પરિવારો તૂટી રહ્યા છે અને પ્રશ્નો વધી રહ્યા છે
સન્ડે એટલે મોટાભાગના નોકરિયાત લોકો માટે રજાનો દિવસ હોય. આખા અઠવાડિયામાં લોકો રવિવારનો દિવસ પરિવારને આપે છે. રવિવાર દિવસનું નામ પરિવાર કરી દેવું જોઈએ એવું પણ લોકો માને છે. આ એક દિવસ ઓફિસની કોઈ પળોજણ નહીં બસ ફક્ત ફેમિલી પર્સન બનીને રહેવું છે. બાળકો સાથે સમય વીતાવવાનો, મા-બાપને સમય આપવાનો અને પાર્ટનર સાથે જીવવાનું. વાંચીને સારું લાગે અને કેટલી આદર્શ પરિસ્થિતિ છે એવું ફીલ થાય. શું ખરà«
09:20 AM May 16, 2022 IST
|
Vipul Pandya
સન્ડે એટલે મોટાભાગના નોકરિયાત લોકો માટે રજાનો દિવસ હોય. આખા અઠવાડિયામાં લોકો રવિવારનો દિવસ પરિવારને આપે છે. રવિવાર દિવસનું નામ પરિવાર કરી દેવું જોઈએ એવું પણ લોકો માને છે. આ એક દિવસ ઓફિસની કોઈ પળોજણ નહીં બસ ફક્ત ફેમિલી પર્સન બનીને રહેવું છે. બાળકો સાથે સમય વીતાવવાનો, મા-બાપને સમય આપવાનો અને પાર્ટનર સાથે જીવવાનું. વાંચીને સારું લાગે અને કેટલી આદર્શ પરિસ્થિતિ છે એવું ફીલ થાય. શું ખરેખર આવું થઈ શકે છે? શું તમે આ રીતે જીવી શકો છો?
પરિવાર... આ ચાર અક્ષર જેટલી સંખ્યામાં હવે પરિવારોમાં સભ્યો પણ નથી રહ્યા. 1989ની સાલમાં સંયુક્ત રાષ્ટ્રમાં એક પ્રસ્તાવ મૂકવામાં આવેલો કે આખી દુનિયામાં પરિવાર દિવસની ઉજવણી થવી જોઈએ. 1993માં આ પ્રસ્તાવ પસાર થયો કે 15મેના રોજ દર વર્ષે પરિવાર દિવસ ઉજવવામાં આવશે.
પરિવાર જાળવો અને ગરીબાઈ હટાવો, પરિવાર અને ટેકનોલોજીથી માંડીને દર વર્ષે અલગ અલગ થીમ સાથે ફેમિલી ડે ઉજવાય છે. આ વર્ષનો થીમ છે પરિવાર અને શહેરીકરણ. ટેકનોલોજી અને શહેરીકરણને કારણે આપણે આપણી સામે પરિવારોને તૂટતા જોઈ રહ્યા છીએ. આઠ અબજની વસતિ ધરાવતી દુનિયામાં ત્રણ અબજ ઘર છે અને ત્રણ અબજથી વધારે પરિવારો છે. જેમજેમ શહેરીકરણ વધતું ગયું તેમતેમ પરિવારો તૂટતા ગયા. શહેરીકરણની સાથોસાથ આપણી સાથે જોડાયેલા ગેજેટ્સના કારણે પરિવારોમાં પારિવારિક ભાવના જેવું મીસિંગ છે.
ભારતની વસતિ 140 કરોડને આંબી ગઈ છે. ભારતમાં પચીસ કરોડ ઘરો છે. પરિવારોની સંખ્યા તેના કરતા પણ વધારે. એક સમય હતો પરિવાર માટે કંઈ પણ એવું લોકો માનતા. હવેનો સમય સાવ જુદો છે. સંયુક્ત પરિવારો તૂટી રહ્યા છે. પરિવારદિવસ ઉજવવાની નોબત જ એટલે આવી કે, સાથે રહેવાનું, સાથે જીવવાનું છૂટી રહ્યું છે. પંદર-વીસ લોકોનો પરિવાર એક સમયે સાવ સામાન્ય બાબત હતી. જેમાં કાકા-બાપાના બાળકો વચ્ચે ભેદ પારખવો અઘરો હતો. દાદા-દાદી વાર્તા કહેતા. મા-બાપ સંતાનોને ભણાવતા, વેકેશનમાં મામા કે ફૈબાના ઘરે રહેવા જવાનું થતું. હવે તો મામાનું ઘર કેટલે દીવો બળે એટલે એ ફક્ત એક જોડકણું બનીને રહી ગયું છે. આજની પેઢીના બાળકોને આ જોડકણું પણ સમજાવવું પડે એવી હાલત થઈ ગઈ છે.
