વાર્તાઓમાં ગરીબ થઈ ગયેલું Bollywood કંગાળ
હિન્દી ફિલ્મ ઉદ્યોગ એટલે કે બોલીવુડ, પ્રતિભાશાળી પટકથા લેખકોનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે જેમણે આપણાં સિનેમા પર અમીટ છાપ છોડી છે. સલીમખાન અને જાવેદ અખ્તરની જોડીએ ૧૯૭૦ના દાયકામાં “શોલે અને “દીવાર જેવી બ્લોકબસ્ટર ફિલ્મોની આઇકોનિક સ્ક્રિપ્ટસ સાથે હિન્દી સિનેમામાં ક્રાંતિ આણી. યાદગાર સંવાદો સાથે વાતને સડસડાટ આગળ વધારવાની આકર્ષક તેમની ક્ષમતાને કોઈ આંબી શક્યું નહિ.
પ્રતિભાશાળી પટકથા લેખકોનો સમૃદ્ધ ઇતિહાસ
એક એવા લેખક– ગુલઝાર, તેમની કાવ્યાત્મક અને સ્ક્રિપ્ટની ઝીણવટ અને હ્રદયસ્પર્શી વાતને ફિલ્મક્રાફ્ટમાં ઢાળવામાં ગુલઝાર બેજોડ છે.ફિલ્મ “આનંદ અને “અંગૂર જેવા ક્લાસિક ફિલ્મોમાં ગુલઝારની કમાલ દેખાઈ આવે છે.
અબરાર અલવીએ માત્ર ‘કાગઝ કે ફૂલ’ લખી હોત તો ય અમર હોત તો કે. એ.અબ્બાસે કામર્શીયલ હિટ્સ આપી પણ એ વાર્તાઓ આજે પણ પ્રેક્ષકોના હૈયે છે.
સમકાલીન સમયમાં, જુહી ચતુર્વેદી “વિકી ડોનર અને “પીકુ જેવી ફિલ્મોમાં તેના અસાધારણ લખાણ સાથે વાર્તા કહેવામાં એક નવો અભિગમ લાવનાર લેખક તરીકે ઊભરી આવી છે. આ પટકથા લેખકોએ માત્ર સિનેમેટિક અનુભવને જ આકાર આપ્યો નથી, પરંતુ ટિપિકલ ફોર્મ્યુલા ટાઇપ લખાણ છોડીને બોલીવૂડને પ્રેમલા પ્રેમલીની વાતોમાંથી બહાર કાઢ્યું.
આજે સ્થિતિ શું છે?
આજે બોલીવૂડમાં લેખકોની દશા શું છે કે ફિલ્મોની હાલત શું છે? ઉત્તરકાશીની ટનલમાં ભૂગર્ભમાં સતર દિવસ સુધી ફસાયેલા ૪૧ મજૂર મહામહેનતે અને ભારે જહેમતે બહાર નીકળ્યા. જેવા નીકળ્યા એવા કેટલાય પ્રોડ્ક્શન હાઉસ એ સ્ટોરીને રજિસ્ટર કરાવવા માટે દોડ્યા. અમુક ટીખળીખોરે તો કાલ્પનિક ફિલ્મ ‘રેસ્કયુ ૪૧’નું પોસ્ટર પણ બનાવી નાખ્યું જેમાં લીડ રોલ અક્ષય કુમાર કરતો હોય. આ એક સત્યઘટના ઉપર ફિલ્મ બનાવવા માટે નોંધણી કરવા ભાગદોડ મચાવી એ હાસ્યાસ્પદ અને ફિલ્મોનો વેપલો કેવી નિમ્ન કક્ષાએ છે એ બતાવી આપ્યું.
આટલી કરુણતા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં ક્યારેય ન હતી કેટલી આજે છે
વાર્તાના સંદર્ભે આખી ઇન્ડસ્ટ્રી એ હદે કંગાળ થઈ ગઈ છે કે ભીખ માગતી ફરે છે – “બોક્સ ઑફિસ કે નામ પે હમે એક હિટ સ્ટોરી દે દો ના સાહબ.” અને સાઉથ ઇન્ડિયા આપણી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વાર્તાઓ ભીખમાં આપે પણ છે. રોજ સવાર થાય છે અને ઢગલાબંધ પ્રોડ્યુસરો રીતસરનો વાટકો લઈને નવી વાર્તા હડપી લૂંટવા કે ઉછીની લેવા નીકળી પડે છે.
