Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રશિયા-યુક્રેન યુદ્ધથી ઘઉંની નિકાસના ગણિતમાં ઉથલપાથલ

ચોવીસમી ફેબ્રુઆરી, 2022ના દિવસથી શરુ થયેલા યુદ્ધનો આજે 80મો દિવસ છે. રશિયાના શસ્ત્રો અને દારુગોળો ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે તો યુક્રેનમાં ખુવારી દિવસે ને દિવસે વધી રહી છે. બે દેશના યુદ્ધ વચ્ચે આખી દુનિયાની ઈકોનોમીને અસર થઈ રહી છે. એક્સપોર્ટ-ઇમ્પોર્ટની આખી ચેઇન તૂટી ગઈ છે. કેટલાક ઉદ્યોગોને માઠી અસર થઈ છે. કેટલાક ઉદ્યોગોએ ફક્ત એકાદી ચીજના કારણે પોતાનું પ્રોડક્શન રોકી રાખવું પડ્યું છે.
રશિયા યુક્રેન યુદ્ધથી ઘઉંની નિકાસના ગણિતમાં ઉથલપાથલ
ચોવીસમી ફેબ્રુઆરી, 2022ના દિવસથી શરુ થયેલા યુદ્ધનો આજે 80મો દિવસ છે. રશિયાના શસ્ત્રો અને દારુગોળો ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે તો યુક્રેનમાં ખુવારી દિવસે ને દિવસે વધી રહી છે. બે દેશના યુદ્ધ વચ્ચે આખી દુનિયાની ઈકોનોમીને અસર થઈ રહી છે. એક્સપોર્ટ-ઇમ્પોર્ટની આખી ચેઇન તૂટી ગઈ છે. કેટલાક ઉદ્યોગોને માઠી અસર થઈ છે. કેટલાક ઉદ્યોગોએ ફક્ત એકાદી ચીજના કારણે પોતાનું પ્રોડક્શન રોકી રાખવું પડ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધની અસર ભારતને પણ થઈ છે. ભારતને ભલે ઓછી કિંમતે ઓઇલ મળી રહ્યું હોય પણ કેટલીક વૈશ્વિક વેપારની અસરો ભારતને પણ થવા માંડી છે.  ભારતે સૌથી પહેલી ઘઉંના એક્સપોર્ટ પર રોક લગાવી છે.  
થોડાં દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલું કે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જો છૂટ આપે તો ભારત આખી દુનિયાની ઘઉંની માગને પહોંચી વળે એમ છે. જો કે, રશિયા-યુક્રેન યુદ્ધના કારણે  વૈશ્વિક બજારમાં ઘઉંની કિંમતમાં વધારો થયો. ભારતે ઘઉંના ભાવ કંટ્રોલ કરવા માટે નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આખી દુનિયાને ઘઉં પૂર પાડવાની વાત કરતા આપણા દેશના ઘઉંના એક્સપોર્ટનું ગણિત ખોરવાઈ ગયું છે.  
એક અંદાજ મુજબ માલ-સામાન એક્સપોર્ટમાં ભારતનો ટારગેટ આ વર્ષે 400 બિલિયન ડોલરથી વધુનો છે. આખી દુનિયામાં ભારતમાંથી પેટ્રોલિયમ પ્રોડક્ટસ, એન્જિનિયરીંગની મશીનરી, જેમ એન્ડ જ્વેલરી,  ઓર્ગેનિક-ઈનઓર્ગેનિક પ્રોડક્ટ્સ, દવા, ઈલેટ્રોનિક્સ આઇટમ, યાર્ન, રેડીમેડ કપડાં, પ્લાસ્ટિક, મરીન પ્રોડક્ટસ, ઘઉં નિકાસ થાય છે. અમેરિકા, ચીન, બાંગ્લાદેશ, હોંગકોંગ, નેધરલેન્ડ, નેપાળ, જર્મની, બ્રિટન જેવા દેશોમાં આપણી પ્રોડક્ટ્સ એક્સપોર્ટ થાય છે. ભારતે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ ઉપર રોક લગાવી છે. વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવમાં રશિયા યુક્રેન યુદ્ધ બાદ ક્વિન્ટલ દીઠ અધધધ ભાવ વધારો જોવા મળ્યો છે. મૂળ વાત એમ છે કે, આખી દુનિયાની કુલ પચીસ ટકા ખપતના ઘઉં રશિયા અને યુક્રેન પૂરા પાડે છે. આ બે દેશ વચ્ચે યુદ્ધ થતાં ઘઉંની નિકાસ ઉપર અસર પડી. આખી દુનિયામાં ઘઉં અને ઘઉંની પેદાશોના ભાવ વધી ગયા. જીવનજરુરી એવી વસ્તુના ભાવ વધી જાય એટલે આખી દુનિયામાં હોબાળો મચી જવાનો છે.  
