Ayodhya Ran Mandir:રામની પ્રાણપ્રતિષ્ઠા વિશ્વ માટે એક સર્વગ્રાહી ઘટના
Ayodhya Ran Mandir: દ્વારકાથી જગન્નાથપુરી અને રામેશ્વરથી કાશ્મીર સુધી વિસ્તરેલા આ દેશમાં સેંકડો વર્ષોથી અમુક ચોક્કસ સ્થાનોને પવિત્ર તીર્થધામો ગણવામાં આવ્યાં છે. એક રીતે જોઈએ તો એવાં તીર્થધામો આ દેશમાં સેંકડોની સંખ્યામાં છે જ પણ સાત તીર્થસ્થાનો મોક્ષદાયક માનવામાં આવ્યાં છે. આ મોક્ષદાયી તીર્થસ્થાનો આ પ્રમાણે છે :
અયોધ્યા મથુરા માયા
કાશી કાંચી અવંતિકા
પુરી દ્વારાવતી ચૈબ
સત્પૈત મોક્ષદાયિકા
આ સાત પૈકી એકમાત્ર માયાનગરી વિશે પ્રશ્ન થાય ખરો, બાકીની છ નગરીઓ વિશે કોઈને કશો પ્રશ્ન થાય એમ નથી. માયાનગરી હસ્તિનાપુરની ઉત્તરે, આજે જેને સ્યમંતપંચક તરીકે ઓળખવામાં આવે છે એ પ્રદેશમાં હોઈ શકે એમ માનવામાં આવે છે. જોકે આજનું અલાહાબાદ એટલે કે પ્રયાગરાજ પ્રાચીનકાળમાં માયાનગરી તરીકે ઓળખાતું હતું એવી પણ એક માન્યતા છે. આ બધા પૈકી આજે આપણે અયોધ્યાની વાત કરવી છે કેમ કે લગભગ દેશ આખો છેલ્લા થોડાક દિવસોથી અને આવનાર થોડાક દિવસોમાં એવો રામમય થઈ ગયો છે કે અયોધ્યાની વાત કર્યા વગર ચાલે એમ નથી.
અયોધ્યા એટલે શું?
આપણે વાલ્મીકિ રામાયણને કેન્દ્રમાં રાખીને અયોધ્યાને ઓળખીએ છીએ. આ અયોધ્યાનો અર્થ જ એવો થાય છે કે : અ - યુદ્ધ - જ્યાં ક્યારેય યુદ્ધ થતું નથી એટલે કે ટંટાફિસાદ થતા નથી એટલે સહુ કોઈ શાંતિમાં રહે છે. અયોધ્યા વિશે જે રીતે આપણે દાવો કરીએ છીએ એવો જ દાવો ઇન્ડોનેશિયા કે મૉરેશિયસ જેવા પ્રદેશો પણ અયોધ્યા એમની નગરી છે એવું કરી રહ્યા છે.
અયોધ્યા અતિ પ્રાચીન નામ છે એમાં તો કોઈ શક નથી. જે વૈદિક સંસ્કૃતિ વિશ્વમાં કે અન્ય વિસ્તારોમાં પ્રસરી ત્યાં એણે રાજ્ય નથી કર્યું, પણ પોતાનું અસ્તિત્વ જ જનમાનસમાં એકાકાર કર્યું છે. પરિણામે અયોધ્યા અને અયોધ્યાના રામ સર્વત્ર આજે હજારો વર્ષ પછી પણ એમ ને એમ રહ્યા છે. આ દેશોએ પોતાનો ધર્મપલટો કર્યો પણ ધર્મપલટા પછી પણ એમણે રામ અને રામાયણને જાળવી રાખ્યાં છે. એમના વ્યવહાર, સંસ્કાર કે લોકજીવનમાં રામ વસતા રહ્યા છે.
રામનો રાજ્યાભિષેક |
આપણે સહુ જાણીએ છીએ કે અયોધ્યાવાસીઓ રામના રાજ્યાભિષેકના દિવસે જ હીબકે ચડ્યા હતા. આવતા અઠવાડિયે અયોધ્યામાં જે રામની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે એ પ્રાણપ્રતિષ્ઠા આપણા માટે તો અયોધ્યાના રામનો રાજ્યાભિષેક જ છે. જોકે આ રાજ્યાભિષેકથી આખો દેશ એકસરખો જ રાજી થાય છે એવું માનવાનું ભોળપણ કરવાની જરૂર નથી.
રામ એ વ્યક્તિવિશેષનું નામ નથી
આજે રામ એ વ્યક્તિવિશેષનું નામ નથી પણ એક એવી ભાવના છે કે જેને અસ્તિત્વથી અલગ કરી શકાય એમ નથી. અજાણી કેડી ઉપર મળેલા સાવ અજાણ્યા માણસને આપણે પરસ્પર રામ રામ કહીએ છીએ. અહીં ‘રામ’ અભિવાદન બને છે. આપણે કશું જ જાણતા નથી એવી વાતમાં કહી દઈએ છીએ કે - ‘આ બધું રામ જાણે.’ આપણે જાણીએ છીએ કે રામ પણ બધું જાણતા નથી. રાજ્યાભિષેક વિશે પણ એમને જાણ નહોતી અને રાજ્યાભિષેકને બદલે વનવાસની જાણ થઈ ત્યાં સુધી એ પણ જાણતા નહોતા.
