Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મફત આપવાની રાજનીતિ દેશ માટે ખતરારુપ

પાંચ રાજ્યોની ચૂંટણી હતી એ દિવસોમાં દરેક રાજકીય પક્ષે એના ચૂંટણી ઢંઢેરા બહાર પાડ્યા હતા. સૌથી વધુ વાયદાઓ આમ આદમી પાર્ટીએ કર્યાં હતા. દિલ્હીની જનતાએ અરવિંદ કેજરીવાલને બીજી વખત ચૂંટીને મુખ્યમંત્રી બનાવ્યા. પંજાબમાં આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી. આ બંને રાજ્યોમાં પ્રજા લલચાઈ જાય એવી તગડી મફત આપવાની સ્કીમ હતી. પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માને પોતાની સરકારનું એક મહિનાનું સરવૈયું આપ
મફત આપવાની રાજનીતિ દેશ માટે ખતરારુપ
પાંચ રાજ્યોની ચૂંટણી હતી એ દિવસોમાં દરેક રાજકીય પક્ષે એના ચૂંટણી ઢંઢેરા બહાર પાડ્યા હતા. સૌથી વધુ વાયદાઓ આમ આદમી પાર્ટીએ કર્યાં હતા. દિલ્હીની જનતાએ અરવિંદ કેજરીવાલને બીજી વખત ચૂંટીને મુખ્યમંત્રી બનાવ્યા. પંજાબમાં આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી. આ બંને રાજ્યોમાં પ્રજા લલચાઈ જાય એવી તગડી મફત આપવાની સ્કીમ હતી. પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માને પોતાની સરકારનું એક મહિનાનું સરવૈયું આપ્યું અને આપેલા વાયદા પૂરા કરવાની વાત કહી. હજુ ગઈકાલે હિમાચલ પ્રદેશ દિવસ હતો ત્યાં પણ સરકારે સવાસો યુનિટ વીજળી મફત આપવાની વાત કહી અને મહિલાઓને પબ્લીક ટ્રાન્સપોર્ટમાં પચાસ ટકા રાહતની વાત કહી. જનતાને મફતની આદત પડશે તો સરકાર અને પ્રજા બંને ક્યાંયના નહીં રહે. વેનેઝુએલા અને શ્રીલંકા આ બંને દેશ આર્થિક રીતે પડી ભાંગ્યા છે. વીજળી, પાણી, ઈંધણથી માંડીને જીવનજરુરી ચીજ વસ્તુઓ માટે દેશની જનતાના હાલ બેહાલ થઈ ગયા છે. મફત આપવાની રાજનીતિ દેશ માટે અને જનતા માટે ખતરારુપ છે.  
વર્ષો અગાઉ દુકાળના દિવસોમાં રોજગારીની કમી હોય એવા ગામડાંઓમાં સરકાર જનતા પાસે ખાડા ખોદાવતી અને સાંજ પડે એને રોજ મળતું. એ દિવસોમાં દાનત તો એ જ હતી કે, જનતાને કંઈ મફત નથી આપવું. મહેનત કરે એને રોજગારી મળે. મફત મળે એ કોને ન ગમે? પણ એની આદત બહુ જ ખરાબ છે. દેશની પ્રગતિ માટે અને નાગરિકના પોતાના ભવિષ્ય માટે પણ.  
થોડાં દિવસો પહેલા વડાપ્રધાને એમના મુખ્ય સચિવ પી કે મિશ્રા, કેન્દ્રીય સચિવ રાજીવ ગૌબા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચોવીસથી વધુ સિનિયર સચિવો સાથે મિટીંગ કરી હતી. ઉચ્ચ અધિકારીઓ સાથે 2014ની સાલ પછી વડાપ્રધાનની આ નવમી બેઠક હતી. ચાર કલાક ચાલેલી આ બેઠકમાં વડાપ્રધાને સરકારની નીતિઓમાં ક્યાંય ખામી હોય તો એનો અભ્યાસ કરવા કહેલું. આ બેઠકમાં સૌથી મહત્ત્વની વાત એ રહી કે, લગભગ તમામ સચિવોએ એક સૂરે કહ્યું કે, જનતાને જો મફત મળવાની આદત લાગી જશે તો આપણા હાલ પણ શ્રીલંકા જેવા થઈ જવાની શક્યતા છે. ભારત દેશની ઈકોનોમી માટે પ્રજાને મફત આપવું એ હાનિકારક સાબિત થઈ શકે છે.  
