ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Demeanor: શ્રીહરિ સંતોને કહેતા:"વર્તન વાત્યું કરશે."

Demeanor-જેવુ વર્તન એવો પ્રભાવ. પહેલાંના જમાનામાં ગામડે ગામડે ફરીને લોકોનો માંહ્યલો જાગૃત રાખનારા સંતો આ પંક્તિ લલકારતા- “કહેણી મિસરી ખાંડ હૈ, રહેણી તાતા લોહ, કહેણી કહે ઔર રહેણી રહે, ઐસા વિરલા કો’ક” ઉપદેશકોને પણ ઉપદેશ આપતી આ પંક્તિ કહી જાય...
11:55 AM Jul 11, 2024 IST | Kanu Jani

Demeanor-જેવુ વર્તન એવો પ્રભાવ. પહેલાંના જમાનામાં ગામડે ગામડે ફરીને લોકોનો માંહ્યલો જાગૃત રાખનારા સંતો આ પંક્તિ લલકારતા-

“કહેણી મિસરી ખાંડ હૈ, રહેણી તાતા લોહ,

કહેણી કહે ઔર રહેણી રહે, ઐસા વિરલા કો’ક”

ઉપદેશકોને પણ ઉપદેશ આપતી આ પંક્તિ કહી જાય છે કે ‘કોઈપણ વાત બોલી નાખવી ખાંડ જેવી મીઠી છે પણ એ પ્રમાણે વર્તીને(Demeanor) બતાવવું એ તપાવેલ લોખંડની સાંકળને ગળામાં પહેરવા જેવું આકરું છે. બોલનારાં શુદ્ધ વર્તન પણ ધરાવતાં હોય- એવાં વિરલા બહુ દુર્લભ હોય છે.‘

વર્તન વાતો કરે-ઉપદેશની જરૂર નથી

વિષયલાલસાને લીધે કથાકારો પોતે સદ્ધર્મ ચૂક્યા, એટલે વર્તનવાળા ગુરુઓ દુર્લભ થઈ ગયા. સાધુઓ લોકોની ઘૃણા અને ઉપહાસને પાત્ર બનવા લાગ્યા. આવા વાતાવરણમાં તો જે મહાપુરુષ આચરણના ઉત્તુંગ હિમાલયે બિરાજતા હોય એ જ પરમ આદર પામી શકે. એ રીતે શાસ્ત્રોનું થોડું જ જ્ઞાન અને આંજી નાખનારી પ્રતિભા ન ધરાવતા પ્રમુખસ્વામી મહારાજ લોકહૃદયના સમ્રાટ બની શક્યા. ભારત સાધુ સમાજના પ્રમુખ પૂજ્ય રામસ્વરૂપ શાસ્ત્રીજી કહેતા કે ‘હમ સબ તો વક્તવ્યવાલે હૈં, લેકિન પ્રમુખસ્વામીજી કર્તવ્યવાલે હૈં.‘

૧૯૮૯માં મુંબઈમાં પ્રખર સાહિત્યકાર હરિન્દ્રભાઈ દવેએ કહેલું કે ‘અમે સદ્વર્તનની વાતો કરીએ છીએ અને પ્રમુખસ્વામી પણ કરે છે. પરંતુ અમારી વાતોની અસર થતી નથી અને એમની વાતોની અસર થાય છે. શાથી? એનું કારણ એ છે કે જેમ બેંકમાં બેલન્સ જમા હોય તો જ આપણે રકમ ઉપાડી શકીએ, એમ પ્રમુખસ્વામીનું આચરણ-વર્તનરૂપી બેલન્સ એટલી વિપુલ માત્રામાં જમા છે કે એમનો ચેક ક્યારેય બાઉન્સ થતો જ નથી. અમારામાં અને એમનામાં અહીંયા ફરક પડે છે.‘

