Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાચી વાત છુપાવવી એ બેવફાઈ અને અત્યાચાર જ છે

પોતે જે છે એ કહેવામાં સંકોચ થવો કે વ્યક્ત થવા માાંટે ભારતીયોમાં એક ગજબની માનસિકતા ઘર કરેલી છે. કોઈ મારા માટે શું વિચારશે? હું જેવો છું કે જેવી છું એવું જાણીને લોકો મારા માટે કોઈ ધારણા બાંધી લેશે. આ કારણે મારા પરિવારને બહુ ભોગવવાનું આવશે. સમાજમાં બદનામી થશે અને પરિવારમાં પરણવાલાયક ભાઈ-બહેનોના સગપણ શોધવામાં તકલીફ પડશે. હજુ પણ કેટલીક હકીકતો છૂપાવવી યોગ્ય છે એવું માનનારો મોટો વર્ગ છે
સાચી વાત છુપાવવી એ બેવફાઈ અને અત્યાચાર જ છે
પોતે જે છે એ કહેવામાં સંકોચ થવો કે વ્યક્ત થવા માાંટે ભારતીયોમાં એક ગજબની માનસિકતા ઘર કરેલી છે. કોઈ મારા માટે શું વિચારશે? હું જેવો છું કે જેવી છું એવું જાણીને લોકો મારા માટે કોઈ ધારણા બાંધી લેશે. આ કારણે મારા પરિવારને બહુ ભોગવવાનું આવશે. સમાજમાં બદનામી થશે અને પરિવારમાં પરણવાલાયક ભાઈ-બહેનોના સગપણ શોધવામાં તકલીફ પડશે. હજુ પણ કેટલીક હકીકતો છૂપાવવી યોગ્ય છે એવું માનનારો મોટો વર્ગ છે. આ કારણે કેટલાંય યુગલો શારીરિક છૂટાછેડાં સાથે સહજીવન ગાળતા હોય છે. આજે પણ આપણે ત્યાં સાસરેથી પાછી આવેલી દીકરી સ્વીકાર્ય નથી જ આ કારણે ગે પતિનું કે સાસરિયાંનું ટોર્ચર અને અન્યાય સહન કરાનારી સ્ત્રીઓની સંખ્યા કંઈ નાનીસૂની નથી.  
સેમ સેક્સ હોય એ જ વ્યક્તિમાં આકર્ષણ જાગે છે એ વાત ભારતમાં તો સ્વીકાર્ય નથી જ બની. પોતે લેસ્બિયન છે કે ગે છે એ વાત આજે પણ ટેબૂ જ છે. વાત એમ છે કે, મુંબઈના થાણેમાં એક કિસ્સો બન્યો. એક યુવતીના લગ્ન થયાં. લગ્ન થયા એ સમયે ભાવિ પતિએ ખોટો લેટર બતાવ્યો કે એની પાસે ચૌદ લાખના પગારની નોકરી છે. એ નોકરીની વાત તો જવા દો પણ માફ ન થઈ શકે એવું આ પતિએ કર્યું છે. હનીમૂન પર પત્ની સાથે ગયો ત્યારે એણે એના દોસ્તને સાથે લીધો. પત્નીને એમ કે એનો ખાસ મિત્ર છે એટલે સાથે આવતો હશે. બંનેનું વર્તન અને પતિનો ફોન તપાસ્યો તો ખબર પડી કે પતિને તો એ ભાઈબંધ સાથે ગાઢ સંબંધો છે. બંને લાંબા સમયથી ગે પાર્ટનર તરીકે જીવે છે. પત્નીને પતિ સામે છેતરપીંડીનો કેસ કર્યો. પતિ હનીમૂનમાંથી સીધો ગયો જેલમાં. કોઈ વાંક વગર હવે એ સ્ત્રી માથે ડિવોર્સી કે ત્યક્તાનું લેબલ લાગી જશે. એ પતિને કોર્ટે જામીન આપવાની ના કહી. સેશન કોર્ટના જજ આર એસ ગુપ્તાએ કહ્યું કે, પતિએ સાચી વાત છૂપાવીને એ ત્રીસ વર્ષી પત્ની જ નહીં પણ તેના મા-બાપને પણ દુઃખી કર્યાં છે. છેતરપિંડી કરી છે. આથી એને જામીન ન આપી શકાય.  