ચીનની ચાલમાં ફસાયેલા શ્રીલંકાની હાલત આપણે સહુ જોઈ રહ્યા છીએ. ચીનનું તોતિંગ દેવું હવે શ્રીલંકા ચૂકવી શકે તેમ નથી. શ્રીલંકાને ભારત દેશે પેટ્રોલ, ડીઝલથી માંડીને અનાજની પણ મદદ કરી. પડોશી ખરાબ હાલતમાં હોય તો એની મદદ કરવી જોઈએ એવી નીતિમાં માનતા ભારત માટે અત્યારે શ્રીલંકાને પોતાની પડખે કરી લેવાનો પણ બહુ મોટો મોકો છે. શ્રીલંકાના શાસકોની નીતિ પણ દેશને ડૂબાડવામાં મહત્ત્વની બની રહી. રાજપક્સે ભાઈઓનું શાસન નિષ્ફળ ગયું. એમાં જ દેશ ડૂબી ગયો. કોરોનાના કારણે દેશની જીડીપીમાં 11 ટકાનો હિસ્સો ધરાવતું ટુરિઝમ પડી ભાંગ્યું. વિદેશથી મોટી રકમનો કર્જો લીધો. દેશમાં ઓર્ગેનિક ખેતી ફરજિયાત કરી દીધી. કોઈ દૂરંદેશી વગર રસાયણિક ખાતરનો વપરાશ બંધ થઈ ગયો. તેની સીધી અસર ખેતીની ઉપજ ઉપર પડી. આખી દુનિયામાં ચાની અને ખેતીવાડીની નિકાસ કરીને શ્રીલંકાને આવક થતી હતી. આ આવક ઘટી ગઈ, દેશ પાસે જે રિઝર્વ ફંડ હતું એનું તળિયું દેખાઈ ગયું. 2019ની સાલમાં સરકારે 15 ટકામાંથી વેટ સાવ ઘટાડીને 8 ટકા કરી નાખ્યો એમાં સરકારી તિજોરીની આવક પર સાઈઠ હજાર કરોડ રુપિયાનો માર પડ્યો.  આટલું ઓછું હોય તેમ ચીન, ભારત અને જાપાનનું મળીને પાંત્રીસ અરબ ડોલરનું દેવું ચડી ગયું. સૌથી વધુ દેવું ચીનનું છે. સામાન્ય જનતાને 1948માં શ્રીલંકા આઝાદ થયું ત્યારથી માંડીને આજદિન સુધી જોવી ન પડે એવી હાલાકી ભોગવવાનો વારો આવ્યો. પ્રજાને થોડો સમય રાહતોને કારણે સારું લાગ્યું હશે પણ આજે એ જ પ્રજાની હાલત જોવા જેવી થઈ છે.  
વેનેઝુએલા એક સમયે સૌથી સમૃદ્ધ દેશ હતો. એ દેશના નાગરિકને પોતાના દેશ માટે ગૌરવ હતું. પણ સરકારની પ્રજાને રાહત આપાવની નીતિ બૂમરેંગ સાબિત થઈ. સૌથી સસ્તું પેટ્રોલ જ્યાં મળતું હતું ત્યાંની પ્રજા એક બ્રેડના ટુકડા માટે મોહતાજ બની ગઈ. લેટિન અમેરિકાના આ દેશના તેલના ભંડાર એટલા સમૃદ્ધ હતા કે, સાઉદી અરબ કરતા વેનેઝુએલાની હાલત સારી હતી. સોનું અને પેટાળમાં તેલના ભંડારને કારણે વેનેઝુએલા સરસ મજાનો દેશ હતો. 1998થી આ દેશની માઠી બેઠી. તત્કાલીન રાષ્ટ્રપતિ હ્યુગો શાવેઝે દેશમાં રાજનીતિ અને સરકારી ધોરણે ક્રાંતિ લાવવાના હેતુથી જબરદ્સ્ત ફેરફારો કર્યાં. પૈસાદાર નાગરિક હોય કે તવંગર બધાં એક જ સરખી રીતે જીવન જીવ શકે એવા ક્રાંતિકારી વિચારોના અમલમાં દેશ આખો પાયમાલ થઈ ગયો. ખાનગી ઉદ્યોગોનું સરકારીકરણ કર્યું, દેશની જીવાદોરી સમાન ઈંધણનો વ્યવસાય કરતી કંપનીઓ પાસેથી રુપિયા લઈ જરુરિયાતમંદ લોકોને આપવાનું શરુ કર્યું. પેટ્રોલ અને ઈંધણ સાવ સસ્તા કરી દીધાં, પબ્લીક ટ્રાન્સપોર્ટ મફત કરી દીધું. શાસક તો દેવદૂત બની ગયા પણ આમાં જે ગરીબ પ્રજા હતી એ વધુ આળસુ થઈ ગઈ. સમૃદ્ધ દેશનું ચલણ બુલિવર સાવ તળિયે જઈને બેઠું છે. ટકાવારીનું કોઈ માપ ન નીકળે એમ હજારો ટકામાં દરેક ચીજના ભાવો વધી ગયા છે. શ્રીલંકામાં જેમ દેશ છોડીને લોકો ભાગી નીકળા છે એ જ રીતે અત્યાર સુધીમાં પાંત્રીસ લાખથી વધુ લોકો વેનેઝુએલાની મોંઘવારીથી ત્રસ્ત થઈને દેશ છોડી ચૂક્યા છે.  
