Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જગત જમાદાર અમેરિકા પોતાના દેશના ગન કલ્ચર સામે લાચાર

બંદૂક કોઈને નથી મારતી. માણસ માણસને મારે છે.  ઉપરનું વાક્ય વાંચીને આપણને થઈ આવે કે, વાહ શું ઊંચા વિચારોવાળું બૌદ્ધિક સ્લોગન છે. પણ આ વાક્ય અમેરિકાના નેશનલ રાઈફલ એસોસિયેશન દ્વારા છૂટથી વાપરવામાં આવે છે. દર વખતે અમેરિકામાં ફાયરિંગ થાય અને અમેરિકાના ગન કલ્ચરની વાતો વહેતી થાય છે. હજુ ગઈકાલે અમેરિકાના બ્રુકલીન મેટ્રોસ્ટેશનમાં ગોળીબાર થયો અને છ લોકોએ જીવ ગુમાવ્યો. લોહીના ખાબોચિયાં સàª
જગત જમાદાર અમેરિકા પોતાના દેશના ગન કલ્ચર સામે લાચાર
બંદૂક કોઈને નથી મારતી. માણસ માણસને મારે છે.  
ઉપરનું વાક્ય વાંચીને આપણને થઈ આવે કે, વાહ શું ઊંચા વિચારોવાળું બૌદ્ધિક સ્લોગન છે. પણ આ વાક્ય અમેરિકાના નેશનલ રાઈફલ એસોસિયેશન દ્વારા છૂટથી વાપરવામાં આવે છે. દર વખતે અમેરિકામાં ફાયરિંગ થાય અને અમેરિકાના ગન કલ્ચરની વાતો વહેતી થાય છે. હજુ ગઈકાલે અમેરિકાના બ્રુકલીન મેટ્રોસ્ટેશનમાં ગોળીબાર થયો અને છ લોકોએ જીવ ગુમાવ્યો. લોહીના ખાબોચિયાં સાથેની તસવીરો હ્રદયદ્રાવક છે. આમતેમ ભાગી રહેલાં લોકો, મેટ્રો ટ્રેનના ડબ્બામાંથી ધૂમાડો નીકળતું દ્રશ્ય આંખો સામેથી ખસી શકતું નથી. બ્રુકલીનનું આ મેટ્રો સ્ટેશન બીજા આમ સ્ટેશનની જેમ જ છે.  અમેરિકાની મુલાકાત લીધી હતી ત્યારે મેનહટનથી બ્રુકલીન બ્રિજ જવા માટે મેટ્રોમાં સફર કરી હતી. બ્રુકલીન સ્ટેશનેથી ઉતરીને થોડે જ અંતરે બ્રુકલીન બ્રિજ આવેલો છે. એ બ્રિજ જોઈને શાહરુખ ખાનની કલ હો ન હો મુવીનું ગીત યાદ આવી જાય. હર પલ યહાં જી ભર જીયો.... ગઈકાલે આ સ્ટેશન ઉપર દરેક જિંદગી બે ઘડી માટે થીજી ગઈ હતી. અંધાધૂંધ ફાયરિંગમાં છ લોકોએ જીવ ગુમાવ્યો અને 23 લોકો ઘાયલ થયા. બ્રુકલીનને આમ તો આપણે મારિયો પુઝોની નવલકથા ગોડ ફાધરમાં ઈમેજિન કર્યું છે. નવલકથામાં જે લોહિયાળ ઘટનાઓ બતાવી છે એ ગઈકાલે તાદ્રશ્ય થઈ ગઈ.  
અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર આતંકવાદી હુમલો થયો એ પછી એકવીસ વર્ષમાં બીજો કોઈ આતંકવાદી હુમલો નથી થયો. પણ ત્યાંના લોકો ગન કલ્ચરના આતંકવાદથી પીડાઈ રહ્યાં છે એ કોઈને નથી દેખાતું. અમેરિકા દેશ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી માંડીને ત્યાં બંદૂક, રિવોલ્વર, મશીન ગન રાખવી એ સ્ટેટસ સિમ્બોલ છે. હથિયારો વેંચતી લોબી આજે ત્યાં એટલી મજબૂત છે કે, જો કોઈ ચૂંટણી લડનાર વ્યક્તિ એમ કહેને કે, હું હથિયાર વેંચવાના કાયદાને વધુ કડક કરીશ તો એ અચૂક હારી જાય. અમેરિકાના રિપબ્લીકન પાર્ટીના રાજકારણીઓ ગન કલ્ચરને પ્રોત્સાહન આપવામાં માને છે. તો ડેમોક્રેટ્સ ગન કલ્ચર અને ધોસ્ટ ગન કલ્ચર ઉપર થોડાં કાયદા કડક બને એની હિમાયત કરે છે. હિલેરી ક્લિન્ટન જ્યારે રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડ્યાં હતાં ત્યારે આખા અમેરિકામાં એવું હતું કે, હિલેરી ગન કલ્ચર ઉપર કંટ્રોલ લાવવા માટે કંઈક કરશે. એ સમયે આખા અમેરિકામાં રેકર્ડબ્રેક હથિયારો વેંચાયા હતા. 2015ની સાલમાં ઓરેગોનમાંં એક શૂટ આઉટ થયેલું એમાં નવ કોલેજિયનો મૃત્યુ પામેલાં. તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા એમને શ્રદ્ધાંજલિ આપતા રડી પડેલા. એમણે કહેલું કે, જો આજે આપણે કંઈ નહીં કરીએ તો આવનારી પેઢીને બહુ વેઠવું પડશે. એમણે અમેરિકી સેનેટમાં એક પ્રસ્તાવ પણ રજૂ કરેલો કે, ગન ખરીદવા માટે જે પાંચ દિવસોનો સમય વેરીફિકેશન માટે છે એને થોડો કડક કરવો જોઈએ. આપણે જેમ શાકભાજી કે મોબાઈલ ખરીદી શકીએ એટલી જ આસાનીથી અમેરિકામાં તમે અઢાર વર્ષની ઉપરના હોવ તો બંદૂક ખરીદી શકો છો. તમે જો કોઈ માનસિક બીમારીથી પીડાતા હોવ તો જ તમે હથિયાર ન રાખી શકો. બરાક ઓબામાએ સંસદમાં પ્રસ્તાવ મૂક્યો હતો ત્યારે ત્યાંના બહુ ઓછા સેનેટ મેમ્બરે તરફેણ કરી હતી. કેમકે, અમેરિકી સંસદના સિતેર ટકા સાંસદો જ હથિયાર વેચનાર બિઝનેસમેનની લોબી સાથે સંકળાયેલા છે. હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુ બોમ્બ ફેંકનાર જગત જમાદાર અમેરિકા પરમાણુ હથિયારનું આળ મૂકીને ઈરાકને બરબાદ કરી દે તો વાંધો નહીં! આખી દુનિયાનો અનેકવાર વિનાશ થઈ શકે એટલા પરમાણુ હથિયારો ધરાવતો અમેરિકા દેશ નોર્થ કોરિયાને પરમાણુ પરીક્ષણ માટે ધમકીઓ આપીને પ્રતિબંધો મૂકી શકે પણ પોતાની અંદર રહેલા બંદૂકવાદી માનસને સુધારવા માટે કંઈ નથી કરતું. આખી દુનિયામાં ક્યાંય પણ માનવ અધિકારોનું હનન થાય તો એના પડઘા અમેરિકામાં પડે છે. શાંતિ વાર્તાથી માંડીને અનેક ડાહી ડમરી વાતો કરતું અમેરિકા પોતાના દેશની જનતા માટે લાચાર છે. કેમકે અમેરિકાનો મુખ્ય આવકનો સ્ત્રોત હથિયારો વેંચવામાં જ છે. અમેરિકાવાસીઓ જ વરસે દહાડે નેવું હજાર કરોડ રુપિયાના હથિયારો ખરીદે છે. પોતાના દેશમાં હથિયારો માટે નાગરિકોની જે  માનસિકતા છે એમાં તો કોઈનું નથી ચાલતું અને અમેરિકા આખી દુનિયાને નિઃશસ્ત્રીકરણ માટે સલાહ આપવામાં કંઈ બાકી નથી રાખતું.   
અમેરિકાના લિબરલ ગન કલ્ચરને કારણે એમણે અબ્રાહમ લિંકન અને જહોન એફ. કેનેડી જેવા બે રાષ્ટ્રપતિ પણ ગૂમાવ્યા છે. જો કે, અમેરિકી પ્રેસિડેન્ટ જ્યોર્જ વોશિંગ્ટન, જ્યોર્જ બુશ, જુનિયર જ્યોર્જ બુશ જેવા પ્રેસિડેન્ટ ગન સાથેના ફોટોગ્રાફ્સ ખેંચાવવામાં પોતાની શાન પણ સમજતા હતા. અમેરિકામાં ગન કલ્ચરના મૂળિયાં થોડા ઉંડા છે. અમેરિકા જ્યારે બ્રિટિશ કોલોની હતું ત્યારે ત્યાં પોલીસ અને કાયદો વ્યવસ્થાના નામે મીંડુ હતું. એ સમયે સ્વરક્ષણ માટે અને બ્રિટિશરોને ભગાડવા માટે અમેરિકન નાગરિકો ગન રાખી શકે એવું નક્કી થયેલું. અમેરિકી ઈતિહાસમાં આઝાદી માટે શસ્ત્રોના ઉપયોગની ગાથાને યશોગાથા તરીકે જોવામાં આવે છે. 1791ની સાલમાં અમેરિકી પ્રજા હથિયાર રાખી શકે એવો એમનો મૂળભુત અધિકાર છે એવો કાયદો બન્યો. તે દિવસની ઘડી અને આજનો દિવસ અમેરિકા એના કર્યાં ભોગવે છે. આજની તારીખે એમેરિકામાં રોજ ચાલીસ લોકો બંદૂકના કારણે જીવ ગુમાવે છે.     
