Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડેન્જરસ ડેટિંગ એપ્સઃ આંધળૂકિયા ભરોસા ભયજનક જ હોવાના

હેયયય.... હાઉ ઈઝ યુ...? વોટ્સ અપ ડૂડ... લેટ્સ હૂક અપ યાર... આજની પેઢીના આ પ્રકારના ડાયલોગ્સ એક કેેફેમાં ચાલી રહ્યા હતા. બરાબર મારી સામેના બે ટેબલની આ વાત છે. એક ટેબલ પર બે યુવતીઓ બેઠી હતી. બીજા ટેબલ પર ત્રણેક યુવકો હતા. બિન્ધાસ્ત અને મોર્ડન દેખાઈ રહેલી એ યુવતીમાંથી એકે એ યુવકોના ટેબલ પર બેઠેલા એક યુવક સાથે સીધું ફલર્ટ કરવાનું શરુ કરી દીધું. થોડી જ વારમાં ઉપર લખ્યા એ ડાયલોગ બોલાયા. બસ બેથી પાં
ડેન્જરસ ડેટિંગ એપ્સઃ આંધળૂકિયા ભરોસા ભયજનક જ હોવાના
Advertisement
હેયયય.... હાઉ ઈઝ યુ...? 
વોટ્સ અપ ડૂડ... 
લેટ્સ હૂક અપ યાર... 
આજની પેઢીના આ પ્રકારના ડાયલોગ્સ એક કેેફેમાં ચાલી રહ્યા હતા. બરાબર મારી સામેના બે ટેબલની આ વાત છે. એક ટેબલ પર બે યુવતીઓ બેઠી હતી. બીજા ટેબલ પર ત્રણેક યુવકો હતા. બિન્ધાસ્ત અને મોર્ડન દેખાઈ રહેલી એ યુવતીમાંથી એકે એ યુવકોના ટેબલ પર બેઠેલા એક યુવક સાથે સીધું ફલર્ટ કરવાનું શરુ કરી દીધું. થોડી જ વારમાં ઉપર લખ્યા એ ડાયલોગ બોલાયા. બસ બેથી પાંચ મિનિટમાં એ યુવક અને યુવતી બ્લાઈન્ડ ડેટ પર નીકળી પડ્યા.  
અમારી સાથે એક પ્રૌઢ વયનું યુગલ બેઠું હતું. એમની આંખો પહોળી થઈ ગઈ અને બોલી ઉઠ્યા, સાવ આવું....! 
આજની પેઢીમાં આ વાત બહુ સામાન્ય લાગે છે. બ્લાઈન્ડ ડેટ, ડેટિંગ એપ પરથી પાર્ટનર શોધીને એની સાથે ફલર્ટ કરવું કે એની સાથે ડેટ પર જવું. ભાતભાતની એપ્લિકેશન પરથી પોતાનો ખાલીપો દૂર કરવા માટે કંઈક નવું કરવાનું સાહસ ખેડવું. કોઈવાર આવી ઘેલછા તમને ભારે પડી શકે એમ છે.  
દિલ્હીનો જ બનાવ લઈ લો. એક યુવતીને ડેટિંગ એપ ઉપર એક મોહક ગુપ્તા નામના યુવક સાથે મુલાકાત થઈ. ત્રણ દિવસમાં વાતો થઈ. ત્રીજે દિવસે બંને મળ્યા. મોહક ગુપ્તાએ  એ છોકરીને એક ડ્રીંક પીવડાવ્યું. એ યુવતીએ બીજે દિવસે પોલીસ ફરિયાદ કરી કે, એની સાથે રેપ થયો છે. એ યુવક હવે લાપતા છે. એ યુવતીને છેતરાવાની લાગણી થતી હશે કે કેમ એ સવાલ છે. સાથોસાથ આ પ્રકારે આંધળૂકિયા કરવા કેટલા જોખમી છે એ વિચાર પણ આવી જાય.  
કઈ કઈ ડેટિંગ એપ્સ અવેલેબલ છે એના નામ નથી લેવા. પણ આ પ્રકારે એપ્લિકેશન  ઉપર કેવી રીતે વર્તવું એની કોઈ ગાઇડલાઈન નથી. સોશિયલ મીડિયા એક્સપર્ટ્સ ચોખ્ખું કહે છે કે, પોતાનું ઇમેલ એડ્રેસ, ફોન નંબર કે પોતાના ફોટા અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવા. પહેલી જ મુલાકાતમાં ઈન્ટીમેટ વાતો ઉપર ન ઉતરી જવું. ઉત્તેજિત કરી દે એવી વાતો ન કરવી. વિડીયો કોલ કે વિડીયો ચેટ પણ ટાળવી. મુલાકાતનું નક્કી થાય તો પણ એવી જગ્યા પસંદ કરવી કે, જ્યાં લોકોની અવર જવર હોય. જાહેર જગ્યાએ મળવાનું નક્કી કરવું. મળતી વખતે પણ પોતાનું ડ્રીંક ઓબ્ઝર્વ કરતા રહેવું. એ ડ્રીંક સાથે કોઈ છેડછાડ ન કરી જાય એ ખાસ ધ્યાન રાખવું. સારી વાતો કરતી વ્યક્તિ ભરોસાપાત્ર હોય છે એ વાત બિલકુલ ન માનવી. ખાસ તો યુવતીઓ માટે વધુ ગાઇડલાઈન આપવામાં આવે છે.  