આપણા દેશની વાત કરીએ. આમ આદમી પાર્ટીએ પોતાનું વર્ચસ્વ વધારવા માટે અને જનતાના મતો લેવા માટે વચનોની લહાણી કરી હતી. હવે એ વચનો એક પછી એક પૂરા કરવામાં રાજ્યની સરકારી તિજોરી ઉપર કેટલો ખર્ચ વધે છે એની કોઈને પરવા જ નથી. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી હતી એ દરમિયાન ચોવીસ કલાક વીજળી અને પાણીનું પ્રોમિસ અપાયું. જ્યાં ઝૂંપડપટ્ટીમાં તમારું ઝૂપડું હશે ત્યાં તમને ઘર મળશે. દિલ્હી ચોવીસ કલાક ખુલ્લું રહેશે. દસ લાખ વયસ્કોને મફતમાં જાત્રા કરાવશે. અઢાર વર્ષથી ઉપરની વયની દરેક સ્ત્રીને દર મહિને એક હજાર રુપિયા સરકાર આપશે.  દરેક ગલીમાં સ્ટ્રીટ લાઇટ હશે. દિલ્હીની જનતાએ પણ પહેલી વખતની આપની સરકારને ફરી ચૂંટીને સત્તા હાથમાં આપી. પણ આ બધી સુવિધાઓના પ્રોમિસ પૂરા કરવા માટે સરકારની તિજોરીમાં કંઈક આવક જાવકનું બેલેન્સ તો બરોબર હોવું જોઈએને!  
જાન્યુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટમાં એક કેસ ઉપર સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અને ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે એક અરજી કરી હતી. જનતાના રુપિયામાંથી મફતના વચનોની લહાણી કરતા રાજકીય પક્ષોની માન્યતા રદ થવી જોઈએ અને એમનું ચૂંટણી ચિન્હ પરત લઈ લેવું જોઈએ. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ઈલેક્શન કમિશન અને કેન્દ્ર સરકારને નોટિસ મોકલીને જવાબ માગ્યો હતો. જો કે, એ વાત અલગ  છે કે, આ વર્ષના અંતે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ આવે છે. હજુ ગઈકાલે જ હિમાચલ પ્રદેશના સ્થાપના દિવસે શાસકોએ મહિલાઓને પબ્લીક ટ્રાન્સપોર્ટમાં પચાસ ટકાની રાહત આપી અને જુલાઈ મહિના સુધી મતલબ કે ગરમીના દિવસોમાં સવાસો યુનિટ વીજળીનું બિલ વસૂલવામાં નહીં આવે એમ જાહેરાત કરી.  
પંજાબમાં ભગવંત માને પોતાના શાસનના એક મહિનાનો હિસાબ આપ્યો અને કહ્યું કે, પહેલી જુલાઈથી ત્રણસો યુનિટ વીજળી ફ્રી મળશે. અઢાર વર્ષથી ઉપરની ઉંમરની મહિલાઓને દર મહિને એક હજાર રુપિયા સરકાર આપશે. આ રજિસ્ટ્રેશન માટે ખુદ અરવિંદ કેજરીવાલ મહિલાઓ પાસેથી ફોર્મ લેતા હતા. જો કે, કેજરીવાલે આ વચનનું પાલન હજુ સુધી દિલ્હીમાં કર્યું નથી. ઈકોનોમીના નિષ્ણાતોના મતે મફત વીજળી મફત અને પાણી ચોવીસ કલાક આપવાના વાયદામાં જ સરકારને નાકે દમ આવી જશે. પ્રજાને મફતનો વાયદો આપી ચૂકેલા મુખ્યપ્રધાન જ્યારે વડાપ્રધાનને દિલ્હી મળવા ગયેલા ત્યારે તેમણે કહેલું કે, પંજાબને સ્પેશિયલ કેસમાં પચાસ હજાર કરોડ રુપિયાની મદદ આપો. પંજાબ માથે અત્યારે ત્રણ લાખ કરોડ રુપિયાનો કર્જ છે. પ્રજાને રાહત આપવાના વાયદામાં કેટલું હોમવું પડશે એ સરકારી તિજોરીના આંકડા કહી દેશે.  
સૌથી મહત્ત્વની વાત એ છે કે, ભારતીય પ્રજાને મફતની આદત પસંદ નથી. રોજેરોજ મહેનત કરીને કમાનારી પ્રજા છે. એક બાજુથી આપણે ભિક્ષુકો ઓછા થાય, રોજગારી વધે એવા પ્રયત્નો કરીએ છીએ. જ્યારે બીજી બાજુ રાજકીય પક્ષો આપણને જ પાંગળા બનાવવાની કોશિશ કરી રહ્યા છે. હાલક ડોલક થતું નેપાળ, કંગાળ થયેલું શ્રીલંકા અને બરબાદ થયેલું વેનેઝુએલા એના જીવંત ઉદાહરણો છે. આપણે સહુ પોતાના પરસેવાની કમાણી ખાઈને જીવનારા લોકો છીએ. થોડી રાહત મળે તો સારું લાગે. પણ એ રાહત આપણને આળસુ ન બનાવી દે એ જોવાની જવાબદારી આપણી જ છે.
Advertisement
Tags :
Advertisement

.