Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

FTII-કોડીનું,કોટિનું ચોટીનું

FTII-પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા. આજ સુધી ફિલ્મોમાં ઘણા કલકાર કસબીઓ આ સંસ્થામાં ભણ્યા.     કાન આંતરરાષ્ટ્રીય ચિત્રપટ સમારોહમાં ઝળહળતી સફળતા મેળવનારા કલાકાર – કસબીઓ પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (FTII) સાથે અનુસંધાન ધરાવે છે. પ્રથમ...
03:44 PM Jul 12, 2024 IST | Kanu Jani

FTII-પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા. આજ સુધી ફિલ્મોમાં ઘણા કલકાર કસબીઓ આ સંસ્થામાં ભણ્યા.    

કાન આંતરરાષ્ટ્રીય ચિત્રપટ સમારોહમાં ઝળહળતી સફળતા મેળવનારા કલાકાર – કસબીઓ પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (FTII) સાથે અનુસંધાન ધરાવે છે.

પ્રથમ બેચ પાસ આઉટ થયાને 60 વરસ પૂરાં

યોગાનુયોગ જુઓ કે FTII શૈક્ષણિક સંસ્થાના પ્રથમ બેચના વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા એને તાજેતરમાં જ ૬૦ વર્ષ પૂરા થયા છે. પહેલી બેચમાં ઉત્તીર્ણ થયેલા સ્ટુડન્ટ્સમાં એક નામ હતું ‘હમ અંગ્રેઝોં કે જમાને કે જેલર હૈ’ ડાયલોગ જેમની ઓળખાણ છે એ એક્ટર અસરાનીનું.

એફટીઆઈઆઈના પ્રારંભના દોર અને એની બદલાયેલી ઈમેજના દોરના સાક્ષી રહેલા અસરાનીએ એક ઈન્ટરવ્યૂમાં સંસ્થાના સામર્થ્ય વિશે બોલતા જણાવ્યું હતું કે “હું એફટીઆઈઆઈના પ્રથમ બેચનો ગ્રેજ્યુએટ હતો અને એ પણ ફર્સ્ટ ક્લાસ સાથે. એફટીઆઈઆઈનું સર્ટિફિકેટ દેખાડીશ એટલે મને ફિલ્મમાં તરત કામ મળી જશે એવું હું માનતો હતો. જોકે, એ સમયે ફિલ્મમેકરોને મારા સર્ટિફિકેટની કોઈ વેલ્યૂ નહોતી. એ લોકોએ મને સાફ શબ્દોમાં કહી દીધું કે સર્ટિફિકેટ એક્ટિંગની આવડતનું પ્રમાણપત્ર છે એવું કોણે કીધું? ઈન્ડસ્ટ્રીના નામી એક્ટર – બિગ સ્ટાર ક્યારેય અભિનય શીખવા કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં નથી ગયા. આ સર્ટિફિકેટ મળ્યું એટલે એક્ટિંગ આવડી ગઈ એવા ભ્રમમાં તું છે?’”

“આવા આકરા વેણ સંભળાવી દરવાજો દેખાડી દેતા. ફિલ્મમાં કામ કરવા બે વર્ષ મારે સંઘર્ષ કરવો પડ્યો. એ સમયે શ્રીમતી ઈન્દિરા ગાંધી માહિતી અને પ્રસારણ ખાતાનાં પ્રધાન હતાં. તેઓ પુણે આવ્યા ત્યારે FTII ના ગ્રેજ્યુએટ્સની વીતકકથા અમે તેમને જણાવી.  મુંબઈ જઈ તેમણે ફિલ્મ મેકરોને એફટીઆઇઆઇના વિદ્યાર્થીઓને ફિલ્મોમાં કામ આપવા જણાવ્યું. ત્યારબાદ દિવસો બદલાયા અને અમને કામ મળવા લાગ્યું. “

જયા ભાદુડીને અને મને ‘ગુડ્ડી’માં તક મળી. ‘ગુડ્ડી’ હિટ થઈ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી એફટીઆઈઆઈ વિશે ગંભીરતાથી વિચાર કરવા લાગી. દિવસો બદલાયા.

