ઝીરો કોવિડ કેસના દાવા કરતા નોર્થ કોરિયામાં કોરોનાથી 1 દર્દીનું મોત, 10 હજારથી વધુ દર્દીઓ બીમાર
જ્યારે સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર હતો, ત્યારે નોર્થ કોરિયાનું કહેવું હતું કે, તેના દેશમાં ઝીરો કોવિડ કેસ છે. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. નોર્થ કોરિયા પણ હવે કોરોનાની ઝપટમાં આવી ગયું છે. ગુરુવારે, સત્તાવાર સમાચાર એજન્સી કોરિયન સેન્ટ્રલે અહેવાલ આપ્યો હતો કે, ઉત્તર કોરિયાએ તેના પ્રથમ કોવિડ લહેરની પુષ્ટિ કરી છે. વળી આજે સમાચાર એવા પણ આવ્યા છે કે, અહીં કોરોનાથી એક દર્દીનું મોત
Advertisement
જ્યારે સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર હતો, ત્યારે નોર્થ કોરિયાનું કહેવું હતું કે, તેના દેશમાં ઝીરો કોવિડ કેસ છે. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. નોર્થ કોરિયા પણ હવે કોરોનાની ઝપટમાં આવી ગયું છે. ગુરુવારે, સત્તાવાર સમાચાર એજન્સી કોરિયન સેન્ટ્રલે અહેવાલ આપ્યો હતો કે, ઉત્તર કોરિયાએ તેના પ્રથમ કોવિડ લહેરની પુષ્ટિ કરી છે. વળી આજે સમાચાર એવા પણ આવ્યા છે કે, અહીં કોરોનાથી એક દર્દીનું મોત પણ નીપજ્યું છે.
નોર્થ કોરિયામાં હવે કોરોના મહામારીએ પગપેસારો કરી દીધો છે. અહીં શુક્રવારે એક દર્દીનું કોરોનાથી મોત થયું છે, વળી આ ઉપરાંત 5 અન્ય લોકો પણ મોતને ભેટ્યા છે પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, તેમની અંદર કોરોનાના લક્ષણો નહોતા. વળી આ દેશ માટે સૌથી ખરાબ વાત એ છે કે, ત્યા હજુ સુધી રસીકરણની પ્રક્રિયા શરૂ પણ થઇ નથી. નોર્થ કોરિયામાં કોરોનાવાયરસના પ્રથમ કેસની પુષ્ટી થયા બાદ તાવથી પીડિત 6 લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. નોર્થ કોરિયાએ શુક્રવારે કહ્યું કે, દેશમાં તાવથી પીડિત 6 લોકોના મોત થયા છે, જેમાંથી એક વ્યક્તિને કોરોનાવાયરસના 'એમિક્રોન' વેરિઅન્ટથી સંક્રમિત હોવાની પુષ્ટી થઇ છે.
તાજેતરમાં દેશમાં 3.5 લાખ લોકો તાવથી પીડિત જોવા મળ્યા છે. દેશમાં કોવિડ-19 વૈશ્વિક રોગચાળાના પ્રથમ કેસની પુષ્ટી કર્યાના એક દિવસ બાદ નોર્થ કોરિયાએ આ માહિતી આપી હતી. નબળી આરોગ્ય પ્રણાલી ધરાવતા દેશમાં, સંક્રમણ ફાટી નીકળવાના ચોક્કસ કોઇ ડેટા હજી ઉપલબ્ધ નથી. નોર્થ કોરિયામાં મોટાભાગની વસ્તીએ કોવિડ-19 વિરોધી રસી મેળવી નથી, અને કુપોષણની સમસ્યા પણ તેની ટોચ પર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નોર્થ કોરિયા પાસે કોવિડ-19 સંબંધિત ટેસ્ટ કરવા માટે યોગ્ય સિસ્ટમ જ નથી અને તેની પાસે અન્ય તબીબી ઉપકરણોનો પણ અભાવ છે.
નોર્થ કોરિયાની સત્તાવાર 'કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી' (KCNA) અનુસાર, એપ્રિલના અંતથી લગભગ 3.5 લાખ લોકોને તાવ આવ્યો હતો, જેમાંથી 1,62,200 લોકો સાજા થઈ ગયા છે. ગુરુવારે જ 18,000 લોકો તાવથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું. વળી, 1,87,800 લોકોને સારવાર માટે અલગ કરવામાં આવ્યા છે. KCNA એ અહેવાલ આપ્યો છે કે, મૃત્યુ પામેલા છ લોકોમાંથી એક વ્યક્તિને કોરોના વાયરસનો 'ઓમિક્રોન' વેરિઅન્ટ હોવાની પુષ્ટિ થઈ હતી. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની ચોક્કસ સંખ્યા હજુ સ્પષ્ટ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, નોર્થ કોરિયામાં બે વર્ષ બાદ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યા બાદ કિમ જોંગ ઉને સમગ્ર દેશમાં કડક લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે, કોરોનાથી બચવાના ઉપાયો વધુ વધારવા જોઈએ અને તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે રાજધાની પ્યોંગયાંગમાં કેટલાક લોકોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ હતી. ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, નોર્થ કોરિયામાં લોકોને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે અને અધિકારીઓ દ્વારા દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.