Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખુમારી અને ખુવારીનો એક મહિનો

યુદ્ધસ્ય કથા રમ્યા: યુદ્ધની કથાઓ રમણીય હોય છે. સાથોસાથ એટલી જ કરુણ હોય છે. યુદ્ધમાં તમારી અંદરની ખુમારી બહાર આવે છે. લડાઈ પછી ખુવારી નજરે તરવરે છે. રશિયાએ એના કરતાં અનેકગણાં નાના દેશ ઉપર હુમલો કર્યો એને આવતીકાલે મહિનો થઈ જશે. રશિયા લડાયક મૂડમાં છે તો યુક્રેન પણ ઝૂકવાના મિજાજમાં બિલકુલ નથી લાગતું. આખી દુનિયા અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અંતમાં ક્યારે પરિણમશે એની રાહ જો
ખુમારી અને ખુવારીનો એક મહિનો
યુદ્ધસ્ય કથા રમ્યા: યુદ્ધની કથાઓ રમણીય હોય છે. સાથોસાથ એટલી જ કરુણ હોય છે. યુદ્ધમાં તમારી અંદરની ખુમારી બહાર આવે છે. લડાઈ પછી ખુવારી નજરે તરવરે છે. રશિયાએ એના કરતાં અનેકગણાં નાના દેશ ઉપર હુમલો કર્યો એને આવતીકાલે મહિનો થઈ જશે. રશિયા લડાયક મૂડમાં છે તો યુક્રેન પણ ઝૂકવાના મિજાજમાં બિલકુલ નથી લાગતું. આખી દુનિયા અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અંતમાં ક્યારે પરિણમશે એની રાહ જોવે છે. બોમ્બમારો, મિસાઈલ હુમલો, રોકેટ લોન્ચરથી કેટલાં હણાયા એના આંકડાઓ આવતા રહે છે. અમેરિકા, યુકે યુદ્ધ માટે રશિયાની સરેઆમ ટીકા કરે છે. પણ ખાસ કોઈ એક્શન લેતાં નથી. પ્રતિબંધો લાદી દે છે જેનાથી રશિયાને આવનારા દિવસોમાં તકલીફ પડવાની.  
આખી દુનિયાના રાજકીય વિશ્લેષકોથી માંડીને વૉર એક્સપર્ટસનું એવું દ્રઢપણે માનવું હતું કે, આ યુદ્ધ બે-ચાર દિવસમાં અંત તરફ જશે. એક મહિના સુધી ખેંચાશે એનો કોઈને અંદાજ ન હતો. કોઈએ એવું નહોતું ધાર્યું કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી આટલી ઝીંક ઝીલી શકશે. વ્યવસાયે કોમેડિયન એવા વોલોડિમીરને યુક્રેનની પ્રજાએ ચૂંટી કાઢ્યા ત્યારે બધા એક વખત તો મરકી જ પડેલાં કે કોમેડિયન હવે દેશ ચલાવશે. પણ આ કોમેડિયને પોતાની છાપ વૉર હીરો જેવી ઉભી કરી દીધી છે.  
અમેરિકાએ ઝેલેન્સ્કીને દેશ છોડી દેવા કહેલું. પણ ઝેલેન્સ્કીએ દેશ છોડવાને બદલે દેશવાસીઓને સાથ આપવાનું પસંદ કર્યું. અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાનોએ કબજો જમાવ્યો ત્યારે રાષ્ટ્રપતિ અશરફ ગની ગંજાવર મિલકત અને સામાન સાથે પલાયન કરી ગયેલાં. લીબિયાના શાસક જનરલ મુઅમ્મર ગદ્દાફી અને સદામ હુસેનના અંત આપણે સહુ જાણીએ છીએ. યુદ્ધની કથામાં તમારા દેશનો નેતા અને લીડર કેવા હોવા જોઈએ એનું ઉદાહરણ વોલોડિમીર ઝેલેન્સ્કીને ગણી શકાય. દેશ ડૂબતો હોય ત્યારે તમારો કેપ્ટન કેવું સ્ટેન્ડ લે છે એ બહુ જ મહત્ત્તવનું છે. ઝેલેન્સ્કીના મનોબળે આખા દેશમાં ઝનૂન જગાવ્યું. આમ પણ યુક્રેનની પ્રજા લડાયક મિજાજ ધરાવે છે. 98 વર્ષની વૃદ્ધા હોય કે પછી આંખોમાં સપનાં આંજેલો યુવક તમામે તમામ લોકોએ દેશ માટે ફના થઈ જવાની તૈયારી બતાવી અને લડે છે પણ ખરાં.  