જીવનના અંતકાળે માણસ રામ નામને સત્ય માને છે અને આમ રામ જીવનનો એક અંશ બની ગયા.આ અંશનો પડકાર ઘણાં વર્ષોથી દેશ આખામાં ઘૂમરીઓ ખાતો હતો. જેને રામજન્મ સ્થાન માનતા હતા એ સ્થળે એક મસ્જિદ ઊભી હતી અને આ પ્રશ્નનો વરસોથી વિવાદ ચાલ્યા કર્યો હતો.
રાજકારણમાં બધું અટવાયા કરતું હતું અને પ્રશ્ન હલ થતો નહોતો. છેક ૧૯૯૦માં લાલકૃષ્ણ અડવાણી નામના એક દેશનેતાએ આગવી પહેલ કરી અને સોમનાથથી અયોધ્યા સુધીની તેમણે રથયાત્રા આરંભી. આ રથયાત્રામાં ઘણું બન્યું. સંખ્યાબંધ માણસો પકડાયા, જેલભેગા થયા, માર ખાઈને ખોખરા થયા અને જીવ પણ ખોયા.
૧૯૯૦ પછી આ સમસ્યા વિરાટ બની. આનો ઇતિહાસ અહીં યાદ કરવાની જરૂર નથી, આપણે સહુ જાણીએ જ છીએ. અયોધ્યા રામમંદિર (Ayodhya Ran Mandir) માં આજે જે પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે એમાં લાલકૃષ્ણ અડવાણી ક્યાંય દેખાતા નથી. આ બધા જય જયકારમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી સાંભરી આવે છે.
૧૯૧૪માં ભારતીય જનતા પક્ષ સત્તાસ્થાને આવ્યો ત્યારે લાલકૃષ્ણ અડવાણી વડા પ્રધાનપદના દાવેદાર અવશ્ય હતા. એ દાવો ખોટો પણ નહોતો પણ રાજકારણમાં તત્કાલીન સમર્થ વ્યક્તિત્વ જ દેશની દોરવણી કરે એ જ ન્યાય છે. લાલકૃષ્ણજી સમર્થ નહોતા એવું કહેવાનો ઉદ્દેશ નથી પણ જો એમની પસંદગી આ હોદ્દા માટે થઈ હોત તો દેશને, કૉન્ગ્રેસ કારોબારીએ ગાંધીજીના કહેવાથી જવાહરલાલને વડા પ્રધાન બનાવીને ભૂલ કરી હતી એ જ ભૂલનું પુનરાવર્તન થાત.
આને શું કહેવાય? |
રામની પ્રાણપ્રતિષ્ઠા (Ayodhya Ran Mandir)દેશ આખા માટે જ નહીં પણ વિદેશો પણ જ્યાં રામકથા એક સંસ્કૃતિ બની છે ત્યાં એક સર્વગ્રાહી ઘટના છે. આવા તબક્કે આપણે આંગણે જ શંકરાચાર્ય કે કૉન્ગ્રેસ પ્રમુખ સુધીના કેટલાક વિરોધનો સૂર ઊંચો કરીને આંગળી ચીંધી રહ્યા છે એને દુર્ભાગ્ય જ માનવું રહે. કારણો ભલે જુદાં-જુદાં હોય, પણ બારણે જ્યારે તોરણ બંધાયું હોય અને શરણાઈ વાગતી હોય ત્યારે આવો દેખાવ ગૌરવ નથી આપતો.
પરિવારમાં કોઈ અમાંગલિક પ્રસંગ આવે ત્યારે આપણે સદ્ગતોને ઝાઝા સંભારતા નથી પણ માંગલિક પ્રસંગોએ કેટલીક ઘટનાઓ થોડીક વધુ યાદ આવી જાય છે. આજે થોડીક ઘટનાઓ યાદ આવે એ સહજ છે. સૌથી વધુ રોમાંચક સ્મરણ તો એ વાતનું થાય છે કે ૧૯૯૦ની રથયાત્રામાં સહુથી પહેલાં પડકાર કરનારાઓમાં અડવાણીજી અને વર્તમાન વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી એકસાથે હતા.
અયોધ્યાને આંગણે (Ayodhya Ran Mandir) આ ઓચ્છવ આપણે ઊજવી રહ્યા છીએ ત્યારે મોદીજીના કાનમાં સહેજ ફૂંક મારવી છે - ‘મોદીજી, આપણે કૃષ્ણ જન્મોત્સવ ક્યારે ઊજવીશું?’
આ પણ વાંચો : Ram Mandir : આજથી અયોધ્યામાં 7 દિવસ સુધી યોજાશે અનુષ્ઠાન, ધાર્મિક વિધિઓ બાદ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા