Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસની નવ સંકલ્પ શિબિરઃ હાંસિયામાં ધકેલાઈ ગયેલા પક્ષમાં પ્રાણ ફૂંકાશે?

રાજસ્થાનના ઉદેપુરમાં 136 વર્ષ જૂની ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની નવ સંકલ્પ શિબિર ચાલી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આખા દેશમાંથી આવેલા ચારસોથી વધુ કોંગ્રેસીઓને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે, દેશને સતત ધ્રૂવીકરણની રાજનીતિમાં રાખવામાં આવે છે. પૂર્વોત્તરના રાજ્યો અને જમ્મુ-કાશ્મીરની હાલત જુઓ. નવસંકલ્પ ચિંતન શિબિરમાં રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચિંતન અને આત્મચિંતન કરવાનું છે.  1
કોંગ્રેસની નવ સંકલ્પ શિબિરઃ હાંસિયામાં ધકેલાઈ ગયેલા પક્ષમાં પ્રાણ ફૂંકાશે
રાજસ્થાનના ઉદેપુરમાં 136 વર્ષ જૂની ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની નવ સંકલ્પ શિબિર ચાલી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આખા દેશમાંથી આવેલા ચારસોથી વધુ કોંગ્રેસીઓને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે, દેશને સતત ધ્રૂવીકરણની રાજનીતિમાં રાખવામાં આવે છે. પૂર્વોત્તરના રાજ્યો અને જમ્મુ-કાશ્મીરની હાલત જુઓ. નવસંકલ્પ ચિંતન શિબિરમાં રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચિંતન અને આત્મચિંતન કરવાનું છે.  
1998માં પંચમઢી, 2003ની સાલમાં સિમલા, 2013માં જયપુર અને હવે ઝીલોં કી નગરી ઉદેપુરમાં કોંગ્રેસની આ ચોથી ચિંતન શિબિર છે. એક સમયે સૌથી વધુ મેજોરિટી સંખ્યામાં સંસદસભામાં પ્રતિનિધિત્વ કરતા કોંગ્રેસ પક્ષની આજે બંને ગૃહોમાં મળીને પૂરી સો સીટ પણ નથી. થોડા સમય પહેલા કોંગ્રેસને છસ્સો પાનાથી વધુનું પ્રેઝન્ટેશન આપનાર ઈલેક્શન સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, હાંસિયામાં ધકેલાઈ ગયેલી કોંગ્રેસે મનોમંથન કરવાની જરુર છે.  મજબૂત વિપક્ષ માટે ઘણું ખરું કોંગ્રેસ પક્ષમાં ખૂટે છે એ માટે પણ કોંગ્રેસે પોતાની વિરોધ પક્ષની રણનીતિ ઉપર ગંભીરતાથી વિચાર કરવાની જરુર છે. પ્રશાંત કિશોરે એક મુલાકાતમાં કહેલું કે, કોંગ્રેસે સૌથી પહેલા તો એ સ્વીકારવાની જરુર છે કે હવે તે સત્તા પર નથી. જનતાનો અવાજ ઉઠાવવામાં ક્યાંક ગાફેલ રહેતી કોંગ્રેસની આજે એટલી નોંધ સુદ્ધાં નથી લેવાતી. આજે કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરે તો પણ ભાગ્યે જ લોકો એને ધ્યાને લે છે.  
એક સમયે આખા દેશની જનતા આંખો મીંચીને ભરોસો મૂકતી હતી એ પક્ષની હાલત આજે કોઈ નોંધ ન લે એવી થઈ ગઈ છે. આંતરિક જૂથ બંધીથી માંડીને અનેક પરિબળો આ માટે કારણભૂત છે. હજુ હમણાંનો જ દાખલો લઈ લો. પંજાબમાં સત્તા ઉપર બેઠેલી કોંગ્રેસ કેપ્ટન અમરિન્દરસિંહ અને નવજોત સિંહ સિદ્ધુની આંતરિક લડાઈમાં ક્યાંયની નથી રહી. કોંગ્રેસે અલગ ચીલો ચાતરવા ચરણજિતસિંહ ચન્નીને મુખ્યપ્રધાન બનાવ્યા. દલિત સમાજનું પ્રતિનિધિત્વ કરતા ચન્ની વિધાનસભાની ચૂંટણીમાં ખુદની સીટ બચાવી ન શક્યા. પતિયાલાના પૂર્વ રાજવી કેપ્ટન અમરિન્દરસિંહ ખુદ પોતાની પરંપરાગત સીટ ઉપરથી હારી ગયા. રાજસ્થાનમાં કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધીયાની લડાઈમાં કોંગ્રેસે સત્તા તો ગુમાવી સાથે કોંગ્રેસે જ્યોતિરાદિત્ય જેવા સક્ષમ અને સબળ નેતાને પણ ગુમાવવાનો વારો આવ્યો. રાજસ્થાનમાં કોંગ્રેસની આબરુ જતા જતા રહી ગઈ. મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાની બાજી અંકે કરી લીધી અને સચીન પાયલટ જૂથની બાજી ઉંધી વાળી દીધી. એક સમયે રાહુલ ગાંધીની કોર ટીમમાં જ્યોતિરાદિત્ય સિંધીયા, આરપીએનસિંહ, જિતિન પ્રસાદ અને સચીન પાયલટ હતા. હવે તેમાંથી સચીન પાયલટ એક જ કોંગ્રેસમાં રહ્યા છે. આ નવ સંકલ્પ આત્મમંથન શિબિરના ઉદેપુરના જે પોસ્ટર લાગ્યા હતા એમાં પણ સચિન પાયલટના પોસ્ટર્સ રાતોરાત ઉતારી દેવાયા. અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેની કોલ્ડ વોર સતત ઉપરની સપાટી સુધી આવી જાય છે. અંદરોઅંદરની જૂથબંધી જ કોંગ્રેસને ઉપર આવવા નથી દેતી. જ્યાં લાંબા સમય સુધી કોંગ્રેસને એક સીટ પણ નથી મળી શકવાની એવી જગ્યાઓએ પણ આંતરિક જૂથબંધી પક્ષને ઉંચે નથી આવવા દેતી. પક્ષને વરેલા સિનિયર નેતાઓમાંથી વીરપ્પા મોઈલી, જયરામ રમેશે અનેકવાર કહ્યું કે, પક્ષમાં ધરમૂળથી ફેરફાર કરવાની જરુર છે. પણ કોંગ્રેસ પક્ષ એની સતત ઘટી રહેલી  સીટની સંખ્યામાંથી પણ કંઈ ધડો લેતી નથી.   
સમખાવા પૂરતા બે રાજ્યો રાજસ્થાન અને છતીસગઢમાં કોંગ્રેસ પાસે સત્તા છે. તમિલનાડુ, ઝારખંડ, મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સત્તામાં ભાગીદારી છે. આ વર્ષના અંતે હિમાચલ પ્રદેશ, ગુજરાત, એ બાદ 2023માં મધ્યપ્રદેશ, છતીસગઢ, કર્ણાટક, રાજસ્થાનની ચૂંટણીઓ આવશે અને 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. છેલ્લાં કેટલાય વર્ષોથી કોંગ્રેસ પક્ષ ચૂંટણીઓ આવે ત્યારે જ જાગે છે. કોંગ્રેસથી અસંતુષ્ટ નેતાઓ પક્ષથી છેડો ફાડી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ માટે મોટો ચહેરો ગણાતા હાર્દિક પટેલ ઉદેપુરની શિબિરમાં ક્યાંય નજરે નથી ચડતા. કોંગ્રેસ માટે પોતાનું ઘર સાચવવું અઘરું પડી રહ્યું છે. પોતાના ઘરના સભ્યો ઓછાં થઈ રહ્યા છે ત્યારે એમને રોકવાના કોઈ પ્રયત્નો નથી થતાં. એમનો અવાજ મોવડી મંડળ સુધી પહોંચતો પણ નથી. આ તમામ મુદ્દાઓ ઉપર પણ આત્મ મંથન કરવું જરુરી છે.  
જ્યારે ભાજપ ચૂંટણી હોય કે ન હોય હંમેશાં ઈલેક્શન મોડમાં જ હોય છે. એ સતત ઝીણું ઝીણું કાંતતો જ રહે છે. પેજ પ્રમુખથી માંડીને માઈક્રોલેવલનું કામ ભાજપમાં થતું રહે છે. જે કોંગ્રેસમાં મિસીંગ છે. પક્ષમાં અસંતોષ વ્યક્ત કરે તો કોંગ્રેસમાં એને કટ ટુ સાઈઝ કરી દેવામાં આવે છે. ઉદેપુરની ચિંતન શિબિરમાં ગુલામનબી આઝાદ, આનંદ શર્માની હાજરી છે પણ તેમની વાત કેટલી ધ્યાને લેવાય છે એ જોવાનું રહે છે. 2020ની સાલમાં કપિલ સિબ્બલ, ગુલામનબી આઝાદ, આનંદ શર્મા, મનીષ તિવારી જેવા સિનિયર નેતાઓએ કોંગ્રેસ હાઈકમાન્ડને ચિઠ્ઠી લખેલી કે, આંતરિક ચૂંટણીઓ કરાવો. કોઈ સક્ષમ ચહેરાને પક્ષની ધૂરા સોંપો. આ ત્રેવીસ નેતાઓની વાતને પક્ષે ગંભીરતાથી તો ન લીધી ઉપરથી તેમને જી-23 ગ્રૂપ કહીને બદનામ કરવામાં આવે છે. કરુણતા તો એ વાતની છે કે, રાહુલ ગાંધી ખુદ અનેકવાર બોલી ચૂક્યા છે કે, સિનિયર નેતાઓ મોવડીમંડળની વાતને માનતા નથી.  
