પરદા પાછળ રહીને આ વાજીંત્ર વાદકોએ બોલીવુડના હજ્જારો ગીતોને અમર બનાવી દીધા
વાત કરીએ હિન્દી ફિલ્મ સંગીતના એ યુગની જેમાં આપણને મળ્યાં અમર ગીતો.કોઈ મજ્જાનું ગીત સાંભળીયે તો ગાયક કલાકારને જ યશ આપીશું.લતાજી હોય કે રફી કે મુકેશ....પણ સંગીતકાર,એરેન્જર્સ કે મ્યુઝીશ્યનને ક્યારેય યાદ નહિ કરીએ...’યશોમતી મૈયા સે બોલે નંદ લાલા’ ગીત સાંભળીશું ત્યારે એ ગીતને નવો જ પ્રાણ આપેલ પગથી વાગતું હાર્મોનિયમ જે રમેશ અય્યરે વગાડેલું....નૈનો મેં કજરા સોહે કે તડપ એ દિન રાત કી કે માઈ રી મૈ કાસે કહું પીર અપને જીયા કી માં સુંદર સિતાર વગાડનાર રઈસખાનને યાદ નહિ કરીએ.અલબત્ત,સંગીતકારોનો ફાળો હોય જ.સંગીતકાર ગીતનું સ્કેલેટોન બનાવીઆપે.ગીતકાર ગીત લખે પણ એ સ્કેલેટોનને વિશ્વસુંદરી બનાવે એરેન્જર અને વિવિધ વાદ્યોના વાદકો.
એ જમાનામાં કોઈ પણ ગીતના સંગીતનો એક પીસ-આખું ગીત નહિ સાંભળીયે તો ફટાક દઈને કહી શકીએ કે આ ગીત ફલાણા સંગીતકારનું છે. એનાલોગ સિસ્ટમ ગઈ અને કાળક્રમે ડીજીટલ યુગ આવ્યો એ સાથે જ સંગીતકારોની ઓળખ જ ગુમ થઇ ગઈ.એંશીના દશક સુધી ફિલ્મી ગીતોની ઓરકેસ્ટ્રા બહુ મોટી રહેતી.એક સાથે પચાસ જેટલાં તો વાયોલીન હોય.પ્રશ્ન એ થાય કે આટલાં બધાં? હા,કારણ એક વાયોલીનની અસર પચાસ જેટલી ન હોય.ખૂબી તો એ વાતની કે બધાં જ વાયોલીન એક સૂરમાં વાગતાં હોય.જેમ આપણે જાણીએ છીએ કે આ ગીત લતા કે રફીએ ગાયું છે.એમ દરેક ગીતમાં એકાદ મ્યુઝીશ્યને એકાદ વાદ્ય તો બખૂબી વગાડ્યું હોય જેનાથી ગીતને નવું જ પરિમાણ મળ્યું હોય. એ એવા કલાકારો છે જે હંમેશા પડદા પાછળ રહ્યા છે છતાં એમનું પ્રદાન આપણા અસ્તિત્વ સાથે વણાયેલું છે...એક ઉદાહરણ-ફિલ્મ સંગમનું મેરે મન કી ગંગા..નું બેગપાઈપર....હર દિલ જો પ્યાર કરેગા ગીતમાં એકોર્ડીયન... વગાડનાર ગુડી સરવાઈ.નામ પહેલી વાર સાંભળ્યુંને? પણ એમનું મધુર એકોર્ડિયન કેટલાંય ફિલ્મી ગીતોને અમર બનાવી ગયું.
એક વાત નોંધપાત્ર છે કે hindi ફિલ્મ સંગીતમાં મ્યુઝીશ્યંસ મોટાભાગે પારસી અને ગોવાનીઝ જ વધારે હતા.એક ધ્રુવતારક સમું નામ છે વી.બલસારા.મૂળ બંગાળી.બલસારાસાહેબ મૂળ રવીન્દ્ર સંગીત જીવ્યા અને એ કારણે જ એમને મધુરતા પીરસી. એક ગીત યાદ કરો- અય મેરે દિલ કહી ઔર ચલ, ગમ કી દુનિયા સે દિલ ભર ગયા(તલત મહેમુદ...બલસારાના વાદ્ય સિવાય એ ગીતની કલ્પના ય ન થાય..એની ધૂન સંભાળીને જ મસ્ત થઇ જવાય.ધીરે ધીરે મચલ(ફિલ્મ અનુપમા) ગીત પણ બલસારાની જ કમાલ.. )...સુન મેરે બંધુ રે સુન મેરે મિતવા-ગીતમાં એક દર્દની અનુભૂતિ-માત્ર અને માત્ર બલસારા સાહેબ...