યુવક કે યુવતીને સરખી જાતિ ધરાવતા વ્યક્તિમાં રસ હોય તો એ જે તે વ્યક્તિ છે એની કિશોરાવસ્થા આવે ત્યાં સુધીમાં ખબર પડી જતી હોય છે. રાજપીપળાના રાજવી પરિવારના માનવેન્દ્રસિંહ ગોહિલે જ્યારે વર્ષો પહેલાં પોતે ગે છે એવું જાહેર કરેલું ત્યારે સમાજમાં હોબાળો મચી ગયો હતો. માનવભાઈએ એક વાતચીતમાં મને કહેલું કે, બહુ નાનો હતો ત્યારે જ મને સમજાઈ ગયું હતું કે, હું બીજા લોકો જેવો નથી. મુંબઈમાં એક મેગેઝિન મળ્યું અને મને સમજાયું કે હું કેવો વ્યક્તિ છું. પછી મને માનસિક રાહત થઈ ગઈ કે હું મને જાણું છું. સમય આવ્યો ત્યારે વ્યક્ત થયો એમાં ખોટું શું છે?  
બધાં જ લોકો માનવભાઈ જેવી  હિંમત નથી ધરાવતા હોતા. માનવેન્દ્રસિંહે પણ પોતાના વ્યક્ત થવાની કિંમત ચૂકવી જ છે. પણ તેમની હકીકતનો બધાંએ સ્વીકાર કર્યો અને આજે એમની જિંદગી એકદમ સહજ બની છે. એક હકીકત તો છે, વેબ સિરીઝ, ફિલ્મો અને નાટકોમાં સેમ સેક્સની વાતને જે સહજતાથી બતાવવામાં આવે છે એ પછી ઘણું ખરું લોકો વ્યક્ત થતાં થયા છે. સૌથી પહેલો સ્વીકાર મા-બાપનો હોય તો એ યુવક કે યુવતી માટે જિંદગીની રાહ આસાન થઈ જાય છે.  
આપણે ત્યાં તો ઘણાં ધાર્મિક સ્થળોમાં થયેલી કોતરણીમાં પણ આ વાત બતાવવામાં આવી છે. સેમ સેક્સમાં રસ હોવો એ આજકાલની વાત નથી. તેમ છતાં તેનો સ્વીકાર એટલો સહજ નથી બન્યો. કેમ કે આપણે ત્યાં આ માનસિકતાને રોગ ગણી લેવામાં આવે છે. આ રોગ નથી આ એક હકીકત છે. જેમ વિજાતીય આકર્ષણ હોય એમ જ સજાતીય આકર્ષણ પણ હોય છે. પરંતુ, આ વાતને એટલી સ્વીકારી કે સમજી નથી શકાતી. પહેલી વખત મા-બાપને આ વાતની જાણ થાય ત્યારે ઉંમરલાયક દીકરો કે દીકરી હોય તો એને પરણાવવા માટે દિવસરાત એક કરી દે છે. સામેવાળાને હકીકતની જાણ ન થાય એની દરકાર રાખવામાં આવે છે. વહુ કે જમાઈ બેમાંથી એકને સચ્ચાઈની જાણ થાય ત્યારે યા તો એ સ્વીકારી લે છે યા તો એ છૂટા પડે છે. વહુના ભાગે સ્વીકાર જલદી થઈ જાય છે કેમકે, પેટ સમાણી દીકરી સાસરેથી પાછી આવે તો એ હાંડલે સમાવી શકાતી નથી. માનવેન્દ્રસિંહની સંસ્થામાં એવા લોકોને પણ હું મળી છું જેમની પત્નીએ પરિસ્થિતિ સાથે સમાધાન કરી લીધું હોય કે, તારે પાર્ટનર હોય એની સામે વાંધો નથી પણ હું ડિવોર્સ નહીં લઉં. કેટલાક કિસ્સાઓમાં તો પતિના સંબંધોને સ્વીકારીને એ પત્ની પતિના બાળકની માતા પણ બને છે.  
એક સર્વે એવું કહે છે કે, ભારતની વસતિના ત્રણ ટકા લોકો ગે અથવા લેસ્બિયન છે. આપણાં બંધારણમાં પણ કાયદો બનાવવા માટે ઝૂંબેશ ચાલી રહી છે. પુખ્તવયના બે વ્યક્તિઓ વચ્ચે સજાતીય સંબંધના કાયદાને હળવો કરાયો છે. તેમ છતાં જે સમજદારી, સ્વીકાર અને વ્યક્ત થવામાં સહજતા આવવી જોઈએ એ મીસિંગ છે. જો વ્યક્ત થયા પછી એટલીસ્ટ પરિવારમાં સ્વીકાર થાય તો કોઈ અજાણી વ્યક્તિની જિંદગી બરબાદ થતાં બચી જાય.
Advertisement
Tags :
Advertisement

.