જનાદેશ - એક જ વિકલ્પ શિરમોર
ઓમિક્રોનની લહેર પીક ઉપર હતી અને ચૂંટણીની તારીખો જાહેર થયેલી. શરુઆતમાં વર્ચ્યુઅલ અને બાદમાં સભાઓમાં ચૂટણીપ્રચાર જોરશોરથી ચાલતો હતો. દિલ્હીનો રસ્તો ઉતર પ્રદેશથી જાય છે. એ વાત આઝાદીના સમયથી વણલખાયેલી રહી છે. આ ચૂંટણીમાં કોઈએ કંઈ કસર નહોતી છોડી. આક્ષેપોથી માંડીને નીચા દેખાડવાની રાજનીતિ તમામે રમી. ચૂંટણી સભાઓ પોતે શું કરશે એ કરતાં સામેવાળામાં કેટલી-કેટલી ખોડ છે એ વધુ જોવા મળ્યું. સà
Advertisement
ઓમિક્રોનની લહેર પીક ઉપર હતી અને ચૂંટણીની તારીખો જાહેર થયેલી. શરુઆતમાં વર્ચ્યુઅલ અને બાદમાં સભાઓમાં ચૂટણીપ્રચાર જોરશોરથી ચાલતો હતો. દિલ્હીનો રસ્તો ઉતર પ્રદેશથી જાય છે. એ વાત આઝાદીના સમયથી વણલખાયેલી રહી છે. આ ચૂંટણીમાં કોઈએ કંઈ કસર નહોતી છોડી. આક્ષેપોથી માંડીને નીચા દેખાડવાની રાજનીતિ તમામે રમી. ચૂંટણી સભાઓ પોતે શું કરશે એ કરતાં સામેવાળામાં કેટલી-કેટલી ખોડ છે એ વધુ જોવા મળ્યું. સાપ-નોળિયા સાથેની સરખામણીથી માંડીને અનેક આક્ષેપો-પ્રતિઆક્ષેપો જોવા મળ્યાં. આ બધું જ ટેલિવિઝન ઉપર અને સોશિયલ મિડીયા ઉપર જોતી પ્રજા સૌથી શાણી છે એ પરિણામોએ સાબિત કરી દીધું. કોઈ પણ રાજ્ય હોય કે વિસ્તાર હોય એમાં પાંચ વર્ષે જ દેખાતાં નેતાઓ અને સારસંભાળ લેતાં નેતઓને લોકો ઓળખી જતાં હોય છે.
મણિપુર, પંજાબ, ઉતર પ્રદેશ, ગોવા અને ઉતરાખંડ આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં નેતાઓ સહિત લોકોને પણ અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. કોવિડ સામેની લડતમાં પોતાની સરકારે કેવું કામ કર્યું, ખેડૂત આંદોલન વખતે સરકારનું શું સ્ટેન્ડ હતું, વધતા જતા ક્રાઈમ રેટને ડામવા માટે સરકારે કેવું કડક વલણ રાખ્યું તેનાથી માંડીને અનેક પરિબળો જે-તે પક્ષની હારજીત માટે જવાબદાર રહ્યા.