શુદ્ધ નિયમધર્મ યુક્ત સંતોનું જીવન એ જ કથાવાર્તા

બે સદીઓ પહેલાં ભગવાન સ્વામિનારાયણે સમાજશુદ્ધિનું આંદોલન આદર્યું, તેમાં સંતોને ઘેર ઘેર ફરીને ઉપદેશ આપવા માટે આજ્ઞા કરી. ત્યારે ઘણા સંતોને મૂંઝવણ થઈ કે ‘અમે શાસ્ત્રોના ભણેલા નથી, તો કોઈ કાંઈ પૂછશે એનો અમે કઈ રીતે જવાબ આપી શકીશું? અમારી વાતોની અસર કઈ રીતે થશે?‘ ત્યારે ભગવાન સ્વામિનારાયણે એમની ગાંઠે એક જ મૂડી બંધાવેલી કે- ‘તમારું વર્તન વાતો કરશે.‘ એટલે કે તમારા જેવા શુદ્ધ નિયમધર્મ યુક્ત સંતોનું જીવન જોઈને જ શાસ્ત્રોની વાત કર્યા વગર પણ લોકોને અસર થશે. એમના પાંચમા આધ્યાત્મિક વારસદાર પ્રમુખસ્વામી મહારાજ આ જ સિદ્ધાંત રાખીને અણીશુદ્ધ નિયમધર્મ યુક્ત જીવન જીવીને વિશ્વવિખ્યાત રીડર્સ ડાયજેસ્ટના સર્વેમાં ‘દુનિયાની ૨૦ સૌથી અસરકારક વ્યક્તિઓ‘માં સ્થાન પામ્યા છે.

ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થાય એવી કોઈ દવા મને ન આપવી-પ્રમુખસ્વામી

પ્રમુખસ્વામી મહારાજ નિયમધર્મની લક્ષ્મણરેખાને ઓળંગીને એક પગલું પણ ભરવા તૈયાર નહોતા, પછી એમને ભલે ચાહે એટલું કષ્ટ ભોગવવું પડે. દા.ત. સંતોએ લાકડાના એક પાત્ર (પત્તર)માં ભોજન કરવાનું હોય છે. તો જ્યારે પ્લેનની મુસાફરીમાં સામાન આવવામાં વાર લાગી હોય તો એમણે કેટલીયે વાર પોતાનું પત્તર ન આવ્યું હોય ત્યારે ભોજન ઠેલી દીધું છે. અરે, મર્યાદા સાચવવા માટે થઈને તો એમણે અનિવાર્ય શસ્ત્રક્રિયાઓને પણ લાંબા સમય સુધી મુલતવી રાખીને પીડા સહન કર્યે રાખી છે.

તા.૫-૨-૮૩ના દિવસે એમને હાર્ટએટેક આવેલો. તે પછી દવા લેતાં પહેલાં એમણે કહ્યું હતું ‘આ દવા ચોખ્ખી છે ને? ગમે તે થાય, દેહ પડી જાય તોય સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થાય એવી કોઈ દવા મને ન આપવી.‘ પ્રાણઘાતક સંજોગોમાં પણ એમને પ્રાણથીયે પ્યારા રહેતા એમના ધર્મનિયમ.

નિયમમાં બાંધછોડ કોઈ પણ ભોગે નહીં જ

એક વખત અતિ વિચક્ષણ પીઢ રાજનેતા શ્રી એચ.એમ.પટેલે એમની સમક્ષ પ્રસ્તાવ મૂકેલો કે ‘તમે જો આ નિયમધર્મની મર્યાદાને(Demeanor) ઢીલી મૂકો તો તમે વધુ સારી રીતે પ્રચાર કરી શકશો અને સંપ્રદાયની ખૂબ વૃદ્ધિ થશે. નહીં તો એક દિવસ એવો આવશે કે તમારે એક ખૂણામાં ભરાઈ રહેવાનો વારો આવશે.‘ ત્યારે સ્વામીશ્રીએ નમ્રતાપૂર્વક પરંતુ દ્રઢતાપૂર્વક એમને જણાવેલું કે ‘જો નિયમધર્મ પાળવાને લીધે વિકાસ નહિ થાય તો અમે એક ખૂણામાં બેસીને એકલાં ભજન કરીશું, એનો અમને વાંધો નથી, પરંતુ અમે નિયમમાં બાંધછોડ કરીશું નહીં.‘ અને ઇતિહાસ સાક્ષી છે કે સંસ્થાનો વિકાસ અટક્યો તો નથી, પરંતુ કૂદકે ને ભૂસકે વધતો રહ્યો છે.