બીજા દેશોની હાલત પણ કંઈ સારી નથી. ચીનમાં એક પરિવાર એક બાળકની પોલિસીના પરિણામો ચીન ભોગવી રહ્યું છે. ચીનમાં મામા-કાકા-ફૈબા-માસી જેવા સંબંધો જ નથી જોવા મળી રહ્યાં. પરિવારની આખી વ્યવસ્થા જ તૂટી રહી છે. આ કારણે ત્યાં સામાજિક સવાલો વધી ગયા છે.
ભારતની હાલત જોવા જઈએ તો ભારતમાં પણ કંઈ બહુ રાજી થવા જેવું નથી. સંયુક્ત પરિવારો તૂટી રહ્યા છે. ગામડાંમાંથી રોજીરોટી કમાવવા માટે લોકો શહેર તરફ આવી રહ્યા છે. મોંઘવારીને કારણે પરિવારમાં કામ કરતી સ્ત્રીઓની સંખ્યા વધી રહી છે. આ કારણે બાળકોને સમય આપવાની વાત આવે તો સમય નથી આપી શકાતો. સેંકડો યુગલો એક જ બાળકને જન્મ આપવાનું નક્કી કરે છે. આ બાળકો પાસે સગા ભાઈ-બહેનનો વિકલ્પ નથી રહેતો. આધુનિકીકરણની દોડમાં વધી રહેલા મતભેદ અને મનભેદના કારણે દાદા-દાદી સાથે રહેતા હોય એવા પરિવારો બહુ ઓછાં જોવા મળી રહ્યા છે. પરિવારો તૂટી રહ્યા છે એનું એક કારણ નથી એના અનેક કારણો છે.
સમાજશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકો પાસે ટીન એજ બાળકોના સવાલો અને પરિવારમાં થતી સમસ્યાઓનો ખડકલો થઈ રહ્યો છે. અગાઉના સમયમાં પરિવારના વડીલ પાસે સમસ્યા જતી અને સોલ્વ થઈ જતી. વીસ-પચીસ લોકોના પરિવારમાં એક વ્યક્તિનો પ્રભાવ એટલો હોય કે બધાં લોકો એમનું માનતા. આજે આવું કોઈ પરિવારમાં કરવા જાય તો સામા થનારા સંતાનોની સંખ્યા કંઈ ઓછી નથી. અગાઉના સમયમાં માનસિક બીમારી કે મેનોપોઝ કે ટીન એજમાં આવતા સંતાનોની સમસ્યાનો ઉકેલ ઘરમાંથી જ મળી જતો. ટીન એજમાં આવતા પરિવારના બાળકોને કાકા કે ફૈબા સાચવી લેતાં. મોટા ભાઈ-બહેન પણ ધ્યાન રાખતા કે મારો પિતરાઈ કોઈ સમસ્યામાંથી પસાર થાય છે. અગાઉના સમયમાં એક જ સ્કૂલમાં પરિવારના છ સાત બાળકો ભણતાં એટલે સમસ્યાનો ઉકેલ સ્કૂલમાં જ થઈ જતો. જતું કરવાની ભાવના અને પરિવાર જ સઘળું છે એવી સામાન્ય લાગણી દરેક વ્યક્તિ અનુભવતો. હવે આ અનુભૂતિ જ ગાયબ થઈ રહી છે.
કોરોનાના સમયમાં અચાનક દિવસો સુધી લોકડાઉન રહ્યું ત્યારના દિવસો યાદ કરો. સતત સાથે રહેવાથી પરિવારની વ્યક્તિ કેવી છે એની ઘણાં બધાં લોકોને ખબર પડી. પરિવારના સભ્યોની કેર કરવાથી માંડીને એના ગમા-અણગમા વિશે સમજ આવી. મુસીબતના સમયમાં ભાંગી પડીએ તો પરિવાર જ સૌથી પહેલી મદદે આવે છે એનો ઘણાં લોકોને અનુભવ થયો. પરિવાર છે તો પાંચ આંગળીની મુઠ્ઠી મજબૂત છે એવું મુશ્કેલીના સમયે આપણને ફીલ થાય છે.
આ બધું જ આપણે સમજીએ છીએ છતાં પણ સંયુક્ત કુટુંબમાં રહેવું લગભગ તમામને આકરું લાગી રહ્યું છે. કોઈનું સંયુક્ત કુટુંબ જોઈને આપણને આનંદ થઈ આવે છે પણ આપણા જ ઘરમાં સંયુકત રીતે રહેવાનું હોય તો! આ સવાલનો જવાબ આપણી પાસે નથી હોતો. હકીકત એ છે કે, પરિવાર છે તો હૂંફ છે અને હૂંફ છે તો દરેક સમસ્યાનો હલ છે, હલ છે તો જીવવું સરળ છે માટે જ પરિવારનું તૂટવું નહીં પણ સચવાવું ખૂબ જ જરુરી છે.
Next Article