Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તમે શું માનો છો પુસ્તક દિવસની ઉજવણી કઈ રીતે કરવી જોઈએ?

લાયબ્રેરીના કબાટમાં પુસ્તકોએ આત્મહત્યા કરી. કારણ આપ્યું, મોબાઈલ.  આ મેસેજ વાંચીએ ત્યારે આપણે સૌ એક નિઃસાસો નાખીએ છીએ. કહીએ છીએ કે, સાચી વાત છે. આ મોબાઈલે વાચન છીનવી લીધું છે. એ વાત અલગ છે કે, તમારે વાંચવું હોય તો મોબાઈલમાં પણ વાંચી જ શકો છો. વોટ્સ એપ ઉપર લિમિટેડ ટેન પોસ્ટથી માંડીને દરેક લેખકોના બ્રોડકાસ્ટ લિસ્ટ છે. વાચકો છે એટલે ડિજિટલ યુગમાં પણ ઘણું બધું સચવાયું છે. વાચન ઘટ્યું છે એવà
08:25 AM Apr 23, 2022 IST | Vipul Pandya
લાયબ્રેરીના કબાટમાં પુસ્તકોએ આત્મહત્યા કરી. કારણ આપ્યું, મોબાઈલ.  
આ મેસેજ વાંચીએ ત્યારે આપણે સૌ એક નિઃસાસો નાખીએ છીએ. કહીએ છીએ કે, સાચી વાત છે. આ મોબાઈલે વાચન છીનવી લીધું છે. એ વાત અલગ છે કે, તમારે વાંચવું હોય તો મોબાઈલમાં પણ વાંચી જ શકો છો. વોટ્સ એપ ઉપર લિમિટેડ ટેન પોસ્ટથી માંડીને દરેક લેખકોના બ્રોડકાસ્ટ લિસ્ટ છે. વાચકો છે એટલે ડિજિટલ યુગમાં પણ ઘણું બધું સચવાયું છે. વાચન ઘટ્યું છે એવું કહેવું વધુ પડતું છે. હા,  ટેકનોલોજીના કારણે પુસ્તક વાચનની રીત જરુર બદલાઈ છે.  
આજે વિશ્વ પુસ્તક દિવસ છે. એક સવાલ કરવાનું મન થાય છે. તમે છેલ્લે ક્યુ પુસ્તક વાંચ્યું હતું?  ક્યુ પુસ્તક પૂરું કર્યું હતું? દરેક પાસે પોતાના જવાબો હોવાના. કેટલાક લોકો પાસે એવો જવાબ છે કે, વાંચવું તો છે પણ સમય નથી મળતો. વાંચવા માટે સમય મળે એની રાહ જુવે એ સાચો પુસ્તકપ્રેમી નથી. ઘણાં બધાં સફળતાની ટોચે પહોંચેલા અતિ વ્યસ્ત લોકો પોતાની મુલાકાતમાં એવી વાતો કરે છે કે, સૂતાં પહેલાં પુસ્તક ન વાંચું તો મને નીંદર ન આવે. કેટલા બધા એવા લોકો છે જે  વાંચી ન શકાય એ દિવસે ગિલ્ટ અનુભવે છે.  
ઘણી વખત કોઈ મળે ત્યારે એવું પૂછે કે, આજકાલ શું વાંચો છો?  હકીકતે દરેક વ્યક્તિના વાચનનો ટેસ્ટ જુદો જુદો હોવાનો. ઉંમર પ્રમાણે તમારો વાચનના વિષયો બદલાતા રહેવાના. નાના હતાં ત્યારે ફૂલવાડી કે રમકડું વાંચતા એ મોટા થઈને પુસ્તકો વાંચવામાં બદલાયા જ છે. જે ઘરમાં વડીલો પુસ્તકો અને વાચનની નજીક હોય છે એ ઘરના બાળકો હંમેશાં વાચન તરફ વળે જ છે. સવારે ઉઠીને અખબાર  હાથમાં લેતા મા-બાપના બાળકો એક વખત તો હાથમાં અખબાર લેશે જ. તમે જેવું શીખવાડશો એવું જ બાળક શીખવાનું છે. આપણે સવારે ઉઠીને ગીતો સાંભળીશું કે મોબાઈલ હાથમાં લઈને નકામા મેસેજ જોઈશું તો બાળક તમારામાંથી એ જ ગ્રહણ કરવાનું છે. તમારી આગામી પેઢીને તમારે શું આપવું છે એ તમારે નક્કી કરવાનું છે.  
