Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે માટે ગધેડી પણ જશે અને ફાળિયું પણ!?

મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર ગઈ કે જશે? રાષ્ટ્રપતિ શાસન આવશે?  રાજદ્રોહી ધારાસભ્યોને કાઢી મૂકાશે? શિવસેના પક્ષ કોનો રહેશે, કોનો અધિકાર?  સુપ્રીમ કોર્ટ શું નિર્ણય કરશે? એકનાથ શિંદેનું શક્તિ પ્રદર્શન, બળવો કોને નડશે અને કોને ફળશે? આ અને આવા અનેક સવાલો તેમજ નવા નવા સવાલો આ યાદીમાં ઉમેરાઈ રહ્યા છે. સોશિયલ મીડિયાના આ સમયમાં કંઈ જ છૂપું નથી. રાજકારણના સોગઠાં પણ સોશિયલ મીડિયા ઉપàª
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે માટે ગધેડી પણ જશે અને ફાળિયું પણ
મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર ગઈ કે જશે? 
રાષ્ટ્રપતિ શાસન આવશે?  
રાજદ્રોહી ધારાસભ્યોને કાઢી મૂકાશે? 
શિવસેના પક્ષ કોનો રહેશે, કોનો અધિકાર?  
સુપ્રીમ કોર્ટ શું નિર્ણય કરશે? 
એકનાથ શિંદેનું શક્તિ પ્રદર્શન, બળવો કોને નડશે અને કોને ફળશે? 
આ અને આવા અનેક સવાલો તેમજ નવા નવા સવાલો આ યાદીમાં ઉમેરાઈ રહ્યા છે. સોશિયલ મીડિયાના આ સમયમાં કંઈ જ છૂપું નથી. રાજકારણના સોગઠાં પણ સોશિયલ મીડિયા ઉપર ગોઠવાઈ રહ્યાં છે. ફેસબુક અને ટ્વીટર પર સંદેશાઓ વહેતા કરવામાં આવે છે. ફેસબુક લાઈવથી મુખ્યમંત્રી પોતાનો સાથ છોડીને ગયેલાં ધારાસભ્યોને સંબોધન કરે છે. તો બળવો કરીને દેશના બીજા ખૂણે બેઠેલાં એકનાથ શિંદે તેના સાથીદાર સંજય શિરસાતનો પત્ર ટ્વીટ કરીને લોકોને પોતાની વ્યથા કહે છે. પક્ષની અંદરની લડાઈ હવે આખો દેશ જુવે છે. ફિલ્મી ઢબે ભજવાતાં દ્રશ્યો, વિડીયોગ્રાફી અને શક્તિ પ્રદર્શન શું રંગ લઈ આવે છે અને આ પરિમાણો ક્યા પરિણામ લાવશે એ થોડાં દિવસોમાં સ્પષ્ટ થઈ જવાનું છે.  
એક વખત શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહેલું કે, શરદ પવારને સમજવા માટે ભાજપે અનેક જન્મ લેવા પડશે. પણ ત્યારે કદાચ સંજય રાઉતને નહીં ખબર હોય કે, ભાજપ કઈ કઈ જગ્યાઓએ પેઢીઓથી નજર રાખીને બેઠો છે. રાજકારણમાં એક વાત સ્પષ્ટ છે કે, કોઈ કોઈનું નથી અને કશું જ કાયમી નથી. એકબીજા વગર ચાલતું ન હોય એવા રાજકારણીઓ ક્યારે સામસામે આવી જાય એ કોઈને અંદાજ નથી આવતો. સત્તાની હવા જે બાજુ હોય એ બાજુ પોતાનો શઢ ફેરવી લેવામાં રાજકારણીઓના પેટનું પાણી પણ નથી હલતું.  
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વરસાદની સાથે સત્તાનું રાજકારણ પણ વરસી રહ્યું છે. ગઈકાલે મોડી રાત્રે ઉદ્ધવ ઠાકરેની મસમોટી બેગ પેક થઈને મહારાષ્ટ્રના સીએમ હાઉસ વર્ષાની બહાર લવાઈ રહી હતી ત્યારે અનેક શિવસૈનિકો બહાર પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા હતાં. કેટલાંક લોકો ઠાકરે પરિવારના રહેઠાણ માતોશ્રીની બહાર રાહ જોઈ રહ્યા હતાં.  