એનડીએના સૌથી જૂના સાથીદાર અકાલીદળે ખેડૂત આંદોલન સમયે પોતાનો અલગ રસ્તો બનાવ્યો. ખેડૂત આંદોલનમાં સરકારના વલણથી માંડીને પક્ષોની રાજનીતિ મતદાન સમયે લોકો ભૂલ્યા ન હતા. ખેડૂતોના સમર્થનમાં અકાલી દળ અલગ થયું પણ ખેડૂતોએ એમને મત આપ્યાં હોય એવું ક્યાંય દેખાઈ નથી રહ્યું. પંજાબ કોંગ્રેસનો કલહ જ એને ડૂબાડી ગયો. દલિત મુખ્યમંત્રીનું કાર્ડ મતો ન ખેંચી શક્યું. નવજોતસિંહ સિદ્ધુએ ફૂંકેલા બણગાં પોકળ સાબિત થયાં. પોતાની જાતને જ પ્રોજેક્ટ કરવાની નીતિ, પોતે જેમ કહે એમ જ થવું જોઈએ એ દુરાગ્રહ સિદ્ધુને તો નડી જ ગયો પણ કોંગ્રેસનેય ભારે પડ્યો છે. પતિયાલાના રાજા ખુદ એના આંગણામાં હારી ગયા છે. રાજાને પ્રજાએ જાકારો આપ્યો છે. જ્યારે નવજોતસિંહ સિદ્ધુને એનો ઈગો જ ભારે પડ્યો છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસનો વિકલ્પ બની રહી હોય એવું સ્પષ્ટ પણે વર્તાઈ રહ્યું છે. હજુ આ વર્ષના અંત સુધીમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતીની ચૂંટણીઓ આવે છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાનું જોર બતાવ્યું હતું. પણ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ આમ આદમી પાર્ટીની સરપ્રાઈઝ એન્ટ્રી કરી બતાવી. હવેની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ કરતાં કોંગ્રેસને કેટલું નુકસાન કરી શકે છે એ જ જોવાનું રહેશે.
ઉતરાખંડમાં કોંગ્રેસે બહુ આશા સેવેલી. હરીશ રાવત ચૂંટણી પહેલા આકરે પાણીએ થયેલાં પણ જેમતેમ કરીને કોંગ્રેસે એમને મનાવી લીધાં. જો કે, કોંગ્રેસનો કરિશ્મા કંઈ કમાલ કરી ન શક્યો. મણિપુરનું કવરેજથી માંડીને ત્યાંનું એનાલિસિસ હંમેશાં ઓછું જોવા મળ્યું. મણિપુરમાં ભાજપની કામગીરી અને નેતાગીરી બંને મતોને ખેંચવામાં યોગ્ય સાબિત થયાં છે.
સૌથી ખરાખરીનો જંગ તો ઉતર પ્રદેશમાં રહ્યો. અબ કી બાર તીન સો કે પાર 2017નું સ્લોગન ફરી સાચું પડે એવા પ્રયાસો રહ્યાં પણ બહુમતીનો આંકડો તો ભાજપે સવારના વલણોમાં જ મેળવી લીધો હતો. આમ પણ સૌની નજર ઉતર પ્રદેશ પર વધુ રહે છે. યોગી અને મોદીનો ફોટો જે રીતે વાયરલ થયેલો એ જ રીતે આ જોડીએ કરિશ્મા બતાવી દીધો છે. ઉતર પ્રદેશમાં વિકાસથી માંડીને માફિયા સામેની સરકારની લડત અને સ્ટેન્ડે લોકોના વિચારોને મતમાં પલોટ્યાં છે. કાકા-ભત્રીજાની જોડીથી માંડીને બાહુબલિઓએ સારી એવી ટક્કર આપી પણ શિરમોર વિકલ્પ બીજેપી જ છે એવું લોકોએ વિચારીને ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા. જો કે, સમાજવાદી પાર્ટી એક મજબૂત વિપક્ષ બનવા પૂરી કોશિશ કરશે. ભારતીય જનતા પક્ષની ખૂબી એ છે કે, એ હંમેશાં ઈલેક્શન મોડમાં જ હોય છે. ચૂંટણી આવતી હોય કે ન આવતી હોય ઉપલાં લેવલથી માંડીને સામાન્ય કાર્યકર્તાઓ સુધી એ ઝીણું ઝીણું કાંતતો રહે છે. માઈક્રો લેવલનું પ્લાનિંગ મતોમાં કેવી રીતે પરાવર્તિત કરવું એ ભાજપની જીતનું મહત્ત્વનું કારણ છે. ભારત દેશ એ યુવાનોનો દેશ છે. યુવાનોને નાતિ-જાતિના સમીકરણોથી કોઈ ફરક નથી પડતો. એને ફક્ત પોતાનું ફ્યુચર કેવું છે એનાથી ફરક પડે છે. આ મત પ્રગતિ અને વિકાસને મળેલાં મતો છે. પરિણામો આપણને એ જ બતાવે છે કે, સારો વિકલ્પ હોય ત્યાં હંમેશાં પ્રજા પ્રગતિને જ મત આપે છે.