Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એ નિર્દોષ આંખો સગા બાપને જેલ હવાલે કરવા માગતી હતી

સા’બ... ઓ સા’બ...  ટ્રાફિકથી ધમધમતા વડોદરાના તરસાલી રોડ ઉપર આઠ વર્ષનો દેખાતો લઘર વઘર છોકરો ફરજ પરના અધિકારીનો ખાખી શર્ટ ખેંચીને બોલાવી રહ્યો હતો. સંવેદનશીલ વિસ્તારમાં કોઈ શરતચૂક રહી જાય તો નવીસવી પહેલી નોકરી ઉપર ડાઘ લાગી જાય. આંખોમાં અનેક સપનાંઓ આંજેલા આ ઓફિસરે કોઈ ચાન્સ નહોતો લેવો. એટલે એ નિર્દોષ આંખોવાળા છોકરાં ઉપર ધ્યાન ન આપ્યું.  પણ, પેલોય કંઈ એમ મૂકે એમ ન હતો. ફરીથી એણે એ એકવડાં à
એ નિર્દોષ આંખો સગા બાપને જેલ હવાલે કરવા માગતી હતી
સા’બ... ઓ સા’બ...  
ટ્રાફિકથી ધમધમતા વડોદરાના તરસાલી રોડ ઉપર આઠ વર્ષનો દેખાતો લઘર વઘર છોકરો ફરજ પરના અધિકારીનો ખાખી શર્ટ ખેંચીને બોલાવી રહ્યો હતો. સંવેદનશીલ વિસ્તારમાં કોઈ શરતચૂક રહી જાય તો નવીસવી પહેલી નોકરી ઉપર ડાઘ લાગી જાય. આંખોમાં અનેક સપનાંઓ આંજેલા આ ઓફિસરે કોઈ ચાન્સ નહોતો લેવો. એટલે એ નિર્દોષ આંખોવાળા છોકરાં ઉપર ધ્યાન ન આપ્યું.  
પણ, પેલોય કંઈ એમ મૂકે એમ ન હતો. ફરીથી એણે એ એકવડાં બાંધાના પાંચ ફૂટ સાત ઈંચ ઉંચાઈ ધરાવતા ઓફિસરનો શર્ટ ખેંચ્યો. સહેજ કેપને સરખી કરી એ સાહેબ હાથમાં પોતાની લાકડીને થમાવીને એ છોકરા પાસે ઉભડક ગોઠણભેર બેઠાં.  
ફાટેલી ચડ્ડી અને થીંગડાંવાળા શર્ટ પહેરેલા એ બાળકની સામે જોયું. કોરીધાકોર આંખોમાં કોઈ આશા હતી અને એણે ઉભડક બેઠેલા સાહેબની સામે જોઈને કહ્યું, સા’બ મેરે બાપ કો પકડ લો..... 
સાહેબ કોઈ ગાડી ઠેકાડીને જઈ રહ્યું છે. હવાલદારની બૂમ સાંભળીને સાહેબે એ ગાડીવાળાને રોકવા દોટ મૂકી. કામની વ્યસ્તતામાં પણ એ તીણા અવાજનો રણકો એમના કાનમાં પડઘાયા કરતો હતો.  
બીજા દિવસની સાંજનો સમય. કેટલાય દિવસથી જાણે નાહ્યો ન હોય એવો ગંધાતો છોકરો ફરી એ પોલીસ ઓફિસરની પાસે આવ્યો. બસ એ જ વાત.... મેરે બાપ કો પકડ લો....  
વાત 2011ની સાલની છે. એ યુવાન પોલીસ ઓફિસરની પહેલું જ પોસ્ટિંગ વડોદરામાં તરસાલી પોલીસ ચોકીમાં થયું હતું. પોલીસ ટ્રેનિંગ લઈને એ યુવાન ઓફિસર કંઈક કરી બતાવવાના ઝનૂન સાથે પોલીસમાં જોડાયો હતો. પોલીસ સ્ટેશનનો રુટીન દિવસ હતો. પણ  સાંજ કંઈક જુદી હતી. એ તીણો અવાજ એક કૃશકાયા ધરાવતી વૃદ્ધાનો હાથ પકડીને એની સામે ઊભો હતો. આ સિલસિલો લગભગ દસેક દિવસ ચાલ્યો. આખે એ વૃદ્ધાને આ પોલીસ ઓફિસરે પૂછ્યું કે, શું વાત છે કે આ છોકરો રોજ એના પિતાને પકડી લેવા કહે છે? રોજ કેમ મારી પાસે જ આવે છે?  
એક સૂકા રણકા સાથે એ વૃદ્ધાએ ગળું ભીનું કરવા થૂંક ગળે ઉતાર્યું અને કહ્યું, સાહિબ, ઈસકે બાપને મેરી બેટી કો માર ડાલા હૈ.... કોઈ હાવભાવ વગરની કોરી આંખો સામે એ પોલીસ ઓફિસર જોઈ રહ્યો હતો. એ વૃદ્ધાને સામે બેસવા કહ્યું. પણ મેલુંઘેલું પંજાબી પહેરેલી એ વૃદ્ધા ઓફિસરની ખુરશી પાસે જમીન ઉપર પલાંઠી મારીને સહેજ સંકોચ સાથે બેઠી. એણે કહ્યું, સાહિબ આપ નયે નયે આયે લગતે હો ઈસિલિયે આપકો પતા નહી હોગા. મેરે દામાદ કા નામ હૈ નાનકસીંગ. વો સબ્જી કા ઠેલા ચલાતા થા. મિયાં-બીબી કી કુછ અનબન હો ગઈ ઔર ઉસને મેરી બેટી કો માર ડાલા. ભાગ ગયા.... એ ગાળ બોલવા જતી હતી પણ સામે ખાખી વર્દી સાથેનો ઓફિસર છે અને પોતે બેઠી છે એ પોલીસ સ્ટેશન છે એ વાત યાદ આવતાં જ એ ચૂપ થઈ ગઈ.  
સાહિબ, મેરી બેટી કે કાતિલ કો આપ છોડના નહીં.  
પોતાની વાત પૂરી કરીને જેવી એ વૃદ્ધા પોલીસ સ્ટેશનના પગથિયાં ઉતરીને ગઈ કે એ પોલીસ ઓફિસર એ નાની-દોહિત્રને જોતાં જ રહી ગયા. એની આંખોમાં સહેજ લાલાશ તરી આવી અને પોલીસમાં રેકોર્ડ જાળવતાં હવાલદારને બોલાવ્યો. પોતાની પાસે આવેલાં નાની-દોહિત્રના કેસ અંગે વિગતો માંગી.  
વાત એમ હતી કે, 2006ની સાલમાં વડોદરાના ઈન્દિરા નગર વસાહતની ઝૂપડપટ્ટીમાં રહેતી ચોવીસ વર્ષની કીર્તનકૌરની હત્યા એના પતિ નાનકસિંગ સીકલીગરે કરી હતી. ત્રીસ વર્ષનો નાનકસિંગ નવલસિંગ એ દિવસથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો.     
પછીના દિવસે પણ પેલો છોકરો પોલીસ ચોકીમાં એ પીએસઆઈને મળવા આવ્યો. એ પોલીસ અધિકારીએ એ છોકરાના ધૂળવાળા ગંદા માથા ઉપર સ્નેહથી હાથ ફેરવ્યો અને કહ્યું, હા બેટે, મેં આપકે પાપા કો પકડ લૂંગા.  
એ દિવસની ઘડીએ પેલા પોલીસ અધિકારીએ નક્કી કરી નાખ્યું કે, નાનકસિંગને એક દિવસ પકડીને જ રહીશ. નાનકસિંગની શોધ અને કેસના ડીટેક્શનની શરુઆત એ દિવસથી થઈ ચૂકી હતી. આ પીએસઆઈ પોતાની પોલીસ ચોકીથી બહાર જાય તો પણ બાતમીદારો અને સહકર્મચારીને ટકોર કરીને જાય પેલા નાનકસિંગ માટે જરા વિજિલન્ટ રહેજો. ચારેક વર્ષની શોધખોળ બાદ પણ વોન્ટેડ નાનકસિંગની ભાળ ન મળી એટલે એ અધિકારીને થયું કે, આ માણસ ક્રાઈમ કરીને બીજા કોઈ રાજ્યમાં ભાગી ગયો છે. એટલે એમણે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં પોતાના બાતમીદારોને કામે લગાડયા. ફોટોગ્રાફની સાશે એના દેખાવની ઝીણામાંઝીણી વિગતો એ ઓફિસરે બધાને આપી દીધી હતી.  
ટોયલેટની દિવાલ ઉપર વોન્ટેડ આરોપીઓના લિસ્ટમાં નાનકસિંગનું નામ ટોપ ઉપર હતું. ઘરના બેડરુમની છત ઉપર પણ એક વોન્ટેડ આરોપીઓનું લિસ્ટ આ ઓફિસરે લગાવી દીધું હતું. ખુલ્લી આંખે પણ એ અધિકારીને નાનકસિંગ દેખાય. એનું કારણ હતી એ બે નિર્દોષ આંખો. જે વારંવાર એની સામે આંખો પલકાવ્યા વગર સતત જોતી હોય એવું એ અધિકારીને ફીલ થતું. આ આંખો પોતાની નજર સામે ચોંટેલી હોય એવું લાગે એટલે એ અધિકારી વોશ રુમમાં જઈને પાણીની છાલક મારીને પોતાના ચહેરાને ધોઈ લે. પણ એ આંખોમાં ઉઠેલા સવાલો એનો પીછો નહોતી છોડતી.  
પોલીસ ખાતામાં હવે એ અધિકારીનો અનુભવ વધવા લાગ્યો હતો. 2019ની સાલમાં એ એન્ટી ટેરેરિસ્ટ સ્કવોડમાં ફરજ બજાવતા હતા. અમાસની એક કાળી રાતે પોણા ત્રણ વાગ્યે એમનો મોબાઈલ ફોન રણક્યો.  
સામેના છેેડે મુંબઈનો બાતમીદાર હતો. એણે ફક્ત એટલું જ કહ્યું, સાહેબ આપકે નાનકસિંગ કા પતા ચલ ગયા હૈ.  
ફોન કટ થઈ ગયો એ પછીની આખી રાત આ પોલીસ અધિકારીની આંખોમાં ઉંઘ આવી જ નહીં. મોઢા ઉપર જરા એણે હાથ ફેરવ્યો તો પોતાની આંખોની કિનારીએ એને થોડી ભીનાશ મહેસૂસ થઈ. આંખો ઉપર હથેળી દબાવીને એમણે આંખોને કોરી કરી. ફરી એ જ નિદોષ આંખો યાદ આવી ગઈ.  
માંડ માંડ સવાર પડી અને એમણે ઓફિશીયલ કાર્યવાહી કરી. પોતાના ઉપરી અધિકારીને વાત કરી ને ત્રણ પોલીસ કર્મચારી સાથે મુંબઈની વાટ પકડી. મુંબઈના સી.બી.ડી. બેલાપુર વિસ્તારમાં આવેલી ઝૂપડપટ્ટીમાં એક પછી એક સાંઈઠ ખોલીમાં જઈને તપાસ આદરી. જેમ જેમ ખોલી ચેક કરવાનો આંકડો વધતો જતો હતો તેમ તેમ એમની અંદરનો ઋજુ હ્રદયનો વ્યક્તિ પેલા બાળકને યાદ કરતો હતો. મનમાં ને મનમાં એને એ સાંત્વના આપતો હતો કે, હમણાં જ એને પકડી લઈશ... દીકરા.  
સાંજ પડી ગઈ. અંંધારુ ઘેરી વળ્યું. એ વિસ્તારમાં ક્યાંય નાનકસિંગ મળતો ન હતો. એક પાણીપુરીના ખૂમચાવાળા પાસે જઈને એમણે નાનકસિંગનો ફોટો બતાવ્યો. સહેજ ધારી ધારીને એ ભૈયાએ ફોટાને જોયો. પછી કહ્યું, સા’બ યે થોબડે કો પહેલે યહાં નહીં દેખા. પર ઈસકે જૈસા એક થોબડા વો સામને કી ખોલી મેં રહેતા હૈ... ઉસકા નામ બાવરી હૈ. ઔર વો અપની બીવી કે સાથ રહેતા હૈ.  
એ વાત સાંભળીને પોલીસ અધિકારીના લમણાંની નસો તંગ થવા લાગી. એ ખુમચાથી પેલી ખોલી સુધીના અંતરમાં એમના મનમાંથી અનેક સવાલો પસાર થઈ ગયા. મોટી મોટી ડાફ ભરીને એ ખોલી સુધી પહોંચ્યા. પહેલા તો પગ જ ઉપડી ગયો કે, પગથી એક ધક્કો મારીને ખોલીના તૂટેલા ફૂટેલા દરવાજાને તોડી નાખું. પણ પછી ડાબા હાથના પંજા વડે ખોલીનો દરવાજો ખટખટાવ્યો.  
કૌન... એમ કહીને એક ક્લીન શેવ્ડ યુવકે દરવાજો ખોલ્યો. સરસ મજાના હેર કટ કરાવેલા ચાલીસી પાર કરી ચૂકેલો વ્યક્તિ અંધારી ખોલીના દરવાજે ડોકાયો. પોલીસ ઓફિસરની આ શાર્પ નજરે પકડી પાડ્યું કે આ તો નાનકસિંગ.   
તેર વર્ષે પકડાયો છે પણ એ કંઈ આડાઅવળું ન કરે એ માટે પેલા પોલીસ ઓફિસરે થોડી શાંત નજરે એની સામે આંખ માંડી. એ યુવકે પૂછ્યું કે, બોલો ક્યા કામ હૈ?  
પોલીસ ઓફિસરે કહ્યું, નાનકસિંગ કૈસે હો. બહોત ભાગે. ચલો અબ સસુરાલ જાને કી બારી આ ગયી હૈ.  
દરવાજાને બ્લોક કરીને ઉભેલા ત્રણ હટ્ટા કટ્ટા લોકો પોલીસ અધિકારી છે એ વાત નાનકસિંગ પામી ગયો. એણે અજાણ્યા બનીને એક કૃત્રિમ હાસ્ય સાથે કહ્યું, કૌન નાનકસિંગ. 
હવે એ ઓફિસરનો દિમાગ છટક્યો. ડાબા હાથથી એક અડબોથ એણે નાનકસિંગને મારી. બેવડ વળી ગયેલો નાનકસિંગ ખોલીના બીજા ખૂણે પડ્યો. એની પત્ની દોડીને આવી અને આવનારા લોકોને ધમકાવવા લાગી. ભોંયભેગા થયેલા નાનકસિંગને કોલરથી પકડીને આખી વસતિની સામે ઢસડીને એ અધિકારી લઈ જતા હતા.  
નાનકસિંગે એટલું જ કહ્યું, સાહબ મેરે કો માલૂમ નહીં થા કી 14 સાલ બાદ પોલીસ મુજે પકડને કે લિયે આયેગી. મેરી યે વાલી બીબી કો તો પતા ભી નહીં હૈ કી મેંને કીર્તનકૌર કો માર ડાલા હૈ.... 
દાંત ભીંસીને પેલા પોલીસ અધિકારીએ કહ્યું, મૈંને તેરે બેટે કો વાદા કિયા થા. મેં તેરી માં કે કાતિલ કો પકડ લૂંગા.  
આજે એ પોલીસ અધિકારીની આંખોમાં એક સંતોષ હતો. ઘરે જઈને છત ઉપર જે ચાર્ટ હતો એ ઉતાર્યો અને નાનકસિંગના નામ ઉપર આડી લાઈન મારી ત્યારે એક સંતોષની લાગણી એમની આંખોમાં દેખાતી હતી. અને એ નિર્દોષ આંખોને જાણે જવાબ આપતી હતી. મેં તને આપેલું પ્રોમિસ પાળી બતાવ્યું છે. હાલ આ અધિકારી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.