Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉત્તર કોરિયાના સાયકો શાસકોની મેન્ટાલિટી આફત નોતરશે

બેલેસ્ટીક મિસાઈલના પરીક્ષણ બાદ આખી દુનિયાના શાસકોને ઉત્તર કોરિયાએ ચિંતામાં મૂકી દીધું છે. ઉત્તર કોરિયાની ધમકીને કોઈ દિવસ કોઈ મામૂલી નથી ગણતું. હંમેશાં એની ધમકીને ગંભીરતાથી જ લે છે. કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગ દેશને લગતી રક્ષાની વાતમાં સૌથી ટોચનું સ્થાન ભોગવે છે. કિમની બહેન યો પણ કંઈ ઓછી ખતરનાક નથી. વાત એમ બની કે, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ઉત્તર કોરિયાએ બે બેલેસ્ટીક મિસાઈલàª
ઉત્તર કોરિયાના સાયકો શાસકોની મેન્ટાલિટી આફત નોતરશે
બેલેસ્ટીક મિસાઈલના પરીક્ષણ બાદ આખી દુનિયાના શાસકોને ઉત્તર કોરિયાએ ચિંતામાં મૂકી દીધું છે. ઉત્તર કોરિયાની ધમકીને કોઈ દિવસ કોઈ મામૂલી નથી ગણતું. હંમેશાં એની ધમકીને ગંભીરતાથી જ લે છે. કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગ દેશને લગતી રક્ષાની વાતમાં સૌથી ટોચનું સ્થાન ભોગવે છે. કિમની બહેન યો પણ કંઈ ઓછી ખતરનાક નથી. વાત એમ બની કે, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ઉત્તર કોરિયાએ બે બેલેસ્ટીક મિસાઈલના પરીક્ષણ કર્યાં. એ પછી દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રી સૂહ વૂકે કહ્યું કે, ઉત્તર કોરિયા અમારો સૌથી મોટો દુશ્મન છે. એ લોકો પાસે દસ હજાર કિલોમીટરની મારક ક્ષમતાની મિસાઈલો છે તો અમારી રક્ષાના સાધનો પણ કંઈ કમ નથી. અમારી પાસે પણ ઉત્તર કોરિયા બરબાદ થઈ જાય એવી મિસાઈલો છે. એવી મિસાઈલો છે જે એના નિશાના ઉપર પાર ઉતરે અને ચપટીમાં નોર્થ કોરિયાને મસળી નાખે.  
આ વાત સાંભળીને નોર્થ કોરિયાનો ભેજાગેપ તાનાશાહ અને એની બહેન બરોબરના ગિન્નાયા છે. કિમ યો જોંગે તો કહી દીધું કે, અમે એક પરમાણુ હથિયાર નાખીશુંને તો તમારી હાલત જોવા જેવી નહીં રહે. એવામાં નોર્થ કોરિયાએ ન્યુક્લિયર વેપનનું પરીક્ષણ કરવાની ધમકી પણ આપી છે.  