મોટી ઉંમર સુધી અપરિણીત રહેલી એક યુવતી આ પ્રકારની બે-ત્રણ ડેટિંગ એપ્સ ઉપર છે. એ કહે છે, જસ્ટ ફોર ફન આ બધું કરું છું. રાત પડે ઘરે એકલી હોઉં તો આ પ્રકારે વાતો કરીને સમય પસાર કરું છું. થોડીવારની ફેન્ટસી મારામાં તાજગી ભરી દે છે.  
પરિણીત અને ત્રણ સંતાનોનો પિતા એવો વ્યક્તિ કહે છે, બિઝનેસના ટેન્શનમાં અને ત્રણ બાળકોની વચ્ચે મને ફન માટે કંઈ મળતું જ નથી. પત્નીને સંતાનો સિવાય કંઈ દેખાતું નથી તો પછી હું શું કરું? હા, હું ડેટિંગ એપ ઉપર જઈને સ્ત્રીઓને મળું છું. એમની સાથે સમય પસાર કરું છું. કોઈવાર ઓફિસની મિટીંગનું બહાનું બતાવીને અજાણી સ્ત્રીઓ સાથે ફરવા પણ જાઉં છું.  
તમારું બિન્ધાસ્તપણું તમને કેટલું ભારે પડી શકે એમ છે એ ભાગ્યે જ કોઈ વિચારે છે. કેર ફ્રી રહેવું અને કેરલેસ રહેવું બંનેમાં બહુ ફરક છે. કોઈની સાથે બ્લાઈન્ડ રમવામાં ઘણીવાર તમે બાજી હારી જાવ એવું પણ બને.  
ભારતની કુલ વસતિના તેર ટકા પુરુષો અને આઠ ટકા સ્ત્રીઓ ડેટિંગ એપ ઉપર છે. આગામી બે વર્ષમાં આ આંકડો બમણો થઈ જવાની શક્યતા છે. ભારતમાં સૌથી વધુ દિલ્હીના લોકો ડેટિંગ એપ્સ ઉપર છે. એ આંકડો એકાવન ટકાનો છે. ચેન્નાઈમાં ઓગણચાલીસ ટકા, કોલકાતામાં છત્રીસ ટકા, મુંબઈમાં પાંત્રીસ ટકા અને અમદાવાદમાં પાંત્રીસ ટકા એડલ્ટ લોકો ડેટિંગ એપ્સ ઉપર છે.  આખી દુનિયામાં 2015ની સાલમાં ડેટિંગ એપ્સ ડાઉનલોડ કરનારાની સંખ્યા  સતર કરોડ હતી જે આજે  છવ્વીસ કરોડને પાર છે.  
ડેટિંગ એપ્સ ઉપર ફાયદા કરતા ગેરફાયદા વધુ છે એવું લખીએ તો વધુ પડતું નથી. થોડા સમયની કિક મેળવવા કે મજા માટે તમે તમારું કેટલું નુકસાન કરી બેસો છો એનો અંદાજ નુકસાન થયા પછી જ આવે છે. આજની યુવા પેઢી માટે દારુ, સિગરેટ, ડ્ર્ગ્સ, હેંગ આઉટ, હૂક અપ્સ કોઈ નવી વાત નથી. આ બધું રુટીન થઈ જાય ત્યારે થોડી કિક મેળવવા માટે કે થોડો રોમાંચ અનુભવવા માટે ટૂંકું વિચારતા લોકો માટે આ એક પેઈનફૂલ અનુભવ પણ બની શકે આવું સમજમાં આવે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. જે છે એનાથી સંતોષ ન હોય ત્યારે અંધારામાં ફાંફાં મારવામાં ક્યારેક આપણે આપણું જ ભવિષ્ય બગાડી બેસીએ છીએ. કિક આપે એ બધું જ સારું હોય એ વાત ક્યારેય સાચી નથી હોતી.
Tags :
Advertisement

.

×