દત્તારામ રીધમના માસ્ટર. હોલે હોલે ચાલો મોરે સાજના હમ પીછે હૈ તુમ્હારે..જેવાં ગીતોથી એમણે જે ઠેકો વાપરેલો એ આજે પણ દત્તારામઠેકા તરીકે આજેય પ્રસિદ્ધ છે.એક વાર એક રીધમ પ્લેયર ન આવ્યો અને શંકર જયકિશનના રેકોર્ડીંગમાં દતારામ આવ્યા.દતારામને નોટેશંસ તો આપ્યાં અને એમણે એ પ્રમાણે વગાડ્યું પણ ખરું પણ દાળમાં વઘાર તો હોય જ પણ વઘારે વઘારે ફેર હોય એવું દતારામે કર્યું અને શંકર જયકિશનના ગીતને નવું જ સ્વરૂપ મળ્યું.એક ગીત સાંભળ્યું છે? ઇતના ન મુઝસે તુ પ્યાર જતા કિ મૈ એક બાદલ આવારા..સલીલ ચૌધરીના આ ગીતમાં રીધામનો શ્રેય દતારામને આપવો પડે. ફિલ્મ નીકાહનું ગીત ફજાં ભઈ હૈ જવાં જવાં(સલમા આગા)નું એરેન્જમેન્ટ પણ એમનું.
પિયા પિયા પિયા મોર જિયા પૂકારે....રાજા કી આયેગી બારાત(આહ),ઈચકદાના બીચકદાના અને મૂડ મૂડ કે ન દેખ (ફિલ્મ શ્રી 420),મેરા નામ રાજુ ઘરાના અનામ (જિસ દેશ મેં ગંગા બહતી હૈ) જેવાં ગીતોમાં દત્તારામનો જાદુ. ગોવાનીઝ એન્થની ગોન્સાલ્વીસ વાયોલીન વાદક.એક સાથે પચાસ કે સો વાયોલીનનો એ બખૂબી ઉપયોગ કરતાં.સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલમાં પ્યારેલાલના વાયોલીન ગુરુ એ. ફિલ્મ અમર અકબર એન્થોનીમાં એક ગીત હતું-માય નેમ ઈઝ એન્થની ગોન્સાલ્વીસ.હકીકતમાં ગીતકાર આનંદ બક્ષીએ બીજું જ નામ લખેલું.રેકોર્ડીંગ વખતે પ્યારેલાલને એન્થની ગોન્સાલ્વીસ યાદ આવી ગયા.એમનું ઋણ ચૂકવવાનો અવસર હતો.એમણે દિગ્દર્શક મન મોહન દેસાઈને વાત કરી એન્થની ગોન્સાલ્વીસ નામ ગોઠવી દીધું...અને એ ગીત તો અમર થયું સાથે એન્થની ગોન્સાલ્વીસ પણ. એન્થનીસાહેબ મૂળ ગોવાનીઝ.એસ.ડી.બર્મન સાથે કામ શરૂ કર્યું.પછી તો એ એરેન્જર બન્યા.બે દાયકા કામ કર્યું.
1970માં ટીચિંગ સ્કોલરશીપ પર એ Syracruse University, New York ગયા.પાછા આવી એ ગોવા પોતાના વતનના ગામ મજોરડા જ ગયા અને બાકીનું જીવન ત્યાં જ ગાળ્યું.બોલીવુડથી એ કડવાશ જ પામેલા. બોલીવુડ વિષે તે કહેતા : "They were ungrateful people. I didn't want to be squeezed anymore" . મૈ એ સોચકર તેરે દર સે ઉઠા થા...જેવાં અમર ગીતોમાં એમનું વાયોલીન સંભળાય છે..આજ પૂરાની રાહો સે કોઈ મૂઝે આવાઝ ન દેના...નૌશાદે તો એન્થનીને ઓડીશન વખતે જ કહી દીધેલું કે;એ લડકા Exception હૈ. સંગીતકાર પ્યારેલાલ તો ત્યાં સુધી કહે છે કે એન્થનીએ એમને માત્ર વાયોલીન જ નહિ પણ એક સારા માણસ કઈ રીતે બનાય છે તે પણ શીખવ્યું.
એન્થની ગોન્સાલ્વીસ,સેબેસ્ટિયન અને માંનોહારીસિંહ માટે તો અલગ જ લેખ લખવો પડે નહિતર એમને અન્યાય ગણાય. લતા-કિશોર બંનેના અવાજમાં આવેલું ફિલ્મ કુદરતનું ગીત-મેરે નૈના સાવનભાદો ફિર ભી મેરા મન પ્યાસા ગીતમાં સરોદની કમાલ છે. એ કમાલ હતી ઝરીન દારૂવાલાની. એક જમાનો હતો મ્યુઝીક એરેન્જર્સ અને મ્યુઝીશ્ય્નની ડીમાંડ ગજબની રહેતી.એક સ્ટુડીઓથી બીજા સ્ટુડીઓ સુધી એમની દોડ ચાલુ જ રહેતી..ત્રણ શિફ્ટ? એ તો પૂછવાનું જ નહિ. ગીતમાં હાર્મની,ઓરકેસ્ટ્રા અને ઇન્ટરલ્યુડ એ બધું પ્રદાન એરેન્જર્સનું અને વાદકોનું હોય છે. જે ધૂન બનાવે તે મ્યુઝીક ડાયરેક્ટર.સંગીતકાર એક ઢાંચો બનાવે.મેલડી એ બનાવે. સ્કેલેટોન બને.એરેન્જર્સનો રોલ એ પછી આવે.ઓરકેસ્ટ્રા ફીટીન્ગનું કામ એરેન્જર્સનું.