પક્ષમાં એક એવો વર્ગ પણ છે જે એવું માને છે કે, ગાંધી પરિવારના આભા મંડળમાંથી બહાર આવવાની જરુર છે. જ્યારે અંદરખાને એવી વાત પણ ગણગણવામાં આવે છે કે, રાહુલ ગાંધીની અધ્યક્ષ પદે  તાજપોશીની જાહેરાત કરવામાં આવે તો પણ નવાઈ નહીં રહે. પ્રિયંકા ગાંધી પક્ષના મહાસચિવ છે. એમણે પાર્ટી જોઈન કરી ત્યારે બધાં કોંગ્રેસીઓને એમાં દાદીમા ઈન્દિરા ગાંધીની છબી દેખાતી હતી. પરંતુ, એમના ચહેરાથી છેલ્લા પાંચ રાજ્યોની વિધાનસભાના પરિણામોમાં કોંગ્રેસને હાથ કંઈ ખાસ લાગ્યું નથી. પ્રિયંકા ગાંધીનો ચહેરો કોઈ કરિશ્મા બતાવી શક્યો નહીં. હજુ ગયા અઠવાડિયે જ સોનિયા ગાંધીએ એવું કહ્યું કે, કોઈ જાદુઈ લાકડી નથી કે આપણે સત્તા ઉપર આવી જઈએ. આપણે આત્મ મંથન કરવું જ રહ્યું. આત્મ આલોચના પણ કરવી જ રહી. હા, પણ એનાથી આપણો આત્મવિશ્વાસ ન તૂટવો જોઈએ. ઉદેપુરમાં નવ સંકલ્પ શિબિરમાં સોનિયા ગાંધીએ ચોખ્ખું કહ્યું કે, પાર્ટીએ તમને બહુ આપ્યું હવે એનો કરજ ઉતારવાનો સમય આવ્યો છે. આપણે આપણું માળખું મજબૂત કરવું જ રહ્યું. 
કોંગ્રેસના દિગ્ગજ નેતા અજય માકને  એક વાત સ્પષ્ટ કહી કે, કોંગ્રેસમાં પબ્લીક ઈનસાઈટ ડિપાર્ટમેન્ટ એક્ટિવ થવું જરુરી છે. ચૂંટણીના દિવસો સિવાય પણ પક્ષ સુધી પબ્લીકના સવાલો પહોંચવા જરુરી છે. હકીકતે આમ જનતાની કહેવાતી પાર્ટી અત્યારે જનતાના સવાલોથી જ વિમુખ છે. હવેનો મતદાર બહુ સ્માર્ટ છે એ જુએ છે કે, ક્યો પક્ષ જનતાની વચ્ચે રહીને જનતા માટે કામ કરે છે. નેતાઓનો પક્ષપલટો પણ જનતા ધ્યાનથી માર્ક કરે છે. હવે ચૂંટણી સમયે જ તમે પ્રજા પાસે જાવ તો પ્રજાના મત તમને મળી જાય એ વાતમાં દમ નથી.  
વિરોધ પક્ષમાં બેઠેલી કોંગ્રેસ પાર્ટીનો અવાજ ક્યાંય લાઉડ છે જ નહીં. નવ સંકલ્પ શિબિરમાં આંતરિક માળખાને મજબૂત કરવું, ખેડૂતોના સવાલો, આર્થિક અને સામાજિક સવાલો, યુથને પૂરતું મહત્ત્વ આપવુંથી માંડીને અનેક મુદ્દાઓ ઉપર છ કમિટી ચર્ચાઓ કરશે અને તારણો આપશે. જેને અઘ્યક્ષ સુધી પહોંચાડવામાં આવશે. આ નવ સંકલ્પ શિબિરમાં પચાસ એવા લોકોને નિમંત્રણ અપાયું છે જે પક્ષમાં ક્યાંય સત્તા ઉપર નથી. આ લોકોની વાત કેટલી ધ્યાને લેવામાં આવે છે એ પણ જોવાનું રહ્યું. શિબિરમાં ખરેખર મનોમંથન થાય અને પક્ષને ઉગારવા માટે કોઈ રણનીતિ ઘડાય તો ખરું ચિંતન થયું કહેવાશે. 
 પરિવારવાદની પરંપરામાંથી બહાર નીકળીને કંઈક વિચારવામાં આવે તો કદાચ કોંગ્રેસ પક્ષનું ભલું થયું ગણાશે. ઉદેપુરના ત્રણ દિવસના આત્મ મંથનમાંથી કંઈ ખરેખર બહાર આવે એ ભારતની જનતા માટે અને કોંગ્રેસ પક્ષ માટે બહુ જ જરુરી છે. કોઈપણ તંદુરસ્ત લોકશાહી દેશ માટે મજબૂત વિરોધ પક્ષ હોવો ખૂબ જ જરુરી છે.
Advertisement
Tags :
Advertisement

.