Cursed intelligence-ધર્મના માર્ગમાં અવરોધ
Cursed intelligence - આપણી બુધ્ધિ જવાબદાર છે-તર્ક વિતર્ક કરી કલ્યાણ માર્ગમાં અવરોધ ઊભો કરાવે છે. 1 1=2 જેવા સત્યને પણ આપણે તર્કવિતર્કથી અભડાવવાના જ.
આપણે સૌ કોઈક ને કોઈક ધર્મમાં આસ્થા ધરાવતા હોઈએ છીએ; દેવદર્શન, કથાશ્રવણ કરતા હોઈએ છીએ. ઉત્સવ-સમૈયાઓમાં ઊલટભેર ભાગ લેતા હોઈએ છીએ. તે ઉપરાંત કોઈક ને કોઈક મંડળનું સભ્યપદ ધરાવતા હોઈએ છીએ અથવા ‘લાયન્સ’ કે ‘રોટરી’ જેવી કલબના મૅમ્બર પણ હોઈએ છીએ; તેની પ્રવૃત્તિઓમાં રસપૂર્વક જોડાતા હોઈએ છીએ; પરંતુ થોડો વખત એમાં રહ્યા બાદ, અન્ય સાથેની વાતચીત કે ચર્ચામાં તે મંડળ કે કલબના વહીવટીતંત્રની, તેની પ્રવૃત્તિઓની આલોચના પણ કરતા રહીએ છીએ. વાતચીતની શૈલી જ એવી ગોઠવીએ છીએ કે પાંચ પ્રશસ્તિના શબ્દો સામે એક આલોચનાનો શબ્દ આવ્યા જ કરે. આને કહેવાય-Cursed intelligence.
વિસ્મય ઉપજાવે એવું તો એ છે કે આમ કરતા રહેતા હોવા છતાં, એ કલબ કે મંડળને છોડી જતા નથી! સતત તેને વળગી રહીએ છીએ અને તેના નેતૃત્વમાં શંકા કે અવિશ્વાસ કરતા નથી. ટીકાત્મક સંભાષણોમાં પણ એમ તો કહેતા જ રહીએ છીએ કે ‘પરંતુ એના નેતા સમર્થ છે, એ વિષે લગીરે શંકા નહિ.’ સ્માર્ટનેસ (ચાલાકી) દર્શાવવાનો આવો એક નવતર અભિગમ શરૂ થયો છે. સત્સંગ સમાજમાં પણ કાંઈક આવું જ બનતું જોવા મળે છે.
‘મહારાજ સર્વોપરી, પ્રગટ સંત તો અતિ સમર્થ’ એમ દૃઢ પણે માનતા હોવા છતાં, આપણાં વર્તન કે વાણીમાં, ક્યારેક ક્યારેક અભાવ, અવગુણ અને વાંકદેખાપણું ડોકિયાં કરતાં રહે છે.
શાપિત બુધ્ધિ-Cursed intelligence
આપણી આ મનોવૃત્તિનું ભગવાન સ્વામિનારાયણે કારિયાણી વચનામૃત : ૨માં સુંદર વિશ્લેષણ કર્યું છે. તેઓ કહે છે કે ‘જેને આવો અવગુણ આવ્યા કરે છે, એની બુદ્ધિ શાપિત છે, એને તો કોઈકનો ફટકાર લાગ્યો છે - મોટા સંતને દુખવ્યા હોય અથવા કોઈ ગરીબને દુખવ્યા હોય અથવા માબાપની ચાકરી ન કરી હોય તે માટે એમણે શાપ દીધો હોય, તેણે કરીને એની બુદ્ધિ એવી છે.’
જેની બુદ્ધિ શાપિત થઈ છે એમ તો મહારાજે કહ્યું; એટલું જ નહિ આમ થવાનાં ત્રણ કારણો દર્શાવ્યાં.
(૧) સંતને દુખવવા
(૨) ગરીબને દુખવવો
(૩) મા-બાપની ચાકરી ન કરવી.