બહારની તાકાતો જ્યારે તમારાં દેશ ઉપર હુમલો કરે ત્યારે દેશપ્રેમ તમારી રગોમાં દોડવા લાગે છે. આ તમામ વાતો સાચી. પણ અંતમાં હવે કંઈ કોના હાથમાં શું આવશે? યુક્રેન જેવો સરસ મજાનો દેશ હતો અત્યારે સાવ ખંડેર જેવો થઈ ગયો છે. ત્યાં વસતા લોકો કેટલીય આશાઓ સાથે ત્યાં જીવતાં હશે હવે લગભગ આખા દેશની મોટાભાગની પ્રજા રાતોરાત વિસ્થાપિત થઈ ગઈ છે. પૉલેન્ડે તમામ વિસ્થાપિતોને રક્ષણ આપ્યું. વિસ્થાપિતોને તકલીફ ન પડે એનું ધ્યાન રાખે છે. તેમ છતાં પોતાના ઘર અને પરિવારને છોડીને આવેલાં લોકોની જિંદગી અત્યારે દયનીય થઈ ગઈ છે.  
સામી બાજુ રશિયાની હાલત પણ કંઈ વખાણવા જેવી નથી રહી. રશિયા ઉપર યુક્રેન સીધો હુમલો નથી કરી રહ્યું. આ યુદ્ધ આમ તો એક તરફી જ થઈ ગયું છે. યુક્રેન જે કંઈ કરે છે એ બચાવ માટે કરે છે. રશિયા જે કંઈ કરે છે એ યુક્રેનને બરબાદ કરવા માટે, ઘૂંટણિયે પાડવા માટે કરે છે. યુક્રેન તો યુદ્ધમાં ખપી જવાની કિંમત ચૂકવી જ રહ્યું છે પણ આ યુદ્ધ રશિયા માટે પણ અઘરું સાબિત થવાનું એ વાતમાં બે મત નથી. શસ્ત્રો અને દારુગોળો દિવસેને દિવસે ઓછો થતો જાય છે. રશિયાની પ્રજાને પણ પુતિન સામે સવાલો થાય છે સામી બાજુ રશિયાની પ્રજાને યુક્રેનવાસીઓ માટે સહાનુભૂતિ પણ છે.  
આ યુદ્ધમાં સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું છે કે, રશિયાની બેસ્ટ ગણાતી જાસૂસી સંસ્થા કેજીબી પણ વોલોડિમીરને શોધી નથી શકી. રશિયાએ જ્યારે જ્યારે મિડીયામાં એવી વાત ફેલાવી કે ઝેલેન્સ્કી દેશ છોડીને ભાગી ગયા છે. ત્યારે ત્યારે વોલોડિમીર ઝેલેન્સ્કી બમણાં ઝનૂન સાથે પોતાની વાત રજૂ કરવા આવી ચડે છે. ખુમારી સાથે ખુવાર થવાની તૈયારી સાથે યુક્રેનવાસીઓના જુસ્સા પર એક પળ માટે આપણું દિલ આવી જાય એમાં કોઈ બે મત નથી. પરમાણુ હુમલો થશે કે નહીં થાય એ ચિંતા કરતી આખી દુનિયા એકમતે ઈચ્છે છે કે, હવે આ ખુવારીનો સિલસિલો અંત પામે તો સારું.
Advertisement
Tags :
Advertisement

.