વાંચતી વખતે માણસ પોતાની સાથે હોય છે. વાચન તમને તમારી નજીક લઈ જાય છે. અગાઉના સમયમાં મુસાફરી કરતી વખતે પુસ્તક વગર કોઈ જતું નહીં. ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતા હોવ તો લગભગ દરેક વ્યક્તિના હાથમાં અખબાર, મેગેઝિન કે પુસ્તકો જોવા મળતાં. આજે તો કોઈ વાંચતું હોય તો એને લોકો નવાઈથી જોવા લાગ્યા છે. આવી જ હાલત કંઈક લાયબ્રેરીમાં જોવા મળે છે. અગાઉના સમયમાં લાયબ્રેરીમાં દરેક ઉંમરના લોકો જોવા મળતા. આજે લાયબ્રેરી વાચકોને તરસે છે. પુસ્તકો માટે લાયબ્રેરીની મેમ્બરશીપ હોવી એ ગૌરવની વાત હતી. આજે ભાગ્યે જ કોઈ યુવાપેઢીનો વાચક લાયબ્રેરીમાં જઈને પુસ્તકો લઈ આવતો હશે.  
જો કે, કેટલાક એવા જીવ પણ છે જે વાચન માટે પોતાનું સર્વસ્વ આપી દે છે. બીલીમોરામાં એક મજાનો યુવક રહે છે. જય વશી. એના અનેક વિદ્યાર્થીઓને વાચન તરફ એને પ્રેર્યા છે. કેવું વાંચવું જોઈએ, શું વાંચવું જોઈએથી માંડીને વાચન માટે એ અનેક પ્રવૃત્તિ કરે છે.  એ વિદ્યાર્થીઓને  પ્રકૃતિના ખોળે લઈ જાય છે અને વાંચવા તરફ પ્રેરે છે. જય વશી અને લિમિટેડ ટેન ગ્રૂપ જેવા વાચન રસિયાઓ જીવે છે ત્યાં સુધી શબ્દો ધબકવાના જ છે.  
ભારતને નજીકથી જાણનારા તમામને એ વાતની ખબર છે કે, સૌથી શ્રેષ્ઠ પુસ્તકોનું લેખન જેલમાં થયું છે. એકલતા અને એકાંત વચ્ચેનો તફાવત તમને પુસ્તકો શીખવે છે. શ્રદ્ધા- અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા પુસ્તકો દોરી આપે છે. જિંદગીમાં કટોકટીની પળ આવે ત્યારે જાતને કેમ સાચવવી એ વાચન કરેલી કોઈ વાતમાંથી જ મળી આવે છે. ઘણીવખત આપણે એવું સાંભળીએ છીએ કે, પુસ્તકોમાં વાંચેલું કંઈ યાદ નથી રહેતું. હકીકત એ હોય છે કે, યાદ ન રહેતું હોય તો પણ એ આપણી અંદર ક્યાંક સચવાયેલું હોય છે. ક્યારેક કોઈ નબળી પળે તૂટી જવાના હોય તો એ વાંચેલું આપણી અંદર આપણને જીવાડતું હોય છે. કોઈ કટોકટીની પળે નિર્ણય લેવાનો હોય તો વાચનની વિશાળતા તમને દ્રઢ નિર્ણય લેવા તરફ વાળતી હોય છે. જેમ કરેલું કર્મ એળે નથી જતું. એમ વાંચેલો એકેએક શબ્દ તમારી સાથે જીવાતો જ હોય છે. એ જાણે અજાણે તમારી અંદર રિફલેક્ટ થવાનો જ છે.  
પુસ્તકમેળામાં પુસ્તકો વેંચાતા નથી, વાચકો આવતા નથી આવી ફરિયાદો કદાચ સાચી હશે. પણ આ ટેકનોલોજીની દુનિયાથી થાકીને અંતે વ્યક્તિ પુસ્તક તરફ જ વળવાનો છે એ વાત પણ નક્કી જ છે. ગમે તેટલી વેબસિરીઝ જોઈલો પણ ખરી મજા પુસ્તક વાંચવામાં જ છે એ વાત દરેક પુસ્તકપ્રેમીએ એનુભવી જ હશે.  
જીવનના અલગ-અલગ પડાવોની જેમ વાચનના રસ-રુચિના પણ પડાવ હોય છે. ઉંમર પ્રમાણે તમારો વાચનનો રસ બદલતો રહે છે. વાચન માટે સમય કાઢવા કરતા વાચનને સમય ફાળવવો વધુ સહેલો છે. આપણે જેમ દરેક કામ કરવાનો એક ચોક્કસ સમય નક્કી કરીએ છીએ એમ પુસ્તક વાચન માટેનો પણ એક સમય ફિક્સ કરી દઈએ તો આ દોડધામભરી જિંદગીમાં શબ્દો તમારી સંજીવની બનવાની તાકાત ધરાવે છે એ વાતમાં બે મત નથી.  
છેલ્લે ગુણંવતભાઈ શાહના મોઢેથી સાંભળેલી વાત ટાંકીશ, જે ઘરમાં પાંચ સારા પુસ્તકો ન હોય એ ઘરમાં દીકરી ન આપવી અને એવા ઘરની દીકરી લેવામાં પણ જોખમ છે.  
પુસ્તક દિવસની ઉજવણી તમે કેવી રીતે કરવાના?
Tags :
bookdayEditor'sAngleGujaratFirstJUJyotiunadkat
Next Article