Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લોહિયાળ પ્રેમઃ માલિકીભાવનું ઝનૂન પ્રેમ હોય જ ન શકે

તું મારી નહીં તો કોઈની નહીં. આ ભાવના જ્યારથી મનમાં ઘર કરી જાય ત્યારથી એક ક્રાઈમ સિકવન્સ મનમાં શરુ થઈ જતી હશે. ગુનો કરતા પહેલાં ગુનાનું રિવિઝન બેક ઓફ માઈન્ડમાં સતત ચાલતું રહેતું હોય છે. અચાનક પરિસ્થિતિ કે સંજોગો સર્જાય ત્યારે આવેગમાં આવીને થતું ક્રાઈમ જુદી વસ્તુ છે. સતત મનમાં કોઈ વ્યક્તિને લઈને ઘૂંટાતી રહેતી ગંદી ભાવના બિલકુલ જુદી હકીકત છે.  દુમકા ગામ વિશે થોડાં દિવસો પહેલાં ભાગ્à
09:37 AM Sep 01, 2022 IST | Vipul Pandya
તું મારી નહીં તો કોઈની નહીં. આ ભાવના જ્યારથી મનમાં ઘર કરી જાય ત્યારથી એક ક્રાઈમ સિકવન્સ મનમાં શરુ થઈ જતી હશે. ગુનો કરતા પહેલાં ગુનાનું રિવિઝન બેક ઓફ માઈન્ડમાં સતત ચાલતું રહેતું હોય છે. અચાનક પરિસ્થિતિ કે સંજોગો સર્જાય ત્યારે આવેગમાં આવીને થતું ક્રાઈમ જુદી વસ્તુ છે. સતત મનમાં કોઈ વ્યક્તિને લઈને ઘૂંટાતી રહેતી ગંદી ભાવના બિલકુલ જુદી હકીકત છે.  
દુમકા ગામ વિશે થોડાં દિવસો પહેલાં ભાગ્યે જ કોઈને ખબર હતી. અંકિતાને જીવતી સળગાવી દીધી અને કેટલાંય લોકોની સંવેદનાઓ ઝણઝણી ઉઠી. એક તરફી પ્રેમમાં પાગલ શાહરુખે પેટ્રોલ છાંટીને કાંડી ચાંપી દીધી. આ સમાચારો અને અંકિતાની અંતિમ પળોની ક્લિપ મગજને સુન્ન કરી નાખે તેવી છે. એક તરફી પ્રેમ બોલવું પણ વધુ પડતું છે કેમકે જો પ્રેમ હોય તો ક્યારેય પોતાને ગમતી વ્યક્તિને મારી નાખવાનો કે નુકસાન પહોંચાડવાનો વિચાર સુદ્ધાં ન આવે. પોતાને ગમે એ પોતાનું હોવું જોઈએ એ માનસિકતા જ ઘણું બધું ન કરવાનું કરાવે છે.  
દુમકાનો બનાવ બન્યો એ પછી બીજો એક કિસ્સો પણ બહાર આવ્યો. નવી દિલ્હીના સંગમ વિહાર વિસ્તારમાં નૈના નામની યુવતી એની મમ્મી અને ભાઈ સાથે જઈ રહી હતી ત્યારે અશરફ નામના યુવકે એને ગોળી મારી દીધી. અત્યારે આ ટીન એજ દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.  
ગુજરાતના ઉમરગામ નજીકના દહાડ ગામમાં રહેતી હેમા નામની કોલેજીયન યુવતીને એના ઘરની નજીક રહેતા પંકજકુમાર રહેંસી નાખી. થોડાં દિવસો પહેલાં પોતાની ભાણેજની બહેનપણી કૃપા પટેલને ખાત્રજ ગામે રાજુ નામના પિસ્તાલીસ વર્ષીય માણસે મારી નાખી. ભરબજારે, જાહેરમાં કે એકલતાનો લાભ લઈને પોતાને ગમતી વ્યક્તિને હાનિ પહોંચાડવામાં આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોને કંઈ ફરક પણ નથી પડતો હોતો. આપણે કોઈ હજુ સુધી ગ્રીષ્મા વેકરિયાના કિસ્સાને તો ભૂલી જ નથી શક્યા.  