ગાફલાઈ ન જ ચાલે
રોજ-બ-રોજના વ્યવહારમાં જાણ્યે-અજાણ્યે, આમાંથી કોઈનેય આપણે દુખવીએ નહિ એ બાબતે મહારાજ આપણને સાવધાન કરે છે. વ્યવહારમાં સાવ હળવી લાગતી આવી ચેષ્ટાઓમાં, ગાફલાઈ ન થઈ જાય અને જો એમ થાય તો તેનાં પરિણામો કેટલાં ગંભીર છે એ પરત્વે, મહારાજ આપણું ધ્યાન દોરે છે.
બ્રહ્મનિષ્ઠ એવા સંત અને શ્રીહરિમાં રોમનોય ફેર નથી. પ્રેમાનંદે ગાયું કે…
‘એવા સંત હરિને પ્યારા રે,
તેવા ઘડીયે ન રહે વા’લો ન્યારા રે.’
જેમ એનું અર્ચન, પૂજન એટલે ભગવાનનું પૂજન; જેમ એની સ્તુતિ એટલે ભગવાનની સ્તુતિ; તેમ એની નિંદા, એનો અભાવ એટલે સાક્ષાત્ શ્રીહરિની નિંદા, સાક્ષાત્ શ્રીહરિનો અભાવ. સુષુપ્તિમાંય એમનામાં દોષ પરખાય નહિ, વાંક દેખાય નહિ એની સતત સાવધાની રાખવી જોઈએ; નહિ તો મોટો દ્રોહ થઈ જાય અને બુદ્ધિ શાપિત થઈ જાય, જેનું ભાગ્યે જ કોઈ પ્રાયશ્ચિત્ત હોય.
તેથી મુક્તાનંદ સ્વામીએ ગાયું,
‘ભૂકો ભાર હરું સંતન હિત, કરું છાયા કર દોઈ,
જો મેરે સંતકું રતિ એક દુવે, તેહી જડ ડારું મૈં ખોઈ
નારદ ! મેરે સંતસે અધિક ન કોઈ.’
કોઇની આંતરડી કકળાવવી એ ય હિંસા
કોઈ ગરીબને દુખવવો, એની આંતરડી કકળાવવી, એને હડધૂત કરવો, એની પાસે શ્રમ કરાવી મહેનતાણું ન આપવું - આ બધું કહેવાતા ભદ્ર સમાજના વ્યવહારના એક ભાગ સમું બની ગયું છે. મહારાજ આવા વલણ પ્રત્યે, પોતાની તીવ્ર નારાજગી વ્યક્ત કરે છે. એને દુ:ખવવાથી સાક્ષાત્ નારાયણ દુખાશે. એનો એક ચિત્કાર કે ‘આહ’, દુખવનારની ‘વાહ’ને ભરખી જશે ! કદાચ એને મદદ ન પહોંચે તો કાંઈ નહિ, એનું દમન, શોષણ, જાણ્યે-અજાણ્યે પણ ન થાય, તેની તકેદારી રાખવાની વાત ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતમાં કરે છે. તુલસીદાસે સાચે જ કહ્યું છે :
‘તુલસી ગરીબ ન સંતાપીએ, બુરી ગરીબકી હાય,
મૂએ ઢોરકે ચામસે, લોહા ભસ્મ હો જાય.’
માબાપને દુખવવાં-મોટું પાપ
બુદ્ધિને અભિશાપિત કરતી ત્રીજી મહત્ત્વની વાત એ છે : માબાપને દુખવવાં. Nuclear familyના આ યુગમાં માબાપોની દુર્દશાનાં દારુણ ચિત્રો રોજ-બ-રોજ જોવા મળે છે.
વૃદ્ધાશ્રમો વધતા ચાલ્યા છે. પોતાના જનક-જનની સાથે દુર્વ્યવહાર, અબોલા અને દૂર હડસેલી મૂકવાના કિસ્સાઓ રોજ-બ-રોજ નોંધાતા જાય છે. વ્યક્તિને એ પણ ખબર નથી રહેતી કે પોતાના નાનકડા પુત્રનો તે પિતા છે - બે દાયકા બાદ એ પણ વૃદ્ધ થશે; જો તેણે તેનાં માબાપ પ્રત્યે કુવ્યવહાર કર્યો હશે, તો આ નાનકડો પુત્ર એમની જ એ જ વલે કરશે.