અદૂર ગોપાલક્રિષ્ણન, સંજય લીલા ભણસાલી, રાજકુમાર હિરાણી જેવા દિગ્દર્શક પાક્યા

FTIIનું કોડીનું ગણાતું સર્ટિફિકેટ કોટિનું અને પછી ચોટીનું બની ગયું. ઈન્ડસ્ટ્રીનું ધ્યાન નસીરુદ્દીન શાહ, શબાના આઝમી,ઓમ પુરીથી લઈ રાજકુમાર રાવની અલાયદી અદાકારી પર પડ્યું. સંજય લીલા ભણસાલી, રાજકુમાર હિરાણી અને પાયલ કાપડિયા કેવા કાબેલ દિગ્દર્શક છે એ જાણવા મળ્યું. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અદૂર ગોપાલક્રિષ્ણન અને રેસુલ પૂકુટ્ટી જેવી પ્રતિભા પણ એફટીઆઈઆઈની દેન છે. ઈન્સ્ટિટ્યૂટનું એક્ટિંગનું સર્ટિફિકેટ મેળવી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાઠું કાઢનારી કેટલીક પ્રતિભા વિશે જાણીએ.

જયા ભાદુડી:

લેખક, પત્રકાર તરુણકુમાર ભાદુડીની પુત્રી જયા ભાદુડીએ ૧૯૬૦ના દાયકામાં ત્રણ બંગાળી ફિલ્મ (જેમાંની એક સત્યજિત રાય દિગ્દર્શિત ‘મહાનગર’ હતી)માં ચમક્યા પછી એક્ટિંગનો ડિપ્લોમા મેળવવા એફટીઆઈઆઈમાં એડમિશન લીધું હતું. ગાંઠે બંધાયેલો અનુભવ કામ લાગ્યો અને જયા ગોલ્ડ મેડલ સાથે ગ્રેજ્યુએટ થઈ. જોકે, ગોલ્ડ મેડલ કે સર્ટિફિકેટ ફિલ્મ મેળવી આપવામાં નિમિત્ત ન બન્યા. જયાજીએ જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘ઋષિદાની ગુડ્ડી’ હિટ થયા પછી હિરોઈનના રોલ ફિલ્મમેકરો મને આપવા લાગ્યા. પણ એફટીઆઈઆઈનો ડિપ્લોમા મારા હાથમાં આવ્યો ત્યારે ફિલ્મમેકરોની પ્રતિક્રિયા હતી ઠીક હૈ. ચરિત્ર અભિનેત્રીના રોલ એ કરી શકશે. ‘હું હિરોઈન બની શકીશ એવું માનવા જ તેઓ તૈયાર નહોતા. મારા માટે આ પડકાર હતો.’

ધર્મેન્દ્ર અને ઉત્પલ દત્ત જેવા બે અવ્વલ અભિનેતાની હાજરીમાં જયા ભાદુડીએ પહેલી જ ફિલ્મમાં ગોલ્ડ મેડલને સાર્થક કર્યો. અભિનયના એવા અજવાળા પાથર્યા કે ‘ગુડ્ડી’ રિલીઝ થઈ એના બીજા જ દિવસથી એના દરવાજાની બેલ સતત રણકવા લાગી. ‘પરિચય’, ‘બાવર્ચી’, ‘કોશિશ’, ‘અભિમાન’, ‘જવાની દીવાની’, ‘અનામિકા’, ‘કોરા કાગઝ’… ૧૯૭૦ના બદલાઈ રહેલા દોરમાં જયા ભાદુડી – બચ્ચન પ્રથમ પંક્તિની નાયિકા બની ગઈ.

શબાના આઝમી

એફટીઆઈઆઈની સૌથી મોટી સોગાદ કદાચ શબાના આઝમી છે. એની અભિનય આવડત બધા કરતાં બહેતર છે એ કારણસર નહીં, પણ જયાજી શબાનાને કોર્સ કરવાની ઈચ્છા થવા માટે કારણભૂત બન્યા એ કારણસર. શબાનાએ જ કહ્યું છે કે : 