 ખેત પેદાશોમાં ભારતમાંથી ચોખાની નિકાસ વધુ થાય છે. ગયા વર્ષે ભારતે વીસ મિલિયન ટન ચોખા નિકાસ કર્યા હતા. ભારતના ઘઉંની નિકાસનો આંકડો પણ નાનો નથી. ભારતે 21-22ની સાલમાં 78 લાખ ટન ઘઉંની નિકાસ કરી છે. ભારતના મુખ્ય ખરીદદાર દેશોમાં બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા, ઈજિપ્ત, ફિલીપાઈન્સ, શ્રીલંકા, સંયુક્ત અરબ અમીરાત છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતની નિકાસ અને ભારતમાં ઘઉં વિક્રમજનક પ્રોડક્શન જોવા મળ્યું છે. જો કે છેલ્લા બે વર્ષમાં પડેલી ગરમીને કારણે ઘઉંનું ઉત્પાદન પિસ્તાલીસ લાખ ટન જેટલું ઓછું થયું છે. 2018 ની સાલમાં ભારત ઘઉંના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરે હતું.  111 મિલિયન ટનના રવિ પાકના ઉત્પાદનની સામે ભારતમાં ઘઉં ઉત્પાદન 5.7 ટકા ઘટ્યું છે. ભારત પાસે દુનિયાને ઘઉં નિકાસ કરવાનો ગોલ્ડન ચાન્સ હતો. યુદ્ધની પરિસ્થિતિને કારણે ઘઉંના ભાવમાં વૈશ્વિક સ્તરે ચાલીસ ટકાનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં ભારતમાં જ એક કિલો ઘઉંના લોટનો ભાવ 28 રુપિયામાંથી પાત્રીસ રુપિયા સુધી પહોંચી ગયો છે. ઘર આંગણે મોંઘવારીનો માર સહન કરતા ભારતે તત્કાળ અસરથી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો. રેશનીંગ કાર્ડ ઉપર મળતા ઘઉં પર તેની અસર દેખાવાની છે. એક અંદાજ પ્રમાણે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે દુનિયામાં ઘઉંની નિકાસ ઉપર અસર આવી. ભારતમાંથી ઘઉં વધુ માત્રામાં નિકાસ થશે, ભારતમાં ખરીદદારી વધશે એ વિચારે ભારતીય વેપારીઓએ ખેડૂતો પાસેથી વધુ માત્રામાં ઘઉંનો સંગ્રહ કરી લીધો. સરકારી ગોદામોમાં આ કારણે જ ઘઉંનો સ્ટોક અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી પર પહોંચી ગયો છે. આથી ઘરઆંગણે ઘઉંના અને ઘઉંના લોટના ભાવ વધી ગયા.  
આખી દુનિયાની કુલ જરુરિયાતના પચીસ ટકા પૂરું કરતા રશિયા, યુક્રેનમાંથી નિકાસ થતાં ઘઉં ઉપર રોક લાગી ગઈ. વિશ્વમાં ઘઉંની નિકાસ કરતા દેશોની યાદીમાં ભારતનો દસમો નંબર છે. રશિયા, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, યુક્રેન, પોલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જર્મની, કઝાકિસ્તાન  બાદ ભારતનો નંબર આવે છે. ભારતે  2020 અને 2021માં દુનિયાના 69 દેશોને 78 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. 2017-18ની સાલમાં ભારતે 48 દેશોને  3.22 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. જે ડિમાન્ડ 2022માં વધી ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે, ભારત જો ઘઉંની નિકાસ કરે તો ગરીબોની થાળીમાંથી ઘઉં અને ઘઉંની વસ્તુઓ ગાયબ જ થઈ જાય. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારત વધુ માત્રામાં ઘઉંની નિકાસ કરી શકશે એ મુદ્દે આપણો દેશ અત્યારે બેકફૂટ પર છે.  ઘઉં આપણા ભોજનમાં પ્રાથમિક અનાજ છે. એની ડિમાન્ડ ઘટવાની નથી આથી જ સરકારે આગોતરાં પગલાં લઈને નિકાસ ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. હવે, યુદ્ધની પરિસ્થિતિ હળવી થાય, યુદ્ધને કારણે બંધ પડેલા બ્લેક સી રુટથી ઘઉંની નિકાસ થવાનું શરુ થાય, ઘઉંની નિકાસ કરતા દેશોનો વહેવાર ફરીથી ચાલુ થાય ત્યારે જ ઘઉંના ભાવોમાં કંઈક ઘટાડો જોવા મળશે.
Advertisement
Tags :
Advertisement

.