માલિકીભાવ, જોહુકમી કે ગમતી વ્યક્તિ પોતાને જ મળવી જોઈએ એ વાત એટલી બધી મગજ પર હાવી થઈ જતી હોય છે કે કાનૂની કે ગેરકાનૂની વર્તન  વિશે વિચારવાનું એ વ્યક્તિના દિમાગમાં આવતું જ નહીં હોય. 
જાણીતા સાયકોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણી કહે છે, જો પ્રેમ હોય તો એ વ્યક્તિને હાની પહોંચાડવાનો ક્યારેય કોઈને વિચાર ન આવે. પણ આ પ્રકારની માનસિકતાને સાયકોપેથ કહે છે. આક્રમકતાની અભિવ્યક્તિને યોગ્ય રીતે જાળવી ન શકે ત્યારે આવા લોકો ન કરવાનું કરી બેસે છે. મનમાં વિચાર આવ્યો, મનમાં તરંગો ઉઠ્યા પછી એ ઝનૂન ગુનામાં ફેરવાઈ જાય છે. આવા લોકોનો જો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવે તો અનેક તારણો સુધી પહોંચી શકાય. સાથોસાથ આ પ્રકારની માનસિકતાને જો નાનપણથી જ એના પરિવારજનો કે મા-બાપ જાણી જાય તો એની સારવાર શક્ય છે અને એ વ્યક્તિની માનસિકતામાં સુધારો પણ થઈ શકે.  
ડૉ. પ્રશાંતભાઈ વધુ ઉમેરે છે કે, આ પ્રકારના યંગસ્ટર્સનું વર્તન કે એમના બાળપણનો અભ્યાસ એવું જ કહેતો હોય છે કે, એમનો ઉછેર જે રીતે થવો જોઈએ એ રીતે નથી થયો હોતો. મા-બાપની જિંદગી પણ ડિસ્ટર્બ ચાલી રહી હોય એમાં એ બાળકનો ઉછેર સમતોલ રીતે થવો જોઈએ એ નથી થતો હોતો. આ પ્રકારનું ક્રાઈમ કરનારા યુવા પેઢીના છોકરાવ પર સૌથી વધુ અસર વેબ સિરીઝ અને સોશિયલ મિડીયાની હોય છે. મોબાઈલની કે ટેલિવિઝનની સ્ક્રીન પર ક્રાઈમ આચરાતું જુવે એ એને એમ જ થઈ આવે કે આવું તો કરાય. આ પ્રકારના લોકોમાં સૌથી વધુ એક વાત દ્રઢપણે ઘૂસેલી હોય છે કે, બીજા કોઈ ક્યાં પકડાય છે તો હું પણ નહીં પકડાઉં. પોતાના ઈમ્પલ્સીવ માઈન્ડમાં આવેલા વિચારોને અમલમાં મૂકવા સિવાય એને કંઈ જ દેખાતું નથી હોતું. સરવાળે એ ગુનો આચરી બેસે છે. જેના પરિણામો વિશે કોઈ વિચાર પણ દૂર દૂર સુધી નથી આવતો. આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો સ્ત્રીને એક વસ્તુ તરીકે જોતાં હોય છે. સંબંધોમાં સ્ત્રી પાત્રોનું મહત્ત્વ જ આ લોકો માટે કંઈ ગણતરીમાં નથી હોતું.  
અનેક વખત લખી છે છતાં એક વાત ફરીથી લખતાં જાતને રોકી નથી શકતી. સંતાન દીકરો હોય કે દીકરી એને સારું નરસું કે પોતાનું અને પારકું શું હોય, શું મળી શકે કે શું ન મળી શકે એની સમજ સંસ્કાર સ્વરુપે આપવી જ જરુરી છે. દીકરીઓને રસોડામાં ખબર ન પડે તો કંઈ નહીં પણ એને સ્વરક્ષણની તાલીમ આપવી વધુ જરુરી છે. શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે કોઈ હાવી ન થવું જોઈએ એની સમજ પણ જરુરી છે. ડરની લાગણી કે બદનામનીનો ડર રાખ્યા વગર અન્યાય સામે લડવું વધુ અગત્યનું છે. આ બધી વાતો જેટલી લખવી સહેલી છે એટલી જ આચરણમાં મૂકવી અઘરી છે. પરંતુ, જો હવે નહીં બોલીએ તો આ વિકૃતિઓ માસૂમ દીકરીઓના ભવિષ્ય સાથે રમતી જ રહેશે. 
jyotiu@gmail.com
Tags :
CrimeEditorAngleGujaratFirstlove
Next Article