માબાપોને નથી જોઈતા પૈસા કે સુખ-સાહ્યબી. તેઓ ઝંખે છે સંતાનોનો પ્રેમ, તેમની હાજરી અને આછી-પાતળી ચાકરી.
પ્રત્યેક ધર્મના શાસ્ત્રોએ માતાપિતાને ઈશ્વરતુલ્ય માન્યાં છે.
‘વિષ્ણુસ્મૃતિ ૩૧:૧-૨’માં ત્રણ મોટા ગુરુની વાત આ પ્રમાણે કરી છે;
त्रयः पुरुषा अतिगुरवो भवन्ति -
माता पिता आचार्यश्र्च ॥
માતા, પિતા અને શિક્ષક એ ત્રણ મોટા ગુરુ છે.
યહૂદીઓના ધર્મપુસ્તક ‘તાલ્મુદ’ માં એક વાક્ય આવે છે : ‘ઈશ્વર દરેક સ્થળે જઈ શકે નહિ તેથી તેણે માતાઓનું સર્જન કર્યું છે.’
ખ્રિસ્તી ધર્મના ૧૦ Commandments માંનો એક છે, ‘Honour your father and your mother in order that your days may prove long upon the ground that Jehovah your God is giving you.’
મૂલ્યહીનતાની સ્થિતિ
અમેરિકામાં એલેક્સ હેલેનું ‘Roots’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. તેમાં જણાવ્યું છે કે આ યંત્રયુગમાં બધું જ Push-button પર ચાલે છે, પરંતુ એ યાંત્રિક પ્રક્રિયામાં, આપણે ખૂબ જ મૂલ્યવાન ચીજથી દૂર ને દૂર હડસેલાતા જઈએ છીએ. હેલે આ સ્થિતિને Rootlessness ‘મૂલ્યહીનતાની સ્થિતિ’ તરીકે વર્ણવે છે. આપણે જે દ્વારા, અહીં સુધી પહોંચ્યા, તે માબાપરૂપી મૂળિયાંથી દૂર સુદૂર થતા જઈએ છીએ.
આ અભિશાપથી ઊગરવાનો ઉપાય પણ મહારાજ આ જ વચનામૃતમાં સૂચવે છે. પોતે મસ્તક પર બાંધેલ વસ્ત્રનું સરળ દૃષ્ટાંત આપી, સમજાવે છે કે ‘આ વસ્ત્રને ધોવું હોય અને એક તો મોદ્ય જેવું જાડું વસ્ત્ર તેને ધોવું હોય, ત્યારે તે સરખે દાખડે ધોવાય નહિ. જાડા વસ્ત્રને ધોવું હોય ત્યારે તેને બે-ચાર દિવસ સુધી પાણીમાં પલાળી મૂકે ને પછી અગ્નિએ કરીને બાફે ને પછી સાબુ દઈને ધૂએ ત્યારે ઊજળું થાય. તેમ જેની બુદ્ધિ શાપિત હોય તે સર્વે પાળે છે, એટલું જ પાળે તો એ દોષ ટળે નહિ.’
મહારાજ કહે છે ‘નિષ્કામ, નિર્લોભ, નિઃસ્વાદ, નિઃસ્નેહ અને નિર્માની આ પાંચેય વર્તમાન કોઈ સરેરાશ ભક્ત પાળે એથી વિશેષ જો એ પાળી બતાવે તો આ અભિશાપ ટળે.’
ગુણ-અવગુણની ચડ-ઊતર સ્થિતિમાંથી અખંડ ગુણગ્રાહી સ્થિતિ પ્રાપ્ત કરવાની અને આ અભિશાપમાંથી ઊગરી જવાની ગુરુચાવી, મહારાજે વચનામૃતમાં ઠેર ઠેર બતાવી છે.
જરૂર છે માત્ર-ગુણગ્રાહક દ્રષ્ટિની.
આ પણ વાંચો- Hindu Rituals – ઘરમંદિર કેવું રાખવું?