દિલ્હીમાં કોરોના વાયરસની ખતરનાક સ્પીડ, નોંધાયા 1500થી વધારે કેસ
કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે ફરી
વધારો થઈ રહ્યો છે. જેના પગલે લોકો અને સરકારની ચિંતા વધી રહી છે. મહારાષ્ટ્ર હોય
કે દિલ્હી હોય કે પછી દેશના અન્ય રાજ્યો તમામ જગ્યાએ કોરોના કેસમાં ફરી વધારો થઈ
રહ્યો છે. દિલ્હીમાં કોરોના વાયરસની ઝડપે હવે
ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1520 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક દર્દીનું મોત પણ થયું છે. 1500થી વધુ નવા કેસ સાથે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 5,716 પર પહોંચી ગઈ છે.
શહેરમાં કોરોના વાઈરસનો પોઝીટીવીટી દર દિલ્હી માટે ખતરાની ઘંટડી
સમાન છે. દિલ્હીમાં એક્ટિવ કેસનો દર હવે 5.10 ટકા પર પહોંચી ગયો છે. જો કે શુક્રવારની સરખામણીમાં એક્ટિવ કેસના
દરમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી સરકાર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર
છેલ્લા 24 કલાકમાં શહેરમાં 29775 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં 4044 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અને 152 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શુક્રવારે દિલ્હીમાં કોરોનાના 1,607 નવા કેસ નોંધાયા હતા અને બે દર્દીઓના મોત થયા હતા. જ્યારે ચેપ દર 5.28 ટકા નોંધાયો હતો. ગુરુવારે રાષ્ટ્રીય
રાજધાનીમાં 4.62 ટકાના સંક્રમણ દર સાથે કોરોના વાયરસના
ચેપના 1,490 કેસ નોંધાયા હતા. જે દરમિયાન વધુ બે દર્દીઓના મોત થયા હતા.