અઢી કરોડની વસતિ ધરાવતું નોર્થ કોરિયા હંમેશાં દુનિયા માટે એક રહસ્યમય દેશ રહ્યો છે. અગિયાર વર્ષથી આ દેશ ઉપર કિમ જોંગ ઈલના દીકરા કિમ જોંગ ઉનનું શાસન છે. વારંવાર મિસાઈલ પરીક્ષણ કરીને અને હજારો કિલોમીટર સુધી પહોંચી શકે એવી મારક ક્ષમતા ધરાવતી મિસાઈલો અંગે ત્યાંથી સમાચારો આવતા રહે છે. ઉધામા મચાવતા કિમ જોંગ ઉનને કોઈ પણ આંતરરાષ્ટ્રીય તાકાતો, પ્રતિબંધો વશમાં નથી કરી શકતા. 2006ની સાલથી યુએન અને બીજા દેશોના અનેક પ્રતિબંધોને કારણે ત્યાંના લોકોનું સામાન્ય જીવન દોહ્યલું બની ગયું છે. માની ન શકાય એવા કડક કાયદાઓ લાદીને આ દેશ હંમેશાં ચર્ચામાં રહે છે.  પોતાના પિતાની દસમી પુણ્યતિથિ આવી ત્યારે આ માણસે આખા દેશમાં હસવા પર, શોપિંગ કરવા ઉપર  પ્રતિબંધ લાદી દીધો હતો. આ દિવસોમાં કોઈ મૃત્યુ પામે તો એના શબની અંતિમવિધિ પણ ન કરી શકાય એવો કાયદો એણે બનાવેલો. આ કાયદાનું કડક પાલન થાય એ માટે એણે પોલીસને સ્પેશિયલ ડ્યુટી માટે મૂકેલા. પોતે જેવી હેરસ્ટાઈલ રાખે એવી જ હેરસ્ટાઈલ આખા દેશના યુવકોએ રાખવાની. પોતે જે જેકેટ પહેરે એવું લેધર જેકેટ કોઈ ન પહેરી શકે આવા અને તુઘલખી નિયમો કિમ જોંગ ઉનની ઓળખ છે. એની ક્રૂરતા અને ફટકેલાં દિમાગ વિશે કોઈ કંઈ અંદાજો નથી લગાવી શકતું. દક્ષિણ કોરિયાની ફિલ્મો અને વેબસિરીઝ પર અહીં પ્રતિબંધ છે. નેટ ફ્લિક્સ ઉપર સૌથી વધુ સુપરહિટ ગયેલી સ્ક્વીડ ગેમ કોઈ રીતે યુએસબી ડ્રાઈવમાં ઉત્તર કોરિયાના સાત યુવકો લાવવામાં સફળ રહ્યા. આ વાત બહાર આવી કે, એકને મોતની સજા થઈ અને બાકીના છને કડક આજીવન કારાવાસ ફટકારી દીધો. નોર્થ કોરિયાના લોકોને ઈન્ટરનેટ વિશે કંઈ જ ખબર નથી. એ લોકો માટે કોકોકોલા ડ્રીંક એક સપનું છે.   
અનેક વિચિત્રતાઓ વચ્ચે જીવતી આ પ્રજામાંથી સાંઠ ટકા લોકો એકદમ ગરીબાઈમાં જીવે છે. યુએનનો રિપોર્ટ તો એવું કહે છે કે, માનવીય અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન આ દેશ કરે છે. નાગરિકોને મળવી જોઈએ એવી પ્રાથમિક સુવિધાઓ પણ આ લોકોને મળતી નથી. અહીં લેન્ડલાઈન ફોન પણ વીવીઆઈપીઓના ઘરે જ છે. લગભગ તમામ દિશાઓમાંથી આ દેશની સીમાઓ સીલ છે. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા એકસાથે 1950ની સાલમાં આઝાદ થયેલાં. બંને દેશોની પ્રગતિ એકબીજાની વિરુધ્ધમાં થઈ એવું લખીએ તો ચાલે. દક્ષિણ કોરિયા અત્યાધુનિક અને ઈલેક્ટ્રોનિક્સની દુનિયામાં ટોચના દેશોમાં સ્થાન ધરાવે છે. જ્યારે ઉત્તર કોરિયા દિવસેને દિવસે અધોગતિ તરફ જઈ રહ્યું છે.  
સેંકડોની સંખ્યામાં પરમાણુ હથિયાર, મિસાઈલો, સૈન્યની સંખ્યા આ બધા માટે રુપિયા ક્યાંથી આવે છે એ બહુ મોટો સવાલ છે. રુપિયાની સાથોસાથ આ બધી તકનીક એ ક્યાંથી મેળવે છે. આખી દુનિયામાં એક ચીન સાથે નોર્થ કોરિયાની દોસ્તી છે. ચીન અને નોર્થ કોરિયા વચ્ચે રેલવે વ્યવહાર ચાલે છે. કિમ જોંગ ઉન બહુ ઓછા દેશોની મુલાકાતે ગયો છે એમાં ચીનનો સમાવેશ થાય છે. એક વાત એવી છે કે, કિમને વિમાનમાં મુસાફરી કરવાથી ડર લાગે છે આથી એ ટ્રેનમાં જ મુસાફરી કરે છે. પરમાણુ હથિયાર બનાવવા માટેના નાણાં ક્રિપ્ટો કરન્સીના માળખાને હેક કરીને મેળવે છે. નાણાકીય સંસ્થા ઉપર સાયબર એટેક કરીને રુપિયા મેળવે છે અને એ બધું દેશની રક્ષા માટેના સાધનો ઉપર વાપરે છે. ટેકનોલોજીની વાત આવે ત્યારે ચીન ઉપર સીધી આંગળી ચીંધવામાં આવે છે. જો કે કિમ યો જુંગની ધમકી બાત ચીન પણ થોડું ગંભીર થયું હોય એવું લાગે છે.  
અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ વચ્ચે મુલાકાત થઈ એ સમયે દુનિયાને એમ લાગ્યું હતું કે, કંઈક સારું થશે. અમેરિકાએ વાતો કરી પણ નોર્થ કોરિયા ઉપર કોઈ પ્રતિબંધોને હટાવ્યા નહીં. કોરોનાના સમયમાં ચીન સાથે આયાતનો વ્યવહાર બંધ થઈ ગયેલો ત્યારે કિમે કહેલું કે, અમેરિકા અમારા પરના પ્રતિબંધો હળવા કરે. એ પછી કિમે પોતાની પ્રજાને એક ટંક જમવા માટે અપીલ કરી હતી.  
સતત અને અનેક પરીક્ષણોને કારણે પેટાળમાં ભૂકંપ આવે ત્યારે જાપાન સુધીની ધરતી ઘ્રૂજી ઉઠે છે. પણ આ વખતે કિમ યો જોંગની ધમકીને કારણે અમેરિકા, ચીન અને દક્ષિણ એશિયાના દેશોમાં ચિંતા અને ભય પ્રસરી ગયો છે. ક્યાંક આ ભેજાગેપ ભાઈ-બહેન કંઈ ન કરવાનું કરી બેસશે તો એ ડરે ત્રણ દિવસ પહેલાં જ અમેરિકાના વિશેષ દૂત સુંગ કિમ અને ચીનના દૂત લીયુ શ્યોમિંગ વોશિંગ્ટન ડીસીમાં મળેલા. બંનેનો સૂર એવો જ હતો કે, નોર્થ કોરિયા સાથે વાતચીતથી કોઈ ઉકેલ આવે. અમેરિકી  વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે, ચોવીસમી માર્ચે ઉત્તર કોરિયાએ જે આંતર મહાદ્વીપ બેલેસ્ટીક મિસાઈલ લોન્ચ કરી એ નીંદનીય છે. આ વર્ષે નોર્થ કોરિયાએ જે તેર બેલેસ્ટીક મિસાઈલ લોન્ચ કરી છે સંયુક્ત રાષ્ટ્રીય પરિષદના અનેક નિયમો અને પરિમાણોનું ઉલ્લંઘન છે. નોર્થ કોરિયા અને એની આસપાસના તમામ દેશો માટે નોર્થ કોરિયાની વધી રહેલી પરમાણુ અને સશસ્ત્ર તાકાતો ચિંતાજનક બાબત છે.  
આખી દુનિયા અત્યારે યુક્રેન અને રશિયાના યુદ્ધના પરિણામોની ચિંતા કરી રહી છે ત્યારે નોર્થ કોરિયાના શાસકો કોઈ ઉધામા ન કરે એ માટે અમેરિકા અને ચીન બેચેન થઈ રહ્યું છે. યુક્રેન કહી કહીને થાકી ગયું પણ નાટોના દેશો કે અમેરિકાએ કોઈ સ્ટેન્ડ ન લીધું. રશિયા સામે પ્રતિબંધો લાદ્યા પણ રશિયા કોઈને ગાંઠતું નથી. કિમ જોંગ ઉન રઘવાયો થયો છે ત્યારે અમેરિકા અને દુનિયા તેના વિશે ગંભીરતાપૂર્વક વિચારણા કરે એ જરુરી છે.
Advertisement
Tags :
Advertisement

.