એકનાથ શિંદે વિશે કોઈને જાણ ન હતી એવી અનેક બાબતો આ બે-ત્રણ દિવસોમાં લોકોની સામે આવી. એમણે ટ્વીટ કરેલાં પત્રમાં અંદરની તમામ વાતો જાહેર થઈ રહી છે. અંદર ધૂંધવાઈ રહેલો બળાપો બળવો બની ગયો ત્યાં સુધી ઉદ્ધવ ઠાકરેને ગંધ સુદ્ધાં ન આવે એ વાત સરળતાથી ગળે ઉતરે એમ નથી. મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય શરદ પવારે થોડા સમય અગાઉ ઉદ્ધવ ઠાકરેને કાને વાત નાખી હતી એવી વાત બહાર આવી. તો ઉદ્ધવ ઠાકરે ક્યાંક ગાફેલ રહી ગયા કે પછી પોતાના વિચારો ઉપર તેઓ મુશ્તાક હશે? આ કળવું બહુ અઘરું છે. ગઈકાલે એમણે લાઈવ કર્યું એમાં સત્તાનો મોહ નથી એવી વાત કહી. રાત્રે વર્ષા બંગલોમાંથી બોરિયા-બિસ્તર સમેટીને એમણે એ વાત સાબિત પણ કરી દીધી. ઈમોશનલ કાર્ડ રમવાથી વિદ્રોહીના સૂર નબળા પડશે એવું માનવું એમના માટે બૂમરેંગ સાબિત થયું. એ પછી બીજા ચાર ધારાસભ્યો પણ એકનાથ શિંદેની પંગતમાં બેસી ગયા. ધારાસભ્યો બાદ સોળ સંસદસભ્યોએ પણ શિવસેનાના બાણનો સાથ છોડવાનું નક્કી કર્યું.  
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ સત્તાના મુદ્દે બીજેપી અને શિવસેના સહમત ન થયા. વિરોધાભાસી વિચારોવાળી બે પાર્ટીઓ સાથે શિવસેનાએ ત્રણ પૈડાંવાળી મહા વિકાસ અઘાડી સરકાર બનાવી. આ સરકાર બની ત્યારથી રાજકીય જાણકારો કહેતાં જ હતાં કે, આ ત્રણ પૈડાંની સરકાર કેટલું ચાલશે એ કહેવું અઘરું છે. પણ આગળનું પૈડું જ ખડી પડશે એ કોઈએ નહોતું વિચાર્યું. સામાન્ય જનતાના મનમાં શિવસેના એટલે હિન્દુત્વ અને હિન્દુત્વ એટલે શિવસેના એ વિચારધારા વસતી હતી. શિવસેનાએ આ જોડાણ કર્યું એટલે આ વિચારધારામાં ભંગાણ તો પડ્યું જ. અત્યારે જો ચૂંટણી થાય તો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વમાં શિવસેના કેટલું કાઠું કાઢે એ સવાલ સૌથી વધુ મહત્ત્વનો છે.  
છ વર્ષની અંદર સાત રાજ્યોમાં ઓપરેશન લોટસ ચલાવ્યું. જેમાં  મધ્યપ્રદેશ, કર્ણાટક, ગોવા, અરુણાચલ પ્રદેશમાં ઓપરેશન લોટસ સફળતાપૂર્વક બીજેપીએ પાર પાડ્યું છે.  મહારાષ્ટ્ર સરકારનો લોચો વાયા સુરત ગુવાહાટી પહોંચ્યો છે. શિવસેનાના વિદ્રોહી ધારાસભ્યોનો આંકડો વધી રહ્યો છે ત્યારે રાજ્યપાલ શું ફેંસલો લે છે એના ઉપર સૌની નજર છે. અજીત પવારની સાથે રહીને દેવન્દ્ર ફડણવીસે ઊંધે કાંધ પછડાટ ખાધી હતી એવું કંઈ ન થાય એ રીતે આખું ઓપરેશન પાર પડશે કે કેમ એ થોડાં જ દિવસોમાં ક્લિઅર થઈ જશે. અત્યારે તો એકનાથના એકતારાએ શિવસેનાના બાણની પણછને તંગ કરી દીધી છે.
Advertisement
Tags :
Advertisement

.