પ્રોડક્ટને ચલાવવા માટે ગીમિક કે છૂટાછવાયા ભવ્ય દૃશ્યોનો સહારો
એવેન્જર્સ: એન્ડગેમ યાદ કરો. આ ફિલ્મ યાદ કરવી પડે છે. એ સમયે ભારત સહિત ડઝનબંધ દેશોના થિયેટરોમાં આ ફિલ્મે રેકોર્ડ તોડ્યા હતા અને આજે એ ફિલ્મને કોઈ યાદ નથી કરતું. કેમ? એવેન્જર્સ ફિલ્મ સિરીઝની એ છેલ્લી ફિલ્મમાં કોઈ ઠોસ વાર્તા જ હતી નહીં. તમારી પ્રોડક્ટમાં વાર્તા નહીં હોય તો દર્શકોને એમાં દમ નહીં લાગે. માટે એ પ્રોડક્ટને ચલાવવા માટે ગીમિક કે છૂટાછવાયા ભવ્ય દૃશ્યોનો સહારો લેવો પડશે. માટે કદાચ એ ફિલ્મ થોડીઘણી સફળ થઈ પણ જાય કે સલમાન ખાનની ફ્લોપ ફિલ્મોની જેમ સો – બસ્સો કરોડનું પરચુરણ ભેગુ કરી પણ લે તો પણ એ દર્શકોના માનસપટ ઉપર છવાતી નથી માટે જલદીથી ભુલાઈ જાય છે.
ખોખલી ફિલ્મ ગમે તેવી હિટ જાય તે તરત ભુલાઈ હતી હોય છે. જવાન અને પઠાણ તેના તાજા ઉદાહરણો છે. ફિલ્મમાં સારી વાર્તા જોઈએ અને તે વાર્તા મૌલિક હોવી જોઈએ.
સારી વાર્તા ઉપરથી કોઈ પ્રતિસ્પર્ધી પ્રોડ્યુસર તો ફિલ્મ બનાવીને સફળ ન જ થવો જોઈએ
આ વાર્તાઓમાં ગરીબ થઈ ગયેલું બોલીવૂડ કંગાળ છે એવું રખે માનતા. મોટા મોટા પ્રોડ્ક્શન હાઉસ પાસે ખૂબ સારી વાર્તાઓનો ખજાનો પડ્યો છે. એકલા કરણ જોહર પાસે દોઢસો બસ્સો વાર્તાઓના હક્કો પડ્યા છે જેની ઉપરથી યાદગાર કે ક્લાસિક ફિલ્મ બની શકે. એવું કેમ? એવું એ રીતે કે હવે પૈસાદાર પ્રોડ્યુસરો કોઈ પણ સારી વાર્તા માર્કેટમાં દેખાય કે કોઈ સારી નવલકથા નજરે ચડે એવું તરત તેના રાઇટ્સ ખરીદી લે છે. લેખકને સાવ ફુદ્દા જેવી રકમ આપીને એ વાર્તા ઉપર ફિલ્મ બનાવવાના બધાં હક્કો પોતાની માલિકીના કરી નાખે. પછી એ વાર્તા ઉપરથી ફિલ્મ બનાવવી કે ન બનાવવી એ એમણે જોવાનું, પણ સારી વાર્તા ઉપરથી કોઈ પ્રતિસ્પર્ધી પ્રોડ્યુસર તો ફિલ્મ બનાવીને સફળ ન જ થવો જોઈએ. આ નવી ટ્રેન્ડી વૃત્તિ છે. આવી ભયંકર સ્વાર્થી અને લુચ્ચાઈનો શિકાર બની છે આપણી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી.
ઇન્ડસ્ટ્રીએ એક સમયે લેખકોને માન આપ્યું. સલીમ – જાવેદને હીરો – હિરોઈન કરતા વધુ રૂપિયા મળતા એ વાર્તાઓ આપણે બહુ સાંભળી. એના પછી ફિલ્મ જગત સ્ક્રીનપ્લે ઉપર ઓછું અને વિઝ્યુઅલ્સ ઉપર વધુ ભાર મૂકવા માંડ્યું. લેખકો સાઈડલાઈન થતાં ગયા, રાધર કરવામાં આવ્યા.
નવો ચીલો ચાતરનારી કે ફિલ્મ મેકિંગના સંદર્ભમાં નવો લેન્ડમાર્ક સ્થાપનારી ફિલ્મો જેવી કે ક્રીશ કે રા.વન કે ઝીરો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ જબરદસ્ત બદલાવ એટલી લાવી ન શકી કારણ કે વાર્તાનું પોત જ નબળું હતું.
આ પણ વાંચો: શાહબુદ્દીન રાઠોડ-Mark Twain of Gujarat