‘મને ડિપ્લોમા મેળવનારા વિદ્યાર્થીઓએ બનાવેલી ‘સુમન’ ફિલ્મમાં જયા ભાદુડીને જોવાની તક મળી હતી. એનું પર્ફોર્મન્સ જોઈ હું પ્રભાવિત થઈ, કારણ કે એ પહેલા મેં જે કોઈ પર્ફોર્મન્સ જોયા હતા એના કરતાં સાવ અલગ તરી આવતું હતું. એ જોયા પછી મને વિચાર આવ્યો કે ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં જોડાઈ જયા જેવી મહારથ મેળવી શકાય તો એનાથી રૂડું શું? મારે એ જ તો કરવું હતું. અને શબાના આઝમી એફટીઆઈઆઈમાં જોડાઈ, કોર્સ કર્યો, ગોલ્ડ મેડલ મેળવ્યો અને શ્યામ બેનેગલની ‘અંકુર’થી આરંભ કર્યા પછી કઈ ઊંચાઈ હાંસલ કરી એ ઈતિહાસ જાણીતો છે."

શબાના એટલી સ્માર્ટ હતી કે ૧૯૭૦ના દોરમાં સમાંતર સિનેમાના પ્રવાહ સાથે જોડાયેલા રહી તેણે ‘અમર અકબર એન્થની’, ‘પરવરીશ’ જેવી ફિલ્મમાં મામૂલી રોલ કરી મુખ્ય પ્રવાહની ફિલ્મો સાથે અનુસંધાન જાળવી રાખ્યું. એફટીઆઈઆઈના ઈતિહાસમાં જયા સાથે શબાનાનું નામ પણ સુવર્ણ અક્ષરથી અંકિત છે. આ બંને અભિનેત્રીઓએ એક્ટિંગના ડિપ્લોમાનું સર્ટિફિકેટ એક કાગળિયું નથી એ વટથી સાબિત કર્યું.

નસીરુદ્દીન શાહ – ઓમ પુરી

બહુ જાણીતી કહેવત છે કે ‘તમે જો યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હો તો સફળતા સાથે વહેલો નાતો જોડાઈ જાય છે.’ એફટીઆઈઆઈના બે ધુરંધર ગ્રેજ્યુએટ્સ નસીરુદ્દીન શાહ અને ઓમ પુરી આ કહેવતના ઉત્તમ પ્રતીક છે. અભિનયમાં એવરેસ્ટની ઊંચાઈ, પણ ગ્લેમરમાં પાતાળની ઊંડાઈ જેવો વિરોધાભાસ હોવા છતાં આ બંને એક્ટર ડિમાન્ડમાં રહ્યા.

એમના નસીબ એટલા પાધરા કે ૧૯૭૦ના દાયકામાં મણિ કૌલ, ગુલઝાર, શ્યામ બેનેગલ, કુમાર સાહની, ઋત્વિક ઘટક એન્ડ કંપની વાસ્તવવાદી ફિલ્મો બનાવવાને પ્રાધાન્ય આપી રહી હતી. એ જ સમયે એફટીઆઈઆઈનો ડિપ્લોમા મેળવી આ બન્ને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ મેળવવા લાગ્યા.

સમાંતર સિનેમા FTII વિદ્યાર્થીઓનું પ્રદાન 

અમિતાભ બચ્ચનના એંગ્રી યંગ મેનનું શાસન ચાલી રહ્યું હતું એ દોરની પ્રચલિત વ્યાખ્યા અનુસાર કોઈ એંગલથી હીરો ન લાગતા નસીર – ઓમ પુરી સમાંતર સિનેમાના નાયકની વ્યાખ્યામાં ફિટ બેસતા હોવાથી હીરો બની ગયા. બંને કેટલીક ફિલ્મમાં સાથે સુધ્ધાં નજરે પડ્યા.

નસીરુદ્દીન શાહએ ‘મંથન’ અને ‘સ્પર્શ’થી જ્યારે ઓમ પુરીએ ‘અર્ધ સત્ય’થી અભિનયની ઈમારતના ટોપ ફ્લોર પર પોતાનો નિવાસ હોવાનું દેખાડી દીધું. મુખ્ય પ્રવાહની ‘કમર્શિયલ ફિલ્મ’નું લેબલ ધરાવતાં ચિત્રપટોમાં પણ તેઓ ખીલી ઊઠ્યા.

FTIIએ બોલિવૂડની જ નહીં પણ ભારતીય ફિલ્મોમાં અનેક કાબેલ કલાકાર કસબીઓ આપ્યા.

આ પણ વાંચો- Makarand Deshpande-સ્ટાર નહીં પણ કલાકાર 

Next Article