એક અંદાજ પ્રમાણે અમેરિકાના 89 ટકા લોકો પાસે હથિયાર છે. જેમ આપણે ત્યાં હથિયાર તરીકે હોકી કે લાકડી લોકો રાખે છે એમ ત્યાંના લોકો ગન રાખે છે. અમેરિકાની મુલાકાતે ગયેલી ત્યારે  વોશિંગ્ટન ડીસીમાં એક વિસ્તારમાં હથિયારો વેંચતી દુકાન જોઈ અને કૂતુહલવશ ત્યાં ગઈ. મોટા સ્માઈલ સાથે એના માલિકે આવકારી. કોઈ ઓળખાણ આપ્યા વગર એ દુકાનમાં બધું જોયું. કારતૂસથી માંડીને મશીન ગન વેંચાતી હતી. દરેકની ઉપર ભાવ લખેલા હતા. મિનિમમ કિંમત 940 ડોલર હતી.  આ કિંમત ત્યાં વેંચાતા મેકબુક કરતા પણ ઓછી છે.  
થ્રી ડી પ્રિન્ટરનો દુરુપયોગ કરીને પણ ત્યાં ગન બનાવરાઓની કમી નથી. સાથોસાથ ત્યાં ઘોસ્ટ ગન કલ્ચર બહુ ફૂલ્યુંફાલ્યું છે. કુમળી વયનો બાળક પણ ઓનલાઈન ગનના સ્પેરપાર્ટસનો ઓર્ડર આપી શકે છે. એને એસેમ્બલ કરીને એ હથિયાર બનાવીને ઉપયોગમાં લઈ શકે છે. થોડાં વર્ષો પહેલાં અમેરિકાના કેલિફોર્નિયામાં એક ફાયરિંગની ઘટના બની હતી ત્યારે પોલીસે ઘટનાસ્થળેથી હથિયારો એકઠાં કરેલાં જેની ક્યાંય નોંધણી જ ન હતી. કેમકે, નેટ ઉપરથી સ્પેરપાર્ટસ ખરીદો તો એમાં કોઈ માર્કો કે નંબર નથી હોતાં. આ ઘોસ્ટ ગન કલ્ચર અને હથિયારોના વેપારમાંથી નફો કમાવવાની માનસિકતા સામે અમેરિકી શાસકો ચાહવા છતાં કંઈ નથી કરી શકતાં.  
ખેદજનક વાત એ છે કે, નવેમ્બર 2019ની સાલમાં કેલિફોર્નિયાની એક સ્કૂલમાં થયેલાં શૂટઆઉમાં બચી ગયેલી મિયા ટ્રેટાને હજુ ગઈકાલે જ જો બાઈડન વ્હાઈટ હાઉસના રોઝ ગાર્ડનમાં મળેલાં અને થોડાં જ કલાકોમાં બ્રુકલીન મેટ્રો સ્ટેશનના  શૂટઆઉટના સમાચારો આવ્યા હતા.  
સ્કૂલમાં શૂટઆઉટ થાય અને નિર્દોષ બાળકોના જીવ જાય ત્યારે ચળવળકારોમાં થોડો સળવળાટ થાય છે. પણ પછી એનું એ જ જીવન શરુ થઈ જાય છે. અમેરિકામાં વિભક્ત કુટુંબો અને સ્વતંત્ર વિચારસરણી જ જિંદગીને ખાઈ જાય છે. દુનિયામાં સૌથી વધુ એન્ટી ડીપ્રેસીવ દવાઓ અમેરિકામાં વેંચાય છે. જે કલ્ચરથી તમને આઝાદી મળી હોય એ જ તમારી પ્રજામાં જીવવાનું છે. હથિયારો વેંચીને નફાખોરી રળવી હોય એ દેશના બાળકો ગન રાખવાની વાતને એકદમ નોર્મલ વાત હોય એમ જ સમજે ને! એક વાત બહુ સમજવા જેવી છે કે, જે તે દેશને આઝાદી ક્યા રસ્તે મળી છે અને એ દેશની આર્થિક વ્યવસ્થાની કરોડરજ્જુ શું છે એના પર આખા દેશની પ્રજાની માનસિકતા કેળવાય છે.
Advertisement
Tags :
Advertisement

.