ઘણાં પ્રચારક મહાત્માઓ પરદેશ પ્રવાસ વખતે ત્યાંના વાતાવરણને અનુરૂપ થવા માટે પોતાની વેશભૂષા, ખાનપાન અને જીવનશૈલીમાં ફેરફારો કરતાં હોય છે. પ્રમુખસ્વામી મહારાજે ૪૫ દેશોનો પ્રવાસ ખેડ્યો હતો, પરંતુ ક્યારેય કોઈ દેશની શૈલીના રંગે એમણે પોતાની રીતભાતમાં અણુ જેટલોયે ફેરફાર કર્યો નહોતો.

એમનો પાસપોર્ટ ઘણી નવી આવૃત્તિઓ ઉમેરાવાથી દળદાર ગ્રંથ જેવો બની ગયો હતો. નવી દિલ્હી સ્થિત અમેરિકાના કોન્સ્યૂલ ઓફિસર ડેમીયન સ્મિથે એ પાસપોર્ટ અને એમાં લાગેલ અનેક દેશોના વિઝા સ્ટેમ્પ જોયા હતા. પરંતુ એ પાસપોર્ટના ધારક પ્રમુખસ્વામીને જ્યારે એમણે રૂબરૂ જોયા ત્યારે તેઓ સાશ્ચર્ય બોલી ઉઠ્યા કે “સ્વામીજીએ ઘણા બધા દેશોનો પ્રવાસ ખેડ્યો છે, પણ એમને ક્યાંયની હવા લાગી નથી, એટલે કે એમણે ક્યાંય પોતાના નિયમધર્મ છોડ્યા નથી. તેઓ એવા ને એવા જ રહ્યા છે.”

BAPSના વડા તો ય પાસે પચાસ રૂપિયા ય નહીં

એક વખત ગુજરાત મેલમાં પ્રમુખસ્વામી આણંદથી મુંબઈ જતા હતા ત્યારે અધવચ્ચે જ ખ્યાલ આવ્યો કે ટીકીટ બુકિંગ કરનાર હરિભક્ત રિઝર્વેશનના પચાસ રૂપિયા ભરવાના ચૂકી ગયા હતા. ચાલુ મુસાફરીએ ટીકીટચેકરે આ રકમ માગી ત્યારે સ્વામીશ્રીએ વિનંતી કરી કે મુંબઈ ઉતરીએ ત્યારે જે લેવા આવ્યા હશે એમની પાસેથી પૈસા માગીને ચૂકવી દઈશું. કારણ એ હતું કે સાધુના સ્ત્રીધનના ત્યાગના નિયમનું દ્રઢપણે પાલન કરનારા એમણે જીંદગીમાં કાણી પાઇ પણ પોતાની પાસે રાખી નહોતી. ત્યારે ગુજરાત મેલના સહપ્રવાસીઓને આ બાબત કેવી આશ્ચર્યકારી લાગી હશે કે કરોડોની મિલકતો ધરાવતી વિશ્વવ્યાપી સંસ્થાના સર્વેસર્વા પ્રમુખસ્વામી શું આ પોતે જ છે, કે જેની પાસે ૫૦ રૂપિયા પણ નથી!

‘दग्धं दग्धं पुनरपि पुन: काँचनं काँतवर्णं‘- સુવર્ણ જેમ વધુ ને વધુ અગ્નિજ્વાળાઓમાં જલે એમ વધુ ને વધુ કંચનવર્ણું બને છે એ જ રીતે પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતો નિયમપાલનની (Demeanor) આકરી અગ્નિપરીક્ષાઓને વારંવાર સફળતાપૂર્વક પાર કરીને વધુ ને વધુ કાંતિમય અને અસરકારક બનતાં હોય છે.

આ પણ વાંચો- Cursed intelligence-ધર્મના માર્ગમાં અવરોધ 

Next Article