દિલ્હીમાં કોરોનાની ચિંતા વધી, પછી અરવિંદ કેજરીવાલે કહ્યું - ગભરાશો નહીં, જરૂર પડશે તો...
દિલ્હીમાં વધી રહેલા કોરોના
વાયરસના કહેર વચ્ચે દિલ્હીના લોકો માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો સંદેશ આવ્યો
છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું કે તેમની સરકાર
રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19ની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને અત્યારે ગભરાવા જેવું
કંઈ નથી. કેજરીવાલે કહ્યું કે
જો જરૂર પડશે તો તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. સોમવારે દિલ્હીમાં કોવિડ
રોગચાળાનો ચેપ દર વધીને 2.70 ટકા થઈ ગયો, જે છેલ્લા બે મહિનામાં સૌથી વધુ છે. જેના પગલે રાજધાનીમાં
કોવિડના ફરીથી ફેલાવાની ચિંતા વધી છે. 5 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ચેપનો દર 2.87 ટકા હતો.
અરવિંદ કેજરીવાલે કહ્યું, અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અત્યારે ગભરાવાનું કોઈ
મોટું કારણ નથી. પરિસ્થિતિ અનુસાર અમે તમામ જરૂરી પગલાં લઈશું. એક દિવસ પહેલા
સોમવારે સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે દિલ્હી સરકાર કોવિડની
સ્થિતિ પર નજર રાખી રહી છે અને જ્યાં સુધી કોરોના વાયરસનું નવું ચિંતાજનક સ્વરૂપ
જોવા નહીં મળે ત્યાં સુધી હવે ચિંતા કરવાની કોઈ વાત નથી. સત્યેન્દ્ર જૈને કહ્યું
હતું કે દિલ્હીમાં રોજના 100-200 કેસ આવી રહ્યા છે. અમે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ટ્રેક કરી રહ્યા
છીએ, અને તેમની સંખ્યા ઘટી રહી છે.
ઉલ્લેખનિય છે કે સોમવારે
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના
ચેપના 136 નવા કેસ નોંધાયા છે. 13 જાન્યુઆરીએ દિલ્હીમાં કોરોના વાયરસના રેકોર્ડ 28867 કેસ નોંધાયા હતા, ત્યારબાદ કેસની સંખ્યામાં
ઘટાડો થયો હતો. 14 જાન્યુઆરીએ દિલ્હીમાં ચેપનો
દર 30.6 ટકા નોંધાયો હતો. દિલ્હીમાં
રવિવારે કોરોનાની તપાસ માટે 6114 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 1.34 ટકા દર્દીઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું
હતું.