાં ઝાંકવાનું વધુ ગમતું હોય છે. 


ઘણીવખત તો આ સરખામણી આપણી માથે એટલી બધી હાવી થઈ જાય છે કે, સામેવાળાની પીડા આપણને સુખ આપવા માંડે છે. આપણી સમજણની ધાર એ હદે બુઠ્ઠી થઈ જાય છે કે, પોતાના બેઝિક સ્વભાવને મૂકીને કે ભૂલીને આપણે અંદરથી ખુશ થતાં હોઈએ છીએ. 


સંતાનોનાં માર્કસની કે સંતાનો ડાહ્યાં છે કે કહ્યામાં નથી એવી સરખામણી કરીને સરવાળે આપણે પોતે દુઃખી થઈએ છીએ. ભૂલેચૂકેય જો સંતાનની સામે આ વાત વ્યક્ત થઈ ગઈ તો સંતાનની શું હાલત થાય છે એનો વિચાર તો આપણને ભાગ્યે જ આવે છે. કોઈપણ સંતાન હોય એને કદીય પોતાની સરખામણી કોઈની સાથે થાય એ પસંદ નથી હોતું. પછી એ વર્તનની સરખામણી હોય કે પરિણામની. 


મિત્રોની બાબતમાં આપણને પસંદગીનો અવકાશ રહે છે. જીવનસાથી પણ દરેક વ્યક્તિ પોતાની પસંદગીનો શોધી શકે છે. મા-બાપ અને સંતાનો આ બે સંબંધ એવાં છે જેમાં જેવું છે એવું મારું સંતાન છે કે જેવાં છે એવાં મારાં-મા-બાપ છે. સાચી વાત તો એ છે કે, ડીએનેએમાં મળતાં સંબંધોમાં કે વ્યક્તિઓમાં કદીય કોઈ ફેરફાર સંભવ નથી હોતો. તો પછી એને કોઈનીને કોઈની સાથે સરખાવીને આપણે જ આપણી જાતને મૂરખ શા માટે બનાવીએ છીએ? જે છે એવું સ્વીકારી લેવામાં આપણને કઈ સમજણ નડે છે? વળી, પોતાની જાતને કે પોતાના પરિવારજનને સરખાવવાથી પરિસ્થિતિઓ બદલાઈ નથી જવાની તો પછી હાથે કરીને આપણે આપણાં દુઃખમાં વધારો શા માટે કરીએ છીએ? 


Tags :
26thJanuary26જાન્યુઆરીGujaratFirstHistoryIMPORTATNTગુજરાતફર્